સ્ટાર્ક, જોહાન્નિસ [જ. 15 એપ્રિલ 1874, શુકનહૉફ (Schickenhof), બેવેરિયા, જર્મની; અ. 21 જૂન 1957, ટ્રૉએનસ્ટેઇન (Trauenstein)] : કેનાલ-કિરણોની અંદર ડૉપ્લર ઘટનાની તથા વિદ્યુતક્ષેત્રમાં વર્ણપટીય (spectral) રેખાઓના વિપાટન-(splitting)ની શોધ બદલ 1919ના વર્ષનો ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર મેળવનાર જર્મન ભૌતિકશાસ્ત્રી.
જોહાન્નિસ સ્ટાર્ક
તેમણે શરૂઆતમાં શાલેય શિક્ષણ બેરૂથ(Bayreuth)ની જિમ્નેસિયમ(ગ્રામર સ્કૂલ)માં અને પછીથી રૅગન્સબર્ગ(Regens-burg)માં લીધું. 1894માં તેમણે ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, ગણિતશાસ્ત્ર તથા સ્ફટિકવિજ્ઞાનના અભ્યાસાર્થે મ્યૂનિક યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો. કેટલાક નિસ્તેજ (અસ્પષ્ટ) માધ્યમમાં મેળવેલ ન્યૂટનના ઇલેક્ટ્રૉક્રોનિક વલયો ઉપર તૈયાર કરવામાં આવેલ ડૉક્ટરલ મહાનિબંધના આધારે સ્ટાર્ક 1897માં સ્નાતક થયા. 1897–1900 દરમિયાન તેમણે ફિઝિક્સ ઇન્સ્ટિટ્યૂટ ઍટ મ્યૂનિક યુનિવર્સિટી ખાતે વૉન લોમેલ(Von Lommel)ના મદદનીશ તરીકે કાર્ય કર્યું. ત્યાર બાદ ગોટિંગન (GÖttingen) યુનિવર્સિટીમાં વિના વેતને ભૌતિકવિજ્ઞાનના યુનિવર્સિટી વ્યાખ્યાતા તરીકે કાર્ય કર્યું. 1906માં તેમની હેનોવરમાં ટેકનીશ હૉશ્યુલ (Technische Hochschule) ખાતે વિશિષ્ટ (અનન્ય) પ્રાધ્યાપક તરીકે નિમણૂક થઈ. 1909માં આશેન(Aachen)માં પ્રાધ્યાપક તરીકેનું નિમંત્રણ મળ્યું. તેવી જ રીતે 1917માં ગ્રીફ્સવાલ્ડ (Greifswald) યુનિવર્સિટીમાં નિમણૂક મળી. ત્રણ વર્ષ બાદ, તે ફિઝિક્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ધ યુનિવર્સિટી ઑવ્ વુર્ઝબર્ગ
(W ürzburg) સાથે જોડાયા અને 1922 સુધી ત્યાં રહ્યા.
વાયુઓમાં વિદ્યુતપ્રવાહ, સ્પેક્ટ્રમી (spectroscopic) વિશ્લેષણ અને રાસાયણિક સંયોજકતા (valency) જેવાં ત્રણ વિશાળ ક્ષેત્રોમાં સ્ટાર્કે કાર્ય કર્યું. નોબેલ પુરસ્કારમાં મળેલાં નાણાંની સહાયથી તેમણે પોતાની અંગત પ્રયોગશાળા પણ ઊભી કરી.
1933માં સ્ટાર્ક ફિઝિકો-ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. 1939 સુધી તેઓ આ પદે આરૂઢ રહ્યા. બરાબર તે જ સમય-ગાળામાં જર્મન રિસર્ચ ઍસોસિયેશનના અધ્યક્ષ તરીકે પણ તેઓ રહ્યા.
સ્ટાર્ક પોતાના વિષયમાં સર્વતોમુખી પ્રતિભા ધરાવતા હતા. તેમણે 300 જેટલા સંશોધનલેખો પ્રગટ કર્યા છે. 1902માં તેમણે ‘ઇલેક્ટ્રિસિટી ઇન ગૅસીસ’ પ્રસિદ્ધ કર્યું. તે પછી તેમના સંયોજક તરીકેના કાર્યસંદર્ભે ‘ઇલેક્ટ્રિસિટી ઇન કેમિકલ ઍટમ્સ’ પુસ્તક લખ્યું. આ ઉપરાંત રેડિયોઍક્ટિવિટી અને ઇલેક્ટ્રૉનિક્સ માટે વાર્ષિક પોથી (year book) બહાર પાડી અને 1904થી 1913 સુધી તેનું સંપાદન કર્યું.
જોહાન્નિસ સ્ટાર્ક ગોટિંગન રોમ, લીડન, વિયેના અને કોલકાતાની એકૅડેમીના અનુરૂપ (corresponding) સભ્ય રહ્યા. 1910માં વિયેના એકૅડેમી ઑવ્ સાયન્સીઝનું બૌમગાર્ટનર (Baumgartnor) પારિતોષિક તેમને મળ્યું. તે જ રીતે 1914માં ગોટિંગન એકૅડેમી ઑવ્ સાયન્સીઝનું વાલ્બ્રુશ (Vahlbruich) પારિતોષિક તેમને ફાળે ગયું. તે જ વર્ષે રોમ એકૅડેમીનો ચંદ્રક તેમને મળ્યો.
જીવનનાં છેલ્લાં વર્ષોમાં સ્ટાર્કે પોતાના વતન ઍપેનસ્ટેટ(અપર બેવેરિયા)માં પોતાની અંગત પ્રયોગશાળામાં સંશોધનકાર્ય ચાલુ રાખ્યું. તે દરમિયાન વિષમ વિદ્યુતક્ષેત્રમાં પ્રકાશના આવર્તનને લગતું સંશોધન કર્યું. જીવનની સંધ્યાટાણે પણ તેઓ સંશોધનનાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત રહ્યા હતા.
તેઓ પ્રકૃતિપ્રેમી હતા. તેથી જ વનવિજ્ઞાન(forestry)માં રચ્યાપચ્યા રહેતા. ફૂલ, છોડ અને ફળોનાં વૃક્ષો ઉગાડવાં અને તેમનું જતન કરવું એ તેમનો શોખ હતો.
પ્રહલાદ છ. પટેલ