નેહેર, ઇર્વિન (Neher, Erwin)

January, 1998

નેહેર, ઇર્વિન (Neher, Erwin) (જ. 20 માર્ચ 1944, લેન્ડ્સ્બર્ગ એમ લેચ, જર્મની) : કોષોની ‘એક-આયનીય છિદ્રનલિકા’(single-ionchannel)ના કાર્યની શોધ માટે સન 1991નું નોબેલ પારિતોષિક તેમને બર્ટ સેકમૅન સાથે સરખા ભાગે પ્રાપ્ત થયું હતું. તેઓ જર્મન જૈવભૌતિકશાસ્ત્રવિદ હતા અને તેમણે કોષીય દેહધાર્મિક વિદ્યામાં વિશેષ કાર્ય કર્યું હતું. તેઓ શિક્ષિકા માતા અને ડેરીની કંપનીમાંના અધિકારીના પુત્ર હતા. સન 1963થી 1966 સુધી તેઓ મ્યુનિચરની ટૅકનિકલ વિશ્વવિદ્યાલયમાં ભૌતિકશાસ્ત્ર ભણ્યા હતા. સન 1966માં કૂલબ્રાઇટ શિષ્યવૃત્તિ મેળવીને તેઓ વિસ્કોન્સિન વિશ્વવિદ્યાલયમાં એક વર્ષ ભણ્યા. યેલ વિશ્વવિદ્યાલયમાં પોસ્ટડૉક્ટરલ કાર્ય કરતી વખતે તેઓ એવા મારિયા નેહેરને મળ્યા અને તેની સાથે 1978માં લગ્ન કરીને તેમણે 5 સંતાનો પ્રાપ્ત કર્યાં. સન 1983થી તેઓ મેક્સ પ્લેન્ક ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ જૈવભૌતિકશાસ્ત્રીય રસાયણશાસ્ત્ર, ગોટિન્ગ્ટનમાં નિયામક બન્યા હતા અને સન 2011થી તેઓ ત્યાંના વિસમ્માનીય પ્રાધ્યાપક (professor emeritus) બન્યા છે.

ઇર્વિન નેહેર

કોષોની સપાટીમાં થઈને વીજભારિત પરમાણુઓ (આયનો, ions) પસાર થાય છે અને તેઓ ચેતાઓ અને સ્નાયુઓમાં સંકેત-સંદેશાઓના વહનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સન 1980માં તેમણે અને સેકમૅન બર્ટે વીજભારિત આયનોના વહનની આ પ્રક્રિયામાં થતા અતિમંદ વીજતરંગને માપવાની પદ્ધતિ શોધી કાઢી. તેને કારણે આયનોનું વહન કોષસપાટી પરની છિદ્રનલિકાના અસ્તિત્વની પૂર્ણ ખાતરી થઈ.

શિલીન નં. શુક્લ