નોળવેલ (નાની) : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગના કુલ એરિસ્ટોલોકિયેસી (ઈશ્વરી) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Aristolochia indica Linn. (સં. સુનંદા, ઈશ્વરી, અહિગંધા, ગંધનાકુલી; બં. હિં. ઈસરમૂલ, અર્કમૂલ, ઇસરૉલ, રુદ્રજટા, ઈશ્વરમૂલ; મ. સાંપસંદ, સાપસણ; ગુ. સાપસન, નાની નોળવેલ, અર્કમૂલ; મલા. ઈશ્વરમૂલ્લ; તા. પેરૂમારિન્દુ, ગરુડા-કકોડી; તે. નાલ્લેશ્વરી, દુલાગવેલા; એ. ફા. જરવંદે; અં. ઇન્ડિયન બર્થવર્ટ) છે. તે બહુવર્ષાયુ વેલ છે અને લીલાશ પડતું સફેદ કાષ્ઠમય પ્રકાંડ ધરાવે છે. તે સમગ્ર ભારતમાં ઉષ્ણ અને અર્ધઉષ્ણ પ્રદેશમાં આવેલાં મેદાનોમાં અને નીચી ટેકરીઓ (900 મી. ઊંચી) પર અને શ્રીલંકામાં થાય છે. ગુજરાતમાં ઈડર, વિજયનગર, દાંતા અને પાવાગઢ વિસ્તારનાં જંગલોમાં થાય છે. પર્ણો અરોમિલ, આકારની દૃષ્ટિએ ખૂબ વિવિધતાવાળાં, પ્રતિઅંડાકાર-લંબચોરસ(obovate-oblong)થી માંડી હૃદયાકાર કે લગભગ વાયોલિન આકાર(pandurate)નાં, 5-10 × સેમી. 2.55 સેમી. અખંડિત, કેટલેક અંશે તરંગિત પર્ણકિનારી; પર્ણાગ્ર તીક્ષ્ણ; તેના તલભાગેથી 35 શિરાઓ પંજાકારે ટોચ તરફ ફેલાય. પુષ્પો થોડાંક (27), કક્ષીય કલગી(raceme)માં ગોઠવાયેલાં; 1.25–4.00 સેમી. લાંબાં; પુષ્પનિર્માણ સપ્ટેમ્બર માસમાં; પરિદલપુંજ 4 સેમી. લાંબો, સર્પફેણાકાર, તેનો તલપ્રદેશ ફૂલેલો, ખંડિત અને અરોમિલ જે નલિકાકાર રચનામાં પરિણમે; આ નલિકાના છેડે એક સમક્ષિતિજ નિવાપાકાર જાંબલી મુખ, ઓષ્ઠ જાંબલી છાંટવાળા રોમથી આવરિત, ફળનિર્માણ ફેબ્રુઆરી–માર્ચમાં, ફળ પટવિદારક (septicidal), 3થી 5 સેમી. લાંબું; બીજ ચપટાં, અંડાકાર, સપક્ષ (winged). મૂળ કપૂરના જેવાં સુગંધિત અને અત્યંત કડવાં હોય છે.
તેનું પ્રસર્જન બીજ દ્વારા થાય છે. જૂન માસમાં તેનાં બીજ સારા પ્રમાણમાં ખાતર આપેલી ક્યારીઓમાં વાવવામાં આવે છે અને છ અઠવાડિયાં બાદ વાંસના બનાવેલા મંચ પર ઉછેરવામાં આવે છે. તેમને બે વર્ષ સુધી ઊગવા દેવામાં આવે છે. પાનખરમાં તેનાં મૂળ એકત્રિત કરવામાં આવે છે. Aphis gossypii (મોલો) નામનું કીટ તેના રસ પર જીવે છે અને નુકસાન પહોંચાડે છે. Triodes helena minos Cramerની ઇયળો વનસ્પતિનું વિપત્રણ (defoliation) કરે છે.
નાની નોળવેલની બે વર્ષ સુધી વૃદ્ધિ થવા દેવાય છે. તેથી તે બજારમાં વેચી શકાય તેટલું કદ પ્રાપ્ત કરે છે. બે વર્ષ જૂની વેલ દ્વારા મૂળનું ઉત્પાદન લગભગ 4500-5600 કિગ્રા./હેક્ટર થાય છે. પાનખરમાં મૂળ એકત્રિત કરવામાં આવે છે. મૂળને ધોઈને સૂર્યના તાપમાં કે મંદ ગરમી દ્વારા સૂકવવામાં આવે છે.
નોળવેલની સૂકી ગાંઠામૂળી અને મૂળ મહત્વનું ઔષધ ગણાય છે. તે જઠરોત્તેજક (gastricstimulant) અને કડવું બલ્ય છે. બજારમાં તેના સૂકાં પ્રકાંડ અને મૂળના લગભગ 10 સેમી. લાંબા અને 1 સેમી. જાડા ટુકડાઓ વેચાય છે. મૂળ લાંબાં, અમળાયેલાં (tortuous), પીળાથી માંડી ભૂખરાં બદામી રંગનાં અને બારીક લાંબી કરચલીઓવાળાં હોય છે. ગાંઠામૂળી મૂળ કરતાં ઓછી વાંકીચૂકી અને વધારે ઘેરી હોય છે, પરંતુ તેના ઉપર કરચલીઓ ઊંડી હોય છે. ઔષધ મજબૂત અને શીતખંડી-વિભંગ(splintery bracture), મંદ સુવાસિત વાસ અને ઉગ્ર (acrid) તથા કડવો સ્વાદ ધરાવે છે.
મૂળમાં આવેલાં રાસાયણિક ઘટકોનો સારાંશ સારણી-1માં આપવામાં આવ્યો છે. મૂળની સુગંધી તેના બાષ્પશીલ તેલ અને કડવો સ્વાદ ઍરિસ્ટોલોકિક ઍસિડને કારણે હોય છે. તેના બાષ્પશીલ તેલ(ઉત્પાદન 0.5 %, શુષ્ક વજનને આધારે)ની લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે : રંગ આછો પીળો, વિ.ગુ.25° 0.9525; વક્રીભવનાંક25° 1.5023; વિશિષ્ટ પ્રકાશિક ધૂર્ણન – 3301’; ઍસિડ આંક 2.0; ઍસ્ટર આંક 7.3; ઍસિટાઇલીકરણ (acctylation) પછી ઍસ્ટર આંક 22.5, તેલ સેસ્કિવટર્પીનૉઇડો ધરાવે છે. (સારણી1).
પ્રકાંડના તેલમાંથી કુલ 15 જેટલા પદાર્થો ઓળખાયા છે; તે પૈકી મુખ્ય ઘટકો આ પ્રમાણે છે : ટ્રાન્સપિનોકૅર્વોન (24.2 %), α-પિનીન (16.4 %) અને પિનોકૅર્વોન (14.2 %).
મૂળ અલ્પ પ્રમાણમાં સ્થાયી તેલ (અશોધિત ઉત્પાદન 1.7 %) ધરાવે છે; જેમાં પામિટિક, સ્ટીઅરિક, લિગ્નોસેરીક, સેરોટિક, ઓલેઇક અને લિનોલેઇક ઍસિડના ગ્લીસરાઇડો, અસાબુનીકૃતો (non-saponifiables) નોંધપાત્ર પ્રમાણમાં સિટોસ્ટેરૉલ અને અલ્પપ્રમાણમાં ફાઇટોસ્ટેરૉલ ગ્લાયકોસાઇડ ધરાવે છે. મૂળમાં અપચાયી (reducing) શર્કરાઓ મુક્ત સ્થિતિમાં સારા પ્રમાણમાં હોય છે.
સારણી : નાની નોળવેલના મૂળમાંથી પ્રાપ્ત થયેલાં રાસાયણિક ઘટકો
રાસાયણિક ઘટકો | અણુસૂત્ર | ગલનબિંદુ °સે. |
ફિનેન્થ્રીન વ્યુત્પન્નો | ||
ઍરિસ્ટોલોકિક ઍસિડ | C17H11NO7 | 275–78 |
ઍરિસ્ટોલોકિક ઍસિડ-D | C12H11NO8 | 269–72 |
ઍરિસ્ટોલોલેક્ટમ | C17H11NO5 | 315–17 |
ઍરિસ્ટોલોલેક્ટમ β-D | C23H21NO9 | 330–33 |
ગ્લુકોસાઇડ | ||
ઍરિસ્ટોલિક ઍસિડ | C17H12O5 | 292 |
ઍરિસ્ટોલિક ઍસિડ | C18H14O5 | 172 |
મિથાઇલ ઍસ્ટર | ||
ઍરિસ્ટોલોઍમાઇડ | C17H13NO4 | 293–94 |
મિથાઇલ ઍરિસ્ટોલોકેટ | C18H13NO7 | 285–86 |
6-મિથૉક્સિ – મિથાઇલ ઍરિસ્ટોલેટ | C19H16O6 | 206–07 |
આલ્કોલૉઇડો | ||
1-ક્યુરિન (ઍરિસ્ટોબોકિન) | C36H16O6 | 215 (MeOH) |
અજ્ઞાત | (અણુભાર, 608 | |
622, 636) | ||
સૅસ્કિવટર્પીનૉઇડો | ઉત્કલબિંદુ, 0સે. | |
ઈશ્વરેન | C15H24 | 80 –82/1 મિમી. |
ઈશ્વરીન | 104 –05/1 મિમી. | |
ઍરિસ્ટોલાકીન | 80 –85/0.3 મિમી. | |
સેલિના – 4(14) 11 | 112–112.5/6 મિમી. | |
ડાયેન | ||
સૅસ્ક્વિટર્પીન – A7 | 112–112.5/6 મિમી. | |
સૅસ્ક્વિર્પીન – B–7 | 113 / 6 મિમી. | |
ઈશ્વરૉલ | C15H24O | 110 / 1 મિમી. |
લેડૉલ | C15H26O | ગ.બિં. 103–04 |
લેડૉલનો સમસ્વરૂપી | ગ.બિં. 150 | |
(isomer) | ||
ઈશ્વરૉન | C15H22O | ગ.બિં. 57 |
સ્ટૅરોઇડો | ગ. બિં. 0સે. | |
β – સિટોસ્ટેરૉલ | C29H50O | 13435 |
સ્ટેરૉલ ગ્લાયકોસાઇડ | C29H50O | 285–90 |
સ્ટિગ્મેસ્ટ્-4-એન-3 ઑન | C29H47O | 80–81 |
અન્ય | ગ.બિ. °સે. | |
સીરીલ આલ્કોહૉલ | C26H54O | 79 |
ઍલેન્ટૉઇન | C4H6N4O3 | 232 |
p – કાઉમેરિક ઍસિડ | C9H8O3 | 210–13 (206) |
d – કૅમ્ફર | – | 177 |
નોળવેલ n-હેપ્ટાડેકેન, n-ટ્રાઇએકોન્ટૅન, પામિટિક ઍસિડ, હેક્ઝાકોસેનૉઇક ઍસિડ, સ્ટિગ્મેસ્ટ-4-એન-3-ઑન, ફ્રાયેડેલિન, સાયક્લોયુકેલેનૉલ અને રુટિન ઉપરાંત, 12 – નૉન એકોસેનૉઇક ઍસિડ ધરાવે છે. સેવિનિન નામનું કોષવિષાળુ (cytotoxic) લિગ્નેન મૂળમાંથી પ્રાપ્ત થયું છે.
નોળવેલનું મુખ્ય સક્રિય ઘટક એરિસ્ટોલોકિક ઍસિડ છે. જોકે ઍરિસ્ટોલોકિક અને p- કાઉમેરિક ઍસિડ બંને ઔષધની સક્રિયતાઓમાં ફાળો આપે છે. ઍરિસ્ટોલોકિક ઍસિડ અત્યંત કડવું, બલ્ય અને પ્રકાશત: ધ્રુવણ અધૂર્ણક (optically inactive) છે. તે પ્રતિપોષક (antifeedant) છે અને કેટલીક કીટકોમાં નરવંધ્યતાપ્રેરક (sterilant) છે. તે ઘરમાખી માટે 0.18 % સાંદ્રતાએ વિષાળુ છે.
ઍરિસ્ટોલોકિક ઍસિડ ધરાવતો તેનો નિષ્કર્ષ કૅન્સરરોધી ગુણધર્મ ધરાવે છે. તે ગ્રંથિકૅન્સર 755 (adenocarcinoma 755) અને જળોદર-યકૃતકૅન્સર(ascitic hepatoma) સામે ઉંદરોમાં સક્રિયતા દર્શાવે છે. વળી, તે અહર્લિક જળોદર કૅન્સર સામે પણ સક્રિય હોવા છતાં ઘણા પ્રકારનાં કૅન્સરો સામે નિષ્ક્રિયતા દાખવે છે. ક્લૉરેમ્ફેનિકૉલ, સાયક્લો-ફૉસ્ફેમાઇડ અને મર્યાદિત માત્રામાં પ્રેડિનસોન વડે ચિકિત્સિત ગિનીપિગમાં તે જીવભક્ષીકરણ(phagocytosis)ની પ્રક્રિયાને ઉત્તેજે છે. ઍરિસ્ટોલોકિક ઍસિડ દ્વારા ચિકિત્સિત ઉંદરોના મૂત્રપિંડોને હાનિ થયાનું જણાયું છે. તેથી ઔષધના ચિકિત્સીય મૂલ્યાંકનનો અંત આવ્યો હતો.
મૂળમાંથી અલગ કરવામાં આવેલ ઍરિસ્ટોલિક ઍસિડ પુખ્ત શ્વેત માદા સસલામાં અસરકારક ફળદ્રૂપતારોધી (anti-fertility) પ્રક્રિયક તરીકે કાર્ય કરે છે. ઉંદરોમાં તે પ્રતિ-ઍસ્ટ્રોજનીય (anti-estrogic) સક્રિયતા દર્શાવે છે અને સગર્ભતાના પ્રારંભિક તબક્કામાં ગર્ભસ્થાપનની ક્રિયાને અટકાવે છે. ક્લૉરોફૉર્મ નિષ્કર્ષમાં અત્યંત અલ્પ પ્રમાણમાં રહેલા ઍરિસ્ટોલિક ઍસિડના મિથાઇલએસ્ટર યકૃત અને મૂત્રપિંડોને નુકસાન પહોંચાડે છે. અને ગર્ભાશયના વજનમાં વધારો કરે છે.
ઉંદરોમાં પેટ્રોલિયમ ઈથર દ્વારા અલગ કરવામાં આવેલ સેસ્કિવટર્પિન અને આલ્કોહૉલીય નિષ્કર્ષમાંથી અલગ કરેલ p-કાઉમેરિક ઍસિડ 100 % અવરોધક (interceptive) અસર દાખવે છે. (અનુક્રમે 100 મિગ્રા./કિગ્રા. અને 50 મિગ્રા./કિગ્રા. માત્રાએ) સેસ્કિવટર્પિન 91.7 % પ્રતિ-ગર્ભસ્થાપન (anti-implantation) સક્રિયતા દર્શાવે છે અને p-કાઉમેરિક ઍસિડની કોઈ વિરૂપજનક (teratogenic) અસર સિવાય પ્રતિ-ગર્ભસ્થાપનની ક્રિયા થાય છે.
મૂળના અગ્નિમાંદ્ય(dyspepsia-દુષ્પચન)ના અતાનીય (atonic) પ્રકારો, બાળકોમાં આંતરડાના રોગો અને અસતત (intermittent) તાવમાં ભલામણ કરવામાં આવી છે. મૂળનો ક્લૉરોફૉર્મ-નિષ્કર્ષ ઉંદરમાં પ્રતિ-શુક્રોકોષજનીય (anti-spematogenic) અસર દર્શાવે છે. મૂળ Helmintosporium sativum પાત્રે (in vitro) સક્રિયતા દર્શાવે છે.
તાજાં પર્ણોના રસ દ્વારા બાળકોના કફને ઊલટી પ્રેરીને બહાર કાઢવામાં આવે છે. બીજ સ્વાદરહિત હોય છે અને શોથ (inflammation), પિત્તપ્રકોપ (biliousness) અને સૂકી ખાંસીની ચિકિત્સામાં ઉપયોગી છે.
નાની નોળવેલ પ્રવ્યૂર્જકરોધી (antiallergic) પ્રક્રિયા શોથજ મધ્યસ્થી પ્રતિબંધક પથ (inflammatory mediator inhibitory pathway)ની સહાય દ્વારા કરે છે. 48/80 સંયોજન દ્વારા પ્રેરિત ખંજવાળ, ત્વચીય શોથ અને તીવ્રગ્રાહિતા (anaphylaxis)નો નાની નોળવેલ નોંધપાત્ર પ્રમાણમાં અવરોધ કરે છે. તીવ્રગ્રાહિતા ઉગ્ર અને દૈહિક (systemic) પ્રત્યૂર્જક પ્રક્રિયા છે. તે શરીરમાં મુક્ત થતા હિસ્ટેમાઇન અને અન્ય શોથજ રાસાયણિક મધ્યસ્થીઓ દ્વારા થાય છે. નાની નોળવેલના ઇથેનોલીય નિષ્કર્ષ-પ્રેરિત તીવ્રગ્રાહિતા સામે માત્રા-આધારિત 100 % રક્ષણ આપે છે.
તેનો ઇથેનૉલીય નિષ્કર્ષ (150 મિગ્રા. / કિગ્રા. માત્રાએ) ઉંદરના પંજાના શોથમાં 70 % જેટલો ઘટાડો કરે છે. કંડુ(ખંજવાળ)ની પ્રતિક્રિયામાં થતો ઘટાડો ક્લૉર્ફેનરેમાઇન મેલેટ સાથે તુલના કરી શકાય તેવો જોવા મળ્યો હતો. કંડુરોધી (antipruritic) સક્રિયતાનું મૂલ્યાંકન 48/80 સંયોજન અધોત્વચામાં આપતાં થતી ખંજવાળની વર્તણૂક પરથી કરવામાં આવે છે. ખંજવાળની ક્રિયા સ્તંભિકાકોષ(mast cell)ના વિકણીકરણ (degranulation) દ્વારા મુક્ત થતા હિસ્ટેમાઇન સાથે સંકળાયેલ હોય છે.
નાની નોળવેલનો ઇથેનૉલીય નિષ્કર્ષ (300 મિગ્રા./કિગ્રા.) અને પેટ્રોલિયમ ઈથર-નિષ્કર્ષ (100 મિગ્રા. / કિગ્રા.) 48/80 સંયોજન દ્વારા પ્રેરિત પત્યૂર્જકતા મૉડલમાં સ્તંભિકા કોષ સ્થાયીકરણ (stabilization) 69 % જેટલી સક્રિયતા દર્શાવે છે.
આયુર્વેદ અનુસાર તેના ગુણધર્મો આ પ્રમાણે છે :
ગુણ
ગુણ – લઘુ, રુક્ષ. રસ – તિક્ત, કટુ, કષાય.
વિપાક – કટુ. વીર્ય – ઉષ્ણ.
કર્મ
દોષકર્મ – તે કફવાતશામક છે.
બાહ્ય કર્મ – તે વિષઘ્ન, વ્રણશોધન, શોથહર અને વેદનાસ્થાપન છે.
પાચનતંત્ર – તે દીપન, અનુલોમન તથા શૂલપ્રશમન કરનારા અને કૃમિઘ્ન છે.
રુધિરાભિસરણતંત્ર – તે હૃદયોત્તેજક, શોથહર તથા રક્તશોધક છે.
શ્વસનતંત્ર – તે કફનિ:સ્સારક છે.
ઉત્સર્જનતંત્ર – તે મૂત્રલ છે.
પ્રજનનતંત્ર – તે ગર્ભાશય-સંકોચક છે.
ચેતાતંત્ર – તે વાતશામક અને ચેતા-ઉત્તેજક છે.
ત્વચા – તે સ્વેદજનન છે.
તાપક્રમ – તે જ્વરઘ્ન ખાસ કરીને વિષમજ્વરઘ્ન છે.
સાત્મીકરણ – તે વિષઘ્ન છે.
પ્રયોગ
દોષપ્રયોગ – તેનો કફ અને વાતના વિકારોમાં ઉપયોગ થાય છે.
બાહ્ય પ્રયોગ – સર્પવિષ, વ્રણ અને શોથવેદનાયુક્ત વિકારો(જેમ કે, સંધિવાત, આમવાત વગેરે)માં તેનો લેપ કરવામાં આવે છે.
પાચનતંત્ર – અગ્નિમાંદ્ય, વિષ્ટમ્ભ, ઉદરશૂળ અને કૃમિરોગમાં તે ઉપયોગી છે. બાળકોને દાંત આવતા હોય ત્યારે અને વિષૂચિકા- (કૉલેરા)માં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે આંતરડાની શિથિલતા ઓછી કરે છે.
રુધિરાભિસરણતંત્ર – હૃદ્દોર્બલ્ય, શોથ, સંધિવાત અને આમવાત તથા રક્તવિકારમાં તેનો ઉપયોગ થાય છે.
શ્વસનતંત્ર – બાળકોને પ્રતિશ્યાન (સળેખમ) અને કાસમાં પત્રસ્વરસ આપવામાં આવે છે. તેથી વમન થઈ કફ બહાર નીકળી જાય છે.
ઉત્સર્જનતંત્ર – તે મૂત્રકૃચ્છ્રમાં લાભદાયી છે.
પ્રજનનતંત્ર – કષ્ટદાયી પ્રસવ અને પ્રસવ પછી ગર્ભાશય-સંશોધન માટે પીપરમૂળની સાથે નાની નોળવેલનાં મૂળ અપાય છે. તે રજોરોધ અને કષ્ટાર્તવમાં ઉપયોગી છે. પ્રસૂતિ બાદ દૂષિત રક્ત સાફ કરવા તેનું મૂળ અપાય છે.
ચેતાતંત્ર – તેનો વાતરોગ અને માનસિક વિકારોમાં ઉપયોગ થાય છે.
ત્વચા – તે કુષ્ઠ અને અન્ય ત્વચાના રોગોમાં ઉપયોગી છે.
તાપક્રમ – તેને વિષમજ્વર, પ્રસૂતિજ્વર અને ત્રિદોષજ્વરમાં ગર સાથે આપવાથી વિશેષ લાભ થાય છે.
સાત્મીકરણ – સાપ, વીંછી, કરોળિયો, ઉંદર વગેરે પ્રાણીઓના વિષમાં પત્રરસ પિવડાવાય છે.
પ્રયોજ્ય અંગ મૂળ, પર્ણો.
માત્રા– મૂળ ચૂર્ણ 1–3 ગ્રા.. પત્રરસ – 5–10 મિલી.
नाकुली तुवरा तिक्ता कटुकोष्णा नियच्छति ।
भोगि लूतावृश्चिंकारवुविषमज्वर कृमिव्रपान् ।।
નાની નોળવેલ લુપ્ત થતી વનસ્પતિ છે. તેની ખેતી કરવાથી સારો આર્થિક લાભ થાય છે. તેની બીજી એક જાતિને કીડામારી (Aristochia bracteolata Lam.) કહે છે. તે પણ ગુજરાતમાં ઘણી જગ્યાએ થાય છે.
બળદેવભાઈ પટેલ
રા. ય. ગુપ્તે
આદિત્યભાઈ છ. પટેલ