કપાસિયાનું તેલ : એક અગત્યનું ખાદ્યતેલ. પ્રાચીન કાળમાં ચીનમાં અને ભારતમાં કપાસિયા પીલીને મળતા તેલને ઔષધ તરીકે અને દીવાબત્તીમાં વાપરતા હતા. કપાસિયાના તેલ માટેની પ્રથમ ઑઇલ મિલ 1826માં અમેરિકા ખાતે દક્ષિણ કેરોલિનામાં સ્થપાઈ હતી, પણ આ ઉદ્યોગનો વિકાસ 1865માં શિકાગો ખાતે ઓલિયોમાર્જરિન (oleomargarine) ઉદ્યોગની શરૂઆત થઈ તે પછી થયો હતો.
કપાસિયા સાથે રુવાંટી (lint, 10થી 50 %), છોડાં (35થી 40 %) અને ગર્ભ (મીંજ 50થી 55 %) હોય છે. કપાસિયાને સાફ કરીને રુવાંટી, છોડાં વગેરે દૂર કરવામાં આવે છે. ગર્ભમાં વિષાલુરંગક ગોસિપોલ (1થી 2 %) હોય છે. પીલીને કે દ્રાવક નિષ્કર્ષણથી તેલ કાઢતાં અગાઉ ગર્ભને ગરમ (113o સે.) કરવાથી ગોસિપોલ નાશ પામે છે અને સાથે સાથે ફૉસ્ફેટાઇડ અને પ્રોટીન દૂર થાય છે. કપાસિયાના તેલનું શુદ્ધીકરણ કરીને તેને ખાવાલાયક બનાવાય છે. તેમાં લિનોલિક ઍસિડનું પ્રમાણ વધુ (42થી 54 %) હોઈ તે મગફળીના તેલની સરખામણીમાં વધુ સ્વાસ્થ્યકર ગણાય છે. મગફળી તથા તલના તેલમાં લિનોલિક ઍસિડનું પ્રમાણ અનુક્રમે 13 %થી 27 % અને 35 %થી 47 % છે.
અશુદ્ધ તેલ આછા પીળા રંગનું કે પીળાબદામીકાળા રંગનું હોય છે. આ સ્થાયી તેલ છે. શુદ્ધ તેલ વાસવિહીન, બળતરા રહિત સ્વાદવાળું (band taste) હોય છે. તે ઈથર, બેન્ઝિન, ક્લૉરોફૉર્મ, કાર્બન ડાયસલ્ફાઇડ વગેરેમાં દ્રાવ્ય તથા આલ્કોહૉલમાં અલ્પદ્રાવ્ય છે. તેલની ઘનતા 0.915-0.921, સેપોનિફિકેશન-આંક 194-196 અને આયોડિન-આંક
109-116 છે.
કપાસિયાનું તેલ ચામડાંની સજાવટમાં, સાબુની બનાવટમાં, સૌંદર્યવર્ધક ક્રીમ(creams)માં તથા ઊંજણ તરીકે વપરાય છે. હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા વડે અર્ધ-ઘન સ્વરૂપે મેળવેલ તેલ ખાદ્ય ચીજોમાં અને આહાર-પૂરક તરીકે વપરાય છે. કચુંબર (salad), માર્જરિન વગેરેમાં પણ તે વપરાય છે.
ગર્ભમાંથી તેલ છૂટું પાડ્યા પછી બાકી રહેતા ઘન પદાર્થને ખોળ (cake) કહે છે. તેનો ઉપયોગ પશુઓના ખોરાકની બનાવટમાં તેમજ ખાતર તરીકે થાય છે.
પ્રહલાદ બે. પટેલ