નેત્રખીલ (trachoma) : આંખની ફાડની સપાટી બનાવતાં નેત્રકલા અને સ્વચ્છાનો લાંબા ગાળાનો ચેપ. બે પોપચાંની અંદરની દીવાલ પર તથા કીકી સિવાયના આંખના ગોળાની સફેદ સપાટી પર નેત્રકલા (conjuctiva) નામનું આવરણ આવેલું છે. આંખની કીકીના પારદર્શક ઢાંકણને સ્વચ્છા (cornea) કહે છે. ક્લેમાઇડિયા ટ્રેકોમેટિસ પ્રકારના વિષાણુ (virus) અને જીવાણુ(bacteria)ની વચ્ચેની કક્ષાના સૂક્ષ્મજીવોથી થતા નેત્રકલા અને સ્વચ્છા પરના ચેપને નેત્રખીલનો રોગ કહે છે. તેને શાસ્ત્રીય રીતે સ્વચ્છા–નેત્રકલાશોથ (kerato-conjunctivitis) કહે છે.
આ પ્રકારનો ચેપ ગમે તે ઉંમરે લાગી શકે છે; પરંતુ સામાન્ય રીતે જે વિસ્તારોમાં તેનો કાયમી ઉપદ્રવ હોય છે ત્યાં નાનાં બાળકોને તેનો ચેપ લાગે છે. તે હબસીઓમાં ઓછો જોવા મળે છે, પરંતુ યહૂદીઓમાં ઘણો વ્યાપક છે. ભારતમાં ઉત્તર ભારત, રાજસ્થાન અને પંજાબમાં તથા ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્રમાં તેનું પ્રમાણ વધુ છે. સામાન્ય રીતે આર્થિક રીતે પછાત સ્તરમાં વધુ થાય છે. સૂકા અને ધૂળવાળા વાતાવરણમાં તે વધુ થાય છે.
ક્લેમાઇડિયાના સૂક્ષ્મજીવો સ્વચ્છા અને નેત્રકલાના અધિચ્છદીય કોષોમાં પ્રવેશીને હૅલબર્સ્ટેડ્ટર-પ્રોવાઝેક નામના અંતર્ગત પિંડો (inclusion bodies) બનાવે છે. ચેપ લાગ્યા પછી સામાન્ય રીતે 6થી 12 દિવસ પછી રોગનાં લક્ષણો જણાય છે. આ સમયગાળાને ઉછેરકાળ (incubation period) કહે છે. સામાન્ય રીતે આંગળી, કપડાં (રૂમાલ) કે માખી દ્વારા આંખમાંથી નીકળતા પ્રવાહીમાંના સૂક્ષ્મજીવો એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિમાં ફેલાય છે. એક વખત ચેપ લાગ્યા પછી તે ઉછેરકાળ દરમિયાન નેત્રકલાના કોષોમાં ઊછરે છે અને સંખ્યાવૃદ્ધિ પામે છે. અંતે કોષ ફાટી જાય છે અને તેમાંથી અનેક સૂક્ષ્મજીવો નીકળે છે જે નેત્રકલાના બીજા અનેક કોષોમાં પ્રવેશીને બીજા ઉછેરકાળને અંતે વધુ કોષોને નુકસાન કરીને બહાર આવે છે. આવું 3થી 5 વર્ષ ચાલ્યા કરે છે.
મેક્કેલેને નેત્રખીલના ચાર તબક્કા વર્ણવ્યા છે : પ્રથમ બે તબક્કા શોથકારી (inflammatory) વિકારના છે, ત્રીજો તબક્કો રૂઝ સાથે તંતુઓ વિકસવાનો છે અને ચોથો તબક્કો આનુષંગિક તકલીફો(complications)નો છે. ચેપ કે ઈજા થાય ત્યારે પેશીમાં સોજો આવે છે. લોહીનું પરિભ્રમણ વધવાથી તે લાલ થઈ જાય છે, તેમાં દુખાવો થાય છે. તે ગરમ થઈ જાય છે તથા તેના કાર્યમાં વિક્ષેપ પડે છે. પેશીમાં થતી આ પાંચ પ્રક્રિયાઓ(સોજો, રતાશ, ગરમી, પીડા અને કાર્યવિક્ષેપ)ને શોથ (inflammation) કહે છે. નેત્રખીલના પ્રથમ બે તબક્કામાં આ પ્રકારનો વિકાર થાય છે.
ચેપને કારણે ઉદભવતો શોથ નેત્રકલા અને સ્વચ્છાને અસર કરે છે. પોપચાંની અંદરની દીવાલ તથા આંખના ડોળાના આગળના સફેદ ભાગ પરની નેત્રકલામાં લોહીનું પરિભ્રમણ વધે છે. તેને રુધિરભારિતા (congestion) કહે છે. સામાન્ય રીતે પોપચા અને આંખના ગોળાની સપાટી પરની નેત્રકલા જ્યાં જોડાય છે ત્યાં ગડી પડે છે. તેને નેત્રકલાગડી (conjuctival formix) કહે છે. પોપચા પરની નેત્રકલાને પોપચાલક્ષી (palpabral) નેત્રકલા અને આંખના ગોળા પરની નેત્રકલાને ગોળાલક્ષી (bulbar) નેત્રકલા કહે છે. નેત્રકલાના સૌથી ઉપલા સ્તરને અધિચ્છદ (epithelium) કહે છે અને તેની વૃદ્ધિ થાય તો તેને અધિચ્છદીય અતિવૃદ્ધિ કહે છે. પોપચાલક્ષી નેત્રકલા તથા નેત્રકલાગડીમાં લોહીની નસોવાળા અધિચ્છદીય અતિવૃદ્ધિ(epithelial hypertrophy)ના નાના નાના અંકુરો (papillae) બને છે. તેને કારણે નેત્રકલા મખમલ જેવી ગડીદાર (velvety) દેખાય છે. નેત્રકલાનું નીચેનું સ્તર ગ્રંથિઓ જેવા દેખાવવાળું હોય છે. તેને ગ્રંથિસમસ્તર (adenoid layer) કહે છે. નેત્રખીલના રોગમાં લોહીના લસિકાકોષો (lymphocytes) નામના શ્વેતકોષો જમા થઈને તેમાં નાની નાની પોટલીઓ જેવી પુટિકાઓ (follicles) બનાવે છે. આવી પુટિકાનું સર્જન નેત્રખીલની ખાસ વિશેષતા છે. સામાન્ય રીતે પોપચાલક્ષી નેત્રકલા અને નેત્રકલાગડીમાં પુટિકા થાય છે, પરંતુ ક્યારેક તે નેત્રકલાના અન્ય ભાગો પર પણ જોવા મળે છે. નેત્રકલાના ઉપલા સ્તર(પડ)ને આ સમયે સહેજ ખોતરી કાઢવામાં આવે (scraping) તો તેના કોષોમાં ઉપર વર્ણવેલા અંતર્ગત પિંડો જોવા મળે છે.
નેત્રકલાની સાથે જ સ્વચ્છાનો પણ રોગ વિકસે છે. સ્વચ્છાના ફક્ત ઉપલા અધિચ્છદીય સ્તરમાં જ શોથકારી વિકાર થાય છે. તેને અધિચ્છદીય સ્વચ્છાશોથ (epithelial keratitis) કહે છે. સામાન્ય રીતે સ્વચ્છાને ફ્લોરેસિન વડે રંગવામાં આવે ત્યારે તેના ઉપલા ભાગમાં રોગ-વિસ્તારો જોવા મળે છે. આ ઉપરાંત સ્વચ્છાના સૌથી ઉપલા ભાગમાં લસિકાકોષોનો ભરાવો થાય છે તથા તેમાં લોહીની નસો વિકસે છે. લોહીની નસો બનવાની ક્રિયાને વાહિનીકરણ (vascularization) કહે છે અને તેનાથી બનતા અપારદર્શક પડને વાહિનીપડ (pannus) કહે છે. સૌપ્રથમ તે સ્વચ્છાના ઉપલા ભાગમાં હોય છે, પરંતુ પાછળથી તે ફેલાઈને સ્વચ્છાની સમગ્ર કિનારી(limbus)ને અસરગ્રસ્ત કરે છે. શરૂઆતમાં વાહિનીપડથી પણ આગળ કોષોનો ભરાવો થાય છે ત્યારે તેને પ્રાગતિક પડ (progressive pannus) કહે છે, પરંતુ પાછળથી આ વધારાનો કોષ-ભરાવો ઘટી જાય છે ત્યારે તેને અવગતિક પડ (regressive pannus) કહે છે. ક્યારેક સ્વચ્છામાં વાહિનીપડની આગળ વધતી કિનારી પર છીછરું ચાંદું પડે છે. તેને સ્વચ્છાવ્રણ (corneal ulcer) કહે છે. ત્યારે દર્દી પ્રકાશને સહી શકતો નથી અને તેની આંખમાં વારંવાર પાણી આવે છે. સામાન્ય પ્રકાશમાં અંજાઈ જવાની સ્થિતિને પ્રકાશ-અસહ્યતા (photophobia) કહે છે.
તે પછીનો ત્રીજો તબક્કો રૂઝનો છે. તેમાં રૂઝપેશી (scar tissue) રૂપે કઠણ તંતુઓ બને છે. તેને કઠણતંતુતા (cicaterization) કહે છે. સૌપ્રથમ ઉપલા પોપચાની અંદરની સપાટી પર સફેદ રૂઝપેશી બને છે. લસિકાકોષોની પુટિકાઓ ક્ષીણ થાય છે. નેત્રકલામાંની નસો પણ ક્ષીણ થઈને સંકોચાય છે, પરંતુ જે સામાન્ય રીતે વહેંચાયેલી નસોની ભાત હોય છે તે કાયમી રીતે નાશ પામે છે. સ્વચ્છામાંનું વાહિનીપડ પણ સંકોચાય છે અને તેથી તે ભાગ ઝાંખો બનીને રહે છે. સ્વચ્છા પરનું ચાંદું રુઝાય છે પણ તેથી સ્વચ્છા પર પાસા (facets) પડે છે અને તે તેને કારણે જોવામાં તકલીફ પડે છે.
એ પછી ચોથો તબક્કો આનુષંગિક તકલીફોનો છે. મુખ્યત્વે કઠણતંતુતાને કારણે ઉપલું પોપચું આંખ તરફ વળે છે અને તેથી પાંપણો આંખના ડોળા કે સ્વચ્છા સાથે ઘસાય છે. અશ્રુગ્રંથિની નલિકાઓ બંધ થવાથી નેત્રકલા સૂકી થઈ જાય છે. પોપચામાંની મેબોમિઅન ગ્રંથિની નલિકાઓ બંધ થવાથી પોપચા પર પોપચાગડ (chalazion) નામની નાની ગાંઠ બને છે. નીચલા પોપચા પાસેની નેત્રકલાગડી બંધ થાય છે અને ક્યારેક પોપચું આંખના ગોળાને ચોંટે છે તેને બદ્ધ પોપચું (symblepharon) કહે છે. સ્વચ્છા પર અપારદર્શક ડાઘ થઈ આવે છે. ક્યારેક ઉપલું પોપચું જાણે ખોલી ન શકાતું હોય એવું લાગે છે. તેને છદ્મપુર પાત (pseudoptosis) કહે છે.
બંને આંખમાં વિકાર થયેલો હોય અને ઉપર જણાવેલાં અંકુરો, પુટિકાઓ, નેત્રકલારુધિરભારિતા, વાહિનીપડ, કઠણતંતુતા કે કોઈ આનુષંગિક તકલીફોમાંથી ગમે તે બે ચિહનો હાજર હોય તો નેત્રખીલનું નિદાન કરાય છે.
સલ્ફોનેમાઇડ(સલ્ફાસિટેમાઇડ)ના 10 %નાં ટીપાં તથા ટેટ્રાસાઇક્લિનનો 1 % સાંદ્રતાવાળો મલમ સૂક્ષ્મ જીવના નાશ માટે ઉપયોગી છે. જરૂર પડ્યે મોં વાટે સલ્ફોનેમાઇડની ગોળીઓ આપી શકાય છે. તે ઉપરાંત એરિથ્રોમાયસીન અને રિફામ્પીસિન અસરકારક રહે છે. પણ ક્યારેક પુટિકાઓને કાઢી નાંખવાની, પાંપણના વળી ગયેલા કેશને કાઢી નાંખવાની કે અંદર તરફ વળેલા પોપચાનું પુનર્ઘડતર કરવાની શસ્ત્રક્રિયા પણ કરવામાં આવે છે.
વિશ્વભરમાં પૂર્વનિવારણ કરી શકાય તેવા અંધાપાનાં મુખ્ય કારણોમાં નેત્રખીલના ઉપદ્રવનો સમાવેશ થાય છે. એક અંદાજ મુજબ 1990ના દશકામાં નેત્રખીલથી પીડિત વ્યક્તિઓની સંખ્યા 50 કરોડથી ઘટીને 36 કરોડ થઈ હશે એમ મનાય છે અને તેને કારણે લગભગ 60થી 90 લાખ માણસો અંધ થયેલા છે. અપૂર્ણ અંધાપાનો વિકાર તો ઘણો જ વ્યાપક હશે તેવું મનાય છે. ભારતમાં લગભગ 1 કરોડ કે વધુ વ્યક્તિઓ નેત્રખીલથી પીડાય છે અને ભારતના કુલ અંધજનોમાંથી 5 % નેત્રખીલને કારણે અંધ થયેલા હોય છે. નેત્રખીલના રોગના વ્યાપની માહિતી, તેને માટેની અસરકારક દવાઓની ઉપલબ્ધિ અને સામૂહિક સારવાર અભિયાન, જરૂર પડ્યે શસ્ત્રક્રિયાનો ઉપયોગ, આરોગ્ય-શિક્ષણનું આયોજન તેમજ સતત-સર્વેક્ષણ (surveillance) વગેરે વિવિધ પાસાંને આવરી લેતો સઘન કાર્યક્રમ જ તેના ઉપદ્રવને કાબૂમાં રાખી શકે એવું મનાય છે. 1975માં વિશ્વ આરોગ્ય સંસ્થાની સભાએ વિશ્વના દેશોને નેત્રખીલ પૂર્વનિવારણ(trachoma prevention)નો કાર્યક્રમ ઘડી કાઢવાની વિનંતી કરી હતી. ભારતમાં 1963માં નેત્રખીલનિયંત્રણ કાર્યક્રમ ઘડાયો હતો જેને હાલ અંધાપા-નિયંત્રણના રાષ્ટ્રીય કાર્યક્રમમાં સમાવી લેવામાં આવેલો છે. સન 2017ના ડિસેમ્બરમાં ભારતના આરોગ્યમંત્રીએ જણાવ્યું છે કે ભારતમાં તેનું પ્રમાણ
0.7 %થી ઘણું ઓછું થયું હોવાથી હવે ભારત નેત્રખીલ-મુક્ત દેશ બન્યો છે.
શિલીન નં. શુક્લ
દુર્દાન્ત દવે
સંગીતા દુ. દવે