નેમિનાથચરિત : હરિભદ્રસૂરિરચિત અપભ્રંશ મહાકાવ્ય. તેઓ વડગચ્છ-બૃહદગચ્છના જિનચંદ્રસૂરિના પ્રશિષ્ય અને શ્રીચંદ્રસૂરિના શિષ્ય હતા. ગુજરાતના પ્રખ્યાત ચાલુક્યવંશના પ્રસિદ્ધ રાજા જયસિંહ અને કુમારપાળના મંત્રી પૃથ્વીપાલની વિનંતીને માન્ય રાખી તેમણે આ રચના 1160માં ચાલુક્ય વંશની રાજધાની અણહિલવાડ પાટણમાં કુમારપાળના રાજ્યશાસન દરમિયાન કરી હતી. તેમણે ચોવીસ તીર્થંકરનાં ચરિત્રો લખેલાં છે, જેનું શ્લોકપ્રમાણ લગભગ બે લાખ જેટલું કહી શકાય.
ભારતીય વિદ્યાના પ્રકાંડ જર્મન પંડિત હર્માન યાકોબીને તેમના 1913–14ના ભારતપ્રવાસ દરમિયાન અમદાવાદ અને રાજકોટમાંથી હરિભદ્રસૂરિના ‘નેમિનાથચરિત’ની બે હસ્તપ્રતો જોવા મળી. એ મૂલ્યવાન કૃતિને જોતાં એ કાંઈક અલગ પ્રકારનું સાહિત્ય હોવાની પ્રતીતિ થઈ તેથી તેઓ તેની પાછળ લાગી પડ્યા અને 1921માં ‘નેમિનાથચરિત’ની આડકથા રૂપે મળી આવતું ‘સનતકુમારચરિત’ પ્રકાશિત કર્યું, જે અપભ્રંશ સાહિત્યના ખેડાણની નવી દિશાના સીમાચિહ્નરૂપ બની ગયું.
‘નેમિનાથચરિત’માં કુલ્લે 3,334 ગાથાઓ અપભ્રંશમાં રડ્ડા છંદમાં રચાયેલી મળે છે. તે માત્રામેળ, દ્વિભંગી વર્ગનો, પાંચ પદયુક્ત છંદ છે, જે વસ્તુ છંદ તરીકે પણ ઓળખાય છે. તે સંકુલ છંદ છે. તેમાં જૈનોના બાવીસમા તીર્થંકર નેમિનાથના નવ ભવોનું વિસ્તૃત વર્ણન કરેલું છે. પ્રથમ ભવમાં ધનવૃત્તાંત છે. તૃતીય ભવમાં ચિત્રગતિવૃત્તાંત છે, જેમાં ચિત્રગતિ વિદ્યાધર તરીકેના ત્રીજા ભવમાં આડકથારૂપ સનતકુમારચરિત સમાયેલું છે. પાંચમા ભવમાં અપરાજિતવૃત્તાંત છે. આઠમા ભવમાં શંખવૃત્તાંત છે, જેમાં આડકથારૂપ રતિસુંદરી અને મહાવીરચરિત આલેખાયેલું છે. નવમા ભવમાં હરિવંશવૃત્તાંત અને વાસુદેવવૃત્તાંત છે; જેમાં કૃષ્ણ, બલભદ્ર અને જરાસંધનાં વૃત્તાંત વણી લેવામાં આવ્યાં છે. કૃષ્ણચરિતમાં કૃષ્ણના બાલચરિતથી માંડીને કૃષ્ણબલભદ્રમરણ સુધીની કથાનો વિસ્તારથી ઉલ્લેખ છે. તેમાં નેમિચરિત સમાવિષ્ટ છે, જેમાં નેમિના જન્મથી નિર્વાણ સુધીની ઘટનાઓનું સવિસ્તર વર્ણન છે.
1 થી 3,311 સુધીની ગાથાઓમાં નવ ભવોનું વર્ણન છે, જ્યારે 3,312 થી 3,334 સુધીની ગાથાઓમાં કવિની પ્રશસ્તિ છે. તેમાં તત્કાલીન ગુજરાતના રાજાઓ તથા તેમના પૂર્વજો વિશે સવિસ્તર માહિતી આપેલી છે. તે પરથી તત્કાલીન ગુજરાતના રાજાઓ, તેમનો વંશવારસો વગેરે વિશે જે માહિતી સાંપડે છે તે ઐતિહાસિક દૃષ્ટિએ વિશેષ મૂલ્યવાન ગણાય છે.
કલ્પના કનુભાઈ શેઠ