નૉટિકલ માઈલ : દરિયાઈ અંતર માપવાનો લંબાઈ એકમ. નૉટિકલ માઈલ એ પૃથ્વીના કેન્દ્રમાંથી એક અંશ(degree)ના સાઠમા ભાગ(એટલે કે એક મિનિટ)ના ખૂણાની ચાપ(arc)ની પૃથ્વીની સપાટી પરની લંબાઈ, જે 6080 ફૂટ (1.15 માઈલ અથવા 1.85 કિમી.) થાય.
નૉટિકલ માઈલ મૂળ ‘નૉટ’ શબ્દ સાથે સંબંધ ધરાવે છે. નૉટ એ વહાણોની ગતિ માપવાનો એકમ છે. એક નૉટની ગતિ એટલે એક કલાકે એક નૉટિકલ માઈલની ગતિ. 25 નૉટની ઝડપે જતું વહાણ દર કલાકે 25 નૉટિકલ માઈલનું દરિયાઈ અંતર કાપે.
જૂના વખતમાં જ્યારે વહાણોની ગતિ માપવા બીજાં સાધનો ઉપલબ્ધ ન હતાં ત્યારે ગતિ માપવા માટે જે રીત વપરાતી તે ‘log chip and line’ રીત કહેવાતી. આ રીતમાં વહાણમાં ગોઠવાયેલ ગરગડી ઉપર દોરી વીંટવામાં આવતી. ‘chip’ એટલે લાકડાનો મોટો ટુકડો જે દોરીને છેડે બાંધેલો હોય તેને વહાણમાંથી ફેંકીને તરતો મૂકવામાં આવે. વહાણ જેમ આગળ વધે તેમ ગરગડીમાંથી દોરી ખેંચાય કારણ કે દોરીના છેડે લાકડાનો મોટો ટુકડો બાંધ્યો હોય. દોરી ઉપર દર 47 ફૂટ અને 3 ઇંચના અંતરે ગાંઠ (knot) બાંધેલી હોય. વહાણ 28 સેકન્ડ ચાલે તે દરમિયાન દોરીની કેટલી ગાંઠો ગરગડીમાંથી બહાર ખેંચાઈ તે નોંધવામાં આવે. એક કલાકનો 28 સેકન્ડ જેટલામો ભાગ થાય તેટલામો ભાગ 47 ફૂટ અને 3 ઇંચ એ 6080 ફૂટ(નૉટિકલ માઈલ)નો થાય. જો 28 સેકન્ડમાં ગરગડીમાંથી પાંચ નૉટ જેટલી લંબાઈની દોરી ખેંચાઈ હોય તો વહાણની ગતિ પાંચ નૉટ (પાંચ નૉટિકલ માઈલ દર કલાકે) છે એમ કહેવાય. આ રીતે વહાણોની ગતિ ‘નૉટ’માં મપાવી શરૂ થઈ. આજે પણ વહાણ/જહાજની ગતિ નૉટમાં દર્શાવાય છે.
ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ