નેપોલિયન-III (જ. 20 એપ્રિલ 1808, પૅરિસ; અ. 9 જાન્યુઆરી 1873, ચિસલહર્સ્ટ, ઇંગ્લૅન્ડ) : નેપોલિયન બોનાપાર્ટનો ભત્રીજો અને ફ્રેંચ સમ્રાટ. ચાર્લ્સ લુઈ નેપોલિયનનો પિતા લુઈ બોનાપાર્ટ નેપોલિયનનો નાનો ભાઈ હતો. નેપોલિયન બોનાપાર્ટના શાસન વખતે લુઈ બોનાપાર્ટને હોલૅન્ડનો રાજવી બનાવવામાં આવ્યો હતો. 1815માં નેપોલિયન બોનાપાર્ટના પતન પછી બોનાપાર્ટ કુટુંબને (ફ્રાંસમાંથી) દેશનિકાલ કરવામાં આવ્યું હતું. તેથી ચાર્લ્સ લુઈ નેપોલિયને ઇટાલી, સ્વિટ્ઝર્લૅન્ડ અને જર્મનીમાં શિક્ષણ લીધું હતું અને લશ્કરી તાલીમ સ્વિટ્ઝર્લૅન્ડમાં લીધી હતી. 1832માં નેપોલિયન બોનાપાર્ટના પુત્ર ડ્યૂક ઑવ્ રીચસ્ટૅડના મૃત્યુ પછી નેપોલિયનના મુખ્ય રાજકીય વારસ તરીકે તેણે દાવો કર્યો.
1836 તેમજ 1840માં તે સમયના ફ્રાંસના રાજવી લુઈ ફિલિપ સામે થયેલા લશ્કરી બળવામાં તે સામેલ થયો હતો તેથી તેને ઑગસ્ટ, 1840માં આજીવન કેદની સજા કરવામાં આવી હતી. તેણે નેપોલિયનના વિચારોની પ્રશસ્તિ કરતું પુસ્તક પ્રગટ કર્યું (1840). કેદમાં રહીને તેણે લખાણો દ્વારા લોકોમાં નેપોલિયન બોનાપાર્ટની સિદ્ધિઓ વિશેનો રસ જીવંત રાખ્યો. તેથી ફ્રાન્સમાં એક મોટો વર્ગ તેનો ચાહક બન્યો. 1846માં તે જેલમાંથી નાસી જઈને ઇંગ્લૅન્ડ પાછો ગયો.
1848માં ફ્રાંસમાં થયેલી ક્રાંતિને લીધે ચાર્લ્સ લુઈ નેપોલિયનને નવી તક સાંપડી. નવા બંધારણ હેઠળ ફ્રાંસમાં જૂન, 1848માં સામાન્ય ચૂંટણી થઈ. ચાર્લ્સ લુઈ નેપોલિયને આ ચૂંટણીમાં ઝંપલાવ્યું અને ચાર વિભાગમાંથી તે ચૂંટાઈ આવ્યો; એટલું જ નહીં, બલ્કે ડિસેમ્બર, 1848માં તેને ફ્રેંચ પ્રજાસત્તાકના પ્રમુખ તરીકે પણ ચૂંટવામાં આવ્યો. તેણે સંસદીય પદ્ધતિની સરકાર સામેના લોકોના અસંતોષનો લાભ લઈને અને સામ્યવાદીઓના સંભવિત બળવાની બીકના બહાના હેઠળ મોટી સંખ્યામાં તેના વિરોધીઓને કેદમાં પૂર્યા અને ધારાસભાને વિખેરી નાખી. 20 ડિસેમ્બર, 1851માં સમગ્ર ફ્રાન્સમાં જનમત દ્વારા તે 10 વર્ષ માટે પ્રમુખ તરીકે ચૂંટાયો અને એક વર્ષ પછી ફરી જનમત દ્વારા તે નેપોલિયન-III તરીકે [નેપોલિયન બોનાપાર્ટે વૉટર્લૂના યુદ્ધમાં હાર પછી ગાદીત્યાગ કરીને તેના પુત્ર(1811-1832)ને નેપોલિયન-II તરીકે ગાદીવારસ તરીકે જાહેર કર્યો હતો.] ફ્રાન્સનો સમ્રાટ બન્યો.
તેણે સમ્રાટ તરીકે પોતાની આપખુદ સત્તા સ્થાપવા અખબારી સ્વાતંત્ર્ય પર અંકુશ મૂક્યો. ધારાસભા પાસેથી બધી સત્તાઓ લઈ લેવામાં આવી અને વિરોધપક્ષોને કચડી નાખવામાં આવ્યા. ફ્રાંસનું રાજકારણ ન સમજી શકે તેવી ખેડૂત વસ્તીનો ટેકો જાળવી રાખવા ઘણા ખેતીવિષયક સુધારા કર્યા. તેના શાસન દરમિયાન ફ્રાંસે વ્યાપાર- ઉદ્યોગને ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી હતી. જાહેર બાંધકામો દ્વારા તેણે પૅરિસને સુંદર શહેર બનાવ્યું. તેણે સમાજના દરેક વર્ગને ખુશ રાખવાની નીતિ અખત્યાર કરી; પરંતુ વ્યક્તિસ્વાતંત્ર્યને અભાવે લોકોમાં તેના શાસન પ્રત્યે અસંતોષ ચાલુ રહ્યો. આ અસંતોષને દૂર કરવા તેણે નવેમ્બર, 1860 અને જાન્યુઆરી, 1867માં કેટલીક છૂટછાટો આપી અને વ્યક્તિસ્વાતંત્ર્યને લગતાં નિયંત્રણો ઓછાં કર્યાં અને જાન્યુઆરી, 1870માં સંપૂર્ણ ઉદારમતવાદી શાસન દાખલ કર્યું. બંધારણીય રાજવી તરીકે તેણે બધી સત્તાઓ પ્રધાનમંડળને સુપરત કરી હતી; પરંતુ 1870માં પ્રશિયા સાથે યુદ્ધમાં ફ્રાન્સની નામોશીભરી હાર થઈ અને ગાદીત્યાગ કરવાની તેને ફરજ પાડવામાં આવી.
વાસ્તવમાં આ ફ્રાંકો–પ્રશિયન યુદ્ધ(1870)માં થયેલી હાર તેની વિદેશનીતિની નિષ્ફળતાની ચરમ સીમા હતી. તેણે શરૂઆતથી જ યુરોપમાં ફ્રાંસનું નેતૃત્વ સ્થાપવા માટે યુરોપમાં દરેક મહત્વના આંતરરાષ્ટ્રીય ઘર્ષણ વખતે દરમિયાનગીરી કરવાનું ચાલુ રાખ્યું હતું. 1854–56 દરમિયાન રશિયા સામે થયેલા ક્રિમિયાના યુદ્ધ વખતે તેણે દરમિયાનગીરી કરીને ફ્રાંસને પ્રતિષ્ઠા અપાવી, પરંતુ 1859માં તેણે સાર્ડિનિયા રાજ્યને ટેકો આપવા ઑસ્ટ્રિયા સાથે યુદ્ધ કર્યું. તે વખતે તેની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચ્યો. તે જ રીતે અમેરિકન આંતરયુદ્ધનો લાભ લઈને મેક્સિકોમાં ફ્રાંસનું વર્ચસ સ્થાપવા હેપ્સ્બર્ગ વંશના આર્કડ્યૂક મેક્સિમિલિયનને 1864માં રાજવી બનાવ્યો, પરંતુ 1867માં મેક્સિકોના લોકોએ જ મેક્સિમિલિયનને ફાંસીની સજા કરી. આમ નાણાકીય તેમજ લશ્કરી દૃષ્ટિએ ફ્રાંસને ખૂબ સહન કરવું પડ્યું. 1863-64માં પોલૅન્ડના પ્રદેશમાં રશિયાના શાસન સામે થયેલા વિદ્રોહને તેણે ટેકો આપ્યો; પરંતુ તેનું પરિણામ એ આવ્યું કે તેણે પોલ પ્રજા તેમ જ રશિયા એમ બંનેની સહાનુભૂતિ ગુમાવી. આમ તેણે પ્રશિયા, ઑસ્ટ્રિયા, રશિયા જેવી મહત્વની સત્તાઓને વિરોધી બનાવી.
તેના પતન માટે પ્રશિયાનો ચાન્સેલર બિસ્માર્ક વિશેષ જવાબદાર હતો. જર્મનીના રાજકીય એકીકરણના બિસ્માર્કના પ્રયાસો માટે તેની અપરિપક્વ વિદેશનીતિ અંતરાયરૂપ હોવાથી તે બિસ્માર્કની કૂટનીતિનો ભોગ બન્યો. આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરી તેમજ લશ્કરી ક્ષેત્રે પરિસ્થિતિ ફ્રાંસની વિરુદ્ધમાં હોવા છતાં તેણે પ્રશિયા સાથે યુદ્ધ કર્યું. છ અઠવાડિયાંના આ યુદ્ધમાં 2જી સપ્ટેમ્બર, 1870ને દિવસે તેના સીધા નેતૃત્વ હેઠળના લશ્કરને સેડા મુકામે શરણાગતિ સ્વીકારવી પડી અને 4 સપ્ટેમ્બર, 1870ને દિવસે પૅરિસમાં થયેલી ક્રાંતિને પરિણામે તેને પદભ્રષ્ટ કરવામાં આવ્યો. નિવૃત્ત અવસ્થામાં પત્ની અને પુત્ર સાથે તેણે બાકીનું જીવન ઇંગ્લૅન્ડમાં ગાળ્યું.
ર. લ. રાવળ