ન્યાયદર્શન : ભારતીય વૈદિક ષડ્દર્શનોમાંનું એક. તેની વિશેષતા એ છે કે તેમાં આ દૃશ્ય જગતને કેવળ ભ્રમ કે બુદ્ધિનો કલ્પનાવિલાસ માનવાને બદલે તેની યથાર્થતા સ્વીકારી તેના સ્વરૂપનું પૃથક્કરણ કરવામાં આવ્યું છે. એ રીતે તેના મૂળ કારણની મીમાંસા (ontology) તથા તેની યથાર્થતાની જ્ઞાનમીમાંસા (epistemology) અહીં એક વિશિષ્ટ પદ્ધતિથી થઈ છે. ન્યાયદર્શન જગતની વસ્તુગત સત્તા (objective reality) સ્વીકારી તેનું પદાર્થોમાં વિભાજન કરે છે અને એ પદાર્થોનાં લક્ષણો બાંધી આપે છે. પરિણામે ન્યાયદર્શનનો મત બહુપદાર્થવાદી અને વિશ્લેષણાત્મક વાસ્તવવાદ (pluralistic and analytical realism) કહેવાયો છે.
ન્યાયદર્શનને આન્વીક્ષિકી વિદ્યા પણ કહેવામાં આવે છે, કારણ કે ‘જે વસ્તુ જે પ્રકારની છે તે વસ્તુને શરણ થઈ તેને પગલે પગલે ચાલી તેના સ્વરૂપનું શોધન કરવું તેનું નામ ‘આન્વીક્ષિકી’. જોકે મનુસ્મૃતિમાં આત્મવિદ્યા માટે ‘આન્વીક્ષિકી’ શબ્દ પ્રયોજાયો છે અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પણ સાંખ્યયોગ વગેરે વિદ્યાઓનો આન્વીક્ષિકીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમ તેનું ક્ષેત્ર વ્યાપક છે, તોપણ તર્ક દ્વારા તત્વના સ્વરૂપને સ્પષ્ટ કરવાની ન્યાયદર્શનની આગવી દૃષ્ટિ અને પદ્ધતિના કારણે પછીથી ‘આન્વીક્ષિકી’ શબ્દ પ્રાય: ન્યાયદર્શન માટે જ પ્રયોજાવા લાગ્યો હશે. આ સંદર્ભમાં ‘ન્યાયવિદ્યા’, ‘હેતુશાસ્ત્ર’, ‘પ્રમાણશાસ્ત્ર’, ‘તર્કવિદ્યા’ અને ‘વાદવિદ્યા’ જેવા શબ્દો પણ આ દર્શનના હાર્દને સૂચવે છે. આ દર્શનના મૂળ ગ્રંથ ન્યાયસૂત્રના ભાષ્યકાર વાત્સ્યાયન સ્પષ્ટ કરે છે કે પ્રમાણોથી કરવામાં આવતું પદાર્થનું પરીક્ષણ તે ન્યાય છે. અને આ પરીક્ષણ કે અન્વીક્ષા પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી અહીં સમ્પન્ન થાય છે. તેથી ન્યાયવિદ્યા કે ન્યાયશાસ્ત્રને આન્વીક્ષિકી કહે છે.
ભારતીય દાર્શનિક પરંપરાનો મુખ્ય ઉદ્દેશ પરમ તત્વની શોધ અને મોક્ષ – નિ:શ્રેયસ કે અપવર્ગની સિદ્ધિ જ છે. એ માટે કેટલાંક દર્શનો મુખ્યત્વે શ્રુતિ(વેદ-ઉપનિષદ)નો જ આધાર લે છે. ન્યાયદર્શન શ્રુતિ પ્રત્યે આદર દર્શાવીને પણ સ્વતંત્ર બુદ્ધિથી અને અદુષ્ટ તર્કથી આ દિશામાં આગળ વધ્યું છે. એથી એનું સ્વરૂપ કદાચ આધિભૌતિક (material) લાગે, છતાં પણ એનું ચરમ લક્ષ્ય તો મનુષ્યની આત્યન્તિક દુ:ખમુક્તિ – મોક્ષ જ રહ્યું છે. એની ઝંખના આધ્યાત્મિક (metaphysical) રહી છે. આ દર્શન ધર્મપૂત પણ છે.
સાહિત્ય : ન્યાયદર્શનની પરંપરા ઘણી પ્રાચીન છે; પરંતુ એમાં પ્રવાહિત વિચારોને સુવ્યવસ્થિત સૂત્રબદ્ધ સ્વરૂપ સર્વપ્રથમ ગૌતમે ‘ન્યાયસૂત્ર’ ગ્રંથ દ્વારા આપ્યું. તેથી ન્યાયસૂત્ર આ દર્શનનો આકરગ્રંથ છે. તેના રચયિતા ગૌતમ છે. ગૌતમનું અન્ય નામ અક્ષપાદ હતું એમ કેટલાક વિદ્વાનો માને છે. તો અન્ય મત પ્રમાણે ન્યાયસૂત્રના કર્તાનું નામ મેધાતિથિ છે. કેટલાક ગૌતમ, અક્ષપાદ અને મેધાતિથિ – એ ત્રણેયને ભિન્ન માને છે તો કેટલાક એ ત્રણને અભિન્ન માને છે. કોઈ ગૌતમ એ જ અક્ષપાદ છે એમ કહે છે તો કોઈ ગૌતમ અને મેધાતિથિને એક જ વ્યક્તિ માને છે; પરંતુ આવા મતોના સમર્થનમાં નક્કર પુરાવાઓનો અભાવ છે. પરંપરા તો ન્યાયસૂત્રના પ્રણેતા ગૌતમ જ છે એમ સ્વીકારી ચાલે છે. અને તેમના જીવન વિશે વિવિધ પૌરાણિક ઉલ્લેખો કે દંતકથાઓનો હવાલો આપે છે. વાસ્તવમાં આ ગૌતમ વિશે પ્રમાણભૂત સામગ્રી નહિવત જ છે. ન્યાયસૂત્રની રચના ઈ. સ. પૂ. પાંચમી સદીના અંતે કે ઈ. સ. પૂ. ચોથી સદીના આરંભે થઈ હોવાનો વ્યાપક મત છે; કારણ કે વિવિધ દાર્શનિક સૂત્રોનો સંકલનસમય પણ લગભગ ઈ. સ. પૂ.ની ચોથી શતાબ્દીનો માનવામાં આવ્યો છે. જોકે વર્તમાન ન્યાયસૂત્રનો કેટલોક ભાગ પાછળથી ઉમેરવામાં આવ્યો હોય એવો સંભવ પણ છે જ.
‘ન્યાયસૂત્ર’નું પ્રથમ સૂત્ર ઘોષણા કરે છે કે ‘પ્રમાણ વગેરે 16 પદાર્થોના સમ્યક્ જ્ઞાનથી નિ:શ્રેયસની પ્રાપ્તિ થાય છે’. [પદાર્થ એટલે કોઈ નક્કર વસ્તુ નહિ, પણ જેને નામ આપી શકાય (અભિધેય) અને જેને જાણી શકાય (પ્રમેય) તે, અર્થાત્ પ્રમિતિનો વિષય.] આ 16 પદાર્થો આ પ્રમાણે છે : (1) પ્રમાણ, (2) પ્રમેય, (3) સંશય, (4) પ્રયોજન, (5) દૃષ્ટાંત, (6) સિદ્ધાંત, (7) અવયવ, (8) તર્ક, (9) નિર્ણય, (10) વાદ, (11) જલ્પ, (12) વિતંડા, (13) હેત્વાભાસ, (14) છલ, (15) જાતિ અને (16) નિગ્રહસ્થાન.
‘ન્યાયસૂત્ર’માં કુલ પાંચ અધ્યાયો છે. પ્રત્યેક અધ્યાયમાં બે, બે આહનિકો છે. પ્રથમ અધ્યાયમાં સોળ પદાર્થોનાં લક્ષણોનું નિરૂપણ છે. બીજા અધ્યાયમાં ચાર પ્રમાણ, સંશય તથા કેટલાંક અન્ય પ્રમાણોનું નિરાકરણ છે. ત્રીજા અધ્યાયમાં આત્મા, શરીર, ઇન્દ્રિય, અર્થ, બુદ્ધિ અને મન – એ પ્રમેયોનું નિરૂપણ, ચોથા અધ્યાયમાં પ્રવૃત્તિ, દોષ, પ્રેત્યભાવ, ફળ, દુ:ખ અને અપવર્ગ એ શેષ પ્રમેયોનું નિરૂપણ તથા પાંચમા અધ્યાયમાં જાતિ અને નિગ્રહસ્થાન વગેરેનું નિરૂપણ થયું છે. આ સૂત્રોમાં એક વ્યવસ્થિત નિરૂપણપદ્ધતિ દેખાય છે. ભાષ્યકાર વાત્સ્યાયન કહે છે તેમ, પ્રથમ પદાર્થનો નામોલ્લેખ (= ઉદ્દેશ), પછી તેનું લક્ષણ અને અંતે તે લક્ષણની પરીક્ષા એવો ત્રિવિધ ક્રમ અહીં અનુસરાયો છે. આ સોળ પદાર્થોમાંના અંતિમ સાત પદાર્થો વાદવિદ્યાના ઘટકો છે. તેનો ઉપયોગ સત્યશોધનની ચર્ચા દરમિયાન પ્રતિસ્પર્ધી કોઈ ખોટી યુક્તિથી છેતરી ન જાય તે માટે છે. એટલા અંશે આ પદાર્થો શેષ પદાર્થોના તત્વાર્થ માટે ઉપકારક બનવાનો ભાગ ભજવે છે.
ન્યાયસૂત્ર પરનું ઉપલબ્ધ સૌથી પ્રાચીન ભાષ્ય વાત્સ્યાયનનું છે (ઈ. સ.ની ચોથી સદી). એમાં ન્યાયદર્શનના કેટલાક મહત્વના સિદ્ધાંતોની સવિસ્તર વિશદ ચર્ચા હોઈ મોટાભાગે ‘ન્યાયસૂત્ર’નો અભ્યાસ આ ભાષ્ય સાથે જ કરવાની પરંપરા રહી છે.
દરમિયાન ન્યાયદર્શન પર દિઙ્નાગ વગેરે બૌદ્ધ દાર્શનિકોએ પ્રચંડ આક્રમણ કરી તેના સિદ્ધાંતોનું ખંડન કર્યું હતું. તેના પ્રત્યુત્તર રૂપે જ ઉદ્યોતકરે ન્યાયભાષ્ય પર વાર્તિક લખ્યું (છઠ્ઠી સદી). ઉદ્યોતકરનું નામ ભારદ્વાજ હતું. તેમને પાશુપાતાચાર્ય પણ કહેવામાં આવે છે. તેમના પછી લગભગ ત્રણ સો વર્ષ સુધીમાં આ દર્શન પરનું કોઈ ખાસ સાહિત્ય ઉપલબ્ધ નથી, પરંતુ ઈ. સ.ની દસમી સદીમાં વાચસ્પતિ મિશ્રે ઉદ્યોતકરના વાર્તિક પર તાત્પર્યટીકા લખી અને તેના પર ઉદયનાચાર્યે તાત્પર્યપરિશુદ્ધિ નામની ટીકા લખી (દસમી સદીનો ઉત્તરાર્ધ). વાચસ્પતિ મિશ્ર પછી પણ ઉદયનની પૂર્વે અનિરુદ્ધે ‘ન્યાયવિવરણપંજિકા’ નામનો ગ્રંથ લખ્યો છે તથા વાચસ્પતિના લગભગ સમકાલીન એવા કાશ્મીરી પંડિત જયંત ભટ્ટે ‘ન્યાયમંજરી’ નામનો એક સ્વતંત્ર ગ્રંથ લખ્યો છે, તે તેની રસપ્રદ શૈલીના કારણે અત્યંત પ્રસિદ્ધ છે. આ ઉપરાંત આ દર્શન પર અન્ય ગ્રંથો રચાયા છે, જેમાંના કેટલાક મહત્વના ગ્રંથો આ પ્રમાણે છે : શ્રીકંઠરચિત ભાષ્ય, વાર્તિકતાત્પર્યટીકા અને પરિશુદ્ધિ પરની ટીકા (અંશત: ઉપલબ્ધ 1400ની આસપાસ), અભયતિલકસૂરિનું ‘ન્યાયાલંકારટિપ્પણ’ (ઈ. સ. 1400), વર્ધમાન ઉપાધ્યાયનો ‘તાત્પર્યપરિશુદ્ધિપ્રકાશ’ (ઈ. સ. 1400), દ્વિતીય વાચસ્પતિ મિશ્રનો ‘ન્યાયસૂત્રોદ્ધાર’ (1450), વિશ્વનાથ ન્યાયપંચાનનની ‘ન્યાયસૂત્રવૃત્તિ’ તેમજ ‘સિદ્ધાંતમુક્તાવલી’ (1634), ગોવિંદ ન્યાયવાગીશનો ‘ન્યાયસંક્ષેપ’ (ઈ. સ. 1650), જયરામકૃત ‘ન્યાયસિદ્ધાંતમાલા’ (ઈ. સ. 1693), રાધામોહન ગોસ્વામીનું ‘ન્યાયસૂત્રવિવરણ’ (ઈ. સ. 1800), કૃષ્ણકાંત વાગીશરચિત ‘ગૌતમસૂત્રસંદીપ’ (ઈ. સ. 1818) અને વીસમી સદીમાં પંજાબના પંડિત સુદર્શનાચાર્યની ‘ન્યાયદર્શનટીકા’.
વૈશેષિક દર્શન : ન્યાય અને વૈશેષિક એ બંને ભગિની દર્શનધારાઓ છે. વૈશેષિક સૂત્રના કર્તા કણાદ પણ ગૌતમની જેમ મુનિ છે. આ બંને દર્શનોના સિદ્ધાંતોમાં મૂલત: કોઈ તાત્વિક ભેદ જણાતો નથી. બંને દર્શનોના વિદ્વાનો પરસ્પરના સિદ્ધાંતોનો ઉલ્લેખ સમર્થન માટે કરતા રહ્યા છે; જેમ કે, વૈશેષિકોનો પરમાણુવાદ ન્યાયદર્શને સ્વીકારી લીધો છે તો ન્યાયદર્શનના ઈશ્વરવાદને વૈશેષિકો અનુમોદન આપે છે. વૈશેષિકોના સાત પદાર્થોની ન્યાયના સોળ પદાર્થો સાથે સંગતિ પણ બેસાડવામાં આવે છે. કેટલીક બાબતોમાં બંને દર્શનો વચ્ચે ભેદ જરૂર છે પણ તેનું સ્વરૂપ તાત્વિક કરતાં શાસ્ત્રીય વધારે છે. વૈશેષિક દર્શન જ્ઞાનના વિષય તરીકે જ પદાર્થની મીમાંસા કરે છે, જ્યારે ન્યાયદર્શનનો ઝોક પ્રમાણ તરફ, વસ્તુના સ્વરૂપની યથાર્થતા કઈ રીતે પામી શકાય તેની ચર્ચા તરફનો વધારે રહ્યો છે. પછીના સમયમાં ન્યાય-વૈશેષિક બંનેનો સમન્વય કરતા ‘તર્કસંગ્રહ’, ‘તર્કભાષા’, ‘તર્કકૌમુદી’ કે ‘તર્કામૃત’ જેવા ગ્રંથો રચાયા છે.
નવ્યન્યાય : ન્યાયદર્શનનો અભિગમ તર્કપ્રધાન હોઈ તેમાં પ્રમેયની અપેક્ષાએ પ્રમાણચર્ચાને મહત્વ અપાયું છે અને આ પ્રકારના નિરૂપણને જ કેન્દ્રમાં રાખવાની વૃત્તિ બલવત્તર બનતાં ન્યાયદર્શનમાં શાખા રૂપે નવ્યન્યાયનો ઉદય થયો. તેનો અણસાર ઉદયનના ગ્રંથોમાં દેખાવા લાગ્યો હતો. પરંતુ તેનો વ્યવસ્થિત સૂત્રપાત બંગાળના પ્રકાંડ પંડિત ગંગેશોપાધ્યાયે (તેરમી સદી) કર્યો. તેમણે લખેલો ‘તત્વચિંતામણિ’ ગ્રંથ નવ્યન્યાયનો આકરગ્રંથ છે. તેમાં પ્રમાણોનાં લક્ષણ અને સ્વરૂપનો વિચાર અત્યંત સૂક્ષ્મ અને ભારે ચોકસાઈથી કરવામાં આવ્યો છે. આ ગ્રંથ પર અનેક ટીકાઓ અને ઉપટીકાઓ લખાઈ અને એનો પ્રભાવ એવો તો ફેલાયો કે અંતે નવ્યન્યાયને એક સ્વતંત્ર સંપ્રદાય કે દર્શનનો દરજ્જો સ્વયંભૂ પ્રાપ્ત થઈ ગયો.
તત્વવિચાર : ન્યાયદર્શન બાહ્ય જગત અને તેના પદાર્થોની વાસ્તવિકતાનો સ્વીકાર કરે છે. પૃથ્વી, જળ, તેજ અને વાયુના પરમાણુઓથી જગતની રચના થઈ છે એવો પરમાણુવાદ અને એ રીતે આરંભવાદ તેને ઇષ્ટ છે. પૃથ્વી વગેરે દ્રવ્યો, તેમના ગુણો અને અન્ય કેટલાક પદાર્થોનું તે પ્રતિપાદન કરે છે અને પદાર્થોના સમ્યક જ્ઞાનથી આત્માનું શેષ પદાર્થોથી ભિન્નત્વ સિદ્ધ કરે છે, જે જ્ઞાન છેવટે મોક્ષ-અપવર્ગ–નિ:શ્રેયસનું સાધન બની રહે છે.
પ્રમાણવિચાર : જેનું સમ્યક્ જ્ઞાન મેળવવાનું છે તે પ્રમેય છે. સમ્યક્ જ્ઞાનને જે પ્રમા કહે છે, એ પ્રમાનું ઉત્કૃષ્ટ કરણ (સાધન) તે પ્રમાણ છે. પ્રમાનું લક્ષણ યથાર્થ અનુભવ એમ પણ છે. વસ્તુનું ખરેખરું જે સ્વરૂપ હોય તે જ સ્વરૂપે તેનું ગ્રહણ થવું તે યથાર્થ અનુભવ છે. અન્ય સ્વરૂપે ગ્રહણ થાય તો તે અયથાર્થ અનુભવ છે. અયથાર્થ અનુભવ સંશય, તર્ક અને વિપર્યય (ભ્રમ) – એ ત્રણ પ્રકારનો છે. સ્મૃતિ જ્ઞાત વિષયનું જ પુનર્જ્ઞાન હોઈ તે અનુભવ નથી. આ યથાર્થ જ્ઞાન એટલે કે પ્રમાનું કરણ એવા પ્રમાણના ચાર પ્રકાર છે : પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ.
પ્રત્યક્ષ : ઇન્દ્રિય અને અર્થ(= પદાર્થ)નો સન્નિકર્ષ તે પ્રત્યક્ષ પ્રમાણ છે અને તેનાથી થતું જ્ઞાન તે પ્રત્યક્ષ જ્ઞાન છે. ગૌતમ તેમાં અવ્યયદેશ્ય (આદ્ય ક્ષણે જેને કોઈ નામનિર્દેશ નથી તેવું), અવ્યભિચારી અને નિશ્ચયાત્મક એવાં વિશેષણો પણ ઉમેરે છે. પ્રત્યક્ષ જ્ઞાન નિર્વિકલ્પક અને સવિકલ્પક બે પ્રકારનું છે. પ્રથમ ક્ષણે વિશેષણ (ઘટત્વ) અને વિશેષ્ય(ઘટ)ના સંબંધ વિનાનું માત્ર ‘આ કંઈક છે’ એવા સ્વરૂપવાળું જ્ઞાન તે નિર્વિકલ્પક પ્રત્યક્ષ છે અને પછીની ક્ષણે નામ, જાતિ, ગુણ વગેરેથી સંબદ્ધ એવું જ્ઞાન તે સવિકલ્પક પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ જ્ઞાનના અન્ય રીતે પણ બે પ્રકાર છે : લૌકિક અને અલૌકિક. લૌકિક પ્રત્યક્ષમાં પદાર્થ ઇન્દ્રિય સાથે જોડાય છે, ઇન્દ્રિય મન સાથે અને મન આત્મા સાથે જોડાય છે. અહીં પદાર્થનું પોતાનું હોવું, પ્રકાશ વગેરે માધ્યમો અને ઇન્દ્રિયની અવિકલતા પણ અપેક્ષિત છે. અલૌકિક પ્રત્યક્ષ પણ ત્રિવિધ છે : સામાન્ય [વસ્તુને જોતાં તેની જાતિ(સામાન્ય)નું પણ જ્ઞાન થાય તેવું], જ્ઞાનલક્ષણ (એક ઇન્દ્રિયથી થયેલા પ્રત્યક્ષ સાથે અન્ય ઇન્દ્રિયથી થતા પ્રત્યક્ષનું માનસજ્ઞાન; જેમ કે, દૂરથી ચંદનવૃક્ષને જોતાં તેમાં રહેલી સુગંધનું પણ જ્ઞાન થવું) અને યોગજ (સામાન્ય માનવીને જે ઇન્દ્રિયગ્રાહ્ય ન હોય તેવા પરમાણુ વગેરેનું યોગબળે યોગીઓને થતું પ્રત્યક્ષ). પ્રત્યક્ષ પ્રમાણ અન્ય પ્રમાણોથી નિરપેક્ષ એવું સ્વતંત્ર પ્રમાણ છે. સર્વ દર્શનોએ તેનો સ્વીકાર કર્યો છે.
અનુમાન : પ્રત્યક્ષના આધારે અને તેના પછી શક્ય બનતું હોઈ આ પ્રમાણને અનુમાન (અનુ = પશ્ચાત્ માન = જ્ઞાન) કહે છે. સર્વત્ર ઇન્દ્રિયગોચરતા શક્ય નથી. એટલે ઇન્દ્રિયાગોચર પદાર્થો કે સિદ્ધાંતોનું જ્ઞાન મેળવવામાં અનુમાન એ મહત્વનું પ્રમાણ બની રહે છે. અનુમાનમાં જ્ઞાત પરથી અજ્ઞાતને જાણવાનું હોય છે; જેમ કે, દૂર પર્વત પર ધુમાડો દેખાય છે. તે જોઈ ત્યાં અગ્નિ પણ છે તેવું જ્ઞાન થાય છે. એને અનુમતિ કહે છે અને તેનું કરણ તે અનુમાન છે. આ પ્રક્રિયા સમજવા, પક્ષ, સાધ્ય, હેતુ અને વ્યાપ્તિ એ પદોને જાણવાં જરૂરી છે. જેના વિશે કંઈક સિદ્ધ કરવું છે તે (અથવા તો જ્યાં તે હશે કે નહીં તેવી શંકા થાય તે) પક્ષ છે. પક્ષમાં જે સિદ્ધ કરવું છે તે સાધ્ય છે અને પક્ષમાં સાધ્યને જેના વડે સિદ્ધ કરાય છે તે હેતુ અથવા સાધન છે. હેતુને વ્યાપ્ય પણ કહે છે અને તે છુપાયેલા સાધ્યનું જ્ઞાન કરાવે છે, તેથી તેને લિંગ પણ કહે છે. આમ પર્વત પક્ષ છે. ધૂમ હેતુ છે અને અગ્નિ સાધ્ય છે; પરંતુ ધૂમદર્શનથી અગ્નિની સિદ્ધિ શી રીતે થાય ? એ પશ્નનો ઉત્તર છે : વ્યાપ્તિના બળે. હેતુ અને સાધ્યનો નિયત, નિરુપાધિક સ્વાભાવિક સહચાર તે વ્યાપ્તિ છે. અનેક સ્થાનોમાં જ્યાં ધુમાડો જોયો ત્યાં અગ્નિને પણ જોયો તેથી જ્યાં જ્યાં ધુમાડો ત્યાં ત્યાં અગ્નિ એવી એક વિભાવના જન્મે છે. વિશેષ પરીક્ષણથી આ સંબંધ સ્વાભાવિક છે એવી આંતરપ્રતીતિ થતાં વ્યાપ્તિ નિયમ બને છે. અન્વય વ્યતિરેક દ્વારા વ્યાપ્તિ ઉપાધિ-શરતરહિત છે એમ પાકું થાય છે. આમ ભૂયોદર્શન, અન્વયવ્યતિરેક અને ઉપાધિનિરાસ જેવાં પરિબળો વ્યાપ્તિને ઘડે છે. પરંતુ વ્યાપ્તિથી સામાન્ય નિયમ – જ્યાં ધૂમ ત્યાં અગ્નિ – સ્પષ્ટ થયો, પક્ષમાં પણ સાધ્ય (અર્થાત્, પર્વતમાં અગ્નિ) છે તે કેમ કહી શકાય, એવી શંકાનું સમાધાન છે – પક્ષધર્મતાથી એટલે કે હેતુ પણ પક્ષમાં છે તેવું જ્ઞાન. આમ વ્યાપ્તિ અને પક્ષધર્મતા એ અનુમાનનાં બે અંગો છે. વ્યાપ્તિના બળવાળો હેતુ પક્ષમાં પણ હોય ત્યારે વ્યાપ્તિનું સ્ફુરણ થતાં ત્યાં સાધ્ય સિદ્ધ થાય છે. આને જ પારિભાષિક દૃષ્ટિએ લિંગપરામર્શ કહે છે. તેથી લિંગપરામર્શ પણ અનુમાનનું લક્ષણ છે.
ગૌતમે અનુમાનના ત્રણ પ્રકાર આપ્યા છે : પૂર્વવત્ (કારણ પરથી કાર્યનું અનુમાન), શેષવત્ (કાર્ય પરથી કારણનું અનુમાન) અને સામાન્યત: દૃષ્ટ (સામાન્ય અવલોકન પરથી કરેલું અનુમાન). વાત્સ્યાયને આ પ્રકાર બે રીતે સમજાવ્યા છે. પ્રયોજનની દૃષ્ટિએ અનુમાનના બે પ્રકાર પડે છે : સ્વાર્થાનુમાન અને પરાર્થાનુમાન. સ્વપ્રતીતિ માટે કરવામાં આવેલું અનુમાન સ્વાર્થાનુમાન છે, જ્યારે અન્યને સમજાવવા માટે કરાતું અનુમાન પરાર્થાનુમાન છે. પરાર્થાનુમાનમાં એક ખાસ પદ્ધતિ છે તેને પંચાવયવી પદ્ધતિ અથવા તો ‘ન્યાય’ કહે છે. તેમાં આ પાંચ અવયવોનો નિશ્ચિત ક્રમમાં પ્રયોગ થાય છે : (1) પ્રતિજ્ઞા (પક્ષમાં સાધ્ય છે એવું વિધાન; દા. ત., આ પર્વત અગ્નિમાન છે.), (2) હેતુ (કારણ કે ત્યાં ધૂમ છે.), (3) ઉદાહરણ સાથે વ્યાપ્તિકથન (જ્યાં ધૂમ ત્યાં અગ્નિ; જેમ કે, પાકશાળામાં.), (4) ઉપનય (સંકલન : આ પર્વત પણ તેવો છે.) અને (5) નિગમન (તેથી તે અગ્નિયુક્ત છે.). પશ્ચિમના દાર્શનિક ઍરિસ્ટૉટલે પણ અનુમાનપ્રક્રિયામાં ત્રણ અવયવો દર્શાવ્યા છે, જે અનુક્રમે સાધ્યવાક્ય (major premise), પક્ષવાક્ય (minor premise) અને નિગમન (conclusion) તરીકે પ્રસિદ્ધ છે. આ કારણે ડૉ. વિદ્યાભૂષણ ભારતીય પંચાવયવી ન્યાય પર એરિસ્ટોટલેના ન્યાય(syllogism)ની અસર હોવાનું માને છે, જે ચિંત્ય છે; કારણ આ બંને પદ્ધતિઓમાં પ્રયોજન અને સ્વરૂપની દૃષ્ટિએ નિશ્ચિત ભેદ છે.
હેત્વાભાસ : અનુમાનપ્રક્રિયાનો મુખ્ય આધાર હેતુની શુદ્ધતા પર છે. તે અશુદ્ધ કે અસત્ હોય તો અનુમાન ખોટું પડે. અશુદ્ધ હેતુ હેતુ નથી, પણ હેત્વાભાસ છે. તે પાંચ પ્રકારનો છે : સવ્યભિચાર (અનૈકાન્તિક), વિરુદ્ધ, સત્પ્રતિપક્ષ, અસિદ્ધ અને બાધિત.
ઉપમાન : એ ત્રીજું પ્રમાણ છે. તેમાં સાદૃશ્ય અને અધિકારી પુરુષના વચનનું અનુસંધાન છે; જેમ કે, ગાયના જેવું છે તે પ્રાણી ગવય છે એવું કોઈ વનવાસીનું વચન સાંભળ્યા પછી, વનમાં તેવું પ્રાણી જોતાં, તે ગાયના જેવું લાગતાં પેલા વચનનું સ્મરણ થતાં આ પ્રાણી તે ગવય છે તેવું જ્ઞાન થાય છે. તે જ્ઞાન ઉપમિતિ છે. તેનું કરણ તે ઉપમાન. એક રીતે અહીં સંજ્ઞા (ગવય પદ) અને સંજ્ઞી(ગોસશ પ્રાણી)નો સંબંધ ફલિત થાય છે.
શબ્દ : આપ્તવાક્ય તે શબ્દપ્રમાણ છે. જે યથાર્થને યથાભૂત વસ્તુને એ જ સ્વરૂપે કથે તે આપ્ત છે અને આકાંક્ષા, યોગ્યતા તથા સન્નિધિયુક્તપદ સમૂહ તે વાક્ય છે. શબ્દપ્રમાણ બે પ્રકારનું છે : વૈદિક અને લૌકિક. વેદ એ પરમ આપ્ત એવા પરમાત્માનું વચન હોઈ નિત્ય પ્રમાણ છે જ્યારે લૌકિકમાં તો સાચા આપ્તોનાં વચન હોય તેમને જ માત્ર પ્રમાણ માનવામાં આવે છે.
પ્રામાણ્યવાદ : યથાર્થ જ્ઞાનનું કરણ એવું પ્રમાણ સ્વયં યથાર્થ છે કે અયથાર્થ તે ચર્ચા પ્રામાણ્યવાદના નામે પ્રસિદ્ધ છે. ન્યાયદર્શન સમર્થ-પ્રવૃત્તિજનકતાને યથાર્થતાની કસોટી માને છે; તેથી પ્રામાણ્ય કે અપ્રામાણ્ય પ્રવૃત્તિની અપેક્ષા રાખતાં હોઈ તે ઉભયપરત: સિદ્ધ છે. મીમાંસકો પ્રામાણ્યને સ્વત: અને અપ્રામાણ્યને પરત: માને છે. તેનું નૈયાયિકોએ ખંડન કર્યું છે.
કાર્યકારણ સંબંધ અને અસત્કાર્યવાદ : આરંભવાદી ન્યાયદર્શન માને છે કે જે ઉત્પન્ન થાય તે કાર્ય (effect) છે અને પ્રત્યેક કાર્યને તેનું કારણ હોય છે. જે કાર્યની તત્કાલ પૂર્વે હોય, નિયત હોય અને અનન્યથાસિદ્ધ (બિનશરતી) હોય તે કારણ છે. તેના ત્રણ પ્રકાર છે : સમવાયી, અસમવાયી અને નિમિત્ત. કાર્ય જેમાં સમવાયસંબંધથી ઉત્પન્ન થાય તે સમવાયી કારણ છે. (જેમ કે વસ્ત્ર, તંતુઓમાં ઉત્પન્ન થાય છે તેથી તંતુઓ સમવાયી કારણ છે). જે સમવાયી કારણમાં રહીને કાર્ય ઉત્પન્ન કરે તે અમસવાયી કારણ; જેમ કે, તંતુઓનો સંયોગ. અને આ સિવાયનાં સહાયક કારણો તે નિમિત્ત કારણ છે; જેમ કે, વણકર, સાળ વગેરે.
ન્યાયદર્શન સાંખ્યના સત્કાર્યવાદનું ખંડન કરે છે. સત્કાર્યવાદ અનુસાર કાર્ય, કારણથી ભિન્ન નથી. તે પહેલેથી જ અવ્યક્ત રૂપે કારણમાં હોય જ છે અથવા તો કારણ પોતે જ કાર્ય રૂપે પરિણમે છે. ન્યાયદર્શન પ્રતિપાદન કરે છે, કાર્ય, કારણવ્યાપાર પૂર્વે હતું જ નહિ કે તે અસત્ હતું. પછીથી તે કારણમાં નવીન જ ઉત્પન્ન થયું. આ મત અસત્કાર્યવાદ તરીકે પ્રસિદ્ધ છે અને તેનો આધાર તાત્વિક નહિ, પણ પ્રત્યક્ષ વ્યવહાર રહ્યો છે.
આત્મા : સોળ પદાર્થોમાં બીજો પદાર્થ પ્રમેય છે. પ્રમાણથી જ્ઞાતવ્ય વિષય તે પ્રમેય. પ્રમેય બાર છે : આત્મા, શરીર, ઇન્દ્રિય, અર્થ, બુદ્ધિ, મન, પ્રવૃત્તિ, દોષ, પ્રેત્યભાવ, ફળ, દુ:ખ અને અપવર્ગ. આ પ્રમેયોમાં આત્મા અને અપવર્ગ એ વિશેષ મહત્વનાં છે. આત્મા એ શરીર, ઇન્દ્રિય, મન વગેરેથી ભિન્ન છે. પરમાત્મા અને જીવાત્મા એમ તેના બે પ્રકાર છે. જીવાત્માઓ અનેક છે. પ્રત્યેક જીવાત્મા વિભુ (= સર્વવ્યાપક) છે અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. જ્ઞાન, સુખ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ, પાપ, પુણ્ય અને સંસ્કાર એ આત્માના વિશેષ ગુણો છે. મોક્ષાવસ્થામાં આત્મા એ સર્વગુણોથી રહિત બને છે. ચૈતન્ય એ આત્માનું સ્વરૂપ છે કે ગુણ તે વિશે ન્યાયદર્શનમાં પૂરી સ્પષ્ટતા થઈ હોય તેમ જણાતું નથી. જીવાત્મા અનાદિ કાળથી કર્મના બંધનથી બંધાયેલો છે. સમ્યક્ જ્ઞાનથી આ બંધન છૂટતાં તે મોક્ષનો અધિકારી બને છે. આત્માની સિદ્ધિ અનુમાનથી થાય છે. કેટલાકના મતે તેનું માનસપ્રત્યક્ષ પણ શક્ય છે.
ઈશ્વર : ન્યાયદર્શન જીવાત્માની સાથે સાથે પરમાત્મા એટલે કે ઈશ્વરનો પણ સ્વીકાર કરે છે. ઈશ્વર જીવોના કર્મફળનો નિયંતા છે. તે વિભુ, અનંત, ઐશ્વર્યવાન, સર્વશક્તિમાન, નિત્યશુદ્ધ, બુદ્ધ અને મુક્ત છે. તે સૃષ્ટિનો કર્તા, હર્તા અને ભર્તા છે, સર્વજ્ઞ અને અવિનાશી છે. તેની જ ઇચ્છાથી પરમાણુઓમાં પ્રથમ ક્રિયા થતાં સૃષ્ટિનું સર્જન થાય છે અને તેનું વિસર્જન પણ થાય છે. ઈશ્વરસિદ્ધિ માટે અનેક દલીલો થઈ છે. તેની ચરમસીમા ઉદયનના ન્યાયકુસુમાંજલિ ગ્રંથમાં જોઈ શકાય છે.
અપવર્ગ : અપવર્ગ એ જીવનનું અંતિમ લક્ષ્ય છે. ન્યાયદર્શનમાં દુ:ખની આત્યન્તિક નિવૃત્તિને અપવર્ગનું લક્ષણ માનવામાં આવ્યું છે. અપવર્ગ એટલે શરીર અને ઇન્દ્રિયોના બંધનમાંથી આત્માનો છુટકારો. આ અપવર્ગ સમ્યક્ જ્ઞાનથી થાય છે. સમ્યક્ જ્ઞાન થતાં મિથ્યાજ્ઞાનનો નાશ થાય છે. મિથ્યાજ્ઞાનનો નાશ થવાથી રાગદ્વેષાદિ દોષોનો પણ નાશ થાય છે. તેમ થતાં પછી પ્રવૃત્તિ થતી નથી અને તેથી ફરી જન્મ લેવો પડતો નથી. અંતે દુ:ખનો આત્યન્તિક ઉચ્છેદ થતાં અપવર્ગની સ્થિતિ પ્રાપ્ત થાય છે (ન્યા. સૂ. 1-1-2). આ માટે શ્રવણ, મનન અને નિદિધ્યાસન આવશ્યક છે. મોક્ષાવસ્થામાં આત્મા તેના સર્વગુણોથી મુક્ત બને છે. કેટલાકના મતે તે ચૈતન્યશૂન્ય અને તેથી અનુભૂતિશૂન્ય બની રહે છે. આ પ્રકારના અપવર્ગની ઘણી ટીકા થઈ છે. જોકે ભાસર્વજ્ઞ નામના એકમાત્ર નૈયાયિકે મોક્ષાવસ્થામાં આત્મા આનંદસ્વરૂપ હોય છે એવો મત આપી આ ટીકાને કંઈક અંશે હળવી બનાવી છે.
વાદ-જલ્પ-વિતંડા અને શેષ પદાર્થોમાં એક સુવ્યવસ્થિત તર્કપદ્ધતિ વિકસી છે. તત્વ શોધવા માટે થયેલી ચર્ચાને ‘કથા’ કહેવાય છે. કથાના ત્રણ પ્રકાર છે : વાદ, જલ્પ અને વિતંડા. સત્યશોધન માટેની ચર્ચા તે ‘વાદ’ છે. સ્વપક્ષસ્થાપન અને પરપક્ષખંડન તે ‘જલ્પ’ છે અને કેવળ પરપક્ષખંડન તે ‘વિતંડા’ છે. વાત્સ્યાયન કહે છે, આ બધાં સ્વમતરક્ષા માટે વાડની ગરજ સારે છે.
ન્યાયદર્શન અનેકાત્મક વાસ્તવવાદી દર્શન છે. તે વ્યવહારની ભૂમિ પર આધ્યાત્મિકતાનું મંડાણ કરે છે અને એ એની મર્યાદા પણ બની રહે છે. શુદ્ધ તાત્વિક દૃષ્ટિએ વિચારતાં ન્યાયપ્રતિપાદિત આત્મા, ઈશ્વર, મોક્ષ વગેરે મહત્ત્વની બાબતો અંગેનું તેનું નિરૂપણ સંતર્પક અને ક્યારેક યુક્તિસંગત પણ ન લાગે. તોપણ પ્રત્યક્ષ લોકવ્યવહારને અનુલક્ષીને ન્યાયદર્શને કરેલી રજૂઆત સામાન્ય જિજ્ઞાસુઓ અને મુમુક્ષુઓ વચ્ચે સેતુરૂપ બની રહે છે. તેણે આપેલી તર્કપદ્ધતિ અને પારિભાષિક શબ્દાવલિનો પ્રાય: સર્વ દર્શનોએ ઉપયોગ કર્યો તે તેનું એક મોટું જમાપાસું બની રહે છે.
વસંત પરીખ