નોટર, એમી (જ. 23 માર્ચ 1882; અ. 14 એપ્રિલ 1935) : જર્મન મહિલા ગણિતશાસ્ત્રી. ઉચ્ચતર બીજગણિતમાં નવા નવા આવિષ્કારો માટે આધુનિક અરૂપ બીજગણિત(abstract algebra)ના નિષ્ણાતોમાં નામના મેળવનાર.

એલાઁગેન વિશ્વવિદ્યાલયમાં બૈજિક નિશ્ચર (algebraic invariants) ઉપર શોધનિબંધ પ્રસિદ્ધ કરી 1907માં તેમણે પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. 1913થી અવારનવાર તેમના પિતાશ્રી મૅક્સનોધરના સ્થાને એલાઁગેનમાં વ્યાખ્યાનો આપવાનું શરૂ કર્યું. ડેવિડ હિલ્બર્ટ અને ફેલિક્સ ક્લેઇન જેવા પ્રખર ગણિતશાસ્ત્રીના આગ્રહથી તે 1915માં ગુટિંગન વિશ્વવિદ્યાલયમાં જોડાયાં. 1919માં એકૅડેમિક વ્યાખ્યાતા પણ થયાં.

ગુટિંગનમાં તેમના સહકાર્યકર વર્નર સ્મિડલરના સહયોગથી અસમક્રમી ક્ષેત્ર (non-commutative field) પરના ‘મૅથેમેટીશે ઝાઇટશ્રિફ્ટ’ સામયિકમાંના પ્રકાશન દ્વારા અસાધારણ ગણિતશાસ્ત્રી તરીકેની તેમની પ્રતિભા ઊપસી. ઇષ્ટમંડળના સર્વસામાન્ય સિદ્ધાંત(general theory of ideals)માં મહત્વ ધરાવતા શેષ પ્રમેય (residue theorem) પર તેમણે કામ કર્યું, બધા જ વિકલ્પો આવરી લેતો ઇષ્ટમંડળનો સર્વસામાન્ય સિદ્ધાંત વિકસાવ્યો. 1927થી નોટરે અસમક્રમી (non-commutative) બીજગણિત, તેનાં સુરેખ પરિવર્તનો (linear transformations) અને સમક્રમી સંખ્યાક્ષેત્રો પર તેના વિનિયોગ અંગે તેમનું લક્ષ કેન્દ્રિત કર્યું. અસમક્રમી બીજગણિતના સિદ્ધાંતને હેલ્મટહાસ અને રિચાર્ડ બ્રોસરના સહયોગથી તેમણે અભિનવ ખ્યાલના સ્વરૂપમાં વ્યક્ત કર્યો. અસમક્રમી બીજગણિતની સંરચના (structure) અને તેના સમક્રમી બીજગણિતમાં વિનિયોગ (application) અંગે ઝીણવટથી અભ્યાસ કર્યો અને સમક્રમી ક્ષેત્રમાં સદિશ ગુણનફલ (cross product) દ્વારા તેનો વિનિયોગ કર્યો. અતિસંકર (hypercomplex) સંખ્યાસંહતિ અને તેનું નિદર્શન તેમજ અસમક્રમી બીજગણિત ઉપર મહત્વનાં સંશોધનપત્રો આ સમય દરમિયાન તેમણે પ્રસિદ્ધ કર્યાં.

સંશોધન અને શિક્ષણ ઉપરાંત નોટરે ‘મૅથેમેટીશે એનાલેન’ પત્રના સંપાદનમાં યોગદાન કર્યું. 1930થી 1933 દરમિયાન ગુટિંગનની બધી જ ગણિત અંગેની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે કેન્દ્રસ્થાને રહ્યાં હતાં.

1933માં નાઝી સત્તાનો ઉદય થયો ત્યારે નોટર અને ગુટિંગનના અન્ય યહૂદી અધ્યાપકોને નોકરીમાંથી કમી કરવામાં આવ્યા. આથી તે જ વર્ષે ઑક્ટોબરમાં મુલાકાતી અધ્યાપક તરીકે તેઓ યુ.એસ. ગયાં અને પ્રિન્સ્ટનમાં ઉચ્ચ અભ્યાસની સંસ્થામાં વ્યાખ્યાનો આપવા અને સંશોધનકાર્ય કરવા માટે બ્રાયન માવ્ર કૉલેજમાં જોડાયાં હતાં.

શિવપ્રસાદ મ. જાની