નોવોસી બિર્સ્ક (પ્રદેશ)

January, 1998

નોવોસી બિર્સ્ક (પ્રદેશ) : એશિયાઈ રશિયાનો દક્ષિણ-મધ્ય વિભાગીય પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 55° 02´ ઉ. અ. અને 82° 55´ પૂ. રે.. પશ્ચિમ સાઇબીરિયાનો પ્રાદેશિક વહીવટી એકમ. તેનો વિસ્તાર 1,78,000 ચોકિમી. છે. તેની ઉત્તરે ટોમ્સ્ક વિસ્તાર, પૂર્વમાં કેમેરોવો વિસ્તાર, દક્ષિણે કઝાખસ્તાનનો અલ્તાઈ તથા પાવલોદાર વિસ્તાર અને પશ્ચિમે ઓમ્સ્કનો વિસ્તાર આવેલો છે. ઓબ આ પ્રદેશની મુખ્ય નદી છે, જે તેના પૂર્વ ભાગમાં દક્ષિણથી ઉત્તર તરફ વહે છે. આ પ્રદેશના મધ્ય અને દક્ષિણના ભાગોમાં મોટા કદવાળાં સંખ્યાબંધ સરોવરો આવેલાં છે. ચૅની (chany) સરોવર તે પૈકીનું 3400 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવતું મોટામાં મોટું સરોવર છે, પરંતુ તે ધીમે ધીમે સુકાતું જાય છે. અહીંની આબોહવા વિષમ, ખંડીય પ્રકારની છે. ભૂપૃષ્ઠની દૃષ્ટિએ જોતાં, તેનો ઉત્તર અને મધ્ય ભાગ સ્ટેપ અને ટૈગા ભૂમિ તરીકે ઓળખાય છે, જ્યારે અગ્નિ ભાગ ડુંગરાળ છે. તેની મોટાભાગની ભૂમિ સપાટ અને નીચાણવાળી છે.

ઉત્તરમાં શંકુદ્રુમ જંગલો અને પંકભૂમિથી છવાયેલો વિસ્તાર છે, ત્યાંથી દક્ષિણ તરફ જતાં બર્ચ અને આસ્પેનનાં વૃક્ષોનો વિશાળ પટ્ટો આવે છે, વધુ દક્ષિણ તરફી ભાગ વૃક્ષહીન ઘાસના વિસ્તારમાં ફેરવાઈ જાય છે.

શિયાળુ રાઈ અહીંનો મુખ્ય પાક છે; પરંતુ ઘઉં, ઓટ, શણ (hemp) અને બકવ્હીટ (ઘોડા, ઢોર અને મરઘાંના ખોરાક માટે) પણ ઉગાડાય છે. અહીં આવેલો પિટ(કનિષ્ઠ કોલસો)નો અનામત જથ્થો રશિયામાં બીજા ક્રમે આવતો હોવા છતાં તે તદ્દન ઓછા પ્રમાણમાં ખોદી કાઢવામાં આવે છે.

નોવોસી બિર્સ્ક શહેર આ પ્રદેશનું પાટનગર હોવા ઉપરાંત વિવિધ ઉદ્યોગો ધરાવતું કેન્દ્ર પણ છે. અહીંના વિસ્તારમાં ભારે ઇજનેરી ઉદ્યોગો તેમજ ડેરી, ખાદ્ય પદાર્થો, લાકડાં કાપવાની મિલો, કાગળનાં પાટિયાં, રાચરચીલું, દીવાસળી અને સિમેન્ટ જેવા ઉદ્યોગોનો વિકાસ થયો છે. 1959માં તૈયાર થયેલ જળવિદ્યુત-ઊર્જામથક 4 લાખ કિલોવૉટ વિદ્યુતનું ઉત્પાદન કરે છે. આ વિસ્તારની વસ્તીનો મોટોભાગ (90 %) રશિયન છે.

નોવોસી બિર્સ્ક (શહેર) : રશિયન પ્રજાસત્તાકના સાઇબીરિયા વિસ્તારનું મોટામાં મોટું શહેર. નોવોસી બિર્સ્ક પ્રાદેશિક વિભાગનું મુખ્ય વહીવટી મથક. તે ટ્રાન્સ – સાઇબીરિયન રેલમાર્ગ પર તેમજ સાઇબીરિયાના નેર્ઋત્ય ભાગમાં આવેલી ઓબ નદી પર છે. ભૌગોલિક સ્થાન : 55° 02´ ઉ. અ. અને 82° 55´ પૂ. રે. પર મૉસ્કોથી 2800 કિમી. પૂર્વમાં તેમજ બરનૌલથી ઈશાનમાં 265 કિમી. અંતરે આવેલું છે.

આ શહેર નોવોસી બિર્સ્ક પ્રાદેશિક વિભાગ તેમજ નજીકના પ્રદેશમાંની ઉત્પાદક ચીજવસ્તુઓ માટેનું વ્યાપારી મથક અને મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર છે. કુઝનેટસ્ક થાળાની કોલસાની ખાણો અહીં મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વિકસી છે. ઇંધન તરીકે કોલસાની સરળ ઉપલબ્ધિને કારણે તેમજ ટ્રાન્સસાઇબીરિયન રેલમાર્ગ દ્વારા અવરજવર અને વ્યવહારની સુવિધાને કારણે અહીંનું ઔદ્યોગિક માળખું વૈવિધ્યપૂર્ણ બની રહ્યું છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ યુક્રેન પર કબજો કરતાં ત્યાંનાં વીજળીનાં સાધનો અને ઇજનેરી માલસામાન બનાવતાં કારખાનાં અહીં ખસેડવામાં આવ્યાં હતાં. તમામ પ્રકારનાં ખેતીવિષયક સાધનો અને ઓજારો, યંત્રસામગ્રી બનાવતા એકમો, વીજળીના અને રેડિયો ઇજેનરી એકમો, વીજાણુ-સાધનોનાં કારખાનાં, કલાઈનું ખનિજગાળણ કેન્દ્ર, સુગંધી દ્રવ્યોના એકમો, માંસ પૅક કરવાનો ઉદ્યોગ, પોલાદના એકમો, કાપડની મિલો, ખાદ્યપ્રકમણ માટેના એકમો, તેલશુદ્ધીકરણનું કારખાનું, પ્લાસ્ટિક, રંગ, દવાઓ અને રસાયણો બનાવવાનાં કારખાનાં, આટાની મિલો, પગરખાં, લાકડાની ચીજવસ્તુઓ, છાપકામ, ટ્રકો, હવાઈ જહાજ અને વહાણો વગેરેના અનેકવિધ ઉદ્યોગો વિકસ્યા છે. આ ઉપરાંત ખેતીની અને ડેરીની પેદાશો પણ અહીં તૈયાર થાય છે. રશિયાના મધ્યમાં આવેલા આ કેન્દ્રને ‘સાઇબીરિયાના શિકાગો’નું ઉપનામ મળેલું છે.

નોવોસી બિર્સ્ક શૈક્ષણિક તેમજ વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્ર છે, યુનિવર્સિટી અને રશિયન વિજ્ઞાન અકાદમી(1933)ની સાઇબીરિયન શાખાનું વડું મથક 1956માં અહીં સ્થાપવામાં આવેલું છે. રશિયાનું મોટામાં મોટું ઓપેરાહાઉસ અહીં આવેલું છે. એકૅડેમ ગોરોડોક (શૈક્ષણિક નગર) નામના પરામાં વિજ્ઞાનનગર સહિત મોટાભાગની સંશોધનસંસ્થાઓ કેન્દ્રિત થયેલી છે.

1833માં ટ્રાન્સ-સાઇબીરિયન રેલમાર્ગનું બાંધકામ શરૂ થયું ત્યારે એક નાના કસબા તરીકે તે શરૂ થયેલું. ટ્રાન્સ-સાઇબીરિયન રેલમાર્ગના ચાલુ થવા દરમિયાન (1895) પ્રાદેશિક અનુકૂળતા માટે 1896માં આ નગરની સ્થાપના કરવામાં આવેલી. તત્કાલીન શહેનશાહ નિકોલસ બીજાના માનમાં આ નગર નોવો નિકોલેયવસ્ક કહેવાતું હતું. આ શહેરનું આજનું ‘નોવોસી બિર્સ્ક’ નામ 1925માં અપાયું છે, જેનો રશિયન ભાષામાં અર્થ થાય છે ‘નવું સાઇબીરિયા’. રેલમાર્ગ ચાલુ થયા પછી અને સાઇબીરિયાની કુદરતી સંપત્તિનો ઉપયોગ વધવાની સાથે આ શહેરની વસ્તી અને વિકાસ ઉત્તરોત્તર વધતાં ગયાં છે. આજે તે તુર્કસ્તાન-સાઇબીરિયન રેલમાર્ગ પરનું મહત્વનું રેલવે-જંકશન બની ગયું છે. અહીંથી રેલમાર્ગ નૈર્ઋત્ય તરફ બરનૌલ, સેમીપાલાતિન્સ્ક અને તાશ્કંદ તરફ અને અગ્નિકોણમાં કુઝનેટસ્ક થાળાના ઔદ્યોગિક વિસ્તાર તરફ જાય છે. અહીં હવાઈ મથક આવેલું છે. તેમજ ઓબ નદીનો આંતરિક બંદર તરીકે તેમજ ઉપરવાસના ભાગનો નૌકાવ્યવહાર તરીકે પણ ઉપયોગ થાય છે.

 આ શહેરની વસ્તી 15.11 લાખ (2012) જેટલી  હતી.

નિયતિ મિસ્ત્રી