નેપિયર, (સર) ચાર્લ્સ જેમ્સ (જ. 10 ઑગસ્ટ 1782, લંડન; અ. 29 ઑગસ્ટ 1853, પૉર્ટસ્મથ, હેમ્પશાયર) : બ્રિટિશ સેનાપતિ, પાકિસ્તાનમાં આવેલ સિંધનો વિજેતા (1843) અને ગવર્નર (1843-47). નેપોલિયનના સમયમાં ફ્રાન્સ સામેના દ્વીપકલ્પીય યુદ્ધ અને 1812ના યુનાઇટેડ સ્ટેટ્સ વિરુદ્ધના યુદ્ધનો તે અનુભવી યોદ્ધો હતો. 1839માં રાજકીય અને સામાજિક સુધારા માટેનું ચાર્ટિસ્ટ આંદોલન હિંસક બનવાનો ભય હતો ત્યારે તેને ઉત્તર ઇંગ્લૅન્ડનો હવાલો સોંપવામાં આવ્યો. તેણે ઔદ્યોગિક કામદારો પ્રત્યે સહાનુભૂતિ રાખી અને બે વરસ સુધી ભયંકર પરિસ્થિતિને અંકુશમાં રાખી, કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરી. તે 1841માં ભારત ગયો. ગવર્નર જનરલ એલનબરોએ ઑગસ્ટ, 1842માં તેને સિંધ સામેના લશ્કરનો સેનાપતિ નીમ્યો. એલનબરોએ ફેબ્રુઆરી, 1843માં બ્રિટિશ કબજા હેઠળના સિંધનાં મથકો કાયમ માટે ખાલસા કરવા તથા બહાવલપુર સુધી ઉત્તર સિંધના વિસ્તારો સોંપી દેવાની સંધિ પર સહી કરવાની સિંધના બલૂચી અમીરોને ફરજ પાડી ત્યારે નેપિયરને સિંધના અમીરો બિનવફાદાર તથા અવિશ્વાસુ લાગવાથી તેણે યુદ્ધ માટેની ઉશ્કેરણી કરી અને મિયાણી તથા હૈદરાબાદ નજીક ડાબોની લડાઈઓમાં મહત્વના વિજયો મેળવ્યા. બલૂચી અમીરોના સૈન્યની સંખ્યા અંગ્રેજ લશ્કરથી લગભગ દસગણી હોવા છતાં નેપિયરે લશ્કરી કુશળતા અને અણનમ બહાદુરી બતાવી અમીરોને સખત પરાજય આપ્યો. પાછળથી તેણે પોતે આ કાર્યને ‘હરામખોરીનું કૃત્ય’ (a piece of rascality) ગણાવ્યું હતું. તે પછી તેને ‘સર’ નો ઇલકાબ આપવામાં આવ્યો અને સિંધના ગવર્નરપદે નીમવામાં આવ્યો. તેણે સિંધમાં આદર્શ પોલીસદળની રચના કરી. પોલીસ વિભાગને મહેસૂલ-ખાતાથી અલગ કર્યો. પોલીસ અને દીવાની કાર્યો જુદાં કર્યાં. વેપારને ઉત્તેજન આપ્યું તથા નદી ઉપર બંધ બાંધી કરાંચીમાં પાણીપુરવઠાની સગવડ કરી. સિંધની ઉત્તરની સરહદે વસતી લૂંટારુ આદિવાસી જાતિઓ પર હુમલા કરી તેમને પાછા હઠાવ્યા. તે 1847માં ઇંગ્લૅન્ડ ગયો અને દ્વિતીય શીખયુદ્ધ (1848-49) થવાથી લશ્કરનો સરસેનાપતિ નિમાઈને ભારત પાછો ફર્યો. તે સમયે લડાઈ બંધ થઈ હતી. ગવર્નર જનરલ ડેલહાઉસી સાથે અણબનાવ થવાથી 1851માં તે ઇંગ્લૅન્ડ પાછો ફર્યો. લંડનના ટ્રફાલ્ગર સ્ક્વૅરમાં નેપિયરની કાંસાની પ્રતિમા મૂકવામાં આવી છે.
જયકુમાર ર. શુક્લ