સપ્રુ તેજબહાદુર (સર)

January, 2007

સપ્રુ તેજબહાદુર (સર) (જ. 3 ડિસેમ્બર 1875, અલીગઢ; અ. 20 જાન્યુઆરી 1949, દિલ્હી) : કૉંગ્રેસના મવાળ જૂથના નેતા, વાઇસરૉયની કારોબારી સમિતિમાં કાયદા વિભાગના સભ્ય (મંત્રી), અને ઇંગ્લૅન્ડની પ્રિવી કાઉન્સિલના સભ્ય.

તેજબહાદુર સપ્રુ (સર)

તેજબહાદુરનો જન્મ કાશ્મીરી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. આગ્રા કૉલેજમાંથી બી.એ. અને એમ.એ.ની ડિગ્રી પ્રથમ શ્રેણીમાં પ્રથમ આવીને મેળવી. એલએલ.બી. પાસ કર્યા પછી તેમણે મોરાદાબાદની જિલ્લા અદાલતમાં બે વર્ષ વકીલાત કરી. હાઈકોર્ટમાં વકીલાત કરવા વાસ્તે, ત્યાંથી તે અલ્લાહાબાદ ગયા અને વકીલાત સાથે એલએલ.એમ. અને એલએલ.ડી.ની ડિગ્રીઓ મેળવી.

ઈ. સ. 1907માં સપ્રુ કૉંગ્રેસના મવાળ જૂથમાં જોડાઈને સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા. તે સમયે સી. વાય. ચિંતામણિના તંત્રીપદે શરૂ થયેલ ‘લીડર’ દૈનિકમાં કેટલીક વાર લેખો લખતા. શ્રીમતી બેસન્ટે 1917માં સ્થાપેલ હોમરૂલ લીગમાં સપ્રુ જોડાયા અને બેસન્ટની અટકાયતનો વિરોધ કર્યો. ઈ. સ. 1918માં મૉન્ટેગ્યુએ ભારતની મુલાકાત લીધી ત્યારે ઉત્તરપ્રદેશમાં સપ્રુ તરફ તેનું ધ્યાન ખેંચાયું અને ગવર્નર જનરલની કારોબારી સમિતિમાં કાયદા ખાતાના સભ્ય તરીકે તેમની નિમણૂક કરી. સપ્રુની કારકિર્દીમાં આ મહત્ત્વની ઘટના હતી.

તે સમયની સરકારના એક સભ્ય તરીકે 1910ના અખબારી ધારા દ્વારા લદાયેલાં નિયંત્રણો દૂર કરાવવા તેમણે પહેલ કરી હતી. ઈ. સ. 1922માં ઇન્ડિયા ઑફિસમાંથી મૉન્ટેગ્યુ ગયા અને એ જ વર્ષે ગાંધીજીને છ વર્ષની કેદની સજા થઈ તે બનાવોથી સૂચિત થયું કે ભારતની વિરુદ્ધમાં રાજકીય પ્રવાહો વહે છે. તે જોઈને સપ્રુએ વાઇસરૉયની કારોબારી સમિતિમાંથી રાજીનામું આપીને વકીલાત શરૂ કરી દીધી.

ભારતની સરકાર ઉપર હિંદી વજીર (સેક્રેટરી ઑવ્ સ્ટેટ્સ ફૉર ઇન્ડિયા) અંકુશ ધરાવશે ત્યાં સુધી સ્વતંત્રતા તરફની ભારતની પ્રગતિ અટકી રહેશે – એમ જાહેર કરનાર સપ્રુ પ્રથમ આગેવાન હતા. સરકારમાંથી છૂટા થયા બાદ કૉંગ્રેસ સિવાય અનેક રાજકીય પક્ષોનો ટેકો ધરાવતા નૅશનલ કન્વેન્શનના તેઓ પ્રમુખ ચૂંટાયા હતા.

ઈ. સ. 1924માં મુડીમન રિફૉર્મ્સ કમિટીનો લઘુમતીનો હેવાલ તૈયાર કર્યો એ તેમનું બીજું મહત્ત્વનું પ્રદાન હતું. ત્યારબાદ મોતીલાલ નેહરુના અધ્યક્ષપદે રચાયેલી સર્વપક્ષીય સમિતિ દ્વારા બંધારણની રૂપરેખા તૈયાર કરવામાં સપ્રુ ઘણા સક્રિય સભ્ય હતા. લંડનમાં 1930માં મળેલ પ્રથમ ગોળમેજી પરિષદમાં તેમણે ભારતને બીજાં સંસ્થાનો (કૅનેડા, ઑસ્ટ્રેલિયા) જેવો દરજ્જો અને લોકોને જવાબદાર રાજ્યતંત્ર આપવાની જોરદાર માગણી કરી. બ્રિટિશ સરકારને તેમણે ચેતવણી આપી કે ધારાસભાને જવાબદાર કેન્દ્ર સરકાર બનાવવા બંધારણમાં ફેરફાર કર્યા વિના પ્રાંતિક સ્વાયત્તતાનો ભારત સ્વીકાર કરશે નહિ.

ગોળમેજી પરિષદમાં હાજર રહેલા રાજાઓ ઉપર પ્રભાવ પાડીને સપ્રુએ તેઓને સમવાયી બંધારણની તરફેણના કર્યા. બ્રિટિશ વડાપ્રધાન રામસે મૅકડોનાલ્ડ પાસે નીતિવિષયક જાહેરાત કરાવી, જેનાથી ગાંધીજી કૉંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે બીજી ગોળમેજી પરિષદમાં ગયા. ઈ. સ. 1934માં સપ્રુને ઇંગ્લૅન્ડની પ્રિવી કાઉન્સિલના સભ્ય નીમવામાં આવ્યા, તે ઘણું મોટું સન્માન હતું અને તેનાથી ભારત તથા બ્રિટનમાં તેમની પ્રતિષ્ઠા વધી.

ઈ. સ. 1935ના બંધારણના ભારતમાં ઘણા થોડા ટેકેદારો હતા. તેમાંની કેટલીક જોગવાઈઓથી સપ્રુ પણ નિરાશ થયા હતા. તેમ છતાં તેઓ માનતા હતા કે બધી મર્યાદાઓ સાથે નવા બંધારણને સ્વીકારવાથી આખરે સંપૂર્ણ જવાબદાર સરકારનો માર્ગ ખૂલશે.

1946માં બંધારણસભાની રચના વખતે સપ્રુ પ્રતિનિધિ તરીકે ચૂંટાય એવી ગાંધીજીની ઇચ્છા હોવા છતાં, નાદુરસ્ત તબિયતને કારણે સપ્રુએ તે ઑફર સ્વીકારી નહિ; છતાં ખાસ કરીને ન્યાયતંત્રને લગતી બાબતોનો મુસદ્દો બનાવતી વખતે તેમની અવિધિસર સલાહ લેવામાં આવતી હતી.

કાયદો અને રાજકારણ સિવાયની બાબતોમાં પણ તેમને રસ હતો. 1923ની લંડનમાં મળેલી ઇમ્પીરિયલ કૉન્ફરન્સમાં તેમણે નોંધપાત્ર સફળતાપૂર્વક ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ન્યૂ દિલ્હીમાં 1943માં ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ વર્લ્ડ અફેર્સની સ્થાપનામાં તેમણે ખૂબ રસ લીધો અને પોતે તેના પ્રથમ પ્રમુખ બન્યા. આ પ્રતિષ્ઠિત હોદ્દો જીવ્યા ત્યાં સુધી તેમણે સંભાળ્યો. હિંદુ કાયદાના સુધારાના તેઓ ટેકેદાર હતા અને 1944માં બી. એન. રાવ સમિતિ સમક્ષ તેમણે મહત્ત્વની જુબાની આપી હતી.

તેઓ ફારસી તથા ઉર્દૂ ભાષાના વિદ્વાન હતા અને અલ્લાહાબાદમાં ઘણું સમૃદ્ધ પુસ્તકાલય ધરાવતા હતા. મુસ્લિમો અને બીજી લઘુમતી કોમોને પણ તેમનામાં ખૂબ વિશ્વાસ હતો. તેઓ મિત્રો કે વિરોધીઓ – બધા સાથે નમ્રતા, વિવેક અને વિનયથી વર્તતા હતા.

જયકુમાર ર. શુક્લ