કદની વધઘટ : ઉપયોગિતા વધારવા માટે કણયુક્ત પદાર્થોનું યાંત્રિક સાધનો વડે કદમાં ફેરફારની પ્રક્રિયા. દા. ત., લોટ, શર્કરા, મસાલા (spices) જેવા ખાદ્ય પદાર્થો, સિમેંટ, ચૂનો, પથ્થર, રેતી જેવા બાંધકામમાં વપરાતા પદાર્થો તથા ખાતર, ખનિજ, કોલસા જેવી ઉદ્યોગમાં વપરાતી વસ્તુઓનાં કદ ઘટાડવામાં આવે છે. ઘટકોને ભેગા કરીને ઘણુંખરું તેમને કાયમ માટે અસલ કણો ઓળખી શકાય તે રીતે મોટા કદમાં ફેરવવાની પ્રક્રિયા, તે કદ વધારવાની પ્રક્રિયા છે. ઈંટ, લાદીનું ઉત્પાદન તેમજ સૂક્ષ્મ કણોને નાના ગાંગડા કે દડાઓમાં રૂપાંતરિત કરવામાં આવે છે, જેથી ઉદ્યોગમાં તેમનો લાભકારક ઉપયોગ થાય છે.
સામાન્યપણે કદ ઘટાડવા માટે વપરાતાં સાધનો ક્ષમતા વગરનાં હોય છે, અને તેમની પ્રવિધિ ખર્ચાળ હોય છે. વિશિષ્ટ પ્રવિધિ માટે વપરાતાં સાધનો ઊર્જાની ર્દષ્ટિએ ક્ષમતાવાળાં હોવાં જોઈએ. આવાં સાધનોની પસંદગી કદ ઘટાડવામાં આવતા પદાર્થોના ગુણધર્મો પર અને ઇચ્છિત કદઘટાડા પર આધાર રાખે છે. ખાણોમાં 10–2 મી.થી 10–5 મી. સુધીનું કદ ઘટાડવા સ્ફોટક દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે. (10 મિમી.) કદઘટાડો પીસવાથી અને અવચૂર્ણનથી શક્ય બને છે. ઘંટીઓમાં સંભવનાત્મક ટક્કર(impact)ની અસરથી કદ ઘટાડવામાં આવે છે. પદાર્થને અતિ સૂક્ષ્મ કણો(10 મિમી. કદ)માં ફેરવવા મુખ્યત્વે અપઘર્ષણ (abrasion) તથા સંઘર્ષણ(attrition)ની પ્રક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવે છે.
કદ ઘટાડવાના બે મુખ્ય હેતુઓ છે :
(1) વિશિષ્ટ ક્ષેત્રસપાટી જાળવવા વિશિષ્ટ કદના કણો પ્રાપ્ત કરવા.
(2) બહુઘટકીય પદાર્થોના ઉપચાર (treatment) અર્થે, પદાર્થો સમાંગ (homogeneous) ન હોય (દા. ત., અયસ્ક – ore) ત્યારે તેની ઉપયોગિતા મોટેભાગે, કણના કદ પર આધાર રાખે છે. પરિણામે તેનું આવશ્યક પ્રમાણમાં કદ ઘટાડી મહત્તમ મૂલ્ય મેળવી શકાય છે.
ખેતી દ્વારા પાક મેળવવાનો થયો ત્યારથી કદ ઘટાડવાની પ્રક્રિયા શરૂ થઈ. ભારતમાં ઈ. સ. 1950 પછી વૈજ્ઞાનિક અને એન્જિનિયરિંગ પદ્ધતિથી કદ ઘટાડવાની પ્રક્રિયાને વેગ મળ્યો. આ બાબતમાં રમ્ફ (Rumpf) અને તેમના સાથીદારોનું કાર્ય નોંધપાત્ર ગણાય છે.
સિદ્ધાંત : પદાર્થો સમાંગ (homogeneous) કે વિષમાંગ (heterogeneous), સ્ફટિકમય (crystaline) કે અસ્ફટિકમય (amorphous), સખત (hard), મૃદુ (soft), બરડ (brittle) કે સુનમ્ય (plastic) હોય છે. મોટાભાગના અગત્યના ઘન પદાર્થો વિષમાંગી, ખામીયુક્ત અને મોટેભાગે બરડ હોય છે. પૂરતા પ્રમાણમાં બળ (stress) લગાડવા છતાં ભાંગે નહિ તેવા ઘન પદાર્થોના નાના કણો અનેક રીતે કરી શકાય છે.
પદાર્થનું કદ ઘટાડવા વપરાતાં યંત્રોના મુખ્ય ચાર પ્રકારો છે : 1. સંપીડન (compression), 2. સંઘાત (impact), 3. સંઘર્ષણ (attrition), 4. કર્તન (enthing). સૂડી, હથોડી, કાનસ અને કાતર – અનુક્રમે આ ચારેય પ્રકારનાં સાધનોના દાખલા પૂરા પાડે છે. સામાન્યપણે સખત પદાર્થોના સ્થૂલીકરણમાં સંપીડન બળનો ઉપયોગ કરવામાં આવે છે. સંઘટ્ટ દાબની અસરથી સ્થૂલ, મધ્યમ અને સૂક્ષ્મ કદના કણો મેળવી શકાય છે. સંનિઘર્ષણ દ્વારા અતિસૂક્ષ્મ કદના કણો મેળવી શકાય છે. કર્તનથી વિશિષ્ટ કદના કણો પ્રાપ્ત થાય છે.
કોઈ પણ એક એકમ દ્વારા વિશિષ્ટ રીતે સરખા કદના કણો પ્રાપ્ત થતા નથી. ભલે પછી મૂળ પદાર્થ એકસરખા કદનો હોય કે ન હોય. આથી, વિવિધ કદના એટલે કે અતિસૂક્ષ્મ કદના કણોથી માંડીને સ્થૂળ કદના કણો પ્રાપ્ત થતા હોય છે. આવા મિશ્ર કણોને એકસરખા કદના બનાવવા પડે છે. સંદલન(crushing)થી બનાવેલા નાના કણોનું અપઘર્ષણ કરી અને સુંવાળા કરવામાં ન આવે તો આવા કણો બહુફલકીય (polyhedron) દેખાશે. જોકે આવા કણો લંબાઈ, પહોળાઈ અને જાડાઈમાં સમાન હોય છે.
ઊર્જા અને બળની જરૂરિયાત : કણના સંદલન અને દળવામાં વધારે પ્રમાણમાં ઊર્જા વાપરવી જરૂરી બને છે. આથી, કદ ઘટાડવાની પ્રક્રિયામાં પ્રથમ ઘટકોને બળ દ્વારા વિરૂપિત (distorted) કરવામાં આવે છે. જેટલા પ્રમાણમાં કુંડલિત (coiled) સ્પ્રિંગમાં યાંત્રિક ઊર્જા સમાયેલી હોય છે, તેટલા જ પ્રમાણમાં ઘન પદાર્થોના કણોમાં વિકૃતિ(strain)ને લીધે તેઓની અસ્થિર સ્થિતિમાં તેટલી જ ઊર્જા સમાયેલી હોય છે. આવા વિકૃતિયુક્ત કણો ઉપર વધારે બળ લગાડવામાં આવે તો તેમના પર તેમની ઊર્જાની મર્યાદાની બહાર અપરૂપણ થાય છે અને તે ખંડિત બને છે. પરિણામે કણોને નવી વધારાની સપાટી મળે છે. કોઈ પણ એકમ-કદ ધરાવતો ઘન પદાર્થ ચોક્કસ સપાટી-ઊર્જા ધરાવે છે, તેથી નવી સપાટીનું નિર્માણ કરવા અને કણને નાના કરવા તેના પર કાર્ય કરવું પડે છે, જે પ્રતિબળ ઊર્જા (strain energy) દ્વારા મળે છે.
સંદલન–દક્ષતા (crushing efficiency) : સંદલનથી નિર્માણ થતી ક્ષેત્ર-ઊર્જા (surface energy) અને ઘન પદાર્થે શોષેલી ઊર્જાના ગુણોત્તરને સંદલન-ક્ષમતા કહેવામાં આવે છે. રિટિંગરના સંદલનના નિયમ પ્રમાણે ઘન પદાર્થના સંદલનમાં વપરાતી કાર્યશક્તિ (work) નાના કણોમાં નિર્માણ થયેલા નવા ક્ષેત્રફળના પ્રમાણસર હોય છે. પોષિત-પદાર્થ(feed-material)ની સંદલન-ક્ષમતા hc અચળ હોય છે, અને તે કણના કદ અને નીપજ પર આધાર રાખતી નથી. આ નિયમ કણના કદની અમુક સીમા સુધી જ સાચો છે, તેથી તેની ઉપયોગિતા મર્યાદિત રહે છે. સંદલન માટે જોઈતા બળનું મૂલ્ય નક્કી કરવા બૉર્ડે (1952) એક પદ્ધતિનું સૂચન કર્યું હતું. આ સિદ્ધાંત અનુસાર મોટા કદના પોષણ(feed)નું DP કદના કણોમાં પરિવર્તન કરવામાં વપરાતી કાર્યશક્તિ નીપજના ઘનફળ (volume ratio of product) અને કદના ક્ષેત્રફળના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય છે.
સંદલન અને દળવાનાં સાધનો : કણના કદઘટાડા માટેનાં અનેક પ્રકારનાં સાધનો ઉપલબ્ધ છે. દળવાના પદાર્થો અને અપેક્ષિત નીપજમાં રહેલી વિવિધતા, દળવા અંગેના સિદ્ધાંતમાં રહેલી મર્યાદા, તેમજ જુદા જુદા ઉદ્યોગમાં અપેક્ષિત જુદી જુદી જરૂરિયાતો તેમજ રોકાણના અને પ્રક્રમના દર વચ્ચેની સમતુલાને લીધે દળવાનું માનકીકરણ (standardisation) શક્ય બનતું નથી.
કદ ઘટાડવાનાં સાધનોનું નીચે પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવ્યું છે :
(क) દાંતા-સંદલકો (jaw crushers) : 1. બ્લેક સંદલકો, 2. ડૉજ સંદલકો
(ख) પરિભ્રમી (gyratory) સંદલકો : 1. પ્રાથમિક, 2. દ્વિતીય, 3. શંકુ આકાર
(ग) મજબૂત (heavy duty) સંઘાત ઘંટી (impact mills) : 1. રોટર ઘંટી, 2. ઘણ ઘંટી (hammer mills), 3. પિંજર આઘાત ઘંટી (cage impact mills)
(घ) સિલિન્ડરી દલિત્રો (roll crushers) : 1. સમતલ સિલિન્ડરી દલિત્રો (roll crushers), 2. દાંતા સિલિન્ડરી દલિત્રો (toothed roll crushers)
(ङ) પરિભ્રામી કર્તકો અને ડાઇસરો (rotary cutters and dicers)
(च) મીડિયા ઘંટીઓ (media mills) : 1. બૉલ, પેબલ, રૉડ અને કંપાર્ટમેન્ટ ઘંટીઓ, 2. સ્વયં નિર્માણક ટંબલિંગ ઘંટીઓ (autogeneous tumbling mills)
(छ) સૂક્ષ્મતમ ઘંટીઓ (ultrafine grinders) : 1. ઘણ ઘંટી (hammer mills), અંત:સ્થ વર્ગીકરણવાળી, 2. પ્રવાહી ઊર્જા ઘંટી (fluid energy mills), 3. આંદોલિત ઘંટી (agitated mills)
આ યંત્રો જુદી જુદી રીતે કાર્ય કરતાં હોય છે. સંદલકો-(crushers)નો એક વિશિષ્ટ ગુણધર્મ સંપીડન હોય છે. ગ્રાઇન્ડર સંઘાત અને સંઘર્ષણ ક્રિયાઓનો ઉપયોગ કરે છે. કેટલીક વખત સંપીડન સાથે અતિસૂક્ષ્મ દળવું સંનિઘર્ષણ દ્વારા શક્ય બને છે. કર્તકો, ડાઇસરો અને ચીરકો કર્તનની પ્રક્રિયા દ્વારા કામ કરે છે. સંદલકો ધીમી ગતિનાં યંત્રો છે. તેઓ મોટા જથ્થામાં ઘન પદાર્થને નાના સ્થૂલ કણોમાં ફેરવવામાં ઉપયોગી નીવડે છે. મુખ્યત્વે દાંતા-સંદલકો, પરિભ્રમી સંદલકો, સમતલ રોલ સંદલકો અને દાંતાયુક્ત રોલ સંદલકો આ કાર્ય માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પ્રથમ ત્રણ સંદલકો પ્રક્રમ દ્વારા કાર્ય કરે છે અને અત્યંત કઠણ ખડક અને ખનિજ પદાર્થોને પ્રાથમિક, દ્વિતીયક કક્ષાએ કદ ઘટાડવા માટે વાપરવામાં આવે છે. દાંતાયુક્ત રોલ સંદલકો પોષિત (feed) પદાર્થોને ફાડવામાં તેમજ તેઓનું સંદલન કરવામાં ઉપયોગી છે અને તેઓ મુખ્ય તો કોલસો, હાડકાં અને મૃદુ કવચ જેવાં મૃદુ પોષકોનું સંદલન કરે છે.
ગ્રાઇન્ડર મધ્યમ પ્રકારની મજબૂતાઈ (medium duty) ધરાવતાં યંત્રો છે, જે વિવિધ કદમાં કણનો ઘટાડો કરે છે. સંદલકો દ્વારા મેળવેલી નીપજને ઘણી વખતે ગ્રાઇન્ડરમાં દળવામાં આવે છે. જેમાં તે ચૂર્ણ(powder)માં પરિવર્તન પામે છે. ઉદ્યોગમાં વપરાતા ગ્રાઇન્ડરમાં ઘણ ઘંટી, લોટણ દાબ ઘંટી (rolling compression mill), સંઘર્ષણ ઘંટી (attrition mill) અને સંલોટન ઘંટીઓ(tumbling mills)નો સમાવેશ થાય છે. બધા જ કણો 325 મેશ કદની ચાળણીમાંથી પસાર થઈ જાય અને જેમના વડે 1થી 20 mm કદમાં પરિવર્તન કરી શકાય તેવા ગ્રાઇન્ડરને અતિસૂક્ષ્મ ગ્રાઇન્ડર (ultrafine grinder) કહેવામાં આવે છે. પ્રબળ વેગ (high speed) ઘણ ઘંટીમાં આંતરિક અથવા બાહ્ય શુદ્ધીકરણ શક્ય હોય છે અને પ્રવાહી ઊર્જા ઘંટી દ્વારા શુષ્ક રજકણોને અતિસૂક્ષ્મ રીતે દળી શકાય છે.
કેટલાંક પોષક (feed) અત્યંત ર્દઢ (tenacious) અથવા અત્યંત સ્થિતિસ્થાપક (resilient) હોવાથી સંપીડન, દાબ, ઘાત કે સંનિઘર્ષણ દ્વારા નાના કણોમાં દળી શકાતાં નથી. કર્તન અથવા કાપવાની ક્રિયા દ્વારા તેમને આવશ્યક નાના કણોમાં ફેરવી શકાય છે.
રાસાયણિક ઉદ્યોગમાં ઉપયોગ : રાસાયણિક પ્રવિધિ(process)માં ખનિજ પ્રદેશ દા. ત., ચૂનાના પથ્થર, ફૉસ્ફેટ પથ્થર, કોલસો જે રાસાયણિક પ્રવિધિમાં ઘણો ઉપયોગી છે. તેઓને આવશ્યક નાના કદમાં ફેરવવા તે એક રાસાયણિક પ્રક્રમ છે. નાના કણોને લીધે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારી શકાય છે, તે ઉપરાંત તેના દ્વારા ઉષ્માવહન (heat transfer) ઝડપથી કરી શકાય છે, અને ઘણી વખતે તેમની સાથે કામ કરવાનું સુગમ પડે છે.
કદમાં વધારો અને તેના હેતુઓ :
- પ્રકીર્ણન(dusting)થી થતું નુકસાન અટકાવવું અથવા ઘટાડવું.
- ખંજવાળ પેદા કરે તેવા ઘૃણાપાત્ર (obnoxious) પદાર્થો સાથે કામ પાડતી વખતનાં જોખમો ઓછાં કરવાં અથવા દૂર કરવાં.
- પાઉડરના વહનમાં સુગમતા લાવવી.
- સંઘરવાની કે પરિવહનક્ષમતા વધારવી.
- ગઠ્ઠા બનતા અટકાવવા.
- એક ચોક્કસ કદમાં ફેરવવા, જેથી આંકવાની (metering), વિતરણની અને ઉમેરવાની ક્ષમતા વધે.
- ઉપયોગી સંરચનાત્મક ઘટકોમાં ફેરવવા.
- એકબીજાથી છૂટા ન પડે એવા અને સમકદના બનાવવા.
- નીપજનો દેખાવ સુધારવા.
- અતિસૂક્ષ્મ ઘનપદાર્થના ગુણધર્મોનું નિયમન કરવું.
- વરણાત્મક આર્દ્રણ (selective wetting) અને એગ્લોમ-રેશન-સંવર્ધન કરીને બહુઘટકીય કણ-મિશ્રણમાંથી ઘટકો જુદા પાડવા.
- પ્રવાહીમાંથી ઘન પદાર્થો સહેલાઈથી દૂર કરવા.
કદ વધારવા માટેની ઘણી પ્રક્રિયાઓ અને સાધનો જાણીતાં છે. દબાણ, ઘનીકરણ (compaction), લોટણ (tumbling) અને મિશ્ર સંવર્ધન (agglomeration), ઉષ્મા-પ્રક્રિયાઓ ઉપરાંત ફુવારા (spray) પદ્ધતિ અને પ્રવાહીપદ્ધતિ તેમાં મુખ્ય છે.
1. દબાણ ઘનીકરણ : મર્યાદિત જગ્યામાં આવેલી કણપ્રણાલી પર દબાણ લગાડવામાં આવે, ત્યારે કદનો ઢગલારૂપ વધારો-એગ્લોમરેશન થાય છે. આ પ્રક્રિયાની સફળતા લગાડેલા બાહ્ય બળના વિતરણ અને કણના ભૌતિક ગુણધર્મ પર અવલંબે છે.
દબાણ-ઘનીકરણ નીચેનાં સાધનો દ્વારા કરી શકાય છે :
સાધન | ઉપયોગ | |
(ક) | પિસ્ટન, ઢાળણદાબક
(molding press) |
પ્લાસ્ટિક બનાવટ, નાના યંત્રના છૂટા ભાગો
ધાતુના પાઉડરમાંથી, ધાતુ બોસિંગમાં. |
(ખ) | ફલકન-દાબક
(tabling press) |
ઔષધો, ઉદ્દીપકો અને સિરેમિકની
બનાવટમાં. |
(ગ) | રોલ-દાબક
(roll type press) |
ચિનાઈ ખનિજ, KCl, NaCl, કોલસો,
ચૂનો અને ફૉસ્ફેટ પથ્થરના ઉત્પાદનમાં. |
(ઘ) | ગુટિકા ઘંટી
(pellet mills) |
ઔષધો, પ્લાસ્ટિક, રબરની વસ્તુઓના
ઉત્પાદનમાં. |
(ડ) | પડદો બહિ:સ્ફુટન
(screen extruder) |
બૉક્સાઇટ, ચિનાઈ માટી, વિરલ ખનિજ
અને પ્લાસ્ટિક ઉદ્યોગના ઉત્પાદનમાં |
2. સંલોટન અને મિશ્રણ એગ્લોમરેશન : આવશ્યક પ્રમાણમાં પ્રવાહી બંધક દ્વારા સંલોટન, કંપન અથવા પેડલ હલાવીને (shaking) મિશ્રણ કરવાથી પાઉડરમાંથી કદસંવર્ધન મેળવી શકાય છે. સંલોટન, સંવર્ધન નીચેનાં સાધનો દ્વારા કરી શકાય છે :
સાધનો | ઉપયોગ | |
(ક) | પરિભ્રામી સિલિન્ડર એગ્લૉમરેટર
(rotary drum agglomerator) |
લોહખનિજ, અન્ય ખનિજ, અને
કાર્બન બ્લૅક, ખાતર વગેરે માટે. |
(ખ) | ક્ષેપણી મિશ્રક (paddle mixer),
ક્ષૈતિજ પાન (horizontal pan) |
ખાતર, સ્ટીલ પ્લાન્ટ માટે. |
(ગ) | પાઉડર મિશ્રક બ્લેન્ડર (blender) | ત્વરિત પ્રાપ્ય ખોરાક (instant foods), પ્રક્ષાલકો, કણીકરણ (granulation). |
3. ઉષ્મા–પ્રક્રિયા : તાપમાન ઊંચું લઈ જઈને અથવા નીચું કરીને કદની વધઘટ કરવી, તે સાથે અન્ય કદ વધારવાની પ્રક્રિયા કરાય અથવા ન કરાય. આ પ્રક્રિયા નીચે પ્રમાણેની કોઈ પણ રીતે કરવી :
(i) સંકેન્દ્રિત કરેલ ગારા(slurry)ને અથવા ભીના પદાર્થને સૂકવીને.
(ii) પિગાળીને.
(iii) ઊંચા તાપમાને પ્રક્રિયા કરીને.
(iv) પિગાળેલ પદાર્થના સ્ફટિકીકરણ અથવા ઘનીકરણ દ્વારા.
તેને માટે નીચેનાં સાધનોનો ઉપયોગ કરી શકાય :
સાધનો | ઉપયોગ | |
(ક) | નિસાદીકરણ (sintering)
અને ઉષ્મા-કઠોરીભવન (heat hardening) |
લોહ અને બિનલોહ ખનિજ,
સિમેન્ટ ક્લિન્કરની બનાવટમાં. |
(ખ) | પરિભ્રામી ભઠ્ઠી (rotary kiln) | |
(ગ) | ડ્રમ-ડ્રાયર્સમાં સૂકવીને
ઘનીકરણ કરવું (ફ્લેકર્સ) |
સલ્ફરની સ્લેટ, યુરિયા, એમોનિયમ
નાઇટ્રેટ, કૉસ્ટિક વગેરેની બનાવટમાં. |
4. છંટકાવ દ્વારા શુષ્કન પ્રક્રિયાઓ (spray drying methods) : ઘનપદાર્થના દ્રાવણ, જેલ, પેસ્ટ, ગારો (slurry), પિગાળ (melt) વગેરેને પ્રવાહી સ્થિતિમાં છંટકાવ (spray) કરીને ઊંચા તાપમાને કણ સ્વરૂપમાં ફેરવી શકાય. આમાં, પદાર્થના કણનું કદ 5 મિમી. અથવા તેથી નીચું પણ હોઈ શકે છે.
તેને માટે નીચેનાં સાધનોનો ઉપયોગ કરી શકાય :
સાધનો | ઉપયોગ | |
(ક) | છંટકાવ શુષ્કકો (spray
dryers) |
ત્વરિત પ્રાપ્ય ખોરાક, ધોવાનો
પાઉડર, રંગો. |
(ખ) | પ્રિલિંગ ટાવર્સ | યુરિયા, એમોનિયમ નાઇટ્રેટ,
રેઝિન વગેરેની બનાવટમાં. |
(ગ) | તરલ (fluidized) અને
ટોટીયુક્ત સંસ્તર(bed)વાળું શુષ્કક (dryer) |
ખાતર, ચિનાઈ માટી, સલ્ફર,
ન્યૂક્લિયર અથવા અન્ય અવશિષ્ટ(waste)ને દૂર કરવા. |
(ઘ) | સ્ફુર શુષ્કો (flash
dryers) |
ચિનાઈ માટી, સ્ટાર્ચ, ડાયએટોમેસિયસ
માટી (diatomaceous earth) વગેરેની બનાવટ માટે. |
5. પ્રવાહી પ્રણાલી : પારંપરિક (traditional) સંકણન (floculation) પ્રક્રિયાઓ [ત્રિ-સંયોજક ધાતુ આયનો વિદ્યુત-વિભાજ્ય અને બહુલક સંકણકો (floculants) વાપરી] નિર્બળ પણ વધુ કદ ધરાવતા ગુચ્છ સંવર્ધકો (cluster agglomerators) આપે છે. મોટા અને વધારે પ્રવાહી આલંબન(liquid suspension)માંથી સ્થિર સંવર્ધક પ્રાપ્ત કરવા માટે નીચેનાં સાધનો ઉપયોગમાં લેવામાં આવે છે :
સાધનો | ઉપયોગ | |
(ક) | કર્તન (shear)
(ટર્બાઇન મિક્સર) |
પાણીમાંથી કોલસાની કણી (coal
fines), મૅશ અથવા તૈલી પદાર્થો દૂર કરવા. |
(ખ) | છંટકાવ ફુહાર સ્તંભ
(spray column) સોલ જેલ (sol-gel) પ્રક્રિયા |
ધાતુ, ડાયકાર્બાઇડ, સ્ફેરોઇડ
(metal, dicarbide, spheroids) |
(ગ) | ડ્રમ અથવા સ્ટર્ડ પાત્ર-
(stirred vessel)માં પેલેટ સંકણન (pellet floculation) |
અવશિષ્ટ અવમલ (waste sludge),
કાદવ, ચિનાઈ ગારો, વગેરેના શુદ્ધીકરણમાં વપરાય છે. |
ચંદ્રપ્રકાશ ગોપાલદાસ ભાગચંદાની
અનુ. પ્રવીણસાગર સત્યપંથી