નેતૃત્વ : જૂથના સભ્યો પર પ્રભાવ પાડી તેમને કાર્યરત કરવા માટે પ્રેરણા પૂરી પાડવાની શક્તિ. પેઢી કે ઉદ્યોગના સંચાલનના સંદર્ભમાં વિચારીએ તો નેતૃત્વ એ નીચલા સ્તરના જુદા જુદા અધિકારીઓ તથા અન્ય કર્મચારીઓ પાસેથી તેમને સોંપવામાં આવેલું કાર્ય સંતોષકારક રીતે કરાવી લેવાની કળા ગણાય. નેતૃત્વની શક્તિને કારણે જૂથના સભ્યો સ્વેચ્છાથી, આત્મવિશ્વાસથી અને ઉત્સાહથી તેમને સોંપેલ કાર્ય કરવા પ્રેરાતા હોય છે અને તેને લીધે ઉદ્દેશની પ્રાપ્તિ સુગમ બને છે. કોઈ પણ વ્યવસ્થાતંત્રની યંત્રવત્ ગોઠવણી કરવાથી અને ગોઠવણી મુજબ કાર્યો આપોઆપ થશે તેવું માની લેવાથી કાર્યો થતાં નથી. તેવી જ રીતે હોદ્દા સાથે સંકળાયેલ સત્તાની ઓથ લઈને હુકમો છોડવાથી અથવા નીચેના સ્તર પર કામ કરતા લોકોને ધમકી આપવાથી કે તેમના પર ત્રાસ ગુજારવાથી પણ તેમને સોંપેલ કાર્યો પૂરાં થતાં નથી. અનુયાયીઓ જ્યારે રાજીખુશીથી અમુક વ્યક્તિને નેતા તરીકે સ્વીકારે અને તેનાં વિચાર, વાણી કે વર્તનને અનુસરે ત્યારે નેતાનું નેતૃત્વ સાર્થક થયું કહેવાય. કાર્યજૂથનું વૈધિક કે અવૈધિક નેતૃત્વ કરતી વ્યક્તિઓની સામાજિક વગ, પ્રતિષ્ઠા, પ્રભાવ અને અંગત આવડત  આ બધી જ બાબતો કાર્યજૂથ પર ચોક્કસ અસરો ઉપજાવે છે, સંગઠનના ઉદ્દેશો સાથે કાર્યજૂથને સતત બાંધેલા રાખે છે તથા તે ઉદ્દેશો અસરકારક રીતે હાંસલ કરવામાં મદદરૂપ નીવડે છે. નેતૃત્વ આપનાર વ્યક્તિનો બૌદ્ધિક વિકાસ, તેના વ્યક્તિત્વનાં મનોવૈજ્ઞાનિક લક્ષણો, અભિગમો, સામાજિક વર્તનની તેની તરેહ અને શારીરિક પ્રભાવ નેતૃત્વ ઘડે છે. તેના અને તેના અનુયાયીઓ પોતાનાં મૂલ્યો, વલણો અને વર્તનની તરેહમાં એકરૂપતા લાવે નહીં ત્યાં સુધી જૂથ કે સંગઠનના નિર્ધારિત ઉદ્દેશો પાર પાડી શકાતા નથી. વાસ્તવમાં નેતૃત્વની અસરકારકતા એ જ નેતૃત્વની સાચી કસોટી ગણાય.

સંગઠનના સફળ નેતૃત્વ માટે નેતામાં વ્યક્તિત્વનાં ઇષ્ટ લક્ષણો વિકસાવવાં એ જેટલે અંશે જરૂરી છે તેટલે જ અંશે નેતા અને તેના અનુયાયીઓ – એ બંનેની ભૂમિકા વિશે પરસ્પર સ્પષ્ટતા પ્રવર્તતી હોય તે પણ જરૂરી છે. વળી તેઓ તેમનાં કાર્યો એકબીજાને પૂરક બનીને કરે છે તેવું વાતાવરણ સર્જવાની પણ જરૂર હોય છે. નેતાએ અનુયાયીઓને લક્ષ્યની દિશામાં દોરવણી આપવાની હોય છે. લક્ષ્યસિદ્ધિની પ્રાપ્તિ નેતૃત્વની સફળતાનું સાચું માપ ગણાય. આ સિદ્ધિમાં અનુયાયીઓને જે આત્મસંતોષ મળે છે તેનાથી પણ નેતૃત્વની અસરકારકતાનું માપ કાઢી શકાય છે.

કોઈ પણ સંગઠનમાં સફળ નેતૃત્વ માટે વ્યવહારમાં કેટલાંક લક્ષણો વિકસાવવાની નેમ રાખવામાં આવે છે જેમાં પૂરેપૂરી સિદ્ધિ માટેની પ્રેરણા, વેરવિખેર વિચારોને એકસૂત્ર કરવાની શક્તિ, સંજોગોને અનુરૂપ તર્કશુદ્ધ નિર્ણય લેવાની આવડત, પ્રબળ આત્મવિશ્વાસ, વાસ્તવિક અભિગમ, સંગઠન પ્રત્યે વફાદારી, બધા સ્તરના લોકો પ્રત્યે આત્મીયતા, શારીરિક તથા માનસિક સક્રિયતા અને આક્રમકતા વગેરેનો સમાવેશ કરવામાં  આવે છે.

નેતાની ભૂમિકા જૂથ કે સંગઠન સાથે સંકળાયેલા લોકોમાં જૂથભાવના વિકસાવવાની અને તેમને દોરવણી આપવાની છે. જ્યારે અનુયાયીઓની ભૂમિકા નેતાને નેતા તરીકે સ્વીકારવાની તથા તેના આદેશો અને માર્ગદર્શનને અનુસરવાની હોય છે. નેતૃત્વની સફળતા માટે આ બંને ભૂમિકાઓ વચ્ચે સંકલન અનિવાર્ય હોય છે.

જૂથ કે સંગઠનના નેતા અનેક પ્રકારનાં કાર્યો કરે છે. તે જૂથના ભૂતકાળ અને વર્તમાનના સંદર્ભે ભવિષ્ય વિશે સચિંત હોય છે. વિવિધ માધ્યમો દ્વારા વિવિધ પ્રકારની માહિતીનું અનુયાયીઓમાં પ્રસારણ કરે છે. તે અનુયાયીઓની નાડ પારખી લોકમતને ઘડવાનું મહત્વનું કાર્ય કરે છે. તે જૂથ કે સંગઠનની સમસ્યાઓનું તલસ્પર્શી અધ્યયન કરીને તેના ઉકેલો શોધે છે અને તેનો અમલ કરાવે છે, તે લક્ષ્યો નિર્ધારિત કરે છે તથા તે હાંસલ કરવા માટે નીતિ ઘડે છે, કાર્યક્રમો યોજે છે અને તેમના અમલ માટે કાર્યવિભાજન કરે છે. તે જૂથ કે સંગઠનના ઉદ્દેશો સાથે વફાદાર રહીને આપેલ કાર્યો સમયબદ્ધ રીતે પૂરાં કરનાર અનુયાયીઓને ઉત્તેજન આપે છે અને તેમાં કચાશ રાખનારને શિક્ષા પણ કરે છે. જૂથ કે સંગઠનના બધા જ સ્તરે સંકલન સાધવાનું અને કાર્યક્રમોના અમલ પર દેખરેખ રાખી તેનું મૂલ્યાંકન કરવાનું મહત્વનું કાર્ય પણ નેતા કરે છે. સારા નેતા જૂથના સભ્યોની અંગત મુશ્કેલીઓમાં સક્રિય રસ લે છે તથા તેમનું નિરાકરણ કરવામાં મદદરૂપ નીવડે છે. ઉપરાંત સ્વદૃષ્ટાન્તથી આદર્શ વર્તન અને વ્યવહારનો નમૂનો પૂરો પાડે છે. ઘણી વાર નેતા સભ્યો વચ્ચેના મતભેદોમાં મધ્યસ્થી કરે છે અને તે દ્વારા તેનો સુખદ નિવેડો લાવવા સતત પ્રયત્નશીલ હોય છે, જેથી જૂથ કે સંગઠનના વિવિધ સ્તરો વચ્ચે એકતા પ્રસ્થાપિત કરી શકાય. બધાં જ જૂથોમાં નેતાનું સ્થાન કેન્દ્રવર્તી હોય છે. જૂથની જરૂરિયાતો બદલાતાં નેતૃત્વ પણ બદલાતું હોય છે. અનુયાયીઓની સાથે નેતા જે પદ્ધતિથી કામ કરે તેને નેતૃત્વશૈલી કહે છે. તેના પ્રકાર : આપખુદ, લોકશાહી અને બિનદખલકારક; આપખુદ નેતા પૂરી સત્તા પોતે જ ભોગવે છે, જૂથ અંગેના બધા નિર્ણયો પોતે એકલો જ કરે છે. લોકશાહી નેતા જૂથના બીજા સભ્યો સાથે ચર્ચાવિચારણા કરીને નિર્ણય લે છે અને તેમને પણ આંશિક સત્તા આપે છે. બિનદખલકારક નેતા જૂથના નિર્ણયો લેવાનું કામ બીજા સભ્યો પર છોડે છે; તે અન્ય સભ્યોની સત્તામાં દખલગીરી કરતો નથી.

કાર્યાભિમુખ અને વ્યક્તિઅભિમુખ શૈલીઓ : કાર્યભિમુખ નેતા જૂથનાં કાર્યો સમયસર પૂરાં કરવામાં ધ્યાન કેન્દ્રિત કરે છે અને તે માટે સભ્યો વચ્ચે કાર્યો વહેંચીને તેમની કામગીરી પર સતત દેખરેખ રાખે છે. વ્યક્તિ-અભિમુખ નેતા સભ્યોની જરૂરિયાતો પર વધુ ધ્યાન આપે છે.

સત્તા અને પ્રભુત્વ આ બંને સાથે નેતૃત્વ ગાઢ રીતે સંકળાયેલું હોવા છતાં એ બંને એકબીજાથી ભિન્ન છે. પ્રભુત્વ એ જૂથના સભ્યો ઉપર નિયંત્રણ ધરાવતી બાબત છે, જ્યારે નેતૃત્વ એ જૂથના સભ્યોને કાર્યરત થવા પ્રોત્સાહિત કરતી પ્રક્રિયા છે. વળી નેતૃત્વ એ જૂથમાં વ્યક્તિના ચોક્કસ સ્થાન સાથે સંકળાયેલું હોવા છતાં તે વ્યક્તિના અંગત ગુણો ઉપર આધાર રાખે છે. કોઈ વ્યક્તિ માત્ર ઉચ્ચ સ્થાન ધરાવે છે તેથી તે વ્યક્તિમાં નેતૃત્વના ગુણો આવી જાય છે એવું નથી. અલબત્ત, કોઈ પણ ઉચ્ચ સ્થાન લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે નેતૃત્વના ગુણો હોવા આવશ્યક છે.

નેતૃત્વ વિશેનો ખ્યાલ પ્રાથમિક જૂથના સંબંધો અને ધાર્મિક પ્રણાલિકાઓમાંથી ઉદભવ્યો છે. ધર્મના પ્રસાર માટેનાં આદોલનમાં મહંમદ પયગંબર, ઈસુ ખ્રિસ્ત અને કૅલ્વિન જેવા નેતાઓ તેમના અનુયાયીઓને દોરવણી આપતા. અઢારમી અને ઓગણીસમી સદી દરમિયાન લોકશાહી વિચારધારાએ સત્તાના ખ્યાલમાંથી વ્યક્તિનો છેદ કર્યો. બંધારણ અને કાયદાની રૂએ વ્યક્તિને નહીં પણ તેના સ્થાન કે હોદ્દા(position)ને સત્તા સોંપવામાં આવી. વીસમી સદી દરમિયાન અનેક બૌદ્ધિક પ્રવાહોએ નેતૃત્વના ખ્યાલમાં પરિવર્તન લાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.

નેતાના વર્તનને સમજવા માટે સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં ત્રણ પ્રકારની વિચારધારાઓ વિકસી છે. ઓગણીસમી સદીની શરૂઆતમાં થયેલા અભ્યાસો વ્યક્તિવિશેષના સંદર્ભમાં થયા, જેમાં વ્યક્તિની ખાસિયતોને કેન્દ્રસ્થાન આપવામાં આવ્યું. તેના કરતાં વધુ ચઢિયાતી ગણાતી વિચારધારામાં વ્યક્તિની અંગત ખાસિયતો કરતાં સંજોગો કે સામાજિક પરિબળો તથા તેને લગતા પ્રવાહો ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. ત્યારપછી આંતરક્રિયાની વિચારધારા વિકસી, જેમાં નેતાના વ્યક્તિત્વ અને સંજોગો એ બંને બાબતોને સાંકળીને સમજવાનો પ્રયાસ થયો છે. આધુનિક સમયમાં નેતૃત્વની પ્રક્રિયામાં, નેતા અને અનુયાયીઓના પારસ્પરિક સંબંધોના વિશ્ર્લેષણ પર વધુ ભાર મુકાય છે અને તેને આધારે જૂથની ગત્યાત્મકતા તથા નેતૃત્વની અસરોને સમજવાનો પ્રયાસ થાય છે.

આધુનિક સમયમાં નેતૃત્વના પ્રશ્નો વિશેષ જટિલ બન્યા છે. તેથી બીજા વિશ્વયુદ્ધ (1939–45) પછી વિભિન્ન ક્ષેત્રોમાં સફળ અને અસરકારક નેતૃત્વ માટે નેતૃત્વની વૈજ્ઞાનિક તાલીમ ઉપર વિશેષ ભાર મુકાતો રહ્યો છે, કારણ કે નાનાં જૂથોથી શરૂ કરી વિશાળ પાયા ઉપરનાં સંગઠનો અને આખરે સમગ્ર દેશનો વિકાસ સક્ષમ નેતૃત્વ પર અવલંબે છે.

બીજા વિશ્વયુદ્ધ (1939–45) પહેલાં નેતૃત્વ આપવાની બાબતમાં સ્ત્રીઓની ભૂમિકા પુરુષો કરતાં ગૌણ ગણાતી; પરંતુ ત્યારપછીના ગાળામાં સ્ત્રીઓ અને પુરુષો બંને સમસ્તરીય સ્થાન ધરાવે છે. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં મહાત્મા ગાંધી અને અન્ય નેતાઓના પ્રોત્સાહન અને પ્રયત્નને કારણે સ્થાનિક તથા રાષ્ટ્રીય કક્ષાએ સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં સ્ત્રીઓની ભાગીદારી વિકસી. તેને લીધે પુરુષોની જેમ સ્ત્રીઓ પણ અસરકારક અને ઉપકારક નેતૃત્વ પૂરું પાડી શકે છે એ બાબત પ્રસ્થાપિત થઈ. વૈશ્વિક સ્તરે પણ તેનાં કેટલાંક એંધાણ દેખાયાં અને તેમાંથી જ ગોલ્ડા માયર, માર્ગારેટ થેચર, ઇન્દિરા ગાંધી, સીરીમાઓ ભંડારનાયકે, ચંદ્રિકા કુમારતુંગે, બેનઝીર ભુટ્ટો, શેખ હસીના વાજેદ, બેગમ રઝીઆ, આંગસેન સૂચી, કોરોઝોન ઍક્વિનો, તાનસુ સિલર, લક્ષ્મી સ્વામિનાથન્, મેધાવતી વગેરે મહિલાઓ પ્રભાવક નેતૃત્વ દાખવી શકી છે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે

લીના બાદશાહ

રોહિત ગાંધી