કથ્થાઈ લીલ (Brown Algae, Phaeophyta) : જેતૂન લીલા (olive green) રંગથી માંડી આછો સોનેરી અને કથ્થાઈ રંગનું સુકાય (thallus) ધરાવતો લીલનો એક સમૂહ. તે 250થી વધારે પ્રજાતિઓ અને 1500 જેટલી જાતિઓ ધરાવે છે. આ લીલ સમુદ્રવાસી છે. અપવાદરૂપે Pleurocladia, Heribaudiella અને Bodanella મીઠા પાણીમાં થતી કથ્થાઈ લીલ છે. તે સામાન્ય રીતે બધા દરિયાઓના ખડકાળ કાંઠે આંતરભરતી (intertidal) વિસ્તારના  છીછરા પાણીમાં થાય છે, છતાં સમશીતોષ્ણ, ઉત્તરધ્રુવ કે દક્ષિણધ્રુવના ઠંડા પાણીમાં અને ઉત્તર અક્ષાંશોના સમુદ્રોમાં સંખ્યા અને મોટા કદની ર્દષ્ટિએ સૌથી વિપુલ પ્રમાણમાં થાય છે. તેઓ નિતલસ્થ (benthic) હોય છે અને ખડકો, પથ્થરો કે લાકડા પર સ્થાપનાંગ (holdfast) દ્વારા ચોંટીને શિલોદભિદ (lithophyte) તરીકે જીવે છે. ઉપસમુદ્રતટીય (sublittoral) વિભાગમાં Laminaria જેવી લીલનું ગાઢ જંગલ રચાય છે; જેમાં Dictyota, Cutleria, Alaria, Himanthalia અને Desmarestia જેવી કથ્થાઈ લીલ ઉપવનસ્પતિસમૂહ (subflora) બનાવે છે. આંતરભરતીના પ્રદેશમાં ફ્યુકેસી કુળની લીલ ઉપરિક્ષેત્રમાં, Colpomenia, Iyengaria, Sphacelaria, Leathesia અને અન્ય લીલ મધ્ય ક્ષેત્રમાં અને લેમિનારિયેલિસ ગોત્રની લીલ અધ:ક્ષેત્રમાં થાય છે. Ectocarpusની જાતિઓ અધિસમુદ્રતટીય (supralittoral) વિભાગમાં ઉપવનસ્પતિસમૂહ બનાવે છે. બહુ ઓછી જાતિઓ સમુદ્રમાં 90 મી. કરતાં વધારે ઊંડાઈએ થાય છે. ડિક્ટિયોટેલિસ ગોત્રની Sargassum ઉષ્ણકટિબંધીય સમુદ્રોમાં થાય છે.

આકૃતિ 1 : કથ્થાઈ લીલ : (અ) Ectocarpus, (આ) Dictyota, (ઇ) Fucus

સુકાયનું સંગઠન : કથ્થાઈ લીલમાં સુકાયના સંગઠનની વિવિધ કક્ષાઓ જોવા મળે છે. વિષમસૂત્રી (heterotrichous) દૈહિક આયોજન સૌથી સરળ પ્રકાર છે; જે હરિતલીલ(Chlorophyceae)-માં સૌથી ઉદવિકસિત પ્રકાર ગણાય છે. વિકાસના પ્રારંભિક તબક્કામાં વિષમસૂત્રીયતા (heterotrichy) વધારે સ્પષ્ટ હોય છે; દા. ત., એક્ટૉકાર્પેલિસ; પરંતુ પરિપક્વ લીલ કાં તો ઊર્ધ્વતંત્ર (erect system) અથવા માત્ર પ્રસારિત તંત્ર (prostrate system) ધરાવે છે. કથ્થાઈ લીલની ઉચ્ચ પ્રકારની જાતિઓમાં વિષમસૂત્રીયતા ક્રમશ: અર્દશ્ય થઈ છે; દા. ત., ડિક્ટિયૉટેલિસ, ફ્યુકેલિસ અને લેમિનારિયેલિસ. લેમિનારિયેલિસમાં વિષમસૂત્રી સુકાય થોડેક અંશે જન્યુજનક અવસ્થા દ્વારા પ્રદર્શિત થાય છે. કેટલાંક સ્વરૂપો કૂટમૃદુતકીય (pseudoparenchymatous) અને એકાક્ષીય (uniaxial) હોય છે. ઉચ્ચ કક્ષાની કથ્થાઈ લીલ મૃદુતકીય (parenchymatous) સ્વરૂપો ધરાવે છે. આ લીલમાં એકકોષી, બહુકોષી વસાહત (colonial) કે સરળ તંતુમય સ્વરૂપો જોવા મળતાં નથી. ઉચ્ચ કક્ષાનાં સ્વરૂપોનો સુકાય પર્ણ જેવો હોય છે, જે વાયુથી ભરેલાં વાતાશયો (bladders) કે પ્લવ (float) ધરાવે છે, જેથી વનસ્પતિના મુક્ત છેડા પાણીમાં તરી શકે છે. કેટલીક લીલનો સુકાય (દા. ત., Macrocystis અને Laminaria) 120 મી.થી 150 મી. લંબાઈ પ્રાપ્ત કરે છે.

લેમિનારિયેલિસ અને ફ્યુકેલિસ ગોત્રમાં સુકાયનું બાહ્યાકારવિદ્યાકીય અને અંત:સ્થરચનાકીય વિભેદન થયેલું જોવા મળે છે. Laminariaમાં સુકાયનું વિભેદન સ્થાપનાંગ, વૃન્ત (stipe) અને ફલક(blade)માં થયેલું હોય છે. વૃન્ત કે ફલકના આડા છેદમાં પેશીઓનું ત્રણ પ્રદેશમાં વિભેદન થયેલું હોય છે : (1) સૌથી બહારનું અધિસ્તર (epidermis), (2) અધિસ્તરની નીચે આવેલો કેટલાક સ્તરોનો બાહ્યક(cortex)નો પ્રદેશ, અને (3) કેન્દ્રમાં આવેલ બહુકોષીય મજ્જક (medulla) પ્રદેશ. મજ્જક પ્રદેશના કેટલાક કોષોમાંથી ઊભા લંબાયેલા તંતુઓ (કવકતંતુઓ = hyphae) ઉત્પન્ન થાય છે, જેમને તૂર્ય કવકતંતુઓ (trumpet hyphae) કહે છે. તેઓ હરિતકણવિહીન હોય છે અને પાણી અને પોષકદ્રવ્યોના વહનનું કાર્ય કરે છે. Nereocystis અને Pelagophycus(લેમિનારિયેલિસ)ના કેટલાક કોષો ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓની ચાલની નલિકા (sieve tube) સાથે સામ્ય ધરાવે છે; પરંતુ તેઓની સાથે સાથી કોષો (companion cells) હોતા નથી.

આકૃતિ 2 : Laminariaના ફલકનો આડો છેદ

સુકાયની વૃદ્ધિ સામાન્યત: અંતર્વિષ્ટ (intercalary) કે અગ્રસ્થ વર્ધનશીલ પેશી દ્વારા થાય છે. ઍક્ટોકાર્પેલિસ, ડેસ્મારેસ્ટીએલિસ, કટ્લેરિયેલિસ અને સ્પોરોકનેલિસમાં વિશિષ્ટ તંતુ દ્વારા વૃદ્ધિ (trichothallic growth) થાય છે. લેમિનારિયેલિસમાં અંતર્વિષ્ટ વૃદ્ધિ થાય છે અને વર્ધનશીલ પેશી વૃન્ત અને ફલકના સંધિસ્થાને આવેલી હોય છે. સ્ફેસિલારિયેલિસ, ડિક્ટિયૉટેલિસ અને ફ્યુકેલિસમાં અગ્રસ્થ વૃદ્ધિ થાય છે.

કોષસંરચના : કોષદીવાલ બે સ્તરોની બનેલી હોય છે. અંદરનું સ્તર સૅલ્યુલોઝ મેનન અને ઝાયલેનનું અને બહારનું સ્તર શ્લેષ્મનું બનેલું હોય છે. શ્લેષ્મમાં આલ્જિનિક ઍસિડ અને ફ્યુકિનિક ઍસિડ હોય છે. આ બંને પદાર્થો Laminaria, Ascophyllum અને Sargassumમાં વિપુલ પ્રમાણમાં હોય છે. આલ્જિન લીલના શુષ્ક વજનનો 24 % જેટલો ભાગ બનાવે છે. Laminaria digitata અને Asophyllum nodosumની કોષદીવાલોમાં કેલોઝ પણ હોય છે.

જીવરસ(protoplasm)નું વિભેદન કોષરસ (cytoplasm), કોષકેન્દ્ર (nucleus), એક કે તેથી વધારે રસધાનીઓ (vacuoles) અને પટલમય અંગિકાઓમાં થયેલું હોય છે. વધારે ચયાપચયની પ્રક્રિયા થતી હોય તેવાં સ્થાનોએ કેટલીક અપવર્તી (refractile) ફ્યુકોસન-પુટિકાઓ જોવા મળે છે. રંજકધર (chromatophore) મોટેભાગે ભિત્તિસ્થ (parietal) હોય છે. Pylaiella fulvescensમાં અક્ષીય (axile) તારાકાર રંજકધરો હોય છે. આકારની ર્દષ્ટિએ ઍક્ટોકાર્પેલિસ ગોત્રમાં વધારે વિવિધતાઓ હોય છે; તેઓ તકતી (plate), પટ્ટી કે બિંબ આકારનાં હોય છે. પ્રકાશસંશ્લેષી રંજકદ્રવ્યોમાં ક્લોરોફિલ-a અને ક્લોરોફિલ-c, b-કેરોટિન, ફ્યુકોઝેન્થિન, વાયોલાઝેન્થિન, ડાયેટોઝેન્થિન અને અન્ય ઝેન્થોફિલનો સમાવેશ થાય છે. ફ્યુકોઝેન્થિન આ લીલને બદામી રંગ આપે છે. ઍક્ટોકાર્પેલિસ, સ્ફેસિલારિયેલિસ અને ડિક્ટિયૉસાઇફોનેલિસની કેટલીક જાતિઓમાં પ્રકાશસંશ્લેષી થાયલેકૉઇડ વિનાના બહિર્વિષ્ટ (projecting) પ્રોભૂજક (pyrenoid) જોવા મળે છે. પ્રોભૂજક પ્રોટીનનો સંચય કરતી રચના છે. રંજકધરમાં સામાન્યત: ત્રણ કે ભાગ્યે જ ચાર થાયલેકૉઇડ ગાઢ રીતે સંકળાયેલી રહીને પટલિકાન્યાસ (lamellation) બનાવે છે. તેઓ જોડાઈને થપ્પીઓમાં પરિણમતી નથી. ખોરાક સંગ્રહ લેમિનેરિન અને મેનિટોલમાં થાય છે. દ્વિકશાધારી (biflagellate) કોષોમાં આવેલી બંને તલસ્થ કણિકાઓ (basal granules) પૈકી પ્રત્યેક એક કશા ધરાવે છે. તેઓ પાર્શ્વીય રીતે સંપર્કમાં હોય છે અને અગ્રસ્થ કશાની તલસ્થ કણિકા રેસામય રચના દ્વારા કોષકેન્દ્ર સાથે જોડાયેલી હોય છે, જેને (rhizoplast) સાથે સરખાવી શકાય. Dictyotaમાં એકકશીય (monoflagellate) ચલપુંજન્યુઓ હોય છે. તે બે તલસ્થકણિકાઓ ધરાવે છે, પરંતુ પશ્ચ તલસ્થકણિકા દ્વારા કશા ઉત્પન્ન થતી નથી. આ ચલિત કોષો નેત્રબિંદુ (eyespot) અને પ્રોભૂજકરહિત રંજકધર ધરાવે છે.

આકૃતિ 3 : કથ્થાઈ લીલના કોષની અતિસૂક્ષ્મરચના

કોષો એકકોષકેન્દ્રી હોય છે અને તેમાં એક અથવા બે કોષકેન્દ્રિકા (nucleolus) જોવા મળે છે. Fucus જેવી કેટલીક લીલમાં કોષકેન્દ્ર તેની વિશ્રામી અવસ્થામાં ઘણાં ફોલ્ગન-ધનાત્મક કાય (Feulgen-positive bodies) ધરાવે છે, જેમને રંગસૂત્રબિંદુ (chromo-centre) કહે છે. તેઓ પૂર્વાવસ્થા(prophase)ના અંત દરમિયાન રંગસૂત્ર પર રેખીય રીતે ગોઠવાયેલાં હોય છે. રંગસૂત્ર બિંદુઓ માત્ર કથ્થાઈ લીલની જ લાક્ષણિકતા છે, પરંતુ તેના કાર્યની માહિતી ઉપલબ્ધ નથી. વિભાજન પામતા કોષકેન્દ્રના ધ્રુવો પર તારકકાય(centrosome)ની હાજરી બીજું મહત્વનું લક્ષણ છે. લેમિનારિયેલિસ ગોત્રમાં X અને Y લિંગી રંગસૂત્રો હોય છે. બીજી ઉપકોષીય અંગિકાઓ, જેવી કે, કણાભસૂત્રો, ડિક્ટિયૉસોમ અને અંત:રસજાલ પણ જોવા મળે છે.

પ્રજનન : કથ્થાઈ લીલનું ત્રણ પદ્ધતિએ પ્રજનન થાય છે : (1) વાનસ્પતિક પ્રજનન, (2) અલિંગી પ્રજનન અને (3) લિંગી પ્રજનન.

વાનસ્પતિક પ્રજનન : સુકાયનું અપખંડન (fregmentation) આ પ્રકારના પ્રજનનની સૌથી સામાન્ય પદ્ધતિ છે; જેમાં સુકાય બે કે તેથી વધારે ભાગોમાં વિભાજિત થાય છે. પ્રત્યેક વિભાજિત ભાગ પરિપક્વ નવી વનસ્પતિમાં પુનર્જનન (regeneration) પામે છે. સ્ફેસિલારિયેલિસ ગોત્રમાં પ્રવર્ધ્ય (propagules) તરીકે ઓળખાવાતી વિશિષ્ટ પ્રકારની શાખાઓ ઉત્પન્ન થાય છે. માતૃવનસ્પતિથી છૂટા પડ્યા બાદ તે નવી વનસ્પતિમાં પરિણમે છે.

આકૃતિ 4 : કથ્થાઈ લીલમાં અલિંગી પ્રજનન : (અ) Sphacelariaમાં પ્રવર્ધ્ય, (આ) Ectocarpusમાં એકકોટરીય (monolocular) અને બહુકોટરીય બીજાણુધાનીઓ, (ઇ) Ectocarpusનો ચલબીજાણુ (zoospore)

અલિંગી પ્રજનન : ટીલોપ્ટેરિડેલિસ, ડિક્ટિયૉટેલિસ અને ફ્યુકેલિસ ગોત્ર સિવાય બધી જ કથ્થાઈ લીલમાં બીજાણુજનક (sporophyte) પર બીજાણુધાનીઓ ઉત્પન્ન થાય છે. સ્ફેસિલારિયેલિસ અને ઍક્ટોકાર્પેલિસ ગોત્રમાં એકકોટરીય અને બહુકોટરીય એમ બે પ્રકારની બીજાણુધાનીઓ ઉદભવે છે. ચલબીજાણુસર્જન દરમિયાન એકકોટરીય બીજાણુધાનીનું દ્વિગુણિત કોષકેન્દ્ર પ્રથમ અર્ધસૂત્રીભાજન (meiosis) દ્વારા અને ત્યારપછી કેટલાંક સમવિભાજનો (mitosis) દ્વારા વિભાજાઈ એકગુણિત કોષકેન્દ્રો ઉત્પન્ન કરે છે. આ કોષકેન્દ્રોની ફરતે કોષરસ વીંટળાતાં દ્વિકશાધારી ચલબીજાણુઓ (zoospores) ઉત્પન્ન થાય છે. આ ચલબીજાણુઓની કશાઓ પાર્શ્વીય (lateral) હોય છે. તેમના અંકુરણથી જન્યુજનક(gametophyte)નો વિકાસ થાય છે.

બીજાણુજનક પર ઉદભવતી બહુકોટરીય બીજાણુધાનીઓનાં કોષકેન્દ્રો કદી પણ અર્ધસૂત્રીભાજનથી વિભાજાતાં નથી. તેથી ચલબીજાણુઓ દ્વિગુણિત હોય છે; અને તેઓ બીજાણુજનકના સાતત્ય (perpetuation) માટેના સાધન તરીકે કાર્ય કરે છે. અન્ય કથ્થાઈ લીલમાં માત્ર એકકોટરીય બીજાણુધાનીઓનું જ સર્જન થાય છે. ડિક્ટિયૉટેલિસ ગોત્રમાં ચતુર્બીજાણુધાની (tetrasporangium) ઉત્પન્ન થાય છે. તેનું કોષકેન્દ્ર અર્ધસૂત્રીભાજનથી વિભાજાઈ ચાર એકગુણિત, એકકોષકેન્દ્રી અચલબીજાણુઓ(aplanospores)નું નિર્માણ કરે છે, જેમને ચતુર્બીજાણુઓ (tetraspores) કહે છે. ટીલોપ્ટેરિડેલ્સમાં પ્રત્યેક બીજાણુધાનીમાં એક, ચતુ:કોષકેન્દ્રી (quadrinucleate) અચલ બીજાણુનો ઉદભવ થાય છે, જેને એકબીજાણુ (monospore) કહે છે. ચતુર્બીજાણુઓ અને એકબીજાણુઓ જન્યુજનક અવસ્થાનું સર્જન કરે છે. ફ્યુકેલિસ ગોત્રમાં અલિંગી પ્રજનનનો અભાવ હોય છે.

લિંગી પ્રજનન : જન્યુજનક પર બહુકોટરીય જન્યુધાનીઓ (gametangia) ઉત્પન્ન થાય છે. તેઓ જન્યુઓ(gametes)નું નિર્માણ કરે છે. આ જન્યુઓ આકારવિદ્યાની ર્દષ્ટિએ ચલબીજાણુ સાથે સામ્ય દર્શાવે છે. ઍક્ટોકાર્પેલિસ અને સ્ફેસિલારિયેલિસમાં લિંગી પ્રજનન મોટેભાગે સમયુગ્મીય (isogamous) પ્રકારનું જોવા મળે છે; પરંતુ પંક્ટેરિયેસી, કટ્લેરિયેલિસ અને ટીલોપ્ટેરિડેલિસમાં સ્પષ્ટપણે અસમયુગ્મીય (anisogamous) પ્રકારનું લિંગી પ્રજનન થાય છે. ફ્યુકેલિસ, લેમિનારિયેલિસ અને ડિક્ટિયૉટેલિસમાં લિંગી પ્રજનન અંડયુગ્મીય (oogamous) પ્રકારનું જોવા મળે છે. ડિક્ટિયૉટેલિસ ગોત્રમાં પુંધાનીઓ (antheridia) અને અંડધાનીઓ (oogonia) ગુચ્છમાં ઉદભવે છે, પરંતુ ફ્યુકેલિસમાં તેઓ ફળાઉ ફલક પર ઉત્પન્ન થાય છે; જેને આધાન (receptacle) કહે છે. આ આધાન પર આવેલા કોટરો જેવા સૂક્ષ્મ ખાડાઓમાં પુંધાનીઓ કે અંડધાનીઓનું નિર્માણ થાય છે. તેમને નિધાનીઓ (conceptacle) કહે છે.

જીવનચક્ર અને એકાંતરજનન : કથ્થાઈ લીલમાં ત્રણ પ્રકારનાં જીવનચક્ર જોવાં મળે છે : (1) સમરૂપી (isomorphic), (2) વિષમરૂપી (heteromorphic) અને (3) દ્વિગુણિત.

ઍક્ટોકાર્પેલિસ, કટ્લેરિયેલિસ, ટીલોપ્ટેરિડેલિસ, સ્ફેસિલારિયેલિસ અને ડિક્ટિયૉટેલિસ ગોત્રોમાં સમરૂપી જીવનચક્ર જોવા મળે છે, જેમાં બીજાણુજનક અને જન્યુજનક અવસ્થા બાહ્યાકારવિદ્યાની ર્દષ્ટિએ સમાન હોય છે. કોર્ડેરિયેલિસ, પંક્ટેરિયેલિસ, ડિક્ટિયૉસાઇફોનેલિસ,

આકૃતિ 5 : કથ્થાઈ લીલમાં લિંગી પ્રજનન : (અ) Ectocarpusમાં લિંગી પ્રજનન, (આ) Cutleria multifidaમાં અસમયુગ્મન, (ઇ) Zonariaમાં અંડયુગ્મન

આકૃતિ 6 : કથ્થાઈ લીલમાં જીવનચક્ર : (અ) Ectocarpus, (આ) Laminaria, (ઇ) Fucus

સ્પોરોક્નેલિસ, ડેસ્મારેસ્ટિયેલિસ અને લેમિનારિયેલિસમાં વિષમ રૂપી જીવનચક્ર જોવા મળે છે; જેઓ સૂક્ષ્મ તંતુમય જન્યુજનક અને વિસ્તૃત, સ્થૂલ (macroscopic) બીજાણુજનક ધરાવે છે. કોર્ડેરિયેલિસમાં યુગ્મનજ અંકુરણ પામી તંતુમય રચના ઉત્પન્ન કરે છે; જો તે પાર્શ્વીય બહિરુદભેદ (out growth) તરીકે બીજાણુજનકનું નિર્માણ કરે તો તેને પ્રતંતુ (protonema) કહે છે. જો તે પ્રજનનના કાર્ય માટે બહુકોટરીય બીજાણુધાનીનું સર્જન કરે તો તેને વામનતંતુ-સુકાય (plethysmothallus) કહે છે. ફ્યુકેલિસ ગોત્રમાં વનસ્પતિઓ દ્વિગુણિત હોય છે. એકગુણિત અવસ્થા માત્ર જન્યુઓ દ્વારા જ પ્રદર્શિત થાય છે અને સ્વતંત્ર, મુક્તજીવી, બહુકોષી જન્યુજનકનો અભાવ હોય છે; તેથી તેઓમાં સ્પષ્ટ એકાંતરજનન જોવા મળતું નથી.

વર્ગીકરણ : કથ્થાઈ લીલનું વર્ગીકરણ જટિલ છે. જૂના લીલવિજ્ઞાનીઓ તેને ફિયૉફાઇસી વર્ગમાં મૂકે છે. તેના સુકાયના આયોજન અને લિંગી પ્રજનનને આધારે ફ્રિસ્ચે (1945) ફિયોફાયસી વર્ગને નવ ગોત્રોમાં વર્ગીકૃત કર્યો છે : ઍક્ટોકાર્પેલિસ, ટીલોપ્ટેરિડેલિસ, કટ્લેરિયેલિસ, સ્પોરોક્નેલિસ, ડેસ્મારેસ્ટિયેલિસ, લેમિનારિયેલિસ, સ્ફેસિલારિયેલિસ, ડિક્ટિયૉટેલિસ અને ફ્યુકેલિસ.

મોટાભાગના લીલવિજ્ઞાનીઓ જીવનચક્રના પ્રકારોને આધારે ફિયૉફાઇટા વિભાગને ત્રણ વર્ગમાં વર્ગીકૃત કરે છે :

(1) આઇસોજનરેટી : આ વર્ગની લીલનાં બધાં સ્વરૂપોમાં જન્યુજનક અને બીજાણુજનક અવસ્થા બાહ્યાકારવિદ્યાની ર્દષ્ટિએ સમાન હોય છે. આ વર્ગમાં ઍક્ટોકાર્પેલિસ, સ્ફેસિલારિયેલિસ, કટ્લેરિયેલિસ, ડિક્ટિયૉટેલિસ અને ટીલોપ્ટેરિડેલિસ ગોત્રોનો સમાવેશ થાય છે.

(2) હીટરોજનરેટી : આ વર્ગની લીલમાં જન્યુજનક અને બીજાણુજનક અવસ્થાઓ બાહ્યાકારવિદ્યાની ર્દષ્ટિએ અસમાન હોય છે. આ વર્ગમાં લેમિનારિયેલિસ, ડેસ્મારેસ્ટિયેલિસ, સ્પોરોક્નેલિસ, કોર્ડેરિયેલિસ અને ડિક્ટિયૉસાઇફોનેલિસ ગોત્રોનો સમાવેશ થાય છે. કેટલાક લીલ વિજ્ઞાનીઓ આ વર્ગમાં પંક્ટેરિયેલિસ ગોત્ર ઉમેરે છે.

(3) સાઇક્લોસ્પોરી : આ વર્ગની લીલમાં એકાંતરજનન જોવા મળતું નથી. વનસ્પતિનો સુકાય દ્વિગુણિત બીજાણુજનક છે, જે એકમાત્ર અવસ્થા છે. વાનસ્પતિક એકગુણિત અવસ્થા હોતી નથી. આ વર્ગમાં ફ્યુકેલિસ ગોત્ર સમાવવામાં આવ્યું છે.

જાતિવિકાસ (phylogeny) : કથ્થાઈ લીલ બહુકોષી લીલનો સમૂહ બનાવે છે; તે પૈકી કેટલીક લીલ જટિલ બાહ્યાકારવિદ્યાકીય અને અંત:સ્થરચનાકીય વિભેદન દર્શાવે છે, જે અન્ય લીલમાં જોવા મળતું નથી. વિષમસૂત્રી, એકાક્ષીય અને બહુઅક્ષીય (multiaxial) પ્રકારનો સુકાય ક્લોરોફાઇટા, ફિયોફાઇટા અને રહોડોફાઇટા વિભાગોમાં જોવા મળે છે; જે તેઓનો સ્વતંત્ર અને સમાંતરે થયેલા ઉદવિકાસનું સૂચન કરે છે. આ લીલ ક્રિપ્ટોફાઇસી અને પાયરોફાઇટા સાથે ક્લોરોફિલ-cની હાજરી બાબતે અને ક્રાઇસોફાઇસી અને બેસિલારિયોફાઇસી સાથે ફ્યુકોઝેન્થિન અને નીઓફ્યુકોઝેન્થિન બાબતે સામ્ય ધરાવે છે. ફિયોફાઇટા, પાયરોફાઇટા અને ક્રાઇસોફાઇટા (ખાસ કરીને બેસિલારિયોફાઇસી) એક જ જાતિવિકાસી રેખા પર ઉદભવેલી લીલ હોવાની શક્યતા છે; જેઓ પીળાં રંજકદ્રવ્યો પર બદામી કેરોટિનોઇડોનું અને ક્લોરોફિલ પર કેરોટિનોઇડોની પ્રભાવિતા દર્શાવે છે.

ઝેન્થોફાઇસી, ક્રાઇસોફાઇસી, બેસિલારિયોફાઇસી અને ફિયોફાઇસીમાં ખોરાકસંગ્રહ તૈલીબિંદુઓ અને સંતૃપ્ત મેદ સ્વરૂપે થાય છે. ફિયોફાઇટામાં આ ઉપરાંત લેમિનેરિન સ્વરૂપે ખોરાકસંગ્રહ થાય છે; જે રાસાયણિક રીતે લ્યુકોસિન જેવું છે. જોકે બેસિલારિયોફાઇસીની કોષવિદ્યા ફિયોફાઇસી કરતાં વધારે જટિલ છે, જેની દીવાલ સિલિકાયુક્ત બે ભાગોની બનેલી હોય છે.

ઝેન્થોફાઇસી અને ક્રાઇસોફાઇસી કશીય આકારવિદ્યા(flagellor morphology)ની ર્દષ્ટિએ ફિયોફાઇસી સાથે સામ્ય દર્શાવે છે. ઝેન્થોફાઇસીની કેટલીક લીલમાં જોવા મળતું ક્લોરોફિલ-e ફિયોફાઇસીમાં ગેરહાજર હોય છે.

કથ્થાઈ લીલમાં ઉદવિકાસ બે જુદી દિશાઓમાં થયો હોવાનું માનવામાં આવે છે. એક દિશામાં સમરૂપી એકાંતરજનન, સમયુગ્મન તરફથી અંડયુગ્મન તરફ લૈંગિક પ્રગતિ અને સુકાયના સરળ આયોજન તરફથી જટિલ આયોજનનો વિકાસ થયો છે; બીજી દિશામાં વિષમરૂપી એકાંતરજનન, જેમાં જન્યુજનક અવસ્થા ક્રમશ: નાની બનતી ગઈ છે, સુકાયનું આયોજન ક્રમશ: જટિલ બન્યું છે. ફ્યુકેલિસ ગોત્ર વિષમરૂપી શ્રેણીમાં જાતિવિકાસી પરાકાષ્ઠા સૂચવે છે; જેમાં જન્યુજનક માત્ર જન્યુ સ્વરૂપે એકકોષી અવસ્થા દ્વારા પ્રદર્શિત થાય છે.

આર્થિક અગત્ય : કથ્થાઈ લીલ માછલીઓ અને અન્ય દરિયાઈ પ્રાણીઓને ખોરાક અને આશ્રય પૂરાં પાડે છે. વિશ્વના અને ઉત્તર યુરોપના કેટલાક ભાગોમાં ઢોરો માટે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેની ઘણી જાતિઓ ક્ષારો, કાર્બોદિતો અને પ્રોટીન વિપુલ પ્રમાણમાં ધરાવે છે. મહાસાગરીય દ્વીપકલ્પો, ઓરિયેન્ટ, ચીન અને જાપાનના લોકો તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. જાપાનીઓ તેની 20થી વધારે જાતિઓનો ખોરાક તરીકે અને બીજી અનેક જાતિઓનો ખાતરો તરીકે ઉપયોગ કરે છે. જાપાનમાં ‘કોમ્બુ’ તરીકે જાણીતા પ્રમાણિત ખોરાક Laminaria અને અન્ય કેલ્પ(kelp)ની નીપજ છે. તેનો શાકભાજી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. વળી તેને ખાંડ પાઈને તેની મીઠાઈ પણ બનાવવામાં આવે છે. Laminaria તરુણ વૃન્ત અને Nereocystisના વૃન્ત અને ફલકનો ખાવામાં ઉપયોગ થાય છે. Nereocystisનો સિયેટ્રૉન તરીકે જાણીતી સિટ્રોન કૅન્ડી બનાવવામાં ઉપયોગ થાય છે. Turbinaria લીલ દ્વારકા-ઓખાથી મેળવાય છે. તે કાચી ખવાય છે. તેનું અથાણું સ્વાદિષ્ટ લાગે છે. L. japonica ચીન, જાપાન અને કોરિયામાં વપરાય છે. Ascophyllum અલાસ્કામાં ખવાય છે. S. echinocarpumનો હવાઈના લોકો વાનગીમાં ઉપયોગ કરે છે. S. enerve, S. siliquastrum અને S. vulgare ફિલિપાઇન્સમાં ખોરાક તરીકે વપરાય છે.

વિશાળ કથ્થાઈ લીલ દરિયામાં અપતૃણ સ્વરૂપે થાય છે અને તેને કેલ્પ કહેવામાં આવે છે. તેઓ આયોડિન, ખનિજક્ષારો, બ્રોમીન અને પોટાશનો અગત્યનો સ્રોત છે. Laminaria અને Fucusમાંથી આયોડિન અને Nereocystis, Macrocystis, Pelagophycus અને અન્ય કેટલીક કથ્થાઈ લીલમાંથી પોટાશ મળે છે. કેટલીક લીલ નાઇટ્રોજન, પોટૅશિયમ અને અન્ય ખનિજ-ક્ષારો વિપુલ પ્રમાણમાં ધરાવતી હોવાથી તેમનો ખાતર તરીકે ઉપયોગ થાય છે. તેઓમાં ફૉસ્ફરસ અલ્પ પ્રમાણમાં હોય છે. તેના ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી બધાં સૂક્ષ્મપોષકતત્વો (micronutrients) હોય છે.

કેલ્પના નિષ્કર્ષોનો ઘણા ઉદ્યોગોમાં ઉપયોગ થાય છે. Macrocystis અને Laminaria જેવી કથ્થાઈ લીલમાંથી આલ્જિન મેળવવામાં આવે છે અને તેનો ઘણી ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં ઉપયોગ થાય છે. ભારતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના કિનારે મળતી S. swartziiમાંથી 15 %થી 20 % અને S. tenerrimumમાંથી 10 %થી 15 % આલ્જિનિક ઍસિડ મળે છે. આલ્જિન મિશ્રણના જેલીકરણ (gellation) અને પ્રગાઢન(thickening)નો ગુણધર્મ ધરાવે છે. તે ઠંડા પીણાંઓની બનાવટમાં સ્થિરતાનિયંત્રક (stabilizer) તરીકે અત્યંત ઉપયોગી છે. તે આઇસક્રીમને સુંવાળપ આપે છે અને કાપડનું છિદ્રપૂરણ (sizing) કરે છે. તેનો ઉપયોગ ટૂથપેસ્ટ, દાઢી કરવા માટેનો ક્રીમ અને લોશન બનાવવામાં થાય છે. દંતવિદ્યામાં છાપ-દ્રવ્ય(impression-material)ના એક મહત્વના ઘટક તરીકે તેનો ઉપયોગ થાય છે.

સરોજા કોલાપ્પન

બળદેવભાઈ પટેલ