સ્ટેટ મ્યુઝિયમ, પટણા (બિહાર) (સ્થાપના 1917) : બિહાર રાજ્ય-હસ્તકનું કલા-સંગ્રહાલય. તેમાં મૌર્યકાળ અને ત્યાર પછીના સમયનાં પથ્થર અને ટેરાકોટાની ઉત્તમ શિલ્પકૃતિઓનો સંગ્રહ છે. આ સંગ્રહને 1930માં યુરોપિયન, મુઘલ અને રાજપૂત સ્થાપત્ય શૈલી મુજબ બાંધેલા નવા મકાનમાં ખસેડવામાં આવ્યો હતો.

સ્ટેટ મ્યુઝિયમ, પટણા (બિહાર)

1930માં યુરોપિયન, મુઘલ અને રાજપૂત સ્થાપત્ય શૈલી મુજબ બાંધેલા નવા મકાનમાં ખસેડવામાં આવ્યો હતો. તેના ભોંયતળિયે શિલ્પ-ગૅલરી ગોઠવવામાં આવેલ છે. દીદારગંજમાંથી મળેલી યક્ષીની શિલ્પકૃતિ સૌથી વધુ અગત્યની અને નોંધપાત્ર છે. બિહારમાં ચુનારની ખીણમાંથી મળેલ પીળાશ પડતા રેતિયા પથ્થરમાંથી કોતરેલું આ શિલ્પ માનવકદ કરતાંય ઘણી મોટી પુષ્ટ અને દેખાવડી સ્ત્રીનું છે. તે ગોળાકારમાં કોતરેલ ચામરધારિણી સેવિકાનું શિલ્પ છે. તેણે સાંકળોના કમરપટાથી ચુસ્ત બનેલું નીચલું ઝીણું વસ્ત્ર ધારણ કર્યું છે. શિલ્પકૃતિની સપાટી પરનો મોહક ચળકાટ મોટા ભાગની મૌર્ય શિલ્પકૃતિની લાક્ષણિકતાની સૂચક છે અને તે અત્યંત ભવ્ય અને સુંદર છે. આ દીદારગંજ યક્ષી 2,000 વર્ષ કરતાંય જૂની છે પણ તેનું આકર્ષણ યથાવત્ છે. તેને ભારત સિવાય વિદેશમાં ઘણાં પ્રદર્શનોમાં પ્રદર્શિત કરવામાં આવેલ છે.

ઉપરના માળે કાંસ્યકૃતિઓ અને ટેરાકોટાની કૃતિઓ પ્રદર્શિત કરાઈ છે. કાંસ્ય કલાકૃતિઓમાં પ્રાચીન બુદ્ધની જાણીતી પ્રતિમાઓનો સમાવેશ થાય છે; જેમ કે ઊભેલા બુદ્ધ, બોધિસત્વ અને અન્ય.

ટેરાકોટાનો સંગ્રહ મૌર્ય અને ગુપ્ત રાજાઓનાં મુખ્ય શહેરો તથા કૌશાંબી, પાટલિપુત્ર અને ગયાનાં ખોદકામમાંથી મળેલ અતિવિશિષ્ટ નમૂનાઓનો છે. તેમાં બીબાં દ્વારા તૈયાર કરાયેલ પ્રાણી-આકારનાં રમકડાં, મહિલાઓ, દેવ-દેવીઓ, યુગલો વગેરેની આકૃતિઓ નોંધપાત્ર છે.

બળદેવભાઈ કનીજિયા