નેહીમીઆહ, ગ્રુ (ખ્રિસ્તી ધર્મપ્રવેશસંસ્કાર) : 26 સપ્ટેમ્બર 1641, મૅનસેટ્ટર, પારીસ, વૉરવિકશાયર, ઇંગ્લૅન્ડ; અ. 25 માર્ચ 1712, લંડન) : અંગ્રેજ વનસ્પતિશાસ્ત્રી, કાયચિકિત્સક (physician) અને સૂક્ષ્મદર્શિક (microscopist). તે ઇટાલિયન સૂક્ષ્મદર્શિક માર્સેલો માલ્પિધીની જેમ વનસ્પતિ શરીરરચનાવિજ્ઞાનના સંસ્થાપક હતા. માલ્પિધીએ જ્યારે વનસ્પતિશરીરવિજ્ઞાન વિશે રૉયલ સોસાયટી, લંડનને હસ્તપ્રત રજૂ કરી, તે જ સમયે ગ્રુએ પ્રથમ પુસ્તક ‘ધી અનૅટૉમી ઑવ્ વેજિટેબલ્સ બિગન’ પ્રકાશિત કર્યું.
તેમણે 1661માં કેમ્બ્રિજ યુનિવર્સિટીની સ્નાતક પદવી પ્રાપ્ત કરી અને 1671માં લંડન યુનિવર્સિટી, નેધરલૅંડ્ઝની એમ.ડી.ની ઉપાધિ મેળવી. તેમણે કન્વેન્ટ્રી, વૉરવિકશાયરમાં ચિકિત્સક તરીકેની સેવાનો પ્રારંભ કર્યો; પરંતુ પછીથી તેઓ લંડન ગયા. પ્રાણીશરીરવિજ્ઞાનના તેમના પ્રશિક્ષણે વનસ્પતિશરીરવિજ્ઞાનમાં તેમને રસ જગાડ્યો. તેમના ઉપર ઉલ્લેખેલ પુસ્તકમાં વાલના બીજની રચનાની વિસ્તૃત માહિતીનો સમાવેશ થાય છે. તેમણે આ પુસ્તકમાં કોષોના અસ્તિત્વની નોંધ આપી છે અને ભ્રૂણમૂળ (radicle), ભ્રૂણાગ્ર (plumule) અને મૃદુતક (parenchyma) જેવા ઘણા પારિભાષિક શબ્દોનો ઉપયોગ કર્યો છે.
તેમના સર્વશ્રેષ્ઠ સર્જન ‘વનસ્પતિઓનું શરીરરચનાવિજ્ઞાન’(1682)માં પુષ્પની અંત:સ્થ રચનાનો વિભાગ અને કાષ્ઠનાં ત્રિપારિમાણિક સૂક્ષ્મદર્શી રચના દર્શાવતાં ઘણાં સુંદર ઉત્કીર્ણનો (engravings) નોંધપાત્ર છે. આ પુસ્તકમાં પુંકેસર અને પરાગરજની નરલિંગી અંગ અને સ્ત્રીકેસરની માદાલિંગી અંગ તરીકે પ્રદર્શિત થયેલી સંકલ્પના પણ ઉલ્લેખનીય છે.
બળદેવભાઈ પટેલ