સ્ટૉઇકવાદ : પ્રાચીન ગ્રીસ અને રોમનયુગમાં પ્રચલિત થયેલો તત્વચિંતનનો એક સંપ્રદાય. ગ્રીક શબ્દ ‘Stoa’, બહારથી ખુલ્લો પૉર્ચ હોય તેવી પણ અનેક સ્તંભોની હારમાળાવાળી કેટલીક જાહેર ઇમારતો માટે પ્રયોજાતો હતો.
એથેન્સના આવા એક ‘Stoa’માં કાઇટિયમ(Citium)ના ઝેનો (Zeno : 333–264 BC) વ્યાખ્યાનો આપતા હતા; તેથી જ, ઝેનોની અને તેમના અનુયાયીઓની તાત્વિક વિચારસરણીને ‘સ્ટૉઇકવાદ’ (Stoicism) તરીકે ઓળખવામાં આવે છે. સ્ટૉઇકવાદમાં માનતા ચિન્તકોને ‘સ્ટૉઇક-ચિન્તકો’ (Stoics) તરીકે ઓળખવામાં આવે છે. ઝેનો પછી ક્લિન્થિસ (લગભગ 331–233 BC) અને ક્લિન્થિસ પછી ક્રાઇલીપસ (લગભગ 280થી 207 BC) સ્ટૉઇકવાદના મુખ્ય પ્રવક્તાઓ હતા. આ ત્રણ ચિન્તકોની કોઈ કૃતિઓ અત્યારે પ્રાપ્ત થતી નથી. ઈ. સ.ની ત્રીજી સદીમાં દિયૉજિનેસ (Diogenes) લેઅર્શિઅસે આ સ્ટૉઇક ચિન્તકોનો પરિચય તેમના એક ગ્રંથમાં આપ્યો છે.
નીચેના રોમન ચિન્તકોએ પણ સ્ટૉઇકવાદમાં મહત્વનું યોગદાન કર્યું છે. તેમની મહત્વની કૃતિઓ પણ સુલભ છે. તેમનાં નામ છે :
(1) રોમન સમ્રાટ નીશેના સલાહકાર સેનેકા (ઈ. પૂ. 4 – ઈ. સ. 65);
(2) એપિક્ટેટસ (ઈ. સ. 50 – ઈ. સ. 120) અને
(3) રોમન સમ્રાટ મારકસ ઑરેલિયસ (ઈ. સ. 121 – ઈ. સ. 180).
રોમન સ્ટૉઇકવાદી ચિન્તકોએ ખાસ તો સદાચાર-વિષયક અને રાજ્યવ્યવસ્થા-વિષયક ચિન્તન રજૂ કર્યું છે.
(1) સ્ટૉઇક તર્કશાસ્ત્ર : દિયૉજિનેસે નોંધ્યું છે કે ક્રાઇસિપસની લગભગ 118 કૃતિઓ તર્કશાસ્ત્ર(logic)ને જ લગતી હતી. વીસમી સદીમાં જેને ‘વિધાનપરક તર્કશાસ્ત્ર’ કહેવાય છે. તેનાં મૂળ સ્ટૉઇક તર્કશાસ્ત્રમાં જોઈ શકાય છે. કાઇસિપસે તર્કશાસ્ત્રની આ શાખાનો સ્વતન્ત્ર વિચાર કર્યો હતો.
જોકે સ્ટૉઇક ‘લૉજિક’નું ક્ષેત્ર વિશાળ છે. તેમાં વ્યાકરણ, ‘રહેટરિક’ (rhetoric), ભાષાવિષયક તત્વજ્ઞાન વગેરેનો સમાવેશ થાય છે.
કેટલાંક સાદાં અવિશ્લેષિત વિધાનોને ‘…અને…’, ‘…અથવા…’ કે ‘જો…તો…’ વગેરેને તાર્કિક કારકરૂપ શબ્દોથી જોડી શકાય છે. જેમ કે ‘P અથવા Q’ એ વિકલ્પ-નિરૂપક વિધાન (disjunction) છે; ‘P અને Q’ એ સમુચ્ચયનિરૂપક વિધાન (conjunction) છે. સ્ટૉઇક તર્કશાસ્ત્રમાં આવાં વિધાનોનો સમાવેશ કરતાં પ્રમાણભૂત અનુમાન-રૂપો નીચે દર્શાવાયાં છે :
(i) જો p તો q; p, તેથી q
(ii) જો p તો q; q નહિ, તેથી p નહિ.
(iii) p અને q બંને નહિ; p, તેથી q નહિ.
(iv) કાં તો p અથવા q; p, તેથી q નહિ.
(v) કાં તો p અથવા q; p નહિ, તેથી q.
ક્રાઇસિપસે વિધાનોનાં સત્યમૂલ્યનો વિચાર કર્યો છે. તેમણે દ્વિ-મૂલ્યાત્મકતા(bivalence)નો સિદ્ધાન્ત નિરપવાદ રીતે સ્વીકાર્યો છે. દ્વિ-મૂલ્યની દૃષ્ટિએ કોઈ પણ વિધાન કાં તો સત્ય હોય છે અથવા અસત્ય હોય છે. આ ઉપરાન્ત, ક્રાઇસિપસ મુજબ કાં તો p ને સ્વીકારો અથવા p ના નિષેધને (not-pને) સ્વીકારો. તેમાં કોઈ ત્રીજો વિકલ્પ હોતો નથી. આ વર્જિત-મધ્યનો નિયમ છે.
(2) સ્ટૉઇક જ્ઞાનવિચાર (epistemology) : સ્ટૉઇકવાદ મુજબ મન કોરા કાગળ જેવું છે. તેના ઉપર અનુભવોના હસ્તાક્ષર થાય છે; તેથી જ જ્ઞાન શક્ય બને છે. જ્ઞાનેન્દ્રિયોથી પ્રાપ્ત થતા અનુભવો જ્ઞાનનાં મૂળમાં છે. આમ, આ ચિન્તકો અનુભવવાદ(empiricism)ના પક્ષમાં છે. તે ઉપરાંત તેઓના પ્રકૃતિવાદ (naturalism) મુજબ મનુષ્યને મળેલી કુદરતી જ્ઞાનશક્તિઓ વિશ્વાસપાત્ર નથી તેવું કહી શકાય નહિ. પ્લેટોથી વિરુદ્ધનો મત રજૂ કરતા સ્ટૉઇકવાદ મુજબ વિશેષ વસ્તુઓને જ વાસ્તવિક અસ્તિત્વ હોય છે; જેમ કે ‘આ વૃક્ષ’, ‘આ પર્વત’, ‘આ ફૂલ’ વગેરે. ‘વૃક્ષત્વ’, ‘મનુષ્યત્વ’ વગેરે તો માનસરચિત વિચારો જ છે. પ્લૅટો અને ઍરિસ્ટોટલનો રૂપતત્ત્વો(forms)નો સિદ્ધાંત સ્ટૉઇકવાદીઓ સ્વીકારતા નથી.
સ્ટૉઇકવાદનો મુખ્ય વિચાર એ છે કે મનુષ્યના કેટલાક અનુભવો વસ્તુને યથાર્થ રૂપે ગ્રહણ કરે છે. મનુષ્યના કેટલાક પ્રત્યક્ષાનુભવો તેના વિષયને દૃઢ રીતે ગ્રહણ કરે છે. તે વસ્તુજન્ય હોય છે; કલ્પનાજન્ય નહિ. તે અનુભવો વસ્તુજન્ય હોવાથી વસ્તુના આકાર મુજબનો તેના જ્ઞાનનો આકાર હોય છે; તેથી તે અચૂક રીતે વિષયગ્રાહક યથાર્થ અનુભવો જ હોય છે. તેવા જ અનુભવો સત્યનું પ્રમાણ બને છે. વસ્તુ તેની છાપ જ્ઞાતાના મનમાં મૂકી જાય છે. બાહ્ય વસ્તુને સીલ (seal) માનો અને જ્ઞાતાના મનને મીણ (wax) માનો તો એમ કહી શકાય કે જ્ઞાતાના મનમાં બાહ્ય વસ્તુના મૂળરૂપ જેવી જ છાપ પડે તો જ્ઞાન યથાર્થ ગણાય.
જે વસ્તુ છે તેની જ છાપ પડે અને વસ્તુ જેવી છે તેવી જ છાપ પડે અને વસ્તુના અભાવમાં તે છાપ ન પડે તો જ તે જ્ઞાન સાચું છે.
વસ્તુજન્ય વિષયગ્રાહક યથાર્થ અનુભવ એટલે સત્યજ્ઞાન. વસ્તુજન્ય હોવાથી જ તે જ્ઞાન વસ્તુને યથાર્થ રૂપે ગ્રહણ કરે છે. વસ્તુજન્ય ન હોય તેવા અનુભવોને ભ્રમ કે ભ્રાન્તિ તરીકે જ ગણાવાય છે.
કેવળ સજીવ, સ્પષ્ટ અને વિષયગ્રાહક અનુભવો ઉપરાંત તે અનુભવોનો જ્ઞાતા દ્વારા થતો સ્વીકાર કે અસ્વીકાર પણ સ્ટૉઇક જ્ઞાનમીમાંસામાં એટલો જ મહત્ત્વનો છે. જ્ઞાતા પોતે કોઈ વસ્તુની અનુભવાત્મક છાપને માન્યતા (assent) આપે પછી જ તે અનુભવને સત્ય ગણાય. ટૂંકમાં, જ્ઞાતાને પ્રત્યક્ષાનુભવ હોય, તે અનુભવને તે જ્ઞાતા માન્ય કરે અને તે અનુભવ યથાર્થ વિષયગ્રાહક અનુભવ હોય તો અને તો જ, તે અનુભવોમાંથી મળતું જ્ઞાન યથાર્થ ગણાય. સત્ય એટલે જ્ઞાન અને વસ્તુ વચ્ચેની અનુરૂપતા.
પ્લૅટોની અકાદમીના સંદેહવાદીઓ(sceptics)ને સ્ટૉઇકવાદનો આ જ્ઞાનવિચાર મંજૂર ન હતો. પાગલ મનુષ્યોને પણ સજીવ, સ્પષ્ટ અને વિષયગ્રાહક અનુભવો જેવા જ અનુભવો થાય છે. સ્વપ્નોમાં કે ભ્રમમાં પણ તેવા જ અનુભવો થાય છે. ટૂંકમાં, વસ્તુજન્ય હોય તેવા અને વસ્તુજન્ય ન હોય તેવા અનુભવો ઘણી પરિસ્થિતિમાં એકસરખા અને ભેદ પાડી ન શકાય તેવા હોય છે. તેથી જ્ઞાનની યથાર્થતા વિશેનો સંશય (doubt) કાયમ રહે છે.
સ્ટૉઇકવાદીઓ આવો સંદેહવાદ માન્ય કરતા નથી. વસ્તુજન્ય ન હોય તેવા અનુભવો(ભ્રમ, સ્વપ્ન વગેરે)નું અસ્તિત્વ તો તેઓને સ્વીકાર્ય છે; પરંતુ તેથી કોઈ પણ જ્ઞાતાને ક્યારેય પણ વસ્તુજન્ય, વિષયગ્રાહક યથાર્થ અનુભવો થતા જ નથી તેવું સ્ટૉઇકવાદમાં માન્ય નથી. સંદેહવાદીઓ પૂછે છે કે વસ્તુજન્ય ન હોવા છતાં વસ્તુજન્ય લાગતા અનુભવને કઈ રીતે સમજવો ?
(3) સ્ટૉઇક ભૌતિકશાસ્ત્ર : સ્ટૉઇકવાદ મુજબ જગતમાં બધું જ મૂર્ત છે, ભૌતિક છે, પાર્થિવ (corporeal) છે. કશું અમૂર્ત અભૌતિક નથી. આત્મા, ઈશ્વર, બુદ્ધિતત્વ બધું જ ભૌતિક છે. સ્ટૉઇકવાદ ભૌતિક એકતત્વવાદ (monism) છે. આત્મા અને શરીરની આંતરક્રિયા તો તે બંને ભૌતિક/મૂર્ત/પાર્થિવ હોય તો જ શક્ય બને.
સ્ટૉઇકવાદીઓ નિષ્ક્રિય ગુણરહિત મૂળ દ્રવ્યને તેમજ તેમાં બુદ્ધિતત્વ (logos) રૂપે પ્રવર્તતાં સક્રિય તત્વને એમ બે નિત્ય તત્વોને માને છે. આદિમ અગ્નિતત્વ (fire) એ જ ઈશ્વર, એ જ ‘લૉગોસ’. મનુષ્યનો આત્મા વિશ્વાત્માનો અંશ છે. બંને મૂળ અગ્નિતત્વ રૂપે જ સત્ છે. આદિમ અગ્નિતત્વ (ઈશ્વર) જગદ્વ્યાપી છે, મનુષ્યોનો આત્મા તેના સમગ્ર દેહને વ્યાપે છે. તર્કબુદ્ધિ (Reason) = ઈશ્વર = આદિમ અગ્નિતત્વ એ સક્રિય તત્વ છે. જગતમાં વ્યવસ્થા, હેતુલક્ષિતા, નિયમ, ક્રમ, સૌંદર્ય અને યોજના છે. વિશ્વ કુદરતી નિયમને અધીન છે. કાર્યકારણનો નિયમ સર્વવ્યાપી છે; તેથી મનુષ્ય પણ તેમાંથી મુક્ત નથી અને તેને સંકલ્પસ્વાતન્ત્ર્ય (freedom of will) નથી. અગ્નિમાંથી વાયુ, વાયુમાંથી જળ અને તેમાંથી પૃથ્વી એમ ઉત્પત્તિ થાય છે. પાછાં વળતાં આ જ તત્વો મૂળ અગ્નિતત્વમાં શમી જાય છે.
વિશ્વ સર્વદેશીય નિરપેક્ષ તર્કસંગત નિયમને અધીન છે. આ નિયમ નિરપવાદ છે. આ ઉપરાન્ત, તર્કબુદ્ધિ મનુષ્યનું મૂળ સ્વરૂપ છે, હાર્દ છે. તર્કબુદ્ધિને અનુસરનાર વ્યક્તિ વિશ્વના નિયમને જ અનુસરે છે; પ્રકૃતિ પ્રમાણે જ જીવે છે. બધું અનિવાર્ય રીતે બને છે.
ઈશ્વર, સ્ટૉઇકવાદ મુજબ, વ્યક્તિરૂપ (personal) નથી; પરંતુ વિશ્વવ્યાપી અને અન્તર્નિષ્ઠ (immanent) છે. તે વિશ્વાતીત (transcendent) નથી. જોકે ઘણી વાર તેઓ ગ્રીક દેવ ઝૂસ(Zeus)ને જ ઈશ્વર માને છે, તેથી કેટલીક તાર્કિક આપત્તિઓ થાય છે.
(4) સ્ટૉઇકવાદી નીતિશાસ્ત્ર (ethics) : સ્ટૉઇકવાદીઓ તેમના કઠોર અતિસંયમી નીતિશાસ્ત્ર માટે જાણીતા છે. ‘સ્ટૉઇક’ શબ્દ સહનશીલતા, ધીરજ, આફતો અને આપત્તિઓ પ્રત્યે અલિપ્તતા અને અન્તર્મુખી દૃષ્ટિકોણ માટે પણ પ્રયોજાય છે. માણસના દુ:ખનું મૂળ વસ્તુઓ પોતે નહિ, પણ વસ્તુઓ પ્રત્યેનાં તેનાં મનોવલણો-(attitudes)માં છે.
આમ તો સ્ટૉઇકવાદીઓ નિયતિવાદીઓ છે; છતાં તેઓ એમ પણ કહે છે કે જે માણસના હાથમાં છે તે બાબતો ઉપર નિયંત્રણ કેળવવું અને જે તેના હાથમાં નથી તેવી બાબતોને વિશે નિરર્થક અફસોસ કે વ્યર્થ શોક કરવો નહિ. જે માણસને પ્રારબ્ધે આપ્યું નથી તેને પ્રારબ્ધ પણ માણસ પાસેથી લઈ શકે નહિ. તે સમયે ગુલામી પ્રથા પ્રવર્તતી હોવા છતાં સ્ટૉઇક ચિન્તકો વિશ્વનાગરિકતાવાદી હતા.
ઝેનો કહે છે કે મનુષ્યોને બે કાન અને એક જીભ હોય છે તેથી તેણે બોલવા કરતાં તો વધારે સાંભળવાનું રાખવું જોઈએ. ઝેનોના ઉપદેશ મુજબ તર્કબુદ્ધિ જ્યાં લઈ જાય ત્યાં જવું જોઈએ. અનુભવવાદી, પ્રકૃતિવાદી, ભૌતિકવાદી ચિન્તન સર્વેશ્વરવાદી હોય અને તેમાં તર્કબુદ્ધિ-આશ્રિત સદાચારનું ખૂબ મહત્વ હોય તે બાબત ખાસ નોંધપાત્ર છે.
સ્ટૉઇકવાદીઓ સદગુણનિષ્ઠ જીવનશૈલીમાં માને છે. તેમાં ધીરજ, સહનશીલતા, સંયમ અને સુખ-દુ:ખ પ્રત્યેની ઉદાસીનતાને મહત્વ છે.
સ્ટૉઇકવાદ પ્રમાણે પ્રજ્ઞા (ગ્રીક શબ્દ sophia), હિંમત, ન્યાય અને સંયમ – એ ચાર મુખ્ય સદગુણો (virtues) છે. તે જ નૈતિક મૂલ્ય ધરાવે છે. તે જ નૈતિક શ્રેય (moral good) છે. તેના સિવાયની કોઈ બાબત સંપત્તિ, સ્વાસ્થ્ય, આનન્દ કે ખુદ જીવન પણ કશું નૈતિક મૂલ્ય ધરાવતું નથી; ગરીબી, માંદગી, પીડા કે મૃત્યુ પણ નૈતિક અનિષ્ટ નથી. સદગુણ સિવાય કંઈ સારું નથી અને દુર્ગુણ સિવાય કશું બૂરું નથી. સદગુણ તર્કબુદ્ધિ-આશ્રિત છે, તેથી તે જ્ઞાન-આશ્રિત છે; તેથી જ, ‘વિઝ્ડમ’ – પ્રજ્ઞા (sophia) એ જ સર્વોપરિ સદગુણ છે. જોકે પ્રજ્ઞાવાન વ્યક્તિઓ જગતમાં ખૂબ ઓછી છે તે પણ સ્વીકારવામાં આવ્યું છે. આવેગો/વૃત્તિઓનું સંપૂર્ણ દમન કરવું જોઈએ તેવો મત તેમજ સદગુણ સિવાય કશું સારું કે ઇચ્છનીય જ નથી તેવો અતિ કડક મત પાછળથી સ્ટૉઇકવાદીઓએ પડતો મૂક્યો. તેમણે સ્વીકારવું પડ્યું કે માંદગી કરતાં સ્વાસ્થ્ય અને ગરીબી કરતાં સંપત્તિ મનુષ્યને માટે જરૂર ઇચ્છનીય અને વધુ પસંદગીપાત્ર છે. પ્રજ્ઞાવાળી વ્યક્તિ પણ બીમારીને બદલે સ્વાસ્થ્ય પસંદ કરશે, પછી ભલે સ્વાસ્થ્ય પોતે સ્વત:મૂલ્ય ધરાવતો સદગુણ ન હોય. જોકે સદગુણ એ જ જ્ઞાન છે, એ જ સુખ છે, એ જ નૈતિક શ્રેય છે એ મતમાં મૂળભૂત રીતે સ્ટૉઇકવાદીઓએ કોઈ સમાધાન કર્યું નથી. માનવપ્રકૃતિ અને વિશ્વપ્રકૃતિ તર્કસંગત (rational) હોવાથી તે મુજબ જીવન ઘડવું તે જ નૈતિકતા એવો સ્ટૉઇકનો મત છે.
મધુસૂદન બક્ષી