કરસનદાસ મૂળજી (જ. 25 જુલાઈ 1832; મુંબઈ, અ. 28 ઑગસ્ટ 1871, લીંબડી, સૌરાષ્ટ્ર) : ઓગણીસમી સદીના ગુજરાતના પ્રખર સમાજસુધારક, નીડર પત્રકાર અને લેખક. મૂળ વતન મહુવા પાસેનું વડાળ ગામ. માતાનું અવસાન થયું અને પિતાએ બીજું લગ્ન કરવાથી, મોસાળમાં માતાની કાકી પાસે ઊછર્યા. મુંબઈમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરું કરી, એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં 1854માં કૉલેજના બીજા વર્ષમાં ભણતા હતા.
1851માં સ્થપાયેલી ‘બુદ્ધિવર્ધક હિંદુ સભા’ના તેઓ આરંભથી સભ્ય હતા. તેમની લેખનપ્રવૃત્તિનો આરંભ દાદાભાઈ નવરોજીના ‘રાસ્ત ગોફતાર’થી થયો હતો; જેના તેઓ પાછળથી 1860થી 1862 દરમિયાન અધિપતિ પણ રહ્યા હતા.
કરસનદાસે ઑગસ્ટ 1852માં ‘દેશાટણ વિશે નિબંધ’ – એ એમનો પહેલો વ્યાખ્યાનલેખ બુદ્ધિવર્ધક હિંદુ સભા સમક્ષ વાંચ્યો અને બીજે વરસે તે પ્રસિદ્ધ થયો. પરદેશમાં રહીને પણ દેશીઓ પોતાનો ધર્મ પાળે છે, તેથી તેમણે હિંદુ જ્ઞાતિઓના આગેવાનોને વિનંતી કરી હતી કે તેઓ વિલાયત જનારાઓને નાત બહાર ન મૂકે. ‘વિધવાપુનર્લગ્ન’ વિષય પર યોજાયેલી નિબંધ હરીફાઈમાં જોડાવાને કારણે કરસનદાસને માની કાકીએ ઘરમાંથી કાઢી મૂક્યા. તેથી તેમણે 1854માં મુંબઈની એક ગુજરાતી શાળામાં શિક્ષકની નોકરી સ્વીકારી. તે વરસે કવિ નર્મદાશંકર કૉલેજના પ્રથમ વર્ષમાં, કરસનદાસ બીજા વર્ષમાં તથા મહીપતરામ રૂપરામ ત્રીજા વર્ષમાં ભણતા હતા. તે સમયની બૌદ્ધિક તથા સામાજિક પ્રવૃત્તિમાં, આ ત્રિપુટી સાથે હતી.
કરસનદાસે 1855માં પોતાનું સામયિક ‘સત્યપ્રકાશ’ શરૂ કર્યું (જેના અધિપતિ 1860 સુધી તેઓ રહેલા.). ‘સત્યપ્રકાશ’નું ગુજરાતના સામાજિક અને સાંસ્કૃતિક ઇતિહાસમાં અનોખું સ્થાન રહ્યું છે. ‘મહારાજ લાયબલ કેસ’ કરસનદાસની અગ્નિપરીક્ષાનો અધ્યાય હતો અને તે તેમના જીવનનો કીર્તિસ્થંભ પણ બની રહ્યો.
વલ્લભ સંપ્રદાયમાં સ્થાપકોની નીતિમત્તા તથા નેતૃત્વશક્તિ પછીના આચાર્યોમાંથી ઘટવા માંડી. તેથી તેમાં અનાચાર શરૂ થયો. પોતાના અનુયાયીઓ ઉપર આચાર્યોની પકડ હોવાથી, તેમની ધાર્મિક લાગણીઓ અને અંધશ્રદ્ધાનો લાભ લઈને ધર્મગુરુઓ ખૂબ સંપત્તિ ભેગી કરતા.
જીવણલાલજી મહારાજે કરેલી ફરિયાદમાં, 1858માં તેમને જુબાની આપવા કોર્ટે બોલાવ્યા ત્યારે, તેમણે જણાવ્યું કે પોતે ધર્મગુરુ હોવાથી કોર્ટમાં આવી શકે તેમ નથી. વળી કોઈ બૅરિસ્ટરને ઇંગ્લૅન્ડ મોકલી ધર્મગુરુઓને કાયમ માટે કોર્ટમાં હાજર રહેવું ના પડે, એવું ફરમાન મેળવવા સેવકોની સભામાં માગણી કરી. આ પ્રસંગે કરસનદાસે મહારાજોની મુરાદોને નાબૂદ કરે તેવા લેખો પ્રગટ કર્યા.
પોતાની શરતો મંજૂર કરાવવા મહારાજોએ વૈષ્ણવોને મંદિરમાંથી બહાર જવા ન દીધા. છેવટે વૈષ્ણવોએ બધી શરતો સ્વીકારી. કરસનદાસે તેને ‘ગુલામીખત’ કહીને તેની વિરુદ્ધના લેખમાં આક્ષેપો કર્યા. તેથી કરસનદાસને મોટી રકમની બક્ષિસ આપીને મનાવી લેવા પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ તેમાં સફળતા ન મળી. તે પછી કરસનદાસે ‘મહારાજોને વિનંતી’, ‘ધર્મગુરુઓની સત્તા’ વગેરે લેખોમાં પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો.
કરસનદાસે 21 સપ્ટેમ્બર, 1860ના રોજ તેમનો જાણીતો લેખ ‘હિન્દુનો અસલ ધરમ અને હાલના પાખંડી મતો’ પ્રગટ કર્યો. આ લેખમાં તેમણે મહારાજોનાં અયોગ્ય કાર્યો જાહેર કર્યાં. આ લેખને કારણે જદુનાથજી મહારાજે કરસનદાસ પર રૂપિયા 50,000નો બદનક્ષીનો દાવો માંડ્યો; જેનો અહેવાલ ‘મહારાજ લાયબલ કેસ’ (1862) નામે પ્રગટ થયેલો. આ કેસ દરમિયાન કરસનદાસ ઉપર પ્રતિ-પક્ષીઓએ હુમલા કરવાના પ્રયાસો કર્યા હતા. કેસમાં કરસનદાસ નિર્દોષ સાબિત થયા અને કોર્ટે તેમને ખર્ચ પેટે જદુનાથજી પાસેથી રૂપિયા 11,500/- અપાવડાવ્યા.
અમેરિકાના આંતરવિગ્રહ (1861-65) દરમિયાન શેર-સટ્ટાનો જુવાળ ઊભો થયો. કરસનદાસને વેપારનો સાધારણ અનુભવ હતો અને 1859માં તેમની જ્ઞાતિના સુધારક શેઠ કરસનદાસ માધવદાસની ભાગીદારીમાં ચિનાઈ કાપડનો વેપાર તેમણે કર્યો હતો. તેમણે કેટલોક સમય ‘મુંબઈ બજાર’ (1859) નામનું સાપ્તાહિક પણ ચલાવ્યું હતું. તેથી તેમણે પણ શૅર-સટ્ટામાં ઝંપલાવ્યું અને ખુવાર થયા; પરન્તુ પારસી યુરોપીય મિત્રોની મદદને લીધે જમીનદોસ્ત ન થયા.
કરસનદાસ માધવદાસે ઇંગ્લૅન્ડમાં પોતાની પેઢી ખોલી હતી, તેનો વહીવટ સંભાળવા તેમણે કરસનદાસ મૂળજીને સન 1863માં ઇંગ્લૅન્ડ મોકલ્યા. ત્યાં આ મહાન સુધારકને દાદાભાઈ નવરોજી ઇંગ્લૅન્ડના વડાપ્રધાનની મુલાકાતે લઈ ગયા હતા. કરસનદાસ નાદુરસ્ત તબિયતને કારણે સપ્ટેમ્બર, 1863માં ભારત પાછા ફર્યા. મુંબઈમાં તેઓ આવ્યા કે તરત કપોળ વાણિયાની નાતે તેમને નાતબહાર મૂક્યા. તે સામે કરસનદાસ અણનમ રહ્યા. તેમણે આજીવન પ્રાયશ્ચિત્ત ન કર્યું. તેઓ બીજી વાર સન 1867માં ઇંગ્લૅન્ડ ગયા ત્યારે પણ તેઓ નાતમાંથી બહિષ્કૃત જ હતા.
સન 1857માં ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ સ્ત્રીઓનું સામયિક ‘સ્ત્રીબોધ’ પ્રગટ થયું ત્યારે કેખુશરૂ કાબરાજી સાથે તેના સ્થાપક હતા. સન 1859થી બે વર્ષ સુધી તેઓ તેના તંત્રી પણ હતા.
શૅરમેનિયામાં કરસનદાસની આર્થિક બરબાદીથી વ્યથિત થયેલા તેમના વિદ્વાન મિત્ર. ડૉ. જૉન વિલ્સને ડિસેમ્બર 1867માં કરસનદાસને રાજકોટમાં કાઠિયાવાડ પૉલિટિકલ એજન્ટના મદદનીશ તરીકે નિયુક્ત કરાવ્યા. રાજકોટમાં ત્રણ વર્ષ તેમણે વહીવટમાં જ ધ્યાન રાખ્યું. તે પહેલાં, તેમણે સચિત્ર ગ્રંથ ‘ઇંગ્લૅન્ડમાં પ્રવાસ’ (1866) પ્રગટ કર્યો હતો. ઇંગ્લૅન્ડનાં મહત્વનાં સ્થળોનાં વિવિધરંગી ચિત્રો ધરાવતો આ ગ્રંથ ત્યાંની પ્રજા, સંસ્કૃતિ અને તત્કાલીન સામાજિક-રાજકીય પરિવેશ વિશેનાં લેખકનાં નિરીક્ષણોને વિગતે નિરૂપેલ છે. આ વર્ષના ઉત્તરાર્ધમાં તેમણે સૌરાષ્ટ્રનાં શહેરોમાં ફરીને સુધારા પર ભાષણો આપ્યાં હતાં. તેમણે રાજકોટમાં ‘વિજ્ઞાનવિલાસ’ નામનું વિજ્ઞાન તથા હુન્નરનું માસિક શરૂ કર્યું હતું.
રાજકોટની કપોળ વાણિયા જ્ઞાતિએ તેમને તથા તેમના કુટુંબને પાછો જ્ઞાતિપ્રવેશ કરાવ્યો. જોકે મુંબઈના કપોળોએ તેમને બહિષ્કૃત જ રાખ્યા હતા. ‘સત્યપ્રકાશ’માં તેમણે જ્ઞાતિની બેડીઓ ફગાવી દેવાનું તથા બધી જ્ઞાતિઓ વચ્ચે રોટી-બેટીનો વહેવાર રાખવાનું સૂચવ્યું હતું.
રાજકોટથી એપ્રિલ, 1870માં તેમની બદલી લીંબડી થઈ. ત્યારે તેમને રાજકોટમાં ભવ્ય વિદાય આપવામાં આવી. તે સમયે તેમને અર્પણ થયેલાં માનપત્રો ઉપરથી જાણવા મળે છે કે રાજકોટમાં પુસ્તકાલય, શાકમાર્કેટ તથા અનાજ માર્કેટ બંધાવવામાં તેમણે મુખ્ય ભાગ ભજવ્યો હતો. એપ્રિલ, 1870માં તેમની બદલી લીંબડી થઈ. આ વર્ષ(1870)માં તેમણે પોતાના 1852થી 1860 સુધીના લેખોમાંથી પસંદ કરીને ‘નિબંધમાળા’(1870)નો પ્રથમ ભાગ પ્રગટ કર્યો. આ ગ્રંથ ગુજરાતના સામાજિક-સાંસ્કૃતિક ઇતિહાસનો મહત્વનો દસ્તાવેજ છે.
તેમણે 1871માં ગુજરાતમાં ઉપલી જ્ઞાતિમાં ધનકોરબાઈ અને માધવદાસનું વિધવા પુનર્લગ્ન કરાવ્યું.
આશરે 10,000 શબ્દો ધરાવતો શાળોપયોગી લઘુકોશ ‘ધ પૉકેટ ગુજરાતી-ઇંગ્લિશ ડિક્ષનરી’ (1862) એમનું મહત્વનું પ્રદાન છે. આ ઉપરાંત તેમણે ‘નીતિસંગ્રહ’ (1856), ‘નીતિવચન’ (1859, અનુવાદ), ‘સંસારસુખ’ (1860), ‘મહારાજોનો ઇતિહાસ’ (1865), ‘વેદધર્મ તથા વેદધર્મ પછીનાં ધર્મપુસ્તકો’ (1866), ‘કુટુંબમિત્ર’ (1867) વગેરે ગ્રંથો આપ્યા છે.
જયકુમાર ર. શુક્લ