કદવારનું શિલ્પસ્થાપત્ય : ગુજરાતમાં ગુપ્તકાલીન સ્થાપત્યની પરંપરાનાં અવશેષરૂપ શિલ્પો. જૂનાગઢ જિલ્લામાં આવેલું કદવાર, સૂત્રાપાડાથી 3 કિમી. પશ્ચિમે અને સોમનાથથી 13 કિમી. દૂર આવેલું છે. અહીં નૃવરાહનું વૈષ્ણવ સંપ્રદાયનું મંદિર છે. વરાહની મૂર્તિ ઉપરાંત વામન અને નરસિંહ અવતારની મૂર્તિઓ છે. તે સૂચવે છે કે દશાવતારની બધી મૂર્તિઓ હશે. લંબચોરસ ગર્ભગૃહ અને પ્રદક્ષિણાપથની આગળ ગૂઢમંડપો સમચોરસ ઘાટના છે. ગૂઢમંડપની દીવાલોમાં જાલક કે ચંદ્રાવલોકન તથા વાતાયનોની રચના જોવા મળે છે. વરાહમંદિરમાં વેદિકાની રચના કદવારના પ્રદક્ષિણાપથની રચના દ્વિછાદ્યાન્વિત છે. પરંતુ ગર્ભગૃહ ઉપરનું શિખર આ પ્રકારનું નથી.
આ મંદિર પૂર્વાભિમુખ ઊંચી પીઠ ઉપર આવેલું છે. ગર્ભગૃહની લાંબી બાજુ ઉત્તર-દક્ષિણ છે. એની પીઠ નિર્ગમોથી તેમજ ગવાક્ષોથી સુશોભિત નથી. મંદિરનું શિખર નાશ પામ્યું છે. મંદિરના આગળના ભાગમાં કુંડ છે. ગર્ભગૃહના પ્રવેશદ્વારની ઉપરના શિલ્પ-પટ્ટમાં બેઠેલા સૂર્ય, બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ગણપતિ અને ચંદ્રની સુંદર મૂર્તિઓ છે. દ્વારશાખા ઉપર ગંગા-યમુના, વરાહ અને દશાવતારની મૂર્તિઓ છે. છૂટક શિલ્પોમાં ગરુડારૂઢ વિષ્ણુ, વૃષભ પર ઉમા-મહેશ્વર અને ઊભાં લક્ષ્મી-નારાયણની મૂર્તિઓ છે. મંડપની છતને છ સ્તંભોનો આધાર છે. તેના ખૂણા ઉપર વામન કદના સ્તંભો છે. દ્વારશાખાના ઉપરના ભાગમાં કળશ કોતરાયેલા છે. વરાહની મૂર્તિ અલીઢાસનમાં ઊભી છે. જમણો પગ શેષનાગ ઉપર મુકાયો છે. શેષનાગને પાંચ ફણા છે અને હાથ જોડાયેલા છે. વરાહ ભગવાનનો જમણો અને ડાબો હાથ કમર અને જાંઘ ઉપર છે. વરાહનું મસ્તક ભૂદેવી કરતાં થોડું ઊંચું છે. ભૂદેવી વરાહના ડાબા ખભા ઉપર લલિતાસનમાં બેઠાં છે. નરસિંહની ઊભી મૂર્તિનો પગ વળેલો છે અને તે ગરુડ કે શેષ ઉપર છે. તેને ચાર હાથ છે. પાછળના બે હાથ ઊંચા છે. નરસિંહના ખોળામાં હિરણ્યકશિપુ છે. આગળના હાથ વડે તેને દબાવ્યો છે. નરસિંહના મુખમાંથી જીભ બહાર નીકળેલી છે. બ્રહ્માની મૂર્તિ કમળ ઉપર અર્ધપર્યંકાસનમાં છે. ડાબો પગ વળેલો છે જ્યારે જમણો પગ ઊંચો છે. તેમને ચાર હાથ છે. ઉપરના જમણા હાથમાં સરવો છે. નીચેનો હાથ ઘૂંટણ ઉપર છે અને અક્ષમાળા સાથે છે. ડાબા હાથમાં કુશધારા જણાય છે અને નીચેના ડાબા હાથમાં કળશ છે. તેમનાં ત્રણ મુખ દેખાય છે પણ દાઢી નથી. મોટા પેટ ઉપર ઉપવીત છે. ખભા ઉપર મોટો હાર છે. ગળામાં અલંકાર છે. સૂર્યની મૂર્તિ ઉત્કટિક મુદ્રામાં છે. ધનુષ અને બાણ સાથેની ઊભી મૂર્તિ પરશુરામની નહિ પણ રામની હોવાનો સંભવ છે, કારણ કે પરશુરામનું મુખ્ય આયુધ પરશુ છે, ધનુષ્યબાણ નહિ. આ રાઘવ રામની ત્રિભંગ ઊભેલી મૂર્તિ છે. રામની જમણી બાજુએ નાની મૂર્તિઓ જાણે ભક્તો યાચના કરતા હોય તેવી નૃત મુદ્રામાં છે. વિષ્ણુની ત્રિવિક્રમ સ્વરૂપની ચાર હાથવાળી મૂર્તિ દ્વારશાખા ઉપરના ભાગમાં છે. ઉપરના જમણા હાથમાં ગદા છે અને નીચેનો હાથ વરદ મુદ્રામાં છે. ઉપરના ડાબા હાથમાં ચક્ર અને નીચેના હાથમાં શંખ છે અને તે ઢીંચણ ઉપર ટેકવેલા છે. આ મંદિર ગુજરાતમાં ગુપ્તકાલીન સ્થાપત્યની પરંપરા છઠ્ઠી સદી સુધી પ્રચલિત હોવાનું સૂચવે છે.
શિવપ્રસાદ રાજગોર