કરાડ (કરહટનગર) : મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં આવેલો તાલુકો અને શહેર. ભૌગોલિક સ્થાન : 17o17′ ઉ. અ. અને 74o 12′ પૂ. રે. તેની વાયવ્યે 9 કિમી. ઉપર વસંતગઢ, ઈશાન ખૂણે 6 કિમી. ઉપર સદાશિવગઢ અને અગ્નિ ખૂણે 6 કિમી. ઉપર આગમશિવગઢ છે. તેની નજીક કૃષ્ણા-કોયનાનો સંગમ થાય છે અને તે પુણે-બૅંગલોરના ધોરી માર્ગ ઉપરનું કોંકણનું પ્રવેશદ્વાર ગણાય છે. ત્યાં મગફળી, ગોળ અને હળદરના વેપારનું મોટું પીઠું છે. જુવાર, બાજરી, કપાસ, શેરડી વગેરે મુખ્ય પાક છે. તેલની મિલો અને ઓગ્લેવાડીનાં કાચનાં કારખાનાં ઉપરાંત કોયનાની સસ્તી વીજળીને કારણે બીજા ઉદ્યોગો વિકસ્યા છે. તે પૈકી હળવો ઇજનેરી ઉદ્યોગ, ખાંડનું કારખાનું વગેરે મુખ્ય છે.

અહીં વિજ્ઞાન, વાણિજ્ય અને વિનયન કૉલેજો, ટૅકનિકલ સ્કૂલ, હાઈસ્કૂલો, પ્રાથમિક શાળાઓ વગેરે સંસ્થાઓ છે. આ શહેર શાતવાહનના સમયનું છે અને ભારહૂત અને કુડાના (અલીબાગ) સ્તૂપો ઉપરના અભિલેખોમાં કરહટનગરના ઉલ્લેખો છે. ઈસવી સનની પહેલી સદીથી ચોથી સદી સુધીના પશ્ચિમના ક્ષત્રપોના સિક્કા અહીં 1861માં મળી આવ્યા હતા. કરહટનગર કે કરાડના રહેવાસી બ્રાહ્મણો કરાડા બ્રાહ્મણો તરીકે ઓળખાય છે. રાષ્ટ્રકૂટ રાજાઓ સાથે આઠમી અને નવમી સદીમાં ગુજરાતમાં આવીને કાયમ માટે તેમણે વસવાટ કર્યો. અહીંની બૌદ્ધકાલીન ગુફાઓ, જૂના કોટ-કિલ્લા અને અરબીમાં લખાયેલી વિગતોવાળી, ઊંચા મિનારાવાળી આદિલશાહીની મસ્જિદ જોવાલાયક છે.

શિવપ્રસાદ રાજગોર