સન્ના કથેગલુ (. 1891; . ) : શ્રીનિવાસ (મસ્તી વેંકટેશ આયંગર) રચિત વાર્તાસંગ્રહ. તે ગ્રંથ 12 (1965) અને ગ્રંથ 13 (1967)  એમ બે ભાગમાં પ્રગટ કરાયો હતો. તે વાર્તાસંગ્રહને 1968ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમાં કુલ 15 વાર્તાઓ બે જૂથમાં સંગૃહીત કરવામાં આવી છે. પ્રથમ જૂથમાં સાદું જીવન અને ઉચ્ચ આદર્શોનું મૂલ્યાંકન પ્રાપ્ત થાય છે, જ્યારે બીજા જૂથમાં સ્ત્રી-પુરુષ વચ્ચેના પ્રેમસંબંધની જટિલતાનું ચિત્રાંકન છે.

તેમની વાર્તાનિરૂપણની સરળ અને સીધી કળામાં ઉપદેશતત્ત્વ ગૂંથાયેલું હોય છે; પરંતુ તેમની કળાનું પ્રભુત્વ એવું છે કે તેમનો નૈતિક ઉદ્દેશ ને ઉપદેશ કલાના પ્રભાવમાં વિક્ષેપકર થતા નથી. વાસ્તવમાં ‘સન્ના કથેગલુ’માં નવ વાર્તાઓ અદ્યતન બોધકથાઓ છે. તેમાં જીવનની સમસ્યાઓનું પ્રભાવશાળી નિરૂપણ છે.

સંગ્રહની કુલ 15 વાર્તાઓ પૈકી મસ્તીની 3 વાર્તાઓ ‘ટૉલ્સ્ટૉય મહર્ષિ ભુર્જ વૃક્ષગલૂ’ (‘ધ બર્ચ ટ્રીઝ ઑવ્ ટૉલ્સ્ટૉય’, ‘ધ સેજ’); ‘વિચિત્ર પ્રેમ’ (‘સ્ટ્રેન્જ લવ’) અને ‘ઈરુવેગલ લોક’ (‘ધ વર્લ્ડ ઑવ્ આન્ટ્સ’) કન્નડ ટૂંકી વાર્તાક્ષેત્રે શ્રેષ્ઠ છે. તેની દરેક વાર્તામાં માનવતાની અભિલાષા રાખતા હૃદયનો ધબકાર છે.

આ પુરસ્કૃત કૃતિ ‘સન્ના કથેગલુ’ લેખકની તેજસ્વી બુદ્ધિ-પ્રતિભાની મુદ્રાને કારણે તેમાં આવરી લીધેલ વિષયવસ્તુની ગહનતા ને વ્યાપકતાના કારણે, સૂઝપૂર્વકના પાત્રવિધાન તથા માનવસ્વભાવના વેધક દર્શનના કારણે, સરળ અને ઘરગથ્થુ શબ્દપ્રયોગોવાળી સૌમ્ય અને મોહક શૈલીના કારણે તત્કાલીન કન્નડ સાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા