નૅશનલ કૉન્ફરન્સ (જમ્મુ અને કાશ્મીર) : ભારતના જમ્મુ-કાશ્મીર રાજ્યનો પ્રાદેશિક પક્ષ. 1932માં જમ્મુ-કાશ્મીર રાજ્યમાં શેખ અબદુલ્લા અને ગુલામ અબ્બાસ ચૌધરી દ્વારા તેની સ્થાપના થઈ હતી અને 1939માં તે સંગઠને ‘નૅશનલ કૉન્ફરન્સ’ નામ ધારણ કર્યું. આ વેળા તેની નેમ રાજ્યના તમામ લોકોનું પ્રતિનિધિત્વ કરવાની હતી. 1941માં ગુલામ અબ્બાસ આ પક્ષથી અલગ થયા અને ‘ઓલ્ડ મુસ્લિમ કૉન્ફરન્સ’ને પુનર્જીવિત કરી. જેણે ધીમે ધીમે આઝાદ કાશ્મીરની લડતને ટેકો આપ્યો હતો. આ રાજ્યે 1947માં ભારત સાથે જોડાવાનું પસંદ કર્યું હતું.
1947થી 2002 સુધી ઘણે ભાગે આ પક્ષ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં સત્તા પર રહ્યો, 2009થી 2015માં તે ફરી સત્તાધારી પક્ષ બન્યો. ભારતીય બંધારણની 370મી કલમને સમર્થન આપતાં 1957માં તેણે જમ્મુ-કાશ્મીર રાજ્યનું અલગ બંધારણ ઘડ્યું. ત્યારબાદ શેખ અબ્દુલ્લાના પુત્ર તથા પૌત્ર ફારુખ અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા રાજ્યના મુખ્ય પ્રધાનો બનવા સાથે રાજ્યના રાજકારણમાં ચાવીરૂપ સ્થાન પર રહ્યા છે. 1946માં આ પક્ષે જમ્મુ-કાશ્મીરના મહારાજા હરિસિંહ વિરુદ્ધ તીવ્ર આંદોલન કર્યું હતું.
સ્વતંત્રતા મળ્યા બાદ સપ્ટેમ્બર, 1951ની પ્રથમ ચૂંટણીમાં આ પક્ષ જમ્મુ-કાશ્મીર રાજ્યની વિધાનસભાની બધી જ 75 બેઠકો પર વિજયી નીવડ્યો હતો. શેખ અબદુલ્લા વડાપ્રધાન બનેલા પણ ઑગસ્ટ, 1953માં તેમની ભારત સરકાર વિરુદ્ધની કાર્યવહીને કારણે તેમને બરતરફ કરાયેલા. 9 ઑગસ્ટ, 1953માં તેમની ધરપકડ થતાં બક્ષી ગુલામ મોહમ્મદ વડાપ્રધાન બનેલા.
1965માં આ પક્ષ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ સાથે જોડાઈ ગયેલો. શેખ અબ્દુલ્લાના અવસાન બાદ (8 સપ્ટેમ્બર, 1982) તેમના પુત્ર ફારુક અબ્દુલ્લા રાજ્યના મુખ્યપ્રધાન બનેલા. જૂન, 1983ની ચૂંટણીઓમાં ફારુક અબ્દુલ્લાની જમ્મુ-કાશ્મીર નૅશનલ કૉન્ફરન્સને બહુમતી મળી હતી. જુલાઈ, 1984માં પક્ષના ભાગલા પડ્યા. તે પછી રાજકીય ચડઊતર વૈયક્તિક સંદર્ભે ચાલતી રહી પણ પક્ષ તરીકે ચૂંટણીમાં નૅશનલ કૉન્ફરન્સ વધુ બેઠકો મેળવી જતો. 2000માં ફારુક અબ્દુલ્લાના પુત્ર ઓમર અબ્દુલ્લા સત્તા પર આવ્યા. આ સમયે જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં પીપલ્સ ડેમૉક્રેટિક પક્ષનો ઉદય થયો. ડિસેમ્બર, 2008ની રાજ્યવ્યાપી ચૂંટણીમાં નૅશનલ કૉન્ફરન્સને 28 બેઠકો મળી, તેમાં કૉંગ્રેસ પક્ષની 17 બેઠકો ઉમેરાતાં, બંનેની સંયુક્ત સરકાર રચાઈ. આ સંયુક્ત સરકારના મુખ્યપ્રધાન તરીકે 5 જાન્યુઆરી, 2009માં ઓમર અબ્દુલ્લાએ હોદ્દો ગ્રહણ કર્યો.
ત્યારબાદ 2014ની સામાન્ય ચૂંટણીઓમાં રાજ્યની કેન્દ્ર ખાતેની છ બેઠકોમાં પીપલ્સ ડેમૉક્રૅટિક પક્ષ અને ભારતીય જનતા પક્ષ મળીને 3 બેઠકો મેળવી શક્યા, જ્યારે રાજ્યકક્ષાની ચૂંટણીમાં પીપલ્સ ડેમૉક્રૅટિક પક્ષ 28 બેઠકો જીતીને રાજ્યનો સૌથી મોટો પક્ષ બન્યો. નૅશનલ કૉન્ફરન્સને માત્ર 15 બેઠકો મળી. આમ 2014 સુધીમાં આ પક્ષનું કદ સમેટાયું. આમ એક વખતનો મહત્ત્વનો પક્ષ રાજ્યનો નાના કદનો પક્ષ બનીને રહી ગયો.
રક્ષા મ. વ્યાસ