સત્તાની સમતુલા : દેશો યા દેશોનાં જૂથો વચ્ચે સત્તાના લગભગ સમાન પ્રભાવની વ્યવસ્થા ઊભી કરી તે દ્વારા રક્ષણ મેળવી શાંતિ જાળવી રાખવાની એક પ્રયુક્તિ. તે આંતરરાષ્ટ્રીય રાજકારણનો અગત્યનો સિદ્ધાંત હતો અને શાંતિની સ્થિતિ જાળવી રાખવા યા આવનાર યુદ્ધ અટકાવવા માટે તેનો ઉપયોગ થતો હતો. તે સત્તાના વાસ્તવિક વિતરણ સાથે સંબંધ ધરાવતો શબ્દપ્રયોગ છે. સમતુલા શબ્દ સૂચવે છે તેમ, તેમાં દેશોના સમૂહો લગભગ બરોબરિયા બની રહેવાના પ્રયાસો સતત ચાલુ રાખતા હોય છે; જેથી અન્ય રાજ્ય કે રાજ્યોને વધુ શક્તિશાળી બનતા રોકી શકાય તેમજ જોડાણથી ઊભી થયેલી સામૂહિક તાકાતને કારણે અન્યને આક્રમણ કરતાં અટકાવી શકાય. આથી દેશો વચ્ચે રાજકીય જોડાણો ઘડાય, ભાંગે; નવા ઘડાયની પ્રક્રિયા સતત ચાલુ રહેતી. ટૂંકમાં, તે સત્તાની સ્પર્ધાનો એવો સિદ્ધાંત છે જે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા જાળવી રાખવામાં મદદરૂપ બન્યો હતો. સત્તાની સમતુલાને આંતરરાષ્ટ્રીય રાજકારણની પુરાતન અને દીર્ઘજીવી વિભાવના ઉપરાંત તેના અંતર્ગત લક્ષણ તરીકે ઓળખી શકાય. રાજ્યોના બળાબળની તુલના તેના કેન્દ્રમાં રહેલી છે. અન્ય રાજ્ય કરતાં વધુ બળ હાંસલ કરવાની આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે.
કેટલાક અભ્યાસીઓના મતે સત્તાની સમતુલા ઇતિહાસનો સનાતન નિયમ છે (universal law of history). પ્રત્યેક રાજ્યની વિદેશનીતિનું ધ્યેય આ સમતુલા હરહંમેશ પોતાની તરફ નમતી રાખવાનું હોય છે. વિવિધ અર્થોમાં તેમજ ક્યારેક અસંગત કે વિરોધાભાસી રીતે તેનો પ્રયોગ થાય છે. વર્ણનાત્મક સંદર્ભમાં સત્તાની સમતુલામાં સત્તાના વિતરણનો, સત્તાની સમાનતાનો, સત્તાના પ્રભાવ અને સમતુલાની નીતિનો સમાવેશ કરવામાં આવે છે. વિશ્લેષણાત્મક સંદર્ભમાં તેમાં રાજકીય વર્તનની વાસ્તવિકતાની વાત કરવામાં આવે છે. એટલે કે આખરે તો સત્તા જ રાજકીય વ્યવહારનું કેન્દ્રીય બળ છે તે સ્પષ્ટ કરાય છે. રૂઢિગત સંદર્ભમાં વિસ્તરતી લશ્કરી ક્ષમતા સાથે સંકળાયેલી નીતિઓના અર્થમાં તેનો વિચાર કરવામાં આવે છે.
સત્તાની સમતુલા આંતરરાષ્ટ્રીય પ્રક્રિયા છે. આવી સમતુલા મુખ્યત્વે બે રીતે રચી શકાય છે. એક, રાજ્ય પોતાની સત્તામાં વધારો કરીને સમતુલા જાળવે. બીજું, અન્ય રાજ્ય કે રાજ્યસમૂહ સાથે જોડાણ કરીને તેની હૂંફ મેળવીને સમતુલા જાળવે.
ન્યૂક્લિયર શસ્ત્રોના વિકાસ પછી રાજ્યોની સંહારક શક્તિમાં થયેલા અસાધારણ વધારાને કારણે એમ કહેવાય છે કે સત્તાની સમતુલાને સ્થાને હવે ‘ભીતિની સમતુલા’ પ્રવર્તે છે. એટલે કે રાજ્યો ડરનાં માર્યાં યુદ્ધ ટાળી રહ્યાં છે. 1955માં કૅનેડાના વડાપ્રધાન લેસ્ટર પિયર્સને સત્તાની સમતુલાને સ્થાને આ નવો શબ્દપ્રયોગ રચી આ વિભાવનાને નવું દૃષ્ટિબિંદુ પૂરું પાડ્યું.
ઇતિહાસ : વિદેશનીતિના ધ્યેય તરીકે સત્તાની સમતુલાના વિચારનો ઉદ્ભવ 15મી સદીમાં ઇટાલીનાં નગરરાજ્યોમાં અને વિલિયમ ઑવ્ ઑરેન્જ દ્વારા થયો હતો. પછીથી ઇંગ્લૅન્ડના વિલિયમ 3જા દ્વારા 1672 અને 1701ની વચ્ચે આ વિભાવના વિકસી. વિલિયમ 3જાના ફ્રાંસ વિરુદ્ધનાં યુદ્ધોને સત્તાની સમતુલા જાળવવાના પ્રયાસ તરીકે જોઈ શકાય. 1713માં ‘પીસ ઑવ્ ઉટ્રેચ’ દ્વારા ફ્રાંસ કે ઑસ્ટ્રિયાને યુરોપ પર પ્રભુત્વ હાંસલ કરતાં રોકવામાં આવ્યાં. 1815માં નેપોલિયનનાં યુદ્ધોનો અંત આવ્યો ત્યારથી પ્રથમ વિશ્વયુદ્ધ(1914)નો આરંભ થયો તે ગાળા દરમિયાન યુરોપનાં રાજ્યો વચ્ચેના સત્તાલક્ષી સંબંધોને સમજવા માટે ‘સત્તાની સમતુલા’નો શબ્દપ્રયોગ થવા લાગ્યો. 1815માં સ્થપાયેલી ‘Congress System’થી યુરોપમાં સમતુલાની સ્થિતિ જળવાઈ રહી અને ફ્રેન્ચ સત્તાના પુનર્જન્મને રોકવામાં આવ્યો. આ વ્યવસ્થા નિષ્ફળ જતાં યુરોપની વિવિધ સત્તાઓએ સત્તાની સ્થિરતા જાળવવા સમૂહ-જોડાણો રચવા માંડ્યાં; ઉ. ત., 1900ના પ્રારંભે યુરોપની છ મહાસત્તાઓ વચ્ચે સત્તાની સમતુલા અસ્તિત્વ ધરાવતી હતી. જર્મની, ઑસ્ટ્રિયા-હંગેરી અને ઇટાલી ટ્રિપલ એલાયન્સ તરીકે અને ફ્રાંસ, બ્રિટન અને રશિયા ટ્રિપલ ઍન્ટેના દેશો તરીકે જાણીતા હતા.
સત્તાની સમતુલા જાળવવા માટે અન્ય રાષ્ટ્રો કોઈ પણ રાજકીય માન્યતા કે ધ્યેયો ધરાવતાં હોય છતાં સંગઠન રચવાની ઇચ્છા ધરાવતા હોવા જોઈએ. આવા મોટાભાગનાં સંગઠનો ટૂંકા ગાળાના કરારો હોય છે. એ દ્વારા રાષ્ટ્રો પોતાની લશ્કરી અને આર્થિક તાકાત મજબૂત બનાવે છે, જેથી અન્ય કોઈ દેશ તેને છંછેડવાનો વિચાર કરે નહિ. આમ છતાં રાષ્ટ્રો વચ્ચેની તકરારોનું નિવારણ યુદ્ધને બદલે ચર્ચા-મંત્રણાઓથી કરવું હિતાવહ છે. જો કોઈ મોટી સત્તા યુદ્ધને કારણે નબળી પડે તો સત્તાની સમગ્ર સમતુલા તૂટી પડે એમ બને.
છેક બીજા વિશ્વયુદ્ધ(1939-45)ના અંત સુધી આ સત્તાની સમતુલા વિશેષે યુરોપકેન્દ્રી હતી. પરંતુ તે પછી તેનું કેન્દ્રબિંદુ ત્યાંથી ખસીને ઉત્તર અને દક્ષિણ અમેરિકા તથા એશિયા બાજુ ગયું. તેમજ તે પછી માત્ર બે મહાસત્તાઓ આંતરરાષ્ટ્રીય રાજકારણના ક્ષેત્રે બાકી રહી, તે હતી અમેરિકા અને સોવિયેત સંઘ. બીજા શબ્દોમાં સત્તાની સમતુલા કામ કરતી અટકી ગઈ અને દ્વિધ્રુવી રાજકારણનો પ્રાદુર્ભાવ થયો. એશિયા અને આફ્રિકાનાં નવાં સ્વતંત્ર રાષ્ટ્રોના ઉદ્ભવને કારણે, 1960ના દસકાથી બિનજોડાણની નીતિ ધરાવતું ત્રીજું જૂથ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ઉદ્ભવ્યું. એથી વિવિધ રાજ્યો વચ્ચે રચાયેલાં જોડાણો બિનઅસરકારક બનવા લાગ્યાં. દ્વિધ્રુવી પ્રથામાં વિશ્વના વિવિધ દેશો બે મહાસત્તાઓમાંથી કોઈ એકની તરફ હોય છે. દ્વિધ્રુવી પ્રથામાં કોઈ પણ દેશ ‘સમતોલક’ તરીકેની ભૂમિકા અદા કરી શકતો નથી.
તે પછીના ગાળામાં બે મહાસત્તાઓ વચ્ચે ભયંકર તણાવ પેદા થયો. જેમાં યુદ્ધ થવાનો ભય સમગ્ર આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પ્રસરેલો રહ્યો, જે તનાવના યુગ તરીકે જાણીતો હતો. આ ગાળા દરમિયાન ‘ભીતિની સમતુલા’ જળવાઈ. 1975થી તણાવ-શૈથિલ્ય (detente) પેદા થતાં પરિસ્થિતિ હળવી બની. આફ્રિકામાં સોવિયેત સામેલગીરી અને પ્રભાવ વધ્યાં. ઈરાન પર અમેરિકાનો પ્રભાવ ઘટતાં અને 1979માં અફઘાનિસ્તાન પરના સોવિયેત આક્રમણથી રશિયાનો પ્રભાવ દૃઢ થયો. એથીયે આગળ વધીએ તો ચીન તેમજ યુરોપના સામ્યવાદી દેશો સોવિયેત સંઘના પ્રભાવથી અલગ થતાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં સત્તાની બહુકેન્દ્રિતતાનો વિકાસ થવા લાગ્યો. આથી સમતુલા જાળવવા અમેરિકાએ ચીન સાથેના સંબંધો સુધાર્યા અને ખાડીવિસ્તારમાં અમેરિકાએ પોતાની હાજરી મજબૂત બનાવી. આમ બે મહાસત્તાઓની સ્પર્ધામાં સત્તાની સમતુલા માત્ર એક સિદ્ધાંત તરીકે શેષ રહી. 1990 પછી સોવિયેત સંઘના વિઘટનથી વિશ્વરાજકારણ એકકેન્દ્રી બન્યું.
સત્તાની સમતુલાનાં લક્ષણો : (1) સત્તાની સમતુલાનો મુખ્ય ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય પ્રથામાં સમતોલપણું જાળવી રાખવાનો છે. એટલે કે જો કોઈ એક રાજ્ય વધુ શક્તિશાળી બને તો તેની સાથે સંબંધિત રાજ્યો પણ વધુ શક્તિ વિકસાવી શક્તિશાળી રાજ્યની સમકક્ષનું રાજ્ય બનવા પ્રેરાય છે. (2) સત્તાની સમતુલા કાયમી અને સ્થિર હોતી નથી, કારણ કે રાષ્ટ્ર-રાજ્યો વચ્ચે સત્તા વધારવા માટે સતત સંઘર્ષ ચાલતો હોય છે, પરિણામે જે સત્તાની સમતુલા રચાય છે તે થોડા સમયગાળા પૂરતી જ રચાતી હોય છે. સમયના બદલાવ સાથે તેમાં પરિવર્તન આવે છે, તેથી તે ક્ષણિક અને અસ્થિર ગણાય છે. (3) સત્તાની સમતુલા રાજ્યો વચ્ચે આપોઆપ રચાતી નથી, પરંતુ તેની સ્થાપના કરવા માટે રાજ્યોએ સક્રિયપણે ભાગીદાર બનવું પડે છે. (4) સામાન્ય રીતે સત્તાની સમતુલા પાછળની ભાવના યથાવત્ સ્થિતિ(status quo)ને જાળવી રાખવાની હોય છે. દરેક સત્તાશાળી રાજ્ય માટે યથાવત્ સ્થિતિ પોતાને લાભદાયી હોવાથી તે સત્તાની સમતુલા જાળવવાનો પ્રયત્ન કરે છે. (5) સત્તાની સમતુલા સંબંધે મુખ્ય બે અભિગમો પ્રવર્તે છે : આત્મલક્ષી અને પરલક્ષી. ઇતિહાસકારોનો અભિગમ આત્મલક્ષી હોય છે. તેમને મન જ્યારે બે રાજ્યો સરખાં શક્તિશાળી હોય છે ત્યારે તેમની વચ્ચે સમતુલા પ્રવર્તે છે. જ્યારે રાજનીતિજ્ઞો જે પોતાના રાષ્ટ્રીય હિતને જ કેન્દ્રમાં રાખતા હોય છે તેમને મન સત્તાની સમતુલા ત્યારે સ્થપાયેલી ગણાય જ્યારે પોતાનું રાજ્ય પ્રતિસ્પર્ધી રાજ્ય કરતાં વધુ સત્તાશાળી હોય. જ્યારે સત્તાની સમતુલા પ્રવર્તે છે તેમ રાજનીતિજ્ઞો કહે ત્યારે તેનો અર્થ એવો થાય કે પોતાના રાજ્યની તરફેણમાં સત્તાનું પલ્લું નમેલું છે. બીજી રીતે કહીએ તો અસમતુલાને સમતુલા તરીકે તેઓ ઓળખાવે છે. (6) સત્તાની સમતુલાની રમત ખૂબ જ શક્તિશાળી રાજ્યો માટે જ છે, કારણ કે વધુ શક્તિશાળી હોવાથી પોતાનાથી અન્યની સત્તા ન વધે તેની સતત ચિંતામાં તેઓ રહે છે અને એ પ્રકારે અસલામતી અનુભવે છે; પરિણામે તેઓ જ રમત રમતાં હોય છે. નબળાં રાજ્યો સીમિત સાધનોને કારણે સત્તા વધારવાની સ્પર્ધામાં પડતાં નથી.
સત્તાની સમતુલા સાધવા માટેની વિવિધ રીતિઓ છે; જેવી કે, જોડાણો અને પ્રતિજોડાણો, શસ્ત્રીકરણ અને નિ:શસ્ત્રીકરણ, દરમિયાનગીરી કરીને, ભાગલા પાડો અને રાજ્ય કરોની નીતિ, બફર રાજ્ય, વળતર અને ભાગલા પાડીને વગેરે ઉપરાંત સત્તાની સમતુલાના ખ્યાલની કેટલીક મર્યાદાઓ પણ છે; જેમ કે, સત્તાની સમતુલામાં સમતુલા પર ભાર મૂકવામાં આવ્યો હોવા છતાં પણ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં સમતુલા કરતાં અસમતુલા સતત નજરે પડે છે. કારણ કે દરેક રાજ્ય બીજાં રાજ્યો પર પોતાનો પ્રભાવ પાડવા સતત પ્રયત્નો કરતું હોય છે. પરિણામે રાજ્યો વચ્ચે સત્તાની સમતુલા જાળવવાની અવિરત મથામણ ચાલ્યાં જ કરતી હોય છે. દરેક શક્તિશાળી રાજ્ય માટે યથાવત્ સ્થિતિ લાભદાયી હોવાથી તે સત્તાની સમતુલા જાળવવા પ્રયાસ કરે છે. દરેક રાજ્ય સત્તાની સમતુલા પોતાની તરફેણમાં રહે તેમ ઇચ્છતું હોય છે.
ધર્મેન્દ્રસિંહ દિ. ઝાલા