સતપતી અર્જુન (. 1 જાન્યુઆરી 1937, સોપુર, જિ. બોલંગિર, ઓરિસા) : હિંદી અને ઊડિયા લેખક. શિક્ષા સમિતિ, પુરીમાંથી સંસ્કૃતમાં ‘આચાર્ય’. 1965માં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ., 1977માં સંબલપુર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ સુશીલવતી ગવર્નમેન્ટ વિમેન્સ કૉલેજ, રૂરકેલામાં રીડર રહ્યા. તેઓ ભારતીય હિંદી પરિષદ; ભાષા સંગમ, અલ્લાહાબાદ સાથે સંકળાયેલા રહ્યા તેમજ હિંદી શિક્ષા સમિતિ, કટકના સ્થાપક રહ્યા.

અત્યાર સુધીમાં તેમણે હિંદીમાં 16 ગ્રંથો આપ્યા છે. ‘સત કહાનિયાં’ (1970), ‘શ્રોજન સુખ તથા અન્ય કહાનિયાં’ (1989), ‘એક વિશ્વાસ શામ’ (1994) તેમના જાણીતા વાર્તાસંગ્રહો છે. ‘જયશંકર પ્રસાદ : પરિપ્રેક્ષ્ય એવમ્ પરિદૃશ્ય’ (વિવેચન) અને ‘મહાપુરુષોં કી કથાએં’ રેખાચિત્રો છે. તેમણે અનેક ઊડિયા ગ્રંથો હિંદીમાં અને હિંદીમાંથી ઊડિયામાં અનૂદિત કર્યા છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1987-88ના વર્ષનો માનવ-સંસાધન વિકાસ મંત્રાલય, નવી દિલ્હી તરફથી ઍવૉર્ડ; 1990માં કુસુમકુમારી દેવી પુરસ્કાર, ગાઝિયાબાદ; 1990માં ઉત્તરપ્રદેશ હિંદી સંસ્થાન તરફથી સૌહાર્દ સન્માન તથા હિંદી સાહિત્ય સંમેલન દ્વારા ‘સાહિત્ય મહોપાધ્યાય’નો ખિતાબ આપવામાં આવ્યાં છે.

બળદેવભાઈ કનીજિયા