નૅશનલ કેમિકલ લૅબોરેટરી (NCL), પુણે

January, 1998

નૅશનલ કેમિકલ લૅબોરેટરી (NCL), પુણે : રસાયણવિજ્ઞાન અને તેને આનુષંગિક વિજ્ઞાનશાખાઓમાં પાયારૂપ સંશોધન અને તેના ઔદ્યોગિક ઉપયોગનું કાર્ય કરતી પુણેસ્થિત રાષ્ટ્રીય સંસ્થા. 1942માં કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) નામની સંસ્થા નવી દિલ્હી ખાતે સ્થાપવામાં આવી. આ મધ્યસ્થ સંસ્થા દ્વારા દેશના જુદા જુદા ભાગોમાં જે વિભાગીય સંસ્થાઓ શરૂ કરવામાં આવી તે પૈકી NCL 1950માં પુણે ખાતે શરૂ થઈ.

આ સંસ્થાએ શરૂઆતમાં પાયાનું વૈજ્ઞાનિક સંશોધન શરૂ કર્યું; પરંતુ 1965થી તેણે ઔદ્યોગિક ક્ષેત્રે પોતાનાં સંશોધનોનો ઉપયોગ કરવાની શરૂઆત કરીને ઉદ્યોગો માટે આવશ્યક એવાં રસાયણો બનાવવાની રીતો વિકસાવી. તે અગાઉ આવાં રસાયણો આયાત કરવાં પડતાં હતાં. 1982–83 સુધીમાં તો NCL દ્વારા વિકસાવેલી 60થી વધુ ઔદ્યોગિક પદ્ધતિઓ દ્વારા ઉત્પાદન શરૂ થયેલું. તેને લીધે મોંઘાં રસાયણો આયાત કરવાનું રહ્યું નહિ અને વિદેશી હૂંડિયામણમાં બચાવ થયો.

આ પ્રયોગશાળામાં જૈવ ટૅક્નૉલૉજી, જૈવરસાયણ, ઉદ્દીપન, કાર્બનિક રસાયણ, પૉલિમર-વિજ્ઞાન, રાસાયણિક ઇજનેરી, દ્રવ્ય-રસાયણ (materials chemistry) પ્રક્રમ-વિકસન(process development), જંતુનાશક અને અન્ય ઔષધો, પેશી-સંવર્ધન, તથા નેનો-વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી જેવા વિવિધ વિષયોમાં સંશોધન થઈ રહ્યું છે. તેમાં વિભાગવાર સંશોધન તથા ઉત્પાદનલક્ષી કાર્ય થાય છે. આ ઉપરાંત ઉત્પાદનોની ગુણવત્તા સુધારવા તંત્રજ્ઞ સહાય માટે એક વધુ વિભાગ શરૂ થયો છે.

NCLમાં રસાયણશાસ્ત્રને લગતા સાહિત્યથી સજ્જ ખૂબ આધુનિક ગ્રંથાલય છે. તેમાં આશરે 90,000થી વધુ પુસ્તકો, 5,200 ટૅકનિકલ રિપોર્ટ, 6,600થી વધુ સામયિકો આવે છે. આ ગ્રંથાલય રસાયણશાસ્ત્રનાં લખાણની જર્નલોમાંથી કોઈ પણ વ્યક્તિની આવશ્યક પુનર્મુદ્રિત-પ્રતો (reprints) ઉપરાંત દેશવિદેશની પેટન્ટોની પ્રતો પણ પૂરી પાડે છે. પ્રયોગશાળામાં અત્યાધુનિક સાધનો અને તેની દુરસ્તી કે સુધારણા માટેની વર્કશૉપ ઉપરાંત ગ્લાસવર્કશૉપ પણ છે.

સંસ્થાને સંશોધન-અગ્રતા (research-priority) સૂચવવા માટે સલાહકાર મંડળ હોય છે. તેમાં ઔદ્યોગિક, શૈક્ષણિક, વ્યવસ્થાપન વગેરે ક્ષેત્રના નિષ્ણાતો તથા સરકારના પ્રતિનિધિઓ હોય છે. NCL દેશવિદેશની સંશોધન-સંસ્થાઓ સાથે સતત સંપર્કમાં રહે છે. આ ઉપરાંત યુ.કે.(ઇંગ્લૅન્ડ)ની સાલફોર્ડ યુનિવર્સિટી, જર્મનીની ઍરલાંગેન યુનિવર્સિટી વગેરેનો તેને સંશોધનક્ષેત્રે સહકાર મળે છે.

NCL દ્વારા વિકસાવાયેલ ઉત્પાદનરીતોનો વ્યાપારી ધોરણે વિનિમય નૅશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયા (NRDC) મારફતે કરવામાં આવે છે. રસાયણ-ઉત્પાદનની જાણકારી આ સંસ્થા દ્વારા વેચવામાં આવે છે; ઉપરાંત આ પ્રકારના ઉત્પાદનમાં પડતી મુશ્કેલીઓ નિવારવામાં તે મદદ કરે છે. ઉત્પાદનનું વ્યાપારી ધોરણે ઉત્પાદન કરવા માટે સંસ્થા પાઇલટ પ્લાન્ટથી સુસજ્જ છે. ભારતીય પેટન્ટોની ચકાસણીનું કાર્ય પણ NCL કરે છે. આ સંસ્થામાં નૅશનલ કલેક્શન ઑવ્ ઇન્ડસ્ટ્રિયલ માઇક્રોઑર્ગેનિઝમ્સ (NCIM) આવેલું છે જે ઔદ્યોગિક દૃષ્ટિએ ઉપયોગી એવા વિવિધ સૂક્ષ્મજૈવિક(microbial) સંવર્ધનોને જાળવી રાખે છે.

NCLમાં 400 જેટલા વિદ્યાર્થીઓ સંશોધન કરે છે, જે પૈકી દર વર્ષે 50 જેટલા પીએચ.ડી. પદવી મેળવે છે. સંસ્થામાંથી દર વર્ષે 400 જેટલા સંશોધનલેખો પ્રકાશિત થાય છે. વળી 60 જેટલી પેટન્ટ લેવામાં આવે છે. સંસ્થાના વિસ્તારમાં (premises) 1985થી પ્રાથમિક અને માધ્યમિક શાળા શરૂ કરવામાં આવી છે, જેમાં 2006થી જુનિયર કૉલેજ પણ શરૂ કરવામાં આવી છે.

જગદીશ જ. ત્રિવેદી

જયંત કાળે