સમન બાઈ (જ. 1825, સિયાલી, તત્કાલીન અલવર રાજ્ય [રાજસ્થાન]; અ. 1885) : રાજસ્થાનનાં જાણીતાં સંત અને કવયિત્રી. તેઓ પ્રખ્યાત ચારણકવિ રામનાથ કવિયાનાં સંતાનોમાં સૌથી નાનાં હતાં. તેમના પિતા તરફથી તેમને શિક્ષણ મળ્યું હતું તેથી તેઓ સહેલાઈથી કાવ્યરચનાની કળા અને ભક્તિગીતો લખતાં શીખ્યાં.
પ્રખ્યાત કવિ બારહટ ઉમેદરામ પલ્હાવટના પ્રપૌત્ર રામદયાલ સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયાં. તેમના સાહિત્યિક માનસના વલણ માટે બંને કુટુંબોનું સાહિત્યિક વાતાવરણ આમ જવાબદાર બન્યું. તેમનાં લગ્ન બાદ તેમણે તેમના પતિ સમક્ષ સાંસારિક જીવન જીવવાની અનિચ્છા અને સંન્યાસ તથા ઈશ્વરની ભક્તિમાં જીવન સમર્પણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. તેમના પતિએ તેમની ઇચ્છાનો સ્વીકાર કર્યો અને તેમનાં કાવ્યોમાં તેમના પતિને તેમણે ઈશ્વર જેટલા જ કૃપાળુ આત્મા તરીકે ઉલ્લેખ્યા.
એમ મનાય છે કે ચોમાસાની ઋતુ દરમિયાન એક વાર તેમને રાધા અને કૃષ્ણનાં આંશિક દર્શન થયાં. ત્યારથી તેમણે કોઈને પણ નહિ જોવાનો નિર્ણય કરીને આંખે પાટો બાંધી આખું જીવન વિતાવ્યું. ‘ઈશમહિમા’, ‘શ્રીકૃષ્ણોપમા’ અને ‘પતિપાત્રોપમા’ જેવા તેમના ગ્રંથોમાં તેમનાં ગીતો અને ભજનોની સહજસ્ફૂર્ત રસકળા માણવા મળે છે. તેમની રચનાઓ સવૈયા, કવિત અને પદચારી જેવા વિવિધ છંદોમાં રચાયેલ છે.
તેમનાં કાવ્યોના વિષયો છે : ઈશ્વરનો મહિમા, તેમના પતિની ઉદારતા, રાધા અને કૃષ્ણની ભક્તિ, દાણલીલા અને ફાગ. તેમની ભાષા વ્રજમિશ્રિત રાજસ્થાની છે. મોટાભાગનાં રાજસ્થાની અને ખાસ કરીને ચારણ કુટુંબોમાં સામાજિક પ્રસંગોએ તેમણે રચેલ ગીતો ગાવાની પ્રથા છે.
બળદેવભાઈ કનીજિયા