નેમાડે, ભાલચંદ્ર (જ. 27 મે 1938, સાંગલી, તાલુકા રાવેર, જિ. જળગાંવ, મહારાષ્ટ્ર) : મરાઠી સાહિત્યકાર તથા વર્ષ 2014ના બહુપ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ ઍવૉર્ડના વિજેતા. પિતાનું નામ નેમાજી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતનમાં લીધા બાદ પુણે ખાતેની ફર્ગ્યુસન કૉલેજમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી અને ત્યાંની જ ડેક્કન કૉલેજમાંથી ભાષાશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી, સમયાંતરે મુંબઈ યુનિવર્સિટીની ઇંગ્લિશ લિટરેચરની અનુસ્નાતકની પદવી, 1981માં મરાઠવાડા યુનિવર્સિટી, ઔરંગાબાદ ખાતેથી ડૉક્ટરેટ(પીએચ.ડી.)ની પદવી તથા ડી. લિટ્. પદવીઓ તેમણે હાંસલ કરી છે. વ્યાવસાયિક કારકિર્દી તરીકે અહમદનગર કૉલેજ, એસ. ઓ. એ. એસ. લંડન યુનિવર્સિટી; મરાઠવાડા યુનિવર્સિટી જેવી વિવિધ સંસ્થાઓમાં અંગ્રેજી, મરાઠી અને કમ્પેરેટિવ લિટરેચર વિષયોમાં અધ્યાપનકાર્ય કર્યું, જેમાં લંડન ખાતેના સ્કૂલ ઑવ્ લિટરેચર ઍન્ડ આફ્રિકન સ્ટડીઝ સંસ્થાનો પણ સમાવેશ થાય છે. વ્યાવસાયિક કારકિર્દીના અંતે મુંબઈ યુનિવર્સિટીના કમ્પેરેટિવ લિટરેચર સ્ટડીઝ માટેની ‘ગુરુદેવ ટાગોર ચૅર’ પરથી નિવૃત્ત થયા. છે. વીસમી સદીના સાતમા દાયકામાં ભાલચંદ્ર નેમાડેએ મુંબઈથી મરાઠીમાં પ્રકાશિત થતા ‘વાચા’ નામક સામયિકનું સંપાદનકાર્ય પણ સફળતાથી કર્યું હતું.

નેમાડેએ પોતાની ચૌદ વર્ષની વયથી જ કાવ્યલેખનનો પ્રારંભ કર્યો છે. તેમની પ્રથમ નવલકથા ‘કોસલા’ તેમની પચીસ વર્ષની વયે 1963માં પ્રકાશિત થઈ હતી અને ત્યાર બાદ તેમનાં અન્ય અનેક પુસ્તકો પ્રકાશિત થયાં છે. ‘કોસલા’ નવલકથાનો નાયક પાંડુરંગ સંગવીકર મહારાષ્ટ્રના ગ્રામ વિસ્તારનો એક કાલ્પનિક યુવાન છે, જેની આત્મકથા રૂપે લખેલી આ નવલકથા છે; જોકે હકીકતમાં તે ભાલચંદ્ર નેમાડેના પોતાના જ જીવનની આત્મકથા રૂપે લખેલી આ નવલકથા છે. એનો આભાસ વાચકને થયા વગર રહેતો નથી. આ તે આત્મકથાની ખૂબી છે. આ નવલકથા અનેક ભાષાઓમાં અનૂદિત થયેલી જેમાં અંગ્રેજી, હિંદી, ગુજરાતી, કન્નડ, આસમિયા, પંજાબી, બંગાળી, ઉર્દૂ, ઓડિય ઇત્યાદિનો સમાવેસ થાય છે.

ભાલચંદ નેમાડે

‘કોસલા’ બાદ નેમાડેની ચાર અન્ય નવલકથાઓનો સમૂહ પણ પ્રકાશિત થયેલ છે. જેનાં શીર્ષકો છે ‘બિઢાર’, ‘હૂલ’, ‘જરીલા’ અને ‘ઝૂલ’. આ ચાર નવલકથાઓ ઉપરાંત તેમની ચાર બીજી નવલકથાઓ પણ પ્રકાશિત થઈ છે, જેનો પ્રારંભ ‘હિંદુ જગણ્યાચી સમૃદ્ધ અડગળ’(2010)થી થાય છે અને જેના કેન્દ્રમાં ‘ખંડેરાવ’ નામક એક કાલ્પનિક પાત્ર મૂકવામાં આવેલું છે.

ભાલચંદ્ર નેમાડેના બે કાવ્યસંગ્રહો પણ પ્રકાશિત થયા છે, જેનાં શીર્ષકો છે : ‘મેલડી’ અને ‘દેખણી’.

નેમાડે સાહિત્યના સમીક્ષક/સમાલોચક પણ છે જે ‘દેશીવડ’ નામના સિદ્ધાંત પર આધારિત છે. તેમનો ઉપરોક્ત સિદ્ધાંત વૈશ્વિકીકરણની હાલની પ્રક્રિયાને ધિક્કારે છે અને તેના સ્થાને ભારતના પોતાના સંસ્કારો, પોતાના દેશી રીતરિવાજો, પોતાના વ્યવહારોની પદ્ધતિઓ વગેરેને ઉત્તેજન આપવાની પ્રક્રિયાનું સમર્થન કરે છે.

નેમાડે શુભનિષ્ઠા ધરાવતા સાહિત્યકાર છે જે દૃઢ મનોવલણ તથા મૂલ્યો ધરાવે છે અને લોકપ્રિયતાની પરવા કર્યા વગર તેનું નિરંતર જતન કરે છે. ‘લિટલ મૅગેઝિન’ નામક આંદોલનના તેઓ ભૂતકાળમાં સક્રિય કાર્યકર હતા. સ્વાતંત્ર્યોત્તર મરાઠી સાહિત્યના વિકાસ-વહેણ પ્રગટાવવામાં આ આંદોલનનો નિર્ણાયક ફાળો રહ્યો છે. ‘વાચા’ એ તેનું જ મુખપત્ર હતું જેનું સંપાદનકાર્ય નેમાડેએ નોંધપાત્ર સમય સુધી કર્યું હતું.

નેમાડેની પુરસ્કૃત કૃતિ મરાઠીવિવેચનલેખોનો સંગ્રહ છે. જેમાં મરાઠી સાહિત્ય માટે વિવેચનાના અભિનવ માપદંડો આલેખાયા છે. વળી મધ્યકાળથી આધુનિક સમય સુધીના પ્રચલિત સિદ્ધાંતોનું તેમાં પુન:મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. ‘કથાસરિત્સાગર’ની ભારતીય કથાવૃત્તાંત શૈલીથી માંડીને દલિત સાહિત્ય જેનું સમકાલીન આંદોલન – એમ અનેકવિધ વિષયોની વ્યાપકતા આ નિબંધોમાં છે. નેમાડેના મતે સાહિત્ય કેવળ સ્વરૂપલક્ષી કે વિદ્વત્તાલક્ષી એકાકી પ્રવૃત્તિ નથી, પણ સંસ્કૃતિની મનીષાની સંકુલ અભિવ્યક્તિ છે. આ સમાલોચનાત્મક ગ્રંથમાં વેધક તથા સાતત્યપૂર્ણ વિવેચનાત્મક અભિગમ, સાહિત્યની ભૂમિકા તથા તેના ઉદ્દેશ વિશે અત્યંત વૈયક્તિક દૃષ્ટિબિંદુ તેમજ વિવિધ વિષયક્ષેત્રોમાં રસ ધરાવતી વિદ્વત્તા જોવા મળે છે. એ કારણે નેમાડેનો આ ગ્રંથ ભારતીય સાહિત્યનો એક અનન્ય ગ્રંથ લેખાય છે.

નેમાડેની વિવેચનકૃતિઓમાં ‘ટીકાસ્વયંવર’, ‘સાહિત્યચી ભાષા’, ‘તુકારામ’, ‘દેશીવડ’ (Indian Nationalism), ‘ધ ઇન્ફ્લુએન્સ ઑવ્ ઇંગ્લિશ ઑન મરાઠી’ તથા ‘ઇન્ડોઑગ્લિકન રાઇટિંગ્ઝ’નો સમાવેશ થાય છે. ટૂંકી વાર્તાનો સાહિત્ય પ્રકાર નવલકથાના સાહિત્ય પ્રકાર કરતાં ઊતરતી કક્ષાનો હોય છે. આ તેમના મંતવ્યને કારણે મરાઠી સાહિત્યવર્તુળમાં મોટો વિવાદ જાગ્યો હતો.

ભાલચંદ્ર નેમાડેને વર્ષ 2014 સુધી મળેલા વિવિધ ઍવૉર્ડ્ઝ અને સન્માનોમાં ‘હરિ નારાયણ આપટે ઍવૉર્ડ’, ‘મરાઠી અભ્યાસ પરિષદ મહાલાંક’, ‘આર. એસ. જોગ સ્મૃતિ ઍવૉર્ડ’ હતા. ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’ (2011), તેમના વિવેચન ગ્રંથ ‘ટીકાસ્વયંવર’ને સાહિત્ય અકાદમીનો 1991નો ઍવૉર્ડ તથા 2015માં જાહેર થયેલ 2014નો બહુપ્રતિષ્ઠિત ‘જ્ઞાનપીઠ’ ઍવૉર્ડ ઉલ્લેખનીય છે.

જ્ઞાનપીઠ ઍવૉર્ડ મેળવનાર ભાલચંદ્ર નેમાડે ચોથા મરાઠી સાહિત્યકાર છે. તે પૂર્વે આ પુરસ્કાર પ્રાપ્ત કરનારા મરાઠી સાહિત્યકારોમાં ‘વિ. સ. ખાંડેકર, વિ. ના. શિરવાડકર તથા વિંદા કરંદીકરનો સમાવેશ થાય છે.

મહેશ ચોકસી

બાળકૃષ્ણ માધવરાવ મૂળે