ન્યાયપંચાનન જયરામ

January, 1998

ન્યાયપંચાનન જયરામ (આશરે 17મી સદી) : પ્રાચીન અને નવ્ય ન્યાયશાસ્ત્રના લેખક અને નૈયાયિક. જોધપુરના રાજા અજિતસિંહના શાસનકાળમાં થયેલા ભીમસેન દીક્ષિતે 1656માં રચેલા ‘એકષષ્ઠ્યલંકારપ્રકાશ’ અને ‘અલંકારસારસ્થિતિ’ ગ્રંથોમાં જયરામનો ઉલ્લેખ કર્યો છે. જયરામ ઈ. સ. 1657માં વારાણસીમાં રહેતા હતા અને ત્યાં તેમણે ‘પદાર્થમાલા’ નામનો ગ્રંથ રચ્યો હતો એવો પુરાવો મળે છે. આથી એમનો સમય ઈ. સ.ની સત્તરમી સદીનો ઉત્તરાર્ધ હશે તેમ નિશ્ચિત કરી શકાય. તેઓ કૃષ્ણનગરના રાજા રામકૃષ્ણના આશ્રિત હતા. આ રાજાને નદિયાના પંડિતોએ ‘નવદ્વીપાધિપતિ’ એવું બિરુદ આપ્યું હતું.

જયરામે પોતાના ‘દીધિતિગૂઢાર્થવિદ્યોતન’ નામના ગ્રંથમાં રામભદ્રને પોતાના ગુરુ તરીકે ઓળખાવ્યા છે. ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણના મત અનુસાર અહીં રામભદ્ર સાર્વભૌમનો ઉલ્લેખ છે. આ રામભદ્ર સાર્વભૌમ ઈ. સ.ની સત્તરમી સદીમાં થઈ ગયેલા પ્રસિદ્ધ વિદ્વાન જગદીશ તર્કાલંકારના ગુરુ હતા, પરંતુ પં. ગોપીનાથ કવિરાજ માને છે કે અહીં રામભદ્ર ભટ્ટાચાર્ય અભિપ્રેત છે. જોકે આ ભટ્ટાચાર્ય વિશે કોઈ આધારભૂત માહિતી ઉપલબ્ધ નથી.

જયરામ ન્યાયપંચાનને ન્યાયદર્શન પર નીચે પ્રમાણે ટીકાગ્રંથો તેમજ મૌલિક ગ્રંથો રચ્યા છે :

(અ) ટીકાઓ : (1) ‘ગૌતમન્યાયસૂત્ર’ પર ‘ન્યાયસિદ્ધાન્તમાલા’ , (2) ઉદયનની ‘કુસુમાઞ્જલિ’ પર ‘વિવૃતિ’ , (3) પક્ષધરના ‘ચિન્તામણ્યાલોક’ પર વિવેક , (4) રઘુનાથની ‘ગુણકિરણાવલીપ્રકાશ-દીધિતિ’ પર ‘ટીકા’ , (5) રઘુનાથની ‘ચિન્તામણિદીધિતિ’ પર ‘ગૂઢાર્થવિદ્યોતન’ અથવા વિવૃતિ.

(બ) સ્વતંત્ર ગ્રંથો : (6) ‘પદાર્થમાલા’ અથવા ‘પદાર્થમણિમાલા’ અથવા ‘શબ્દાર્થમાલા’. ડૉ. વિદ્યાભૂષણ અને ચક્રવર્તી ‘શબ્દાર્થમાલા’ને જુદો ગ્રંથ માને છે, પરંતુ પં. ગોપીનાથ કવિરાજ એ ‘પદાર્થમાલા’નું જ નામાન્તર છે એમ સિદ્ધ કરે છે. (7) ‘અન્યથાખ્યાતિવિચાર:’. (8) ‘લઘુસન્નિકર્ષવાદ:’ (9) ‘ન્યાયમાલા’ ઉપરાંત તેમણે મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ પર ‘તિલક’ નામની ટીકા લખ્યાનો પણ ઉલ્લેખ છે.

આ સર્વમાં ‘પદાર્થમાલા’ કે ‘શબ્દાર્થમાલા’ મહત્વનો ગ્રંથ છે અને વિદ્વાનોનો આદરપાત્ર બન્યો છે. આ ગ્રંથરચના પાછળનો પોતાનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં જયરામ કહે છે :

કેટલાક વિદ્વાનોને ભાષ્યાદિ ગ્રંથોમાં હીનયુક્તિમાં રસ પડતો દેખાય છે તો ક્યારેક આર્યમતિ આચાર્યોની વાણી પણ યુક્તિરહિત લાગે છે. આ બધું લક્ષમાં લઈને વિદ્વાનોના આનંદ માટે જયરામે સદ્યુક્તિનાં મોતીઓની આ ‘શબ્દાર્થમાલા’ રચી છે.

વસંત પરીખ