નોવા સ્કૉશિયા : કૅનેડાના પૂર્વ ભાગમાં આવેલા ચાર આટલાન્ટિક પ્રાંતો પૈકીનો એક દરિયાઈ પ્રાંત. નોવા સ્કૉશિયા એ તેનું લૅટિન નામ છે, જ્યારે સ્કૉટિશ હાઈલૅન્ડરોએ આપેલું તેનું અંગ્રેજી નામ ન્યૂ સ્કૉટલૅન્ડ છે. તેમાં કૅપ બ્રેટન ટાપુનો પણ સમાવેશ થઈ જાય છે. તે 43° 20´ થી 46° 50´ ઉ. અ. અને 60° 0´ થી 66° 08´ પ. રે. વચ્ચે વિસ્તરેલો છે. આ પ્રાંતના વાયવ્ય ખૂણે ફુંડીનો ઉપસાગર, ઉત્તરે સેન્ટ લૉરેન્સનો અખાત અને ન્યૂ બ્રુન્સવિકનો થોડો ભાગ, ઈશાનમાં કેબટની સામુદ્રધુની છોડીને ન્યૂ ફાઉન્ડલૅન્ડનો ટાપુ તેમજ પૂર્વ, અગ્નિ અને દક્ષિણમાં આટલાંટિક મહાસાગર આવેલો છે. આ પ્રાંતનું ક્ષેત્રફળ 55,248 ચોકિમી. છે. તેથી વિસ્તારની દૃષ્ટિએ તે કૅનેડાના 10 પ્રાંતો પૈકી 9મા ક્રમે આવે છે. તેની વસ્તી 9,69,383 (2021) જેટલી છે. તેથી વસ્તીની દૃષ્ટિએ તે દેશમાં સાતમા ક્રમે આવે છે. આટલાન્ટિક કિનારે આવેલું હેલિફેક્સ તેનું પાટનગર છે અને આ પ્રાંતનું તે સૌથી મોટું શહેર છે; બીજાં અગત્યનાં નગર સિડની, એમહર્સ્ટ, ન્યૂગ્લાસગો અને ટ્રુરો છે. પ્રાંતની વસ્તીની ગીચતાનો દર પ્રતિ ચોકિમી. 15.3 વ્યક્તિઓ જેટલો છે. શહેરી વસ્તીનું પ્રમાણ 56% જેટલું છે. 93% વસ્તી અંગ્રેજી ભાષા, 5% વસ્તી ફ્રેન્ચ ભાષા અને 2% વસ્તી જર્મન કે ગેલિક ભાષા બોલે છે.
ભૂપૃષ્ઠ : નોવા સ્કૉશિયાનો પ્રદેશ યુ.એસ.માં આવેલી એપૅલેશિયન પર્વતમાળાના ઈશાની વિસ્તરણનો એક ભાગ છે. નૈર્ઋત્ય છેડે આવેલા યારમથથી કૅપ બ્રેટનના પૂર્વ ભાગ સુધીનું ભૂપૃષ્ઠ કોબેક્વિડ પર્વત અને નૉર્થ માઉન્ટેનથી ઊંચાઈવાળું બની રહેલું છે. ભૂમિઢોળાવ આટલાન્ટિક તરફી છે. કૅપ બ્રેટનના ઉચ્ચપ્રદેશનો સૌથી ઊંચો ભાગ 532 મીટરની ઊંચાઈ ધરાવે છે. નૉર્ધમ્બરલૅન્ડ સામુદ્રધુનીના કિનારાનો પર્વતોથી ઉત્તરે આવેલો કંબરલૅન્ડનો પ્રદેશ નીચાણવાળો છે. કૅપ બ્રેટનના ઉચ્ચપ્રદેશોમાં જૂનામાં જૂના ભૂસ્તરીય વયની અને ફુંડીના ઉપસાગરને કિનારે નવા વયની ખડકરચનાઓ જોવા મળે છે. અહીંની મોટાભાગની જમીનો (ખાસ કરીને અગ્નિકોણ તરફની) પાતળા દળવાળી, પથરાળ અને બિનફળદ્રૂપ છે. જ્યાં પોચા ખડકો છે ત્યાં તેમના નદીજન્ય ઘસારાથી અથવા તો જ્યાં ભરતીના પંકભૂમિ વિસ્તારો નવસાધ્ય બનેલા છે ત્યાંની કાંપની જમીનો ખેતી માટે ઉપયોગી બની રહી છે. એનાપોલિસ ખીણનો ભાગ હિમનદીજન્ય ટિલથી બનેલો છે. આ પ્રાંતમાં નાની નાની નદીઓથી જળપરિવાહ-રચના તૈયાર થયેલી છે. શુબેનેકેડી અહીંની મોટામાં મોટી નદી છે, તેનું સ્રાવક્ષેત્ર 2600 ચોકિમી. જેટલું છે. ફુંડીના ઉપસાગરના કિનારે દરિયાઈ મોજાં 15 મી.થી વધુ ઊંચાં ઊછળે છે, ત્યાં જમીનનું ધોવાણ અટકાવવા માટે તેમજ નદીઓના નીચાણવાળા ભાગો પર પૂરનિયંત્રણ માટે અવરોધો બાંધવામાં આવેલા છે; ભૂમિને નવસાધ્ય કરીને ખેતીને અનુકૂળ કરવામાં આવી છે. સ્થળાંતર કરીને આવતાં જળપ્રિય પક્ષીઓના વસવાટ માટે આવી નવસાધ્ય ભૂમિ અગત્યની બની રહી છે.
આબોહવા : નોવા સ્કૉશિયા મધ્ય અક્ષાંશીય વિસ્તારમાં આવેલો હોવાથી તાપમાનના મોસમી તફાવતો સ્પષ્ટપણે વરતાય છે. શિયાળામાં અહીં ધ્રુવીય પવનોની અસર રહે છે. નૈર્ઋત્ય ભાગમાં જાન્યુઆરીનું સરેરાશ તાપમાન
–3° સે. રહે છે. આટલાંટિકના ગરમ અખાતી પ્રવાહની અસર અહીં સુધી પહોંચે છે, પરંતુ અંદરના ભૂમિભાગમાં આ હૂંફાળી અસર ઘટી જાય છે. આ કારણે શિયાળા તીવ્ર બની રહેતા નથી. જુલાઈનું સરેરાશ તાપમાન મધ્ય ભાગોમાં 18° સે. જેટલું રહે છે, પરંતુ કિનારાના પ્રદેશો પ્રમાણમાં ઓછા ગરમ રહે છે. સ્થાનભેદે પ્રાદેશિક વરસાદનું પ્રમાણ 635થી 1400 મિમી. જેટલું રહે છે; દક્ષિણ કિનારે 1270 મિમી. અને કૅપ બ્રેટન ઉચ્ચપ્રદેશમાં 1600 મિમી.થી વધુ વરસાદ પડે છે. વળી ત્યાં ઊંચાઈને કારણે દક્ષિણના ભાગો કરતાં વધુ હિમવર્ષા થાય છે. અખાતી ગરમ પ્રવાહ અને લાબ્રાડોરના ઠંડા પ્રવાહના મિલનસ્થળે ઉનાળામાં ધુમ્મસ છવાઈ જાય છે.
કુદરતી સંપત્તિ : નોવા સ્કૉશિયાની સમગ્ર ભૂમિનો 84% ભાગ સ્પ્રૂસ, ફર, પાઇન જેવાં સદાહરિત જંગલોથી છવાયેલો છે. અહીં જંગલી ફૂલો પુષ્કળ પ્રમાણમાં ઊગે છે. કૅપ બ્રેટન ટાપુ અને કંબરલૅન્ડ પરગણામાં કોલસો વિપુલ પ્રમાણમાં મળે છે. આ ઉપરાંત સીસું, જસત, ચાંદી, બૅરાઇટ, ચિરોડી, મીઠું, રેતી, ગ્રૅવલ વગેરે ખનિજપેદાશો પણ અમુક પ્રમાણમાં મળે છે. દૂરતટીય વિસ્તૃત ખંડીય છાજલીના ભાગોમાંથી માછલાં મળે છે; કુદરતી વાયુ અને ખનિજતેલનો સંભવિત જથ્થો પણ રહેલો છે. ફુંડીના ઉપસાગરમાં ભરતીનાં મોજાં પ્રચંડ ઊર્જા-ઉત્પાદનક્ષમતા ધરાવે છે.
નોવા સ્કૉશિયાની 14% જમીનમાં ઘાસ, જવ, ઘઉં, ઓટ, બટાકા, શાકભાજી, સફરજન અને પીચ જેવાં ફળો થાય છે. થોડા પ્રમાણમાં તમાકુ પણ થાય છે. એનાપોલિસ ખીણમાં પુષ્કળ સફરજન થતાં હોવાથી તેની ઇંગ્લૅન્ડ ખાતે નિકાસ કરવામાં આવે છે.
આર્થિક પ્રવૃત્તિઓ : અગાઉથી પરંપરાગત ચાલી આવતા મત્સ્યઉદ્યોગ, લાકડાં કાપવાના ઉદ્યોગ અને જહાજ બાંધકામ ઉદ્યોગમાં 19મી સદીથી ઘટાડો થયેલો હોવાથી અહીં લોકોની આર્થિક પ્રવૃત્તિઓમાં જે મંદી આવી હતી, તેને હવે ખનિજીય ખનનઉદ્યોગ, ખનિજતેલ-શુદ્ધીકરણ, ખાદ્યચીજો અને પીણાંનું પ્રક્રમણ, પરિવહન-સાધનોનું ઉત્પાદન, કાગળ અને તેના પર નભતા ઉદ્યોગો તેમજ ખેતીવિષયક પેદાશોને વિકસાવીને વેગ અપાયો છે. આ પૈકી ખાણઉદ્યોગે મત્સ્યઉદ્યોગ પર સરસાઈ મેળવી છે. લાકડાંની મિલો પણ વિકસી છે. મોટાભાગના ભારે ઉદ્યોગો સિડનીમાં તેમજ હેલિફેક્સ-ડાર્ટમથ, પિક્ટોવ કાઉન્ટી અને કાન્સોની ભૂશિર પર કેન્દ્રિત થયા છે. આ ઉપરાંત અહીંનાં જંગલોના કેટલાક ભાગને ખેતીલાયક ભૂમિમાં ફેરવીને પેદાશો મેળવવાના પ્રયાસો થયા છે. દૂરતટીય ખનિજતેલ અને કુદરતી વાયુનું ઉત્પાદન લેવાઈ રહ્યું છે, જોકે પ્રાંતની ખનિજતેલની જરૂરિયાતોને પહોંચી વળવા આયાત કરવી પડે છે. વળી મોટર, રેલવેના ડબ્બા, ફાઇબર ગ્લાસનું જહાજી બાંધકામ, રાચરચીલું, કાપડ, વીજળીનાં સાધનો તથા દરિયાઈ ખાદ્ય પદાર્થો વગેરેના ઉદ્યોગોનો પણ વિકાસ થયો છે.
પરિવહન : કૅનેડિયન નૅશનલ રેલવે હેલિફેક્સથી એમહર્સ્ટ સુધી અને કૅનેડિયન પૅસિફિક રેલવે પશ્ચિમનાં ઔદ્યોગિક કેન્દ્રોને દરિયાઈ ફેરી-સેવા મારફતે ન્યૂ બ્રુન્સવિક સાથે જોડે છે. નોવા સ્કૉશિયામાંના કુલ માર્ગો પૈકી અર્ધાથી વધુ (25,247 કિમી. લંબાઈના) પાકા માર્ગોનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં ટ્રાન્સ કૅનેડા રાષ્ટ્રીય ધોરી માર્ગનો સમાવેશ થઈ જાય છે. તેને કૅપ બ્રેટનના સિડની સુધી લંબાવ્યો છે. અહીં ફેરીસેવા અગત્યની બની રહેલી છે, ન્યૂ ફાઉન્ડલૅન્ડ, પ્રિન્સ ઍડવર્ડ ટાપુ, ન્યૂ બ્રુન્સવિક અને મેન રાજ્યને તે સેવા પૂરી પાડે છે. પાંચ વિમાની મથકો દ્વારા માલ અને મુસાફરની હેરફેર થાય છે.
શિક્ષણ અને સંસ્કૃતિ : નોવા સ્કૉશિયામાં 7થી 16 વર્ષની વય સુધી પ્રાથમિક, માધ્યમિક, ટૅકનિકલ અને વ્યાવસાયિક શિક્ષણ મફત અને ફરજિયાત છે. હેલિફેક્સની ડેલહાઉસી યુનિવર્સિટી સહિત 12 યુનિવર્સિટીઓ છે. બેડફર્ડની ઓશનોગ્રાફી સંસ્થા, પુસ્તકાલયો, સંગ્રહસ્થાનો, મેડિકલ સેન્ટર, હેલિફેક્સ નેપ્ચૂન થિયેટર, સાર્વજનિક અભિલેખાગાર પુરાવશેષ કેન્દ્ર, સિમ્ફની ઑરકેસ્ટ્રા, ઑપેરા અને કલાકેન્દ્ર જેવાં શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક કેન્દ્રો છે. સંસ્કૃતિ, લોકકલા અને લોકસંગીતના અભ્યાસ માટેની વિશિષ્ટ સંસ્થાઓ એકેડિયન અને સ્કૉટિશ સંસ્કૃતિને જાળવે છે. આ ઉપરાંત અહીં બે રાષ્ટ્રીય અને એક ઐતિહાસિક ઉદ્યાન સહિતના અનેક પ્રાંતીય ઉદ્યાનો છે.
ઇતિહાસ : ઈ. સ. પૂ. 8000ના અરસામાં આ વિસ્તારમાં ઇન્ડિયનો (અમેરિકન ઇન્ડિયન્સના પૂર્વજો) વસતા હતા. ઈ. સ. 1000માં નૉર્સ વાઇકિંગ લોકો અહીં મુલાકાત લેનાર પ્રથમ યુરોપિયનો હતા. 1497માં જ્હૉન કેબટ કૅપ બ્રેટન ટાપુ પર ઊતર્યો હોવાનું કહેવાય છે. તેણે આ પ્રદેશ પર ઇંગ્લૅન્ડનો દાવો કર્યો હતો. 1605માં ફ્રેંચો અને 1621માં સ્કૉટિશ વસાહતીઓ આવ્યા હતા. ફ્રેંચોએ આ પ્રદેશને એકેડિયા નામ આપ્યું હતું. આખીયે 17મી સદી દરમિયાન આ પ્રદેશ પરના કબજા માટે બ્રિટિશ અને ફ્રેંચ વસાહતીઓ વચ્ચે લશ્કરી સંઘર્ષ ચાલુ રહેલો અને આ પ્રદેશ પર વારાફરતી કબજો જમાવેલો. 1713માં ફ્રાન્સ અને ઇંગ્લૅન્ડ વચ્ચે યુટ્રેક્ટની સંધિ થતાં સંઘર્ષનો અંત આવ્યો અને ઇંગ્લૅન્ડને આ પ્રદેશ મળ્યો હતો. 1869થી તે કૅનેડાના ડોમિનિયનનો વિભાગ બની રહેલો છે.
શિવપ્રસાદ રાજગોર