સ્ટેટન આઇલૅન્ડ : ન્યૂયૉર્ક શહેરના પાંચ વિભાગો પૈકીનો એક વિભાગ. ભૌગોલિક સ્થાન : 40° 35´ ઉ. અ. અને 74° 09´ પ. રે.. તે ન્યૂયૉર્ક ઉપસાગરમાં મૅનહટ્ટન ટાપુથી નૈર્ઋત્યમાં 8 કિમી.ને અંતરે ટાપુ રૂપે આવેલો છે. તે ન્યૂયૉર્ક શહેરનો ઝડપથી વિકસતો જતો વિસ્તાર ગણાય છે. આ ટાપુ મૅનહટ્ટન સાથે ફેરીસેવાથી સંકળાયેલો છે. વેરાઝેનોનૅરોઝ પુલ તેને બ્રુકલીન સાથે તથા ત્રણ પુલો તેને ન્યૂજર્સી સાથે સાંકળે છે. તેની લંબાઈ 23 કિમી. અને મહત્તમ પહોળાઈ 12 કિમી. તથા વિસ્તાર 168 ચોકિમી. જેટલો છે.
સ્ટેટન ટાપુ અને બ્રુકલીનને જોડતો વેરાઝેનો–નૅરોઝ પુલ
મૅનહટ્ટન ટાપુની જેમ, આ ટાપુ સત્તરમી સદીમાં ત્યાં વસતા ઇન્ડિયનો પાસેથી ડચ લોકોએ ખરીદી લીધેલો. આ વિભાગ 1975 સુધી રિચમંડ તરીકે ઓળખાતો હતો, હવે તે સ્ટેટન ટાપુ કહેવાય છે.
આ ટાપુની વસ્તી 4,43,728 (2000) જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા