કબીરપંથ : કબીરના નામે અનુયાયીઓએ ઊભો કરેલો અને બાર મુખ્ય શાખા ધરાવતો પંથ. સંત કબીર પંથ સ્થાપવામાં માનતા નહોતા. તેમના શિષ્યોમાં મુખ્ય ધર્મદાસ, સુરતગોપાલ, બિજલીખાં, વીરસિંહ બધેલા, જીવા, તત્ત્વા, જગ્ગૂદાસ (જાગૂદાસ) આદિ હતા. આમાંના ધર્મદાસ પટ્ટશિષ્ય હતા.

કબીરના મૃત્યુ પછી ધર્મદાસે કબીરપંથની એક શાખા છત્તીસગઢમાં ચલાવી અને સુરતગોપાલે કાશીવાળી શાખા સંભાળી. ધીરે ધીરે બંને શાખાઓમાં મતભેદ ઊભા થયા, પણ ધર્મદાસી વગેરે કબીરપંથી શાખાઓમાં કબીરનો આદર પયગંબરના રૂપમાં થઈ રહ્યો છે.

આજે કબીરપંથ નીચેની 12 શાખાઓમાં વિભાજિત છે :

(1) સુરતગોપાલદાસ : આ શાખાના પરંપરાગત શિષ્ય કાશીના કબીર ચોરા પર, મગહરની સમાધિ પર અને જગન્નાથ તથા કાશીના મઠો પર અધિકાર રાખે છે. અન્ય શાખાવાળા પણ આ શાખાને પ્રધાન માને છે.

(2) ભગ્ગૂદાસ : ભગવાનદાસ કબીરના શિષ્ય હતા, પણ તે ‘બીજક’ની ચોરી કરી ભાગ્યા તેથી તેમનું નામ ભગ્ગૂદાસ પડ્યું. ભગ્ગૂદાસની ચોરીનો ઉલ્લેખ ‘બીજક’માં કબીરે પોતે પણ કરેલ છે. આ શાખાના પરંપરાગત શિષ્ય ધનૌતી નામે ગામમાં રહેતા.

(3) નારાયણદાસ

(4) ચૂડામણિદાસ

ઉપર ઉલ્લેખેલા ધર્મદાસના નારાયણદાસ અને ચૂડામણિદાસ પુત્રો હતા. મોટા પુત્ર નારાયણદાસે ગુરુની અવજ્ઞા કરી તેથી પિતાએ તેમનો ત્યાગ કર્યો, છતાં વચનચૂડામણિના જેવા આમાં નિયમ ન હોવાથી તેના કેટલાય આચાર્ય થઈ ગયા અને અત્યારે પોતાની મૂળ ગાદી બાંધવગઢ છોડી ભિન્ન ભિન્ન સ્થળોએ ગુરુપણું ભોગવે છે.

ચૂડામણિના વંશજોની શાખા પ્રધાન છે અને તેનું મુખ્ય સ્થાન કબીરધર્મનગર(જિલ્લા રાયપુર, મધ્યપ્રદેશ)માં છે. કબીર અને ધર્મદાસ વચ્ચે થયેલા પ્રશ્નોત્તરના ગ્રંથમાં ‘કાલીવંશી’નો ઉલ્લેખ છે, તે નામે આજ સુધી આ શાખાનો ક્રમ ચાલે છે. આ શાખાના તેરમા આચાર્ય પં. દયારામસાહેબ હતા. આ શાખાનો નિયમ છે કે આચાર્યનો જ્યેષ્ઠ પુત્ર જ ગાદીપતિ બને.

(5) જાગૂપંથી : તેમની ગાદી બિહાર પ્રાંતના મુજફ્ફરપુર જિલ્લાના સબડિવિઝન હાજીપુર પાસેના બિદ્રપુર ગામમાં છે. આ શાખાની સ્થાપના જગ્ગૂદાસે કરેલી.

(6) જીવનદાસ : તેમણે અવધના ગોંડા જિલ્લાના કોટવા ગામે સતનામી સંપ્રદાય સ્થાપિત કર્યો હતો, જેના શરૂઆતમાં ત્રણ પંથ થયા. બીજો પંથ ફરુખાબાદમાં હતો, જ્યાં એ લોકો સાધુ કહેવાય છે. ત્રીજો પંથ મધ્યપ્રદેશના છત્તીસગઢમાં ભંડારા નામે સ્થાનમાં હતો જ્યાં મોટાભાગે ચમાર શિષ્યો છે. આગળ જતાં આ પંથની બીજી સાત-આઠ ગાદીઓ સ્થપાઈ હતી.

(7) કમાલ : જનશ્રુતિ અનુસાર તે કબીરના પુત્ર હતા. તેમના ચેલા ‘યોગી’ કહેવાતા. કબીરસાહેબનો દોહો છે :

‘‘બૂડા વંશ કબીરકા, ઉપજા પૂત કમાલ

હરિકા સુમિરન છાંડિકે, ઘર લે આયા માલ ॥’’

(8) ટકસાલી : તે વડોદરાના નિવાસી હતા અને ત્યાં તેમનો મઠ છે.

(9) જ્ઞાની : સહસરામની પાસેના મઝની ગામમાં રહેતા હતા. તેની આજુબાજુ તેમની શિષ્યમંડળી હતી.

(10) સાહેબરામ : તે કટકમાં રહેતા. તેમના શિષ્ય અન્ય કબીરપંથીઓથી નિરાળું શિક્ષણ અને વિલક્ષણતા ધરાવે છે, તેથી તે ‘મૂલપંથી’ કહેવાય છે.

(11) નિત્યાનંદ

(12) કમલાનંદ

આ બંનેએ દક્ષિણમાં નિવાસ કરી પંથનો પ્રચાર કર્યો છે.

આ ઉપરાંત હંસકબીર, દાનકબીર, મંગલકબીર, સત્યકબીર, નામકબીર, ઉદાસી કબીર આદિ કબીરપંથીઓની અન્ય કેટલીક શાખાઓ છે.

1901ની જનસંખ્યાને આધારે ભારતમાં કબીરપંથીઓની સંખ્યા 8,43,171 હતી.

ભારતમાં તેમની વિશેષ સંખ્યા ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છે. થોડા પ્રમાણમાં પંજાબ, મહારાષ્ટ્ર તેમજ દક્ષિણમાં મૈસૂર અને ચેન્નાઈમાં પણ કબીરપંથીઓ છે.

વાસુદેવ યાજ્ઞિક