નૅશનલ કૅડેટ કોર (NCC) : સ્વતંત્ર પ્રજાસત્તાક ભારતની, લશ્કરી તાલીમ અને સામાજિક સેવાના ઉદ્દેશોને ધ્યાનમાં રાખી, શિસ્તબદ્ધ રીતે ચાલતી વિદ્યાર્થીઓ માટેની મહત્ત્વની યુવા-પ્રવૃત્તિ. ભારતને આઝાદી મળી તે પહેલાં, બ્રિટિશ શાસન દરમિયાન પ્રાદેશિક સેના(Territorial army)ના એક ભાગ તરીકે માત્ર કૉલેજમાં અભ્યાસ કરતા યુવાનોને લશ્કરી તાલીમ આપવા માટે યુ. ટી. સી.(યુનિવર્સિટી ટ્રેનિંગ કોર)ની સ્થાપના છેક 1925માં કરી હતી. આમાં કૉલેજના અધ્યાપકો નિયત કરેલ લશ્કરી તાલીમ મેળવી યુ. ટી. સી.ના ઑફિસર તરીકે નિમણૂક પામતા હતા. બૉમ્બે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે બૉમ્બે(મુંબઈ)માં સૌપ્રથમ યુ. ટી. સી.નું યુનિટ શરૂ થયું હતું; કલકત્તા(કૉલકાતા)માં બીજું અને મદ્રાસ(ચેન્નાઈ)માં ત્રીજું યુનિટ સ્થપાયું હતું. નેતાજી સુભાષચંદ્ર બોઝ કલકત્તા યુનિવર્સિટીના સેકન્ડ બૅંગાલ બૅટેલિયનના કૅડેટ તરીકે જોડાયા હતા.
બીજા વિશ્વયુદ્ધ વખતે યુ. ટી. સી.(યુનિવર્સિટી ઑફિસર્સ ટ્રેનિંગ કોર)ને (યુ.ઓ.ટી.સી.)માં ફેરવવામાં આવ્યું. આમ કરતાં બ્રિટનની યુનિવર્સિટીઓમાં આપવામાં આવતી લશ્કરી તાલીમને ધ્યાનમાં રાખવામાં આવી હતી. સ્વાભાવિક જ બ્રિટિશ સામ્રાજ્યના ભાગ તરીકે એક ગુલામ પ્રજાના કૉલેજ-વિદ્યાર્થીઓમાં આ પ્રકારની તાલીમ માટે કંઈક સૂગ હતી. આથી ભારતના ભાવિ ઉપપંતપ્રધાન અને મુત્સદ્દી સરદાર વલ્લભભાઈના સૂચનથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે 1946માં પંડિત હૃદયનાથ કુંજરુના અધ્યક્ષપદે નિમાયેલ તપાસપંચે લશ્કરી તાલીમના સંદર્ભમાં ‘નૅશનલ કૅડેટ કોર’ની રચના કરવા ભલામણ કરી હતી. આ પંચે એમ પણ સૂચવ્યું કે લશ્કરી તાલીમ યુવકો સાથે યુવતીઓને અને શાળાના વિદ્યાર્થી ભાઈબહેનોને પણ મળે તે આવશ્યક છે. 15 ઑગસ્ટ, 1947માં દેશ આઝાદ થયા બાદ 16 એપ્રિલ, 1948માં ઉપર્યુક્ત તપાસપંચના અહેવાલને ધ્યાનમાં લઈ સ્વતંત્ર ભારતની સંસદે ‘નૅશનલ કૅડેટ કોર ઍક્ટ 1948’ પસાર કર્યો અને ખાસ ગૅઝેટ દ્વારા તે પ્રસિદ્ધ થયો. ભારતની સંસદે પસાર કરેલા આજ સુધીના ટૂંકા કાયદાઓમાં તેનું પણ સ્થાન છે. નૅશનલ કૅડેટ કોરની સ્થાપના અને શરૂઆત 15 જુલાઈ, 1948ના રોજ થઈ. એન. સી. સી.ના ઉદ્દેશ અથવા ધ્યેયો નીચે મુજબ છે :
(1) ભારતનાં યુવક-યુવતીઓમાં ચારિત્ર્ય, બંધુત્વની ભાવના, ખેલદિલી, સેવાનો આદર્શ અને નેતૃત્વની શક્તિ વિકસાવવી.
(2) યુવક-યુવતીઓને લશ્કરી તાલીમ આપવી અને એ દ્વારા રાષ્ટ્રના સંરક્ષણ માટે તેમને રસ લેતાં કરવાં.
(3) લશ્કરી તાલીમ પામેલા શિસ્તબદ્ધ યુવક-યુવતીઓનો એક એવો સમુદાય ઊભો કરવો કે જેથી કટોકટીના સમયમાં લશ્કરનો ઝડપી વિસ્તાર કરતી વખતે તેઓ ઑફિસર તરીકે કામ લાગે.
એન. સી. સી.નો મુદ્રાલેખ ‘એકતા અને અનુશાસન’ (Unity and Discipline) રાખવામાં આવ્યો છે. એન. સી. સી.ના કૅડેટોમાં કર્તવ્ય (duty) અને શિસ્ત(discipline)ની ભાવનાનાં બીજ રોપવામાં આવે છે.
એન. સી. સી.ના કાયદા પ્રમાણે એમાં જોડાનાર વિદ્યાર્થીઓ માટે શાંતિ કે યુદ્ધના સમયમાં લશ્કરમાં જોડાવાનું ફરજિયાત નથી. જોકે એન. સી. સી.ના કૅડેટોએ રાષ્ટ્રીય કે સ્થાનિક વિપત્તિ કે સંકટ સમયે સંરક્ષણની ત્રીજી હરોળ તરીકે યશસ્વી સેવા બજાવી છે.
ભારતના કેન્દ્ર-સરકારના સંરક્ષણખાતા (Ministry of Defence) હેઠળ એન. સી. સી.નું મુખ્ય કાર્યાલય ન્યૂ દિલ્હીમાં છે. તેના વડા ડિરેક્ટર જનરલ સેનામાં મેજર જનરલ અથવા નૌકાદળ કે હવાઈ દળમાં સમકક્ષ દરજ્જો ધરાવતા હોય છે. ભારતનાં બધાં રાજ્યોમાં એન. સી. સી. ડિરેક્ટોરેટ હોય છે અને તેના વડા ડિરેક્ટર કૅડેટોની સંખ્યા અનુસાર સેનામાં બ્રિગેડિયર કે કર્નલનો અથવા નૌકાદળ કે હવાઈ દળમાં સમકક્ષ દરજ્જો ધરાવતા હોય છે. એન. સી. સી.ના પ્રથમ ડિરેક્ટર જનરલ મેજર જનરલ વીરેન્દ્રસિંહ હતા.
એન. સી. સી. ડિરેક્ટોરેટને ગ્રૂપ યુનિટો અથવા બૅટેલિયનો મદદ કરે છે. પ્રત્યેક યુનિટમાં કંપનીઓ હોય છે અને તેમાં નિશ્ચિત સંખ્યામાં કૅડેટોની જે તે પ્લેટૂન કે ટ્રૂપમાં કૉલેજ અને શાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને પસંદગીના ધોરણે દાખલ કરવામાં આવે છે.
એન. સી. સી.ના (1) સિનિયર ડિવિઝન, અને (2) જુનિયર ડિવિઝન અનુક્રમે કૉલેજ અને શાળાના વિદ્યાર્થીઓ માટે હોય છે. જોકે 1950થી બાળાઓ–યુવતીઓને પણ લશ્કરી તાલીમ આપવા માટે કૉલેજમાં ગર્લ્સ ડિવિઝન (સિનિયર) અને 1954માં શાળામાં ગર્લ્સ ડિવિઝન (જુનિયર) શરૂ કરવામાં આવ્યાં. પ્રત્યેક ડિવિઝનમાં (1) આર્મી વિંગ, (2) નેવલ વિંગ અને (3) ઍર વિંગ હોય છે.
એન. સી. સી.માં ઑફિસરો તથા કૅડેટોની પસંદગી માટેના માપદંડોનું ધોરણ ઊંચું રાખવામાં આવે છે. વળી આર્ટિલરી બૅટરી, આર્મર્ડ સ્ક્વૉડ્રન, સિગ્નલ યુનિટ, મેડિકલ યુનિટ, એન્જિનિયર્સ યુનિટ વગેરેમાં કૉલેજના વિદ્યાર્થીઓ વધુમાં વધુ ત્રણ વર્ષ માટે જોડાઈ શકે છે. કૉલેજની વિદ્યાર્થિનીઓ માટેના અભ્યાસક્રમમાં ફર્સ્ટ એડ, મોર્સ રીડિંગ (વાયરલેસ) જેવા વિષયો પણ હોય છે.
આરંભમાં એન. સી. સી.ના કૅડેટો અને ઑફિસરોનો ગણવેશ લશ્કરના જેવો જ ઑલિવ ગ્રીન હતો; પરંતુ ત્યારપછી એન. સી. સી.માં કૅડેટોની સંખ્યા વધતાં તે માટે ખાખી, મઝરી રંગનો ગણવેશ આપવામાં આવે છે. આ પ્રવૃત્તિ માટેનો ખર્ચ કેન્દ્ર-સરકાર અને રાજ્ય-સરકાર ભોગવે છે.
એન. સી. સી.માં જોડાયેલા શાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ માટે ‘એ’ સર્ટિફિકેટ અને કૉલેજ વિભાગ માટે ‘બી’ અને ‘સી’ સર્ટિફિકેટ પરીક્ષાઓ યોજવામાં આવે છે. કૅડેટો માટે કેટલીક બેઠકો ખડકવાસલાની ડિફેન્સ એકૅડેમી અને દેહરાદૂનની મિલિટરી એકૅડેમીમાં અનામત રાખવામાં આવી છે.
એન. સી. સી.માં દાખલ થયેલ કૅડેટને લાન્સ કૉર્પોરલ, કૉર્પોરલ સાર્જન્ટ, કંપની ક્વૉર્ટર માસ્ટર સાર્જન્ટ, કંપની સાર્જન્ટ મેજર, રેજિમેન્ટલ ક્વૉર્ટર માસ્ટર સાર્જન્ટ, રેજિમેન્ટલ સાર્જન્ટ મેજર, અન્ડર ઑફિસર અને સિનિયર અન્ડર ઑફિસર એમ ચડિયાતા દરજ્જા જે તે લાયકાત પ્રમાણે બક્ષવામાં આવે છે. એન. સી. સી.માં જોડાનાર અધ્યાપક ઑફિસરોને (1) સેકન્ડ લેફ્ટનન્ટ, (2) લેફ્ટનન્ટ, (3) કૅપ્ટન અને (4) મેજર – એ પ્રમાણે વધુ ને વધુ ચડિયાતો દરજ્જો મળે છે. તેઓમાંથી કેટલાકની એડ્જ્યુટન્ટ ક્વૉર્ટર માસ્ટર, સેકન્ડ-ઇન-કમાન્ડ વગેરે તરીકે નિમણૂક કરવામાં આવે છે. કેટલાક પાર્ટટાઇમ ઑફિસરોની નિમણૂક જરૂરિયાત મુજબ પૂર્ણ સમયના (હોલ ટાઇમ) ઑફિસરો તરીકે કરવામાં આવે છે. કૉલેજમાં લિયન (પરત થવાનો અધિકાર) રાખી એન. સી. સી.ની સેવા માટે પસંદગી પામનાર આ અધ્યાપકોને તેમના દરજ્જા અને હોદ્દાની સમકક્ષ લશ્કરના ઑફિસરોને અપાતાં હોય એવાં પગારધોરણ અને ભથ્થાંઓ આપવામાં આવે છે.
એન. સી. સી.ના કૅડેટો માટે દર વર્ષે દસ, બાર કે ચૌદ દિવસનો વાર્ષિક તાલીમ-શિબિર (Annual Training Camp) ખુલ્લા મેદાનમાં તંબૂઓમાં (under canvas) કે શાળા-કૉલેજોનાં મકાનોમાં રાખવામાં આવે છે. આ પ્રકારની તાલીમ દરમિયાન રૂટ માર્ચ, નાઇટ માર્ચ, ફાયરિંગ, ફીલ્ડ ક્રાફ્ટ, મૅપ-રીડિંગ વગેરેની તાલીમ અપાય છે.
1965 સુધી કૅડર ટ્રેનિંગ શિબિરમાં સામાજિક સેવા (social service) પણ કરવાની રહેતી. આમાં રસ્તાઓની મરામત, કાચાં મકાનોનું નિર્માણ, ખોદકામ, વૃક્ષારોપણ, રક્તદાન, દરિયાના ખારા પાણીને ખાળવાનું કામ, સાક્ષરતા-પ્રચાર વગેરે કાર્યનો સમાવેશ કરાતો. જોકે સમાજસેવા માટે એન. સી. સી.ના પર્યાયમાં હવે એન. એસ. એસ. (નૅશનલ સોશિયલ સર્વિસ) નામનું મોટું એકમ યુનિવર્સિટી દ્વારા કૉલેજોમાં ચલાવવામાં આવે છે.
એન. સી. સી.ના તેજસ્વી અને અનેક રીતે નિપુણ યુવક-યુવતીઓનું કૅડેટોનું એક કન્ટિન્જન્ટ પ્રત્યેક રાજ્યમાંથી ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં દિલ્હી જાય છે. 27મી જાન્યુઆરીએ એન. સી. સી.ની ખાસ પરેડની સલામી દેશના વડાપ્રધાન સંરક્ષણપ્રધાન સાથે ઝીલે છે.
દાર્જિલિંગના હિમાલયન માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ખાસ તાલીમ માટે એન. સી. સી. કૅડેટોને મોકલવામાં આવે છે. ઍડવાન્સ લીડરશિપ શિબિરમાં નેતૃત્વની ઉચ્ચ તાલીમ માટેની પણ જોગવાઈ છે. આ પ્રમાણે લશ્કરી મથકો(regiment)માં સઘન લશ્કરી તાલીમ માટે પણ કૅડેટોને મોકલવામાં આવે છે. ઑક્ટોબર, 1962માં ચીનના ભારત પરના આક્રમણ વખતે કૉલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને એન. સી. સી.ની ફરજિયાત તાલીમ લેવાનું ફરમાન બહાર પડતાં એન. સી. સી. આર. (નૅશનલ કૅડેટ કોર રાઇફલ્સ) શરૂ કરાયું હતું. આ માટે એન. સી. સી.ના પાર્ટ ટાઇમ ઑફિસરોને ‘હોલ ટાઇમ ઑફિસર્સ’ (Whole Time Officers) તરીકે વધુમાં વધુ સાત વર્ષ માટે, કૉલેજમાં ‘લિયન’ રહે તે રીતે નિમણૂક આપવામાં આવી હતી.
1948માં એન. સી. સી. કૅડેટોની સંખ્યા સિનિયર ડિવિઝનમાં 50,000ની હતી, જે 1962માં ત્રણ લાખથી વધીને ફરજિયાત એન. સી. સી. થવાથી દસ લાખ ઉપર થઈ હતી. 1972માં મરજિયાત એન. સી. સી.માં સિનિયર અને જુનિયર ડિવિઝનમાં 15 લાખ જેટલા કૅડેટોએ લશ્કરી તાલીમ લીધી હતી.
નાગપુરથી 11 માઈલ દૂર આવેલ કામ્પટીમાં એન. સી. સી. ઑફિસર થવાની પ્રી-કમિશન ટ્રેનિંગ અધ્યાપકોને આપવામાં આવે છે. યુવતીઓ માટે આ પ્રકારનું કેન્દ્ર ગ્વાલિયરમાં છે. 1962 વખતે પૂર્ણ સમયના એન. સી. સી. ઑફિસર માટે પુણેથી 30 માઈલ (48.2 કિલોમીટર) દૂર ‘પુરંદર’ના પહાડ પર એન. સી. સી. અકાદમી સ્થાપવામાં આવેલી. એન. સી. સી.ના તમામ ઑફિસરોને દર ત્રણ વર્ષે રિફ્રેશર કૉર્સ માટે જવાનું ફરજિયાત હોય છે.
એન. સી. સી.ના અભ્યાસક્રમમાં કવાયત, કસરત, શસ્ત્ર-તાલીમ, નકશાવાચન, સૈન્યની વ્યૂહરચના (organization), ગોળીબાર (firing), તબીબી સારવાર (first aid) વગેરેનો સમાવેશ કરાયો છે. એન. સી. સી.ની તાલીમ લેતો કૉલેજ-શાળાનો વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીઓથી વધારે ચાલાક, ચબરાક તેમજ આત્મવિશ્વાસ અને નેતૃત્વના ગુણવાળો હોય એવું ઘણી વાર જોવા મળે છે. કવાયત માટેના હુકમો હવે અંગ્રેજીને બદલે હિંદીમાં આપવામાં આવે છે. (દા. ત., ‘એટેન્શન’ને બદલે ‘સાવધાન’ શબ્દ વાપરવામાં આવે છે.) એન. સી. સી. કૅડેટને 303 રાઇફલ, લાઇટ મશીનગન, સ્ટેન મશીન કાર્બાઇન, હૅન્ડ-ગ્રૅનેડ, હાઈ ઍક્સપ્લૉઝિવ બૉમ્બ, પિસ્તોલ વગેરેની સઘન તાલીમ આપવામાં આવે છે.
એન. સી. સી.ની તાલીમ પામેલો કૅડેટ જે ક્ષેત્રમાં જાય ત્યાં તેજસ્વી અને યશસ્વી કારકિર્દી બનાવે છે તે અપેક્ષિત હોય છે. પાયાની લશ્કરી તાલીમ આપતી એન.સી.સી.ની તાલીમ કૅડેટને નિયમિત, ચપળ, સાહસિક, સહનશીલ, આજ્ઞાંકિત, સેવાભાવી, બંધુત્વ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાથી ભર્યોભર્યો નાગરિક બનાવે છે.
વિ. પ્ર. ત્રિવેદી