નોત્રદામ પર્વતમાળા : કૅનેડાના ક્વિબેક પ્રાંતના પૂર્વમાં આવેલી પર્વતમાળા. યુનાઇટેડ સ્ટેટ્સના પૂર્વ ભાગમાં આવેલા ઍપેલેશિયન પર્વતસંકુલનું તેમજ વરમૉન્ટ રાજ્યમાં આવેલા ‘ગ્રીન માઉન્ટેન્સ’નું તે ઈશાનતરફી વિસ્તરણ છે. આ પર્વતમાળા નૈર્ઋત્ય-ઈશાન ઉપસ્થિતિ(trend)વાળી છે અને સેન્ટ લૉરેન્સ નદીની દક્ષિણે તેને લગભગ સમાંતર ચાલી જાય છે. ગૅસ્પ દ્વીપકલ્પની મધ્યમાંથી આરપાર જતી આ પર્વતમાળા ઈશાન કોણ તરફ આશરે 800 કિમી.ની લંબાઈવાળી છે. તેનો પૂર્વ તરફનો છેડો શિકશૉક પર્વતો તરીકે ઓળખાય છે. ક્વિબેકના આ શિકશૉક પર્વતોમાં ‘મૉન્ટ જેક્વીસ કાર્ટિયર’ 1277 મીટરની ઊંચાઈ ધરાવતું તેનું ઊંચામાં ઊંચું શિખર છે. આ વિસ્તારમાં ટેમિસ્કોઆટા, મેમફ્રેમૅગૉગ, મૅગૅન્ટિક તથા સેન્ટ ફ્રૅન્કોઇઝ જેવાં વિશાળ કદનાં સરોવરો આવેલાં છે. સેન્ટ ફ્રૅન્કોઇઝ અને ચૌડિયેર જેવી નદીઓ આ પર્વતોમાંથી નીકળીને ઉત્તર તરફ વહે છે, જે સેન્ટ લૉરેન્સ નદીને મળે છે. આ ઉપરાંત સેન્ટ જ્હૉનની શાખા-નદીઓ આ પર્વતોના દક્ષિણ ઢોળાવો પર વહે છે. આ પર્વતમાળાના નૈર્ઋત્ય ભાગમાંથી ઍસ્બેસ્ટૉસ, ઍન્ટિમની, ક્રોમિયમ તથા લોખંડનાં ખનિજો મળે છે. આ પ્રદેશ મુખ્યત્વે તો પર્યટકો માટેનું આકર્ષણકેન્દ્ર બની રહેલો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે