સન્દિકૈ, કૃષ્ણકાન્ત

January, 2007

સન્દિકૈ, કૃષ્ણકાન્ત (. 1898, જોરહટ, આસામ; . 1982) : આસામીના વિદ્વાન લેખક. તેમને તેમના વિવેચનગ્રંથ ‘કૃષ્ણકાન્ત સન્દિકૈ રચના-સંભાર’ માટે 1985ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (મરણોત્તર) આપવામાં આવ્યો. તેમની શૈક્ષણિક કારકિર્દી તેજસ્વી રહી. 1919માં એમ.એ.માં સંસ્કૃતમાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન મેળવ્યું. ત્યારપછી યુનાઇટેડ કિંગ્ડમ ગયા. ત્યાં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી મૉડર્ન હિસ્ટરીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. ફ્રાન્સ તથા જર્મનીમાં 4 વર્ષના સમયગાળા દરમિયાન 8 વિદેશી ભાષાઓ અને ત્યાંના સાહિત્યના સંપર્કમાં આવ્યા. તેમને 6 ભારતીય ભાષાઓની જાણકારી હતી. તેઓ જોરહટ ખાતે જગન્નાથ બરુઆ કૉલેજના સ્થાપક-પ્રિન્સિપાલ હતા. છેલ્લે તેઓ ગૌહત્તી યુનિવર્સિટીના કુલપતિપદે પહોંચ્યા હતા.

‘નૈષધચરિત’ (1934); ‘યશસ્તિલક ઍન્ડ ઇન્ડિયન કલ્ચર’ (1949) તથા ‘સેતુબંધ’ (1976) તેમની મુખ્ય અને પ્રસિદ્ધ કૃતિઓ છે. ભારત સરકાર તરફથી તેમને ‘પદ્મશ્રી’ (1955) અને ‘પદ્મભૂષણ’ (1967) જેવા ઇલકાબોથી સન્માનિત કરાયા હતા. તેમને બીજાં અનેક સન્માનો પણ મળેલાં. ગૌહત્તી અને દ્બ્રિૂગઢ યુનિવર્સિટીઓએ તેમને ‘ડૉક્ટર ઑવ્ લેટર્સ’ની માનાર્હ પદવીથી વિભૂષિત કર્યા હતા. તેમની સ્મૃતિ રૂપે 7 ઑક્ટોબર, 1983ના રોજ એક ટપાલ-ટિકિટ પણ ભારત સરકારે બહાર પાડેલી.

તેમની પુરસ્કૃત કૃતિ 22 વિવેચનાત્મક નિબંધોનો સંગ્રહ છે. વિલક્ષણ વિવેચનાત્મક સૂઝ અને વિશ્લેષણપરક અભિગમને કારણે આ કૃતિ આસામી સાહિત્યની અનુપમ કૃતિ ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા