સ્ટાલિન, જૉસેફ (. 21 ડિસેમ્બર 1879, ગોરી, જ્યૉર્જિયા; . 5 માર્ચ 1953, મૉસ્કો) : રશિયાના પ્રખર ક્રાંતિવાદી નેતા અને સરમુખત્યાર, જેમણે રશિયાને સમાજવાદી સોવિયેત સંઘમાં અને કૃષિયુગી રાજ્યને ઔદ્યોગિક રાજ્યમાં રૂપાંતરિત કર્યું. મૂળ નામ જૉસેફ વિસોરિયોનૉવિચ જુગાશ્વીલી, પરંતુ જૉસેફ સ્ટાલિન તરીકે પ્રસિદ્ધ. ‘સ્ટાલિન’ શબ્દનો અર્થ છે લોખંડી માણસ. તેમણે 1913માં આ નામ ધારણ કર્યું. જ્યૉર્જિયાના ગોરી રાજ્યના ગરીબ મોચીનો પુત્ર. પિતા દારૂડિયો હોવાથી વારંવાર અમાનુષી માર મારી પુત્રને ત્રાસ આપતો. 11 વર્ષની વયે પિતાને ગુમાવ્યા. ગરીબ માતા તેમના આ એકના એક સંતાનને સંસ્કારી માનવ અને પાદરી બનાવવા ચાહતી હતી. ગોરી ખાતે પ્રાથમિક શિક્ષણ મેળવી, કોકેશિયાના પાટનગર ટિફલીસમાંની થિયૉલૉજિકલ સેમિનરી(પાદરીઓ તૈયાર કરવા માટેની કૅથલિક સંપ્રદાયની શાળા)માં તેમણે પ્રવેશ મેળવ્યો. અહીં ગુપ્ત રીતે કાર્લ માર્કસ અને વિક્ટર હ્યુગો તથા ફ્રેંચ ક્રાંતિકારીઓ અંગેનું અન્ય મનાઈ ધરાવતું સાહિત્ય તેઓ વાંચતા, ગુપ્ત સંગઠનોમાં કોઈ ન જાણે તેમ કામ કરતા. તેજસ્વી વિદ્યાર્થી હોવા છતાં 1899માં આ કારણોસર તેમને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. રશિયાના સમાજજીવનમાં જ્યૉર્જિયાના લોકોને સાવ ઊતરતું સ્થાન અપાતું અને તેઓ મુખ્યત્વે જ્યોર્જિયન ભાષા બોલતા, જે રશિયનથી જુદી હતી. સ્ટાલિને આથી રશિયાની ભાષા શીખી લીધી અને ઉચ્ચ વર્ણના રશિયાના નેતાઓનો ભારે પ્રતિકાર કરી તેઓ તેના દૃઢ-મજબૂત વ્યક્તિત્વની છાપ ઉપસાવતા રહ્યા.

જૉસેફ સ્ટાલિન

1894માં રશિયાનો ઝારવંશનો નિકોલસ રાજા (છેલ્લો રાજા) બન્યો. તેણે પ્રેસ, વિદ્યાર્થી-સંગઠનો, શિક્ષણ વગેરે પર ભારે અંકુશો મૂક્યા. જોકે આ સમય દરમિયાન રશિયાએ સારો આર્થિક અને સામાજિક વિકાસ કર્યો હતો; પરંતુ ખેતીના ક્ષેત્રે ભારે કટોકટી હતી. નાનાં ખેતરોમાં પૂરતું અનાજ પેદા થતું નહોતું અને ખેડૂતોમાં ભારે અસંતોષ હતો.

અભ્યાસકાળ દરમિયાન સ્ટાલિન માર્કસવાદી સંગઠનોમાં ભાગ લેતા અને 1898થી તેઓ આ પ્રવૃત્તિમાં સક્રિય બન્યા. એકાદ વર્ષ કારકુન તરીકે કામ કરી તેઓ ક્રાંતિકારી બન્યા. ટિબલિસિ (Tbilisi) મુકામે તેમણે ‘મે દિન’(મજૂર દિન)ના દેખાવો યોજ્યા, કારણ નિકોલસ ઝારના શાસનથી મજૂરવર્ગ ભારે અસંતુષ્ટ હતો. સામ્યવાદી સંગઠનમાં સક્રિય બનેલા સ્ટાલિનની ધરપકડ કરવાની હતી, પણ તેઓ તેમાંથી છટકી ગયા. ત્યાર બાદ તેમણે ભૂગર્ભ પ્રવૃત્તિમાં જોડાઈ કામ ચાલુ રાખ્યું. પોલીસને ગેરરસ્તે દોરવા થોડો સમય ‘કોબા’ નામ ધારણ કર્યું. તે પછી કોકેસસના પર્વતીય વિસ્તારમાં અન્ય નામોથી તેમણે ભૂગર્ભપ્રવૃત્તિ ચાલુ રાખેલી. આ કાળે તેઓ જ્યૉર્જિયા રાજ્યના અગ્રણી નેતા હતા અને તેના માકર્સવાદી સામયિક ‘બર્દઝોલા’(લડત)માં લેખ લખતા થયા હતા. તેઓ મુખ્યત્વે લેનિનના ક્રાંતિકારી વિચારોને તેમાં વાચા આપતા હતા. તે જ વર્ષે તેઓ ઔપચારિક રીતે રશિયન સોશિયલ ડેમૉક્રેટિક લેબર (માકર્સવાદી) પક્ષમાં જોડાયા. ક્રાંતિકારી પ્રવૃત્તિઓને કારણે તેમની ધરપકડ થઈ અને જેલ ભોગવી. આ સમયે મહત્વની વાત એ બની કે તેઓ જેલમાં હોવા છતાં ‘ઑલ કોકેશિયન ફેડરેશને’ પોતાના સંચાલક મંડળમાં તેમને સભ્ય ચૂંટ્યા. વ્યક્તિગત રીતે સ્ટાલિનની આ મોટી સિદ્ધિ હતી. આ જ અરસામાં તેમને જેલમાંથી સાઇબીરિયાની છાવણીમાં મોકલી દેવાયા.

1903માં રશિયન સોશિયલ ડેમૉક્રેટિક લેબર પાર્ટીમાં લેનિનના નેતૃત્વ હેઠળ બૉલ્શેવિક જૂથ રચાયું અને તેના વિરોધમાં મેન્શેવિક જૂથ રચાયું. સ્ટાલિન આ બૉલ્શેવિક જૂથના સક્રિય સભ્ય હતા. 1904માં તેઓ સાઇબીરિયાની છાવણીમાંથી ભાગી છૂટ્યા અને 1905માં લેનિનને ફિનલૅન્ડમાં મળ્યા. એ જ વર્ષે તેમણે લગ્ન કર્યાં અને પુત્ર જેકોબનો જન્મ થયા બાદ તેમની પ્રથમ પત્ની 1907માં ક્ષય રોગને કારણે અવસાન પામી. 1918ના અરસામાં બીજું લગ્ન કર્યું અને પુત્ર વાંસિલી અને પુત્રી સ્વેતલાનાના પિતા બન્યા; પરંતુ બીજી પત્નીએ 1932માં આત્મહત્યા કરી. તેમનો મોટો પુત્ર જેકોબ બીજા વિશ્વયુદ્ધ (1939–1945) દરમિયાન જર્મનોને હાથે પકડાયેલો. નાનો પુત્ર વાંસિલી રશિયન હવાઈદળનો જનરલ બન્યો હતો અને 1953 પછી કાર-અકસ્માતમાં અવસાન પામેલો. પુત્રી સ્વેતલાના અંગ્રેજી ભાષાની શિક્ષિકા અને અનુવાદક હતી; જે 1967માં અમેરિકા, 1982માં ગ્રેટ બ્રિટન અને 1984માં સોવિયેત યુનિયનમાં સ્થિર થવા મથતી રહી અને છેવટે ફરી 1986માં અમેરિકામાં વસવાનું પસંદ કર્યું.

1906થી 1913 દરમિયાન સ્ટાલિને ઘણી વાર ધરપકડ વહોરી અને સાઇબીરિયામાં દેશવટો ભોગવ્યો. (સાઇબીરિયાનો કેટલોક હિસ્સો દેશના મૂળ પ્રદેશથી વિખૂટો પડેલો છે અને સોવિયેત યુનિયનનો જ ભાગ છે; પરંતુ તેના આ વિખૂટા પડેલા પ્રદેશમાં ગંભીર કેદીઓ અને રાજકીય ગુનેગારો માટેની સજા ભોગવવાની છાવણીઓ રાજા ઝારના સમયથી ઊભી કરાયેલી; આથી સાઇબીરિયાની સજાને દેશનિકાલની સજા તરીકે રશિયામાં ઓળખવામાં આવતી.)

1912માં લેનિને તેમને બૉલ્શેવિક પક્ષની કેંદ્રીય સમિતિમાં સભ્ય તરીકે લીધા. 1913માં લેનિનની મદદથી ‘ધ નૅશનલ ક્વેશ્ચન અને સોશિયલ ડૅમૉક્રસી’ લેખ લખ્યો, જેમાં તેમણે સૌપ્રથમ વાર ‘સ્ટાલિન’ (લોખંડી માણસ) નામ ઉપયોગમાં લીધું. 1913માં બૉલ્શેવિક પક્ષના મુખપત્ર ‘પ્રવદા’(સત્ય)ના સૌપ્રથમ સંપાદક તરીકે કામ કર્યું.

1914માં જર્મનીએ રશિયા સામે યુદ્ધ જાહેર કર્યું. આ પ્રથમ વિશ્વયુદ્ધ(1914–1918)ની શરૂઆત હતી. 1917 સુધી સ્ટાલિન સાઇબીરિયામાં દેશવટો ભોગવતા હતા અને પેટ્રોગાદ(લેનિનગ્રાદ)માં હડતાળો અને આંદોલન ચાલતાં હતાં. રશિયા ચીજવસ્તુઓ અને અનાજની ભારે તંગીથી પરેશાન હતું. 1917માં રાજા ઝાર નિકોલસ બીજાએ સત્તાત્યાગ કર્યો. એથી ત્યાં કામચલાઉ સરકાર રચાઈ. પરિણામે સ્ટાલિન અન્ય બૉલ્શેવિકો સાથે જેલમાંથી છૂટ્યા અને ‘પ્રવદા’ના તંત્રી બન્યા. લેનિન સ્વદેશ પાછા ફર્યા. બૉલ્શેવિકોના સમર્થનમાં મજબૂત રીતે ન ઊભા રહેવા બદલ લેનિને સ્ટાલિનને ઠપકો આપ્યો. લેનિને બૉલ્શેવિકોનો સાથ લઈ કામચલાઉ સરકાર ઉથલાવી નાંખી અને નવેમ્બર, 1917માં સત્તા મેળવી, જે ઑક્ટોબર ક્રાંતિ (જૂના રશિયન કૅલેન્ડર મુજબ તે ઑક્ટોબર મહિનો હોવાથી) તરીકે ઇતિહાસમાં સુપ્રસિદ્ધ છે.

આ ક્રાંતિ સુધી તેઓ પક્ષના મહત્વના કાર્યકર માત્ર હતા; પરંતુ ક્રાંતિ પછીના ટૂંકા ગાળામાં આંદોલનો થયાં અને તે ગૃહયુદ્ધમાં પરિણમ્યાં. 1920માં બૉલ્શેવિકો ગૃહયુદ્ધમાં વિજેતા બન્યા. સ્ટાલિનગ્રાડ(Tsaritsyn, જૂનું નામ અને હવે Valgograd)માં આવા એક આંદોલનમાં સ્ટાલિન વિજેતા બન્યા. ત્યાર બાદ પક્ષની નીતિ ઘડનાર એકમ પૉલિટ બ્યૂરો(રાજકીય કારોબારી)ના સભ્ય બન્યા. પક્ષનું નામ બદલીને રશિયન કૉમ્યુનિસ્ટ પાર્ટી કરવામાં આવ્યું, 1922માં કૉમ્યુનિસ્ટ પક્ષની કેન્દ્રીય સમિતિએ સ્ટાલિનને પક્ષના મહામંત્રી ચૂંટ્યા. 1922 સુધીમાં ક્રમશ: સ્ટાલિન પક્ષની અંદર વધુ મજબૂત બનતાં લેનિન પણ મૂંઝાયા હતા. સ્ટાલિન અન્ય વ્યક્તિઓ સાથેના વર્તનમાં ઘણા ‘બરછટ’ છે તેમજ હોદ્દા પર રહી તેમણે સત્તાનો દુરુપયોગ કર્યો છે તેમ લેનિન કહેતા; આમ છતાં તેઓ તેમને હોદ્દા પરથી દૂર કરી શક્યા નહોતા. 1924માં લેનિનના અવસાનથી પક્ષમાં તેમનું ચલણ મજબૂત બન્યું. તેમણે હરીફોને દૂર ધકેલ્યા અને સોવિયેત યુનિયનના ઔદ્યોગિકીકરણ માટે પંચવર્ષીય યોજનાઓની શરૂઆત કરી. 1929માં પક્ષે તેમનો પચાસમો જન્મદિન ઊજવ્યો ત્યારે તે સામ્યવાદી નેતા ન રહેતાં રશિયાના સરમુખત્યાર બની ગયા હતા. 1930માં તેમણે રુસીકરણની નીતિ ઘડી, જેમાં લઘુમતીઓ પર સરકાર દ્વારા સખત અંકુશો લાદવામાં આવ્યા. 1939માં પોલૅન્ડનો મોટો ભાગ રશિયાએ કબજે કર્યો. 1940માં રશિયાના સૈનિકોએ બાલ્ટિક દેશો – ઈસ્ટોનિયા, લૅટવિયા અને લિથુઆનિયા પર આક્રમણ કરી સામ્યવાદી સરકારો રચી અને તેમની ઇચ્છાવિરુદ્ધ પરાણે તે સરકારોને રશિયા સાથે જોડી દેવામાં આવી. એ સાથે રશિયામાં આતંકનો યુગ શરૂ થયો. તેમના રાજકીય શાસન હેઠળ લાખો લોકોને છાવણીઓમાં નાંખી દઈ મોતને ઘાટ ઉતારાયા. ગુપ્ત પોલીસનો મહિમા વધ્યો, તે લોકો કેદીઓ પાસેથી જબરદસ્તીથી કામ લેતા. પડોશીઓ પણ એકબીજાની ચોકી કરી સરકારને માહિતી પહોંચાડી દે છે એવી દહેશત સર્વત્ર પ્રવર્તમાન થઈ.

1935થી કૉમ્યુનિસ્ટ પક્ષના સભ્યોની સાફસૂફી(પક્ષની અંદરના કે બહારના વિરોધીઓનો કોઈ પણ ભોગે અંત લાવવો)નો આરંભ કર્યો. અલબત્ત, આવી સાફસૂફી વિરોધીઓને માર્ગમાંથી હઠાવી દેવાની સામ્યવાદી શૈલી છે. આ સાફસૂફી દરમિયાન મુખ્યત્વે જૂના બૉલ્શેવિકો અને લશ્કરી નેતાઓને હોદ્દા પરથી દૂર કરી દેવાતા. પછીનાં વર્ષોમાં તેમની સત્તાને પડકારનાર ખાસ કોઈ રહ્યું નહોતું. સાફસૂફીના નામે સોવિયેત યુનિયનમાં આતંકનો દોર ચલાવવામાં આવ્યો. જેમાં ઘણા લોકોને સહન કરવું પડ્યું. પક્ષના સભ્યો, લશ્કરના વડાઓ, સૈનિકો અને અસંખ્ય અધિકારીઓની સાફસૂફી કરવામાં આવી.

1936માં સ્ટાલિને આપેલા ‘સ્ટાલિન બંધારણે’ સૌનું ધ્યાન ખેંચ્યું. અલબત્ત, લેનિને પણ બંધારણો આપેલાં, જેનાથી 1922માં  યુનિયન ઑવ્ સોવિયેત સોશિયાલિસ્ટ રિપબ્લિક  યુ.એસ.એસ.આર.ની રચના થયેલી; ત્યાર બાદ 1924માં બીજું બંધારણ આપ્યું હતું. સ્ટાલિને 1936માં આંતરિક અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓને અનુલક્ષીને ‘સ્ટાલિન બંધારણ’ ઘડ્યું. તેમાં 13 પ્રકરણો, 146 કલમો અને 2 પરિશિષ્ટ હતાં. તેમાં તેમણે શ્રમજીવી વર્ગની સરમુખત્યારશાહી માટેનો શાબ્દિક પ્રયાસ કરેલો છે. સમગ્ર વિશ્વનાં મોટી સંખ્યાનાં રાજ્યો સામ્યવાદી નહિ બને ત્યાં સુધી સત્તા અંગેની મથામણ ચાલુ રહેશે એમ તેઓ માનતા હતા. આ ચિંતન 1936ના બંધારણમાં અભિવ્યક્ત થયું હતું.

બીજા વિશ્વયુદ્ધ(1939–45)ના આરંભે તેમણે જર્મન સરમુખત્યાર હિટલર સાથે હાથ મિલાવ્યા ત્યારે તેનો વિરોધ કરનાર કોઈ નહોતું. હિટલરના લશ્કર દ્વારા જ્યારે સોવિયેત યુનિયનના લશ્કરે પરાજયો ખમ્યા ત્યારે પણ સ્ટાલિનનો રાજકીય વિરોધ ન થયો, કારણ તેમ કરવું શક્ય નહોતું. 1945માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે ગુપ્ત પોલીસનો વડો લેવરાન્તી બેરિયા સ્ટાલિન સરકારનો પ્રથમ હરોળનો નેતા હતો. તેના નેતૃત્વ સાથે લોહિયાળ સાફસૂફી ચાલુ રહી, પૉલિટ બ્યૂરોના સભ્યો કે સામ્યવાદી પક્ષના સભ્યો  કોઈ જ સલામત નહોતા. સરમુખત્યારી શાસકનો આતંકી પંજો સમગ્ર દેશમાં ફેલાઈ ચૂક્યો હતો. જર્મની અને સોવિયેત યુનિયને 1939માં એક સંધિ દ્વારા યુદ્ધ ન કરવાના કરાર કર્યા હતા તેમજ પોલૅન્ડ પર આક્રમણ કરી, તેના બે ભાગ કરી તે વહેંચી લેવાનો કારસો રચ્યો હતો. 9 સપ્ટેમ્બર, 1939ના રોજ જર્મન લશ્કરે પોલૅન્ડ પર કૂચ કરી. ફ્રાન્સ અને બ્રિટને જર્મની વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું, પરંતુ જર્મનીએ પોલૅન્ડ જીતી પશ્ચિમ પોલૅન્ડ મેળવ્યું અને સોવિયેત યુનિયને પૂર્વ પોલૅન્ડ મેળવી લીધું. એવી જ રીતે ફિનલૅન્ડ પર આક્રમણ કરી સોવિયેત યુનિયને તે પડાવી લીધું.

મે, 1941માં સ્ટાલિને ખુદને સોવિયેત યુનિયનના પ્રીમિયર (સર્વોચ્ચ વડો) ઘોષિત કર્યા. 1941માં જર્મનીએ સોવિયેત યુનિયન પર હુમલો કર્યો પણ તે તેમણે મારી હઠાવ્યો. આથી, સ્ટાલિનને અપ્રતિમ લોકપ્રિયતા સાંપડી. માર્ચ, 1943માં સ્ટાલિને ખુદને સોવિયેત યુનિયનના માર્શલ ઘોષિત કર્યા. તે પછી 1943માં તે બ્રિટન અને અમેરિકા સાથે જોડાયું. પરિણામે આ ત્રણેય દેશો 1945માં જર્મનીને પરાજિત કરી શક્યા. તે પછી સ્ટાલિને આ પશ્ચિમી દેશો સાથેના સંબંધોનો અંત આણ્યો અને પૂર્વ યુરોપના બલ્ગેરિયા, ઝેકોસ્લોવાકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલૅન્ડ અને રુમાનિયામાં સામ્યવાદી સરકારો સ્થાપી. બીજી બાજુ ગ્રીસ, ઈરાન અને તુર્કી જેવા દેશોએ મળી સોવિયેત યુનિયનનો સામ્યવાદી ફેલાવો અટકાવવા તેનો પ્રતિકાર કર્યો. તેથી વિશ્વરાજકારણમાં ઠંડા યુદ્ધનો પ્રારંભ થયો. સામ્યવાદી યુગોસ્લાવિયામાં સોવિયેત યુનિયને પગપેસારો કરતાં યુગોસ્લાવિયાના વડા માર્શલ ટીટોએ તેનો ઇનકાર કર્યો અને સોવિયેત યુનિયન વિરુદ્ધ સ્વાતંત્ર્ય ઘોષિત કર્યું. સ્ટાલિનની આક્રમકતા ખાળવા નૉર્થ આટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન (NATO) રચાયું, જેથી સભ્ય દેશો અરસપરસના સંરક્ષણમાં મદદરૂપ થઈ શકે. કોરિયન યુદ્ધ દરમિયાન સ્ટાલિને સામ્યવાદી ઉત્તર કોરિયાને ટેકો આપી તેને સામ્યવાદી રંગે રંગાવામાં મદદ કરી.

પચીસથી વધુ વર્ષો સુધી સંપૂર્ણ સત્તા ભોગવી 1953માં તેઓ નવી ચાલ ચાલવાની તૈયારીમાં હતા. તેઓ દેશના પ્રથમ હરોળના નેતાઓને હોદ્દા પરથી ખસેડવાની તૈયારી કરતા હતા. વાસ્તવમાં વધુ એક સાફસૂફીનું આયોજન કરતા હતા; પરંતુ માર્ચ, 1953માં અચાનક બ્રેઇન-હેમરેજના હુમલાને કારણે સમગ્ર યોજના પડતી મુકાઈ. તે પછી થોડા દિવસોમાં સ્ટાલિનનું અવસાન થયું ત્યારે સોવિયેત યુનિયન વિશ્વનાં શક્તિશાળી રાજ્યોની હરોળમાં હતું અને સામ્યવાદી જગતનું પ્રથમ નંબરનું રાજ્ય હતું. આ સ્થિતિથી વિશ્વરાજકારણને નવો જ વળાંક મળ્યો હતો.

હસમુખ પંડ્યા