નેમાન, જેર્ઝી (જ. 16 એપ્રિલ 1894, બેન્દરી, રશિયા; અ. 5 ઑગસ્ટ 1981, કૅલિફૉર્નિયા) : પ્રસિદ્ધ રશિયન આંકડાશાસ્ત્રી. 1923માં વૉર્સો યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. ગાણિતિક આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રમાં તેમનું ગણનાપાત્ર પ્રદાન છે. આંકડાશાસ્ત્રીય આગણનનો સિદ્ધાંત (theory of estimation) અને પરિકલ્પનાની ચકાસણીના સિદ્ધાંત (hypothesis of testing) પર તેમણે સંશોધનકાર્ય કરેલું છે. તેમને વિજ્ઞાનનો પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પદક એનાયત કરવામાં આવ્યો હતો.

1917 થી 1921 સુધી યુક્રેઇનના ખાર્કોવમાં આવેલા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાં વ્યાખ્યાતા તરીકે સેવા આપ્યા પછી તેમને પોલૅન્ડમાં બીડ્ગોસ્ઝેઝ ખેતીવાડી સંશોધન સંસ્થાના આંકડાશાસ્ત્રી તરીકે નીમવામાં આવ્યા. 1923માં તે વૉર્સોની ખેતીવાડી કૉલેજના વ્યાખ્યાતા થયા અને 1928માં વૉર્સો યુનિવર્સિટી ફૅકલ્ટીમાં જોડાયા. 1934થી 1938 દરમિયાન લંડન યુનિવર્સિટીમાં સેવા આપી. ત્યાંથી 1938માં યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થળાંતર કરી ત્યાં વસવાટ કર્યો. બર્કલીની યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયામાં જોડાયા અને 1955માં આંકડાશાસ્ત્રના નવા શરૂ કરેલા વિભાગના અધ્યક્ષ થયા. ઘણા ઊગતા આંકડાશાસ્ત્રીઓ તેમની તરફ આકર્ષાયા, તેમની પાસે તાલીમ પામ્યા. સંસ્થા ગણિતીય આંકડાશાસ્ત્રમાં અગ્રગણ્ય અને જગપ્રસિદ્ધ થઈ.

તેમના માર્ગદર્શન નીચે સંભાવના અને આંકડાશાસ્ત્ર પર શ્રેણીબદ્ધ પરિસંવાદો યોજાયા અને સફળતાપૂર્વક સંપન્ન થયા. ગાણિતિક આંકડાશાસ્ત્રમાં તેમણે કરેલાં સંશોધનકાર્યોમાં આંકડાશાસ્ત્રીય આગણનનો સિદ્ધાંત અને પરિકલ્પનાની ચકાસણીના સિદ્ધાંતોનો સમાવેશ થાય છે. આ સિદ્ધાંતો જનીનવિદ્યા (genetics), વૈદ્યકીય ચિકિત્સા (medical diagnosis), ખગોળશાસ્ત્ર, હવામાનવિદ્યા, ખેતીવાડીવિદ્યાના પ્રયોગો વગેરેમાં વિપુલ પ્રમાણમાં પ્રયોજવામાં આવ્યા છે. આંકડાશાસ્ત્ર(વૈચારિક)ની આલોચનામાં તેમણે સિદ્ધાંતો અને તેની ઉપલબ્ધિઓનો સુભગ સમન્વય કરેલો છે.

શિવપ્રસાદ મ. જાની