નોલ્સ, વિલિયમ સ્ટૅન્ડિશ (Knowles, William Standish)
January, 1998
નોલ્સ, વિલિયમ સ્ટૅન્ડિશ (Knowles, William Standish) (જ. 1 જૂન 1917, ટૉનટન(Taunton), મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 13 જૂન 2012, ચેસ્ટરફિલ્ડ, મિસૌરી, યુ.એસ.) : અમેરિકન રસાયણવિદ અને 2001ના રસાયણવિજ્ઞાન માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા.
શરૂઆતમાં શાળાકીય શિક્ષણ માટે શેફિલ્ડ, મૅસચૂસેટ્સની બર્કશાયર સ્કૂલ(Berkshire School)માં દાખલ થયેલા. ત્યાં તેમણે સારી પ્રગતિ કરી હતી અને કૉલેજ બોર્ડ એક્ઝામિનેશનનું શિક્ષણ પૂર્ણ કરીને આગળ અભ્યાસ માટે હાર્વર્ડ યુનિવર્સિટીમાં દાખલ થયેલા. ત્યાં તેમણે રસાયણશાસ્ત્રમાં – ખાસ કરીને કાર્બનિક રસાયણમાં ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને 1939માં ઉપસ્નાતક પદવી (undergraduate degree) અને પછી B.S.ની પદવી મેળવી હતી. ત્યાર પછી 1942માં કોલંબિયા યુનિવર્સિટી, ન્યૂયૉર્કમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ મૉન્સેન્ટો કંપની ખાતે સંશોધનકાર્યનું સંચાલન કર્યું. અને નિવૃત્તિ સમય (એટલે કે 1986) સુધી ત્યાં જ રહેલા.
1968ના અરસામાં મૉન્સેન્ટો ખાતે સંશોધનકાર્ય દરમિયાન તેમણે અસમ હાઇડ્રૉજિનેશન પ્રક્રિયા માટે પ્રથમ કિરાલ ઉદ્દીપક વિકસાવી મહત્વની સિદ્ધિ પ્રાપ્ત કરી. તેઓ તે વખતે પાર્કિન્સન રોગના ઉપચાર માટે મહત્વનું ઔષધ L-ડોપા માટે ઔદ્યોગિક સંશ્લેષણ શોધી રહ્યા હતા, જે પાછળથી પાર્કિન્સન રોગની ચિકિત્સા માટે મહત્વનું ઔષધ પુરવાર થયેલું. તેમના શોધેલા પરિવર્તીઓ L-ડોપા ઇનેન્સીઓમર(L-dopa enantiomer)ની અતિ શુદ્ધ ઊપજ (very pure preparations)ના ઉત્પાદનમાં તુરત જ ઉપયોગમાં આવેલા. નોલ્સને મૉન્સેન્ટો કંપનીમાં સંશોધનકાર્ય દરમિયાન DIPAMP ligandનો ઉપયોગ કરીને L-ડોપા ઔષધના ઉત્પાદન માટે ઇનેન્સિયોવરણાત્મક (enantioselective) હાઇડ્રૉજિનેશન સોપાન વિકસાવેલું. આ રીતે ઔદ્યોગિક સ્કેલ સંશ્લેષણ (Industrial-Scale Synthesis)માં ઇનેન્સિયોવરણાત્મક ધાતુ ઉત્પ્રેરણ(ઉદ્દીપન)નો ઉપયોગ કરનાર તેઓ પ્રથમ વૈજ્ઞાનિક હતા.
2001ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારનો અર્ધભાગ વિલિયમ એચ. નોલ્સ અને નોયોરી(Noyori)ને કિરાલીય ઉત્પ્રેરિત હાઇડ્રૉજિનેશન પ્રક્રિયાઓના સંશોધનકાર્ય બદલ એનાયત કરવામાં આવેલ અને બાકીનો અર્ધભાગ કે. બેરી. શાર્પલેસને ફાળવવામાં આવેલ.
આ ઉપરાંત તેમને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિસ્ટ્સનો કેમિકલ પાયોનિયર ઍવૉર્ડ (1983) તથા એકૅડેમી ઑવ્ સાયન્સ, સેન્ટ લુઈસનો પીટર એસ રાવેન લાઇફટાઇમ એચિવમેન્ટ ઍવૉર્ડ(2008) મળ્યા છે.
નિવૃત્તિ બાદ (એટલે કે 1986 પછી) તેઓ ચેસ્ટરફિલ્ડ, મિસૌરીના સેન્ટ લુઈસ નામના પરા વિસ્તારમાં રહેતા હતા. નોલ્સનાં લગ્ન નાન્સી સાથે થયાં હતાં. તેમને ચાર સંતાનો હતાં.
પ્રહલાદ બે. પટેલ