નેમિનાથ : જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાંના બાવીસમા તીર્થંકર. તેમનો સમય મહાભારતકાળ છે. મહાભારતનો કાળ ઈ. સ. પૂર્વે લગભગ 1000 વર્ષ મનાય છે. નેમિનાથની વંશપરંપરા આ પ્રમાણે બતાવવામાં આવી છે. શૌરીપુરના યાદવવંશી રાજા અન્ધકવૃષ્ણીના મોટા પુત્ર હતા સમુદ્રવિજય અને સમુદ્રવિજયના પુત્ર હતા નેમિનાથ. અન્ધકવૃષ્ણીના સૌથી નાના પુત્ર હતા વસુદેવ, અને વસુદેવના પુત્ર હતા વાસુદેવ કૃષ્ણ. આમ નેમિનાથ અને કૃષ્ણ પિતરાઈ ભાઈઓ હતા. જરાસંધના આતંકથી ત્રાસ પામી યાદવો શૌરીપુર છોડી દ્વારકા જઈ વસ્યા. નેમિનાથનો વિવાહસંબંધ ગિરિનગર(જૂનાગઢ)ના રાજા ઉગ્રસેનની દીકરી રાજુલમતી સાથે નક્કી થયો; પરંતુ જ્યારે નેમિનાથની જાન કન્યાના ઘરે પહોંચી અને ત્યાં નેમિનાથે અતિથિઓના ભોજન માટે મારવામાં આવનાર પશુઓને પૂરેલાં જોયાં ત્યારે તેમનું હૃદય કરુણાથી વ્યાકુળ થઈ ગયું અને તે આ હિંસામયી ગાર્હસ્થ્યપ્રવૃત્તિથી વિરક્ત થઈ, લગ્નનો વિચાર છોડી, ગિરનાર પર્વત ઉપર જઈ તપસ્યામાં પ્રવૃત્ત થયા. તેમને ત્યાં જ કેવળજ્ઞાન અને મુક્તિ પણ પ્રાપ્ત થયાં. નેમિનાથે શ્રમણપરંપરાને ત્યાગ, વૈરાગ્ય અને અહિંસાથી પુષ્ટ કરી. અહિંસા જ ધર્મનું મૂળ છે અને ધાર્મિકતાની કસોટી છે એ વિચાર જ તેમનું શ્રમણપરંપરાને મોટું પ્રદાન છે. ઘોર આંગિરસે દેવકીપુત્ર કૃષ્ણને અહિંસાનો ઉપદેશ આપ્યાનો ઉલ્લેખ છાન્દોગ્ય ઉપનિષદમાં (3.17.4.6) છે. કેટલાક વિદ્વાનો ઘોર આંગિરસ અને નેમિનાથને એક ગણે છે. તીર્થંકર નેમિનાથનું ચિહન શંખનું છે.

નગીનભાઈ જીવણલાલ શાહ