કપિલદેવ, રામલાલ નિખંજ (જ. 6 જાન્યુઆરી 1959) : ક્રિકેટની રમતમાં વિશ્વનો ઉત્કૃષ્ટ ઑલ રાઉન્ડર, ઝડપી ગોલંદાજ અને આક્રમક બૅટ્સમૅન તથા ભારતીય ક્રિકેટ ટીમનો ચોત્રીસ ટેસ્ટમાં સુકાની. ટેસ્ટ 115, રન 4,689 (સરેરાશ 36.45), વિકેટ 401 (સરેરાશ 29.67), ટેસ્ટ સદી 7, શ્રેષ્ઠ જુમલો 163, શ્રીલંકા વિરુદ્ધ કાનપુર ખાતે
1986-87. શ્રેષ્ઠ ગોલંદાજી 83 રન આપીને 9 વિકેટ – વેસ્ટ ઇન્ડિઝ સામે અમદાવાદ ખાતે 1983-84. 4,000 રન અને 400 ટેસ્ટ વિકેટ લેનાર દુનિયાનો એકમાત્ર ખેલાડી. સૌથી નાની ઉંમરે  21 વર્ષ અને 23 દિવસની ઉંમરે 1,000 રન તથા 100 વિકેટની બેવડી સિદ્ધિ અને તે પણ ટેસ્ટપ્રવેશ પછી સૌથી ઓછા સમયમાં 1 વર્ષ અને 108 દિવસમાં પ્રાપ્ત કરનાર.

એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 200થી વધુ વિકેટ મેળવનાર વિશ્વનો સૌથી પ્રથમ ગોલંદાજ. 1983માં ઇંગ્લૅન્ડમાં ખેલાયેલી ત્રીજી વિશ્વ-કપ સ્પર્ધામાં સુકાનીપદે રહીને ભારતને વિજય અપાવનાર.

કપિલદેવ રામલાલ નિખંજ
[1983માં મળેલા વિશ્વકપ સાથે – પ્રસન્ન મુદ્રામાં]

1991-92માં ઑસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમ તરફથી પર્થની પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ચોથા દિવસે ઑસ્ટ્રેલિયાના પ્રારંભિક બૅટધર ટેઇલરની વિકેટ ઝડપીને 400 વિકેટ મેળવવાનું માન મેળવનાર અને રિચર્ડ હેડલી (431 વિકોટો) પછી સૌથી વધુ વિકેટ મેળવનાર વિશ્વનો બીજા ક્રમનો ગોલંદાજ. ભારતમાં અને વિદેશમાં લગભગ સમાન વિકેટો મેળવનાર ભારતમાં 58 ટેસ્ટમૅચમાં 204 વિકેટ અને વિદેશમાં 57 ટેસ્ટમૅચમાં 197 વિકેટ. ટેસ્ટમાં 100 વિકેટ મેળવનાર સૌપ્રથમ ભારતનો ઝડપી ગોલંદાજ, એકદિવસીય આંતરરાષ્ટ્રીય મૅચમાં સદી કરનાર સૌપ્રથમ ભારતીય ખેલાડી, ત્રીજા વિશ્વ-કપમાં ઝિમ્બાબ્વે સામે 1983માં 175 (અણનમ) રન કરનાર, એશિયા-કપમાં હેટ્રિક લેનાર એકમાત્ર ગોલંદાજ, અર્જુન એવૉર્ડ 1980, ‘પદ્મશ્રી’ 1981, ‘વિસ્ડન’ના 1984ના વર્ષના 5 શ્રેષ્ઠ ખેલાડીઓમાં સ્થાન. ‘પદ્મભૂષણ’ 1991.

આણંદજી ડોસા