સતપંથ : નૂરસતગર દ્વારા ગુજરાતમાં શરૂ થયેલ ઇસ્માઇલી નિજારી સંપ્રદાય. નિજારી ઇસ્માઇલી ઇમામોએ 12મી સદીથી પોતાના સંપ્રદાયનો પ્રચાર ભારતમાં કરવા માંડ્યો અને સિંધમાં ઊછ મુકામે પોતાનું ધર્મપ્રચાર-મથક સ્થાપ્યું. અહીંયાં આ સંપ્રદાયના પીર હસકબીરઉદ્દીનને ત્યાં ઊછ ગામમાં ઈ. સ. 1452માં ઇમામ શાહનો જન્મ થયો. પિતાના મરણ પછી તેઓ (ઇસજ જઈને) પોતાના સંપ્રદાયના મુખ્ય પ્રચારકોને મળી ગુજરાતમાં ધર્મપ્રચાર કરવાની પરવાનગી લઈ આવ્યા.
ઇસ્માઇલી સંપ્રદાય શાક્તપંથી લોહાણાઓનેે સ્વીકાર્ય બને તે માટે આદિ ઇસ્માઇલી ધર્મપ્રચારકોએ તેમના સંપ્રદાયના સિદ્ધાંતોમાં હિન્દુ ધર્મને અનુકૂળ ફેરફાર કર્યા. હિન્દુઓના દસમા અને છેલ્લા ‘કલ્કી’ અવતાર અલમુતના ઇમામ ‘મેહદી’નો છે, એવો ઉપદેશ આપવો શરૂ કર્યો. ઇસ્માઇલી પંથના પહેલા પાંચ ઇમામો થયા છે. એમાં પહેલા ઇસ્માઇલી ઉપદેશક નૂરસતગરને બ્રહ્માના અવતાર ગણવામાં આવ્યા. શાક્તપંથીઓમાં ચાર યુગ પૈકી પ્રત્યેક યુગમાં અકેક ભક્ત થયા હતા. પહેલા યુગમાં પ્રહ્લાદ, બીજામાં રાજા હરિશ્ર્ચંદ્ર, ત્રીજામાં યુધિષ્ઠિર અને ચોથા બલભદ્રને સ્થાન પીર સદરુદ્દીને પોતાનું નામ ગોઠવ્યું. આ ઉપરાંત તેમણે ‘સતદેવ’ અને ‘હરચંદ’ જેવાં હિન્દુ નામો ધારણ કર્યાં. તે જ પ્રમાણે ચાર યુગનાં ચાર બલિદાનો પણ બંધ બેસતાં કર્યાં હતાં. પહેલા યુગમાં હાથી, બીજામાં ઘોડો, ત્રીજામાં ગાય અને ચોથામાં બકરી ઠરાવ્યાં હતાં. એ જ રીતે શાક્તપંથીઓનો ‘ઘટપાઠમંત્ર’ તેમજ તેમની પ્રાર્થનાઓ અને કેટલાક ક્રિયાકાંડ અપનાવ્યાં. સમાધિ જેવી હિન્દુ વિધિ પણ અપનાવી.
ભારતમાં ‘સતપંથ’ને લોકપ્રિય બનાવનાર ઇસ્માઇલી નિજારી નૂરસતગર હતા. હાદી સબ્બાહે તેમને ભારતમાં મોકલ્યા હતા. આમ ગુજરાતમાં આવેલા નિજારી દાઇઓની પરંપરા નૂરસતગરથી શરૂ થઈ. સામાન્ય માન્યતા પ્રમાણે, તેઓ ગુજરાતના પાટણમાં આવ્યા અને ત્યાં એક હિન્દુ મંદિરની મૂર્તિઓને વાચા આપી, એમની સમક્ષ પોતાના પંથની સચ્ચાઈની ખાતરી કરાવી. આને કારણે ઘણા હિન્દુઓ પોતાના પંથમાં આવ્યા. ત્યારબાદ તેઓ ઈરાન ગયા.
થોડા વખત પછી તેઓ ગુજરાત પાછા આવ્યા અને દક્ષિણ ગુજરાતમાં નવસારીના સૂબા (મંડલેશ્વર) સૂરચંદની પુત્રી સાથે લગ્ન કર્યું હતું. આમ તો એમનું મૂળ નામ ‘નૂરુદ્દીન’ કે ‘નૂરશાહ’ હતું અને ‘નૂરસાગર’ તથા ‘નૂરસતગર’ તો એમણે હિન્દુઓને આકર્ષવા માટે ધારણ કરેલું નામ હતું. તેમના ઈરાનમાંથી પરત આવ્યા પછીની પ્રવૃત્તિઓ બાબત ‘તબકાત-ઇ-નાસિરી’નો કર્તા ‘મિન્હાજ-ઉસ્-’ નોંધે છે કે, ‘‘હિન્દના મુલ્લાહિદો એટલે ઇસ્લામમાંથી ફરી ગયેલા લોકોને કંઈક વિદ્વાન જણાતો હોય તેવો એક નૂર નામનો તુર્ક લોકોને પોતાના સંપ્રદાયમાં ફોસલાવી લઈ જાય છે…. સિંધ, ગુજરાત અને દિલ્હીની આજુબાજુનો પ્રદેશ તથા ગંગાજમનાના દોઆબ જેવા હિન્દુસ્તાનના ભાગોમાંથી સંખ્યાબંધ માણસો તેની પાસે આવે છે. જ્યારે આ નૂર બોધ કરે છે ત્યારે હલકા વર્ગના લોકોનાં ટોળાં તેની આજુબાજુ ભેગાં થાય છે. તે સુન્નીઓને ‘નાસિબી’ એટલે હજરત અલીના દુશ્મનો અને તેમનો વારસો છીનવી લેનાર અને પોતાના અનુયાયીઓને ‘મરજિયા’ (આશાવાદી) કહે છે.’’ તે આગળ નોંધે છે કે, ‘‘સુન્નીઓ વિરુદ્ધનાં તેમનાં અગ્નિ વરસાવતાં વાયજોથી ઉશ્કેરાયેલા તેમના અનુયાયીઓ ઢાલ, તલવાર, તીરકામઠાં વગેરે હથિયારોથી સજ્જ થઈને દિલ્હીની જામેમસ્જિદ ઉપર તૂટી પડ્યા હતા અને ત્યાં ભેગા થયેલ નમાજીઓને તેમણે કતલ કર્યા હતા.’’ તેમની આવી પ્રવૃત્તિઓ, હિન્દુઓને ઇસ્લામમાં આણવામાં તેમને મળેલી ફતેહથી અને તેમની સંપત્તિને કારણે તેમના જ અનુયાયીઓમાં ઈર્ષા ઉત્પન્ન થઈ. તેથી તેમના મુખ્ય બે મુરીદોમાંથી એક ‘ચાચે’ તેઓ સમાધિમાં હતા ત્યારે તેમને શહીદ કરી નાખ્યા.
સતપંથને ગુજરાતમાં વિશેષ પ્રચલિત બનાવનાર પીર સદરુદ્દીન ખોજાઓના ત્રીજા ખ્યાતનામ પીર છે. તેઓ ઈ. સ. 1430 આસપાસ આવ્યા અને પ્રથમ ખોજાખાનું સ્થાપ્યું. એમના કોઈ વંશજ કડીમાં રહેતા હતા. પોતાના પંથને વધુ વિસ્તૃત બનાવવા તેમણે પણ હિન્દુઓને સ્વીકાર્ય બને તે માટે સિદ્ધાંતોને વિશેષ અનુકૂળ બનાવ્યા. તેમણે હજરત આદમને વિષ્ણુ તરીકે, હજરત મુહમ્મદ પેગંબરને મહેશ તરીકે અને નામદાર આગાખાનના પૂર્વજ આગા ઇસ્માઇલ શાહને હજરત અલીના અવતાર રૂપે ઓળખાવ્યા. તદુપરાંત તેમણે નૂરસાગરને હજરત રસૂલીલ્લાહના અવતાર તરીકે અને પોતાને બ્રહ્માના અવતાર તરીકે વર્ણવ્યા હતા. કયામત પહેલાં આવનાર છેલ્લા ઇમામ મેહદીને જળપ્રલય અગાઉ થનાર કલ્કી-અવતાર ગણાવ્યા. આને પરિણામે એમના સતપંથમાં લોહાણા મોટી સંખ્યામાં ભળ્યા. હવે તેમણે પોતાના સંપ્રદાયને ‘સતપંથ’ નામ આપ્યું. આના પહેલાં ‘શાકપંથ’ તરીકે ઓળખાવતા હતા. ખોજાઓ સદરુદ્દીનનાં પદો ઘણા ભક્તિભાવથી ગાય છે અને તેમનું નામ ભક્તિભાવવિભોર થઈને ઉચ્ચારે છે. ખોજાઓની પ્રાર્થનાઓ અને ધાર્મિક વિધિઓ એમના એક ઇમામ આગાઅબ્દુલ સલામ શાહે ‘વંદયાદે જવાંમર્દી’ નામના પુસ્તકમાં વર્ણવેલી છે. આ કિતાબનો તરજુમો લોહાણાઓની જૂની સિંધી ભાષામાં કરવામાં આવ્યો છે.
સતપંથના અન્ય પીરોમાં પીર શમ્સુદ્દીનનું નામ પણ ગુજરાતના સતપંથીઓ આદરપૂર્વક લે છે. તેઓ નૂરસાગરના શિષ્ય હતા. પીર કબીરુદ્દીન પછી થયેલા પીર ઇમામુદ્દીન(ઇમામશાહ)નો સિંધના ખોજાઓએ માનમરતબો જાળવ્યો નહિ તેથી તેઓ ઈરાનમાં ગયા અને ત્યાંથી પરત ગુજરાતમાં આવી વસ્યા. અહીંયાં તેમણે સતપંથમાં થોડાક ફેરફાર કરીને પીરાણા નામનો પોતાનો નવો પંથ ચલાવ્યો. પીરાણાઓ પણ પોતાને ‘સતપંથી’ અર્થાત્ સાચો ધર્મ માનનારા કહેવડાવે છે. આવા ઇમામશાહી સતપંથીઓ વર્તમાનકાળમાં ગુજરાત, વરાડ અને ખાનદેશમાં મોટી સંખ્યામાં વસે છે. સૈયદ મોહંમદશાહના રોજા પાસેના તાપી નદીની ખીણના, ખાનદેશના, વરાડના અને નીપાર જિલ્લાના પીરાણાઓ પણ આ રોજાને સતપંથીઓનું યાત્રાધામ જ ગણે છે. જોકે આજે આ વિસ્તારના ઘણા સતપંથીઓ શુદ્ધ સુન્ની થઈ ગયા છે. આમ છતાં હજી પણ તેમને સતપંથીઓની પૂર્વની શાખાના ગણવામાં આવે છે.
પુરાણા મતિયાઓ તેમના દેખાવ, બોલી અને પહેરવેશમાં લેઉઆ કણબીઓથી કોઈ રીતે જુદા તરી આવતા નથી. તેઓ લેઉઆ અને કડવા કણબીઓની માફક ચુસ્ત શાકાહારી છે. માંસમચ્છી તો શું, માદક પીણાં પણ વાપરતા નથી. તેમના જ્ઞાતિના રિવાજો મુજબ હિંગ, લસણ, ડુંગળી અને કેફી પદાર્થો તેમને માટે વર્જ્ય છે. કોઈ જો આ રિવાજનો ભંગ કરે તો નાતમાં પુન: લેતાં પહેલાં શુદ્ધિ કરાવવી પડે છે. તેઓ અથર્વવેદને અનુસરે છે અને પોતાને સતપંથી તરીકે જ ઓળખાવે છે.
ઈશ્વરલાલ ઓઝા