ન્યૂ ઑર્લીઅન્સ : યુનાઇટેડ સ્ટેટ્સના લૂઇઝિયાના રાજ્યનું સૌથી મોટું શહેર અને ન્યૂયૉર્ક પછીનું બીજા ક્રમનું બંદર. તે મિસિસિપીના મુખથી 160 કિમી. અંતરે અંદરના ભાગમાં નદીના પૂર્વકાંઠે આવેલું છે. ભૌગોલિક સ્થાન: 29° 57´ ઉ. અ. અને 90° 04´ પ. રે.. શહેરનો મોટો ભાગ નદીના પૂર્વ કાંઠા અને પૉન્ચરટ્રેન સરોવર વચ્ચે ચંદ્રાકારે આવેલો હોવાથી તે ‘crescent’ તરીકે પણ ઓળખાય છે. પશ્ચિમ કાંઠા પર વસેલો ભાગ અલ્જિયર્સ તરીકે ઓળખાય છે. બંને ભાગ પુલથી જોડાયેલા હોવાથી નદી આ મહાનગરના મધ્યભાગમાંથી પસાર થાય છે. સરોવર અને કળણ સહિતનો શહેરનો મુખ્ય વિસ્તાર 900 ચોકિમી., જ્યારે ઉપનગરો, સરોવરો, પંકભૂમિ વગેરે સહિત મહાનગરનો વિસ્તાર 9,726 ચોકિમી. જેટલો છે. યુ.એસ.નાં મધ્યભાગનાં રાજ્યો માટેનું તે પ્રવેશદ્વાર છે. ફ્રાન્સના રીજંટ ડ્યૂક ઑવ્ ઑર્લીઅન્સના નામ ઉપરથી શહેરનું નામ પડેલું છે.

આબોહવા : શહેરની આબોહવા સમધાત અને ખુશનુમા છે. ઑક્ટોબરથી માર્ચ દરમિયાનનું તેમજ એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાનનું સરેરાશ તાપમાન અનુક્રમે 16° સે. અને 25° સે. રહે છે. ઉનાળાની ઋતુમાં વધુમાં વધુ તાપમાન 34° સે. સુધી પહોંચે છે. સામાન્ય રીતે હવામાં ભેજનું પ્રમાણ વધુ રહે છે. વાર્ષિક સરેરાશ વરસાદ 1,370 મિમી. પડે છે.

પેદાશો : ઉપોષ્ણ કટિબંધના આસપાસના પ્રદેશમાંથી ઇમારતી લાકડું મળે છે. અહીંના મુખ્ય પાકોમાં કપાસ, ડાંગર, મકાઈ, સોયાબીન, શેરડી, તમાકુ તેમજ અન્ય ધાન્યપેદાશોનો સમાવેશ થાય છે. પેટ્રોલિયમ, કુદરતી વાયુ, ચૂના માટે છીપલાં, ગંધક અને મીઠું અહીંનાં મહત્વનાં ખનિજો છે. ઔદ્યોગિક વિસ્તાર ઉપનગરોમાં આવેલો છે, જ્યાં જહાજ બાંધકામ, માંસ અને તેની વાનગીઓ, ધાતુનાં વાસણો, કાચ, માટી અને પથ્થરની વિવિધ વસ્તુઓ, ખાંડ, કાપડ, દવાઓ, રસાયણો, કાગળ અને પૂઠાં, તેલક્ષેત્ર માટેનાં સાધનો, આલ્કોહૉલ જેવા ઉદ્યોગો વિકસ્યા છે. અહીંનું અર્થતંત્ર પેટ્રોકેમિકલ્સ, ઍલ્યુમિનિયમ, ખાદ્યપ્રક્રમણ અને પ્રવાસનના ઉદ્યોગો પર આધારિત છે.

સેંટ લૂઈ કેથીડ્રલ, ન્યૂ ઑર્લીઅન્સ

પરિવહન : નદીના બંને કાંઠે જેટીઓ આવેલી છે. મેક્સિકોના અખાત સાથે નહેર દ્વારા તે જોડાયેલું છે. બંદરનો અગ્રભાગ (frontage) 82.7 કિમી. લાંબો છે. સોથી વધુ સ્ટીમરો અહીં દરરોજ આવી શકે છે. આ શહેર સાત રેલમાર્ગોનું જંકશન છે. યુ.એસ.નાં મહત્ત્વનાં શહેરો સાથે તે રેલવે અને સડકમાર્ગે જોડાયેલું છે. અહીં ત્રણ હવાઈ મથકો છે. આ બંદર દ્વારા અનાજ, ખેતપેદાશો, ધાતુનાં વાસણો, રસાયણો, યંત્રસામગ્રી, લોખંડ-પોલાદ, પેટ્રોલિયમ પેદાશો, કાપડ, તમાકુ અને પૂઠાંની નિકાસ થાય છે. પરિવહનની સુવિધાથી તે અગ્નિ યુ.એસ.નું મોટું વેપારી અને ઔદ્યોગિક કેન્દ્ર બની રહ્યું છે.

વસ્તી, શિક્ષણ અને સંસ્કૃતિ : 2020 મુજબ આ શહેરની વસ્તી 3,83,997 અને બૃહદ શહેરની વસ્તી 12,70,530 હતી. 2006માં થયેલ હરિકેન કેટરિનાને કારણે વસ્તી ઓછી થઈ ગઈ હતી. યુ.એસ.નાં શહેરોમાં તેનો 21મો ક્રમ હતો. અહીં સ્પૅનિશ, ફ્રેન્ચ, ઇટાલિયન, પૉલિશ, જર્મન, આયરિશ, ક્યૂબન, વિયેટનામી તથા અશ્વેત લોકોની સરખે ભાગે વસ્તી છે. ટુલાને (1834), લૉયોલા (1849), ડીલાર્ડ (1869), સેંટ ઝેવિયર અને ન્યૂ ઑર્લીઅન ઉચ્ચ- શિક્ષણ આપતી યુનિવર્સિટીઓ છે. આ ઉપરાંત કેટલીક ખ્યાતનામ કૉલેજો પણ છે. સ્પૅનિશ અને ફ્રેન્ચ સંસ્કૃતિની અહીંના લોકોના જીવન પર વિશેષ અસર છે, સ્પૅનિશ અને ફ્રેન્ચ શૈલીનાં પ્રાચીન મકાનોની ભવ્યતા તેની સાક્ષી પૂરે છે. સંગીતમાં અશ્વેત લોકોનો ઘણો ફાળો છે. જાઝનો જન્મ અહીં થયો હતો, તેમાં લુઈ આર્મસ્ટ્રૉંગનું મોટું પ્રદાન છે. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મિડલ અમેરિકન રિસર્ચ મય અને મધ્ય અમેરિકન સંસ્કૃતિના અવશેષો અને હસ્તકારીગરીની ચીજોનો મોટો સંગ્રહ ધરાવે છે. કોનફેડરેટ સંગ્રહસ્થાનમાં અમેરિકન આંતરવિગ્રહના અવશેષો જળવાયેલા છે. ફાર્મસીના ઇતિહાસને લગતું ફાર્માસ્યુટિકલ સંગ્રહસ્થાન અહીં આવેલું છે. ન્યૂ ઑર્લીઅન્સ કલા સંગ્રહસ્થાન પુન:જાગૃતિ કાળના ઇટાલિયન ચિત્રકારોનાં ચિત્રોનો સારો સંગ્રહ ધરાવે છે.

ઇતિહાસ : આ શહેરની સ્થાપના 1718માં જીન બૅપ્ટિસ્ટ (Jean Baptist) લે માયનેએ કરી હતી. 1722 સુધી તે લૂઇઝિયાનાનું પાટનગર હતું. 1763ની સંધિ અનુસાર નદીનો પશ્ચિમ ભાગ સ્પેન હસ્તક મૂકવામાં આવ્યો. 1763માં બંદરના વિકાસ સાથે તેની સમૃદ્ધિમાં વધારો થયો. 1803માં નેપોલિયને તે યુ.એસ.ને વેચ્યું. 1861માં આંતરવિગ્રહ દરમિયાન તેને ઘણું સહન કરવું પડ્યું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ તેનો ઝડપી વિકાસ થયો છે, અને બીજા વિશ્વયુદ્ધ બાદ તો પ્રમુખ ઔદ્યોગિક અને વિતરણ-કેન્દ્ર બન્યું છે.

શિવપ્રસાદ રાજગોર