નીલિમા (cyanosis) : ચામડી, નખ, હોઠ વગેરે ભૂરાં થાય તે. વિવિધ વિકારોમાં લોહીમાં ઑક્સિજન ઓછો હોય તેનાથી નખ, હોઠ, ચામડી, જીભ વગેરે ભૂરા રંગનાં થાય છે. તે વિવિધ રોગોના નિદાનમાં જોવા મળતું એક ચિહન છે. લોહીના રક્તકોષોમાં હીમોગ્લોબિન (લોહવર્ણક, haemoglobin) નામનું એક દ્રવ્ય છે. તે ફેફસામાં ઑક્સિજન સાથે જોડાઈને ઑક્સિ-હીમોગ્લોબિન બનાવે છે. લોહીમાં 95 % ઑક્સિ-હીમોગ્લોબિન હોય છે. ઑક્સિ-હીમોગ્લોબિન લાલ રંગનું હોય છે. પેશીઓમાં તેમાંનો ઑક્સિજન છૂટો પડે છે અને તે કોષોના શ્વસનકાર્યમાં વપરાય છે. ઑક્સિજન વગરના હીમોગ્લોબિનને રિડ્યૂસ્ડ-હીમોગ્લોબિન કહે છે. તેનું પ્રમાણ 5 % એટલે કે 0.75 ગ્રા./લિટર જેટલું જ હોય છે. કેશવાહિનીઓમાં તે વધીને 2થી 3 ગ્રા/લિ. જેટલું થાય છે. તેનો રંગ ભૂરો હોય છે. ઑક્સિ-હીમોગ્લોબિન કરતાં રિડ્યૂસ્ડ-હીમોગ્લોબિનનો રંગ વધુ ગાઢો હોય છે. માટે રિડ્યૂસ્ડ-હીમોગ્લોબિનના પ્રમાણને આધારે નસોમાંના લોહીનો રંગ બદલાઈને ભૂરો થાય છે. જ્યારે 5 ગ્રામ/લિ.થી વધુ પ્રમાણમાં રિડ્યૂસ્ડ-હીમોગ્લોબિન હોય ત્યારે લોહી ભૂરું બને છે. નખની નીચેની ગાદીમાં તથા હોઠની અંદરની સપાટી પર લોહીની નાની કેશવાહિનીઓ અને નસોની ઉપરનું આવરણ પાતળું હોવાથી તેમાંનો ભૂરો રંગ બહારથી નજરે પડે છે. સામાન્ય રીતે રિડ્યૂસ્ડ-હીમોગ્લોબિન 5 ગ્રા/લિ.થી ઓછું હોય છે માટે મોં-ગળાની અંદરની દીવાલ લાલ લાગે છે. જો લોહીમાં ઑક્સિજનનો પુરવઠો પૂરતા પ્રમાણમાં ન હોય અથવા હીમોગ્લોબિનનું કુલ પ્રમાણ વધુ હોય તો રિડ્યૂસ્ડ-હીમોગ્લોબિનનું પ્રમાણ 5 ગ્રા/લિ.થી વધે છે અને નખ, હોઠ કે ચામડી ભૂરાં પડેલાં લાગે છે. ક્યારેક કોઈ ઝેરી દ્રવ્ય હીમોગ્લોબિન સાથે સંયોજાઈને ભૂરા રંગનું મેટહીમોગ્લોબિન કે સલ્ફહીમોગ્લોબિન બનાવે છે. ત્યારે પણ નખ કે હોઠ ભૂરા પડે છે.
નીલિમા થવાનાં કારણોને આધારે તેને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે : મધ્યસ્થ (central), પરિઘીય (peripheral) અને વિષમ રંજકદ્રવ્ય અથવા વર્ણકદ્રવ્ય(pigment)થી થતી નીલિમા. મધ્યસ્થ નીલિમાનાં કારણો હૃદય કે શ્વસનતંત્ર સાથે જોડાયેલાં છે. સમગ્ર રુધિરાભિસરણ ઘટે, હૃદયની લોહી ધકેલવાની ક્ષમતા ઘટે કે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા ઘટે ત્યારે લોહીમાં પૂરતા પ્રમાણમાં ઑક્સિજન પ્રવેશતો નથી. હૃદયની રચનામાં જન્મજાત કુરચનાઓ હોય ત્યારે ઑક્સિજનયુક્ત અને ઓછા ઓક્સિજનવાળું લોહી – એમ બંને પ્રકારનું લોહી ભેગું થઈ જાય છે. તે સમયે રિડ્યૂસ્ડ-હીમોગ્લોબિનનું પ્રમાણ વધુ રહે છે. તે સમયે ગરમ અને વધુ કેશવાહિનીઓ ધરાવતા ભાગો – નખની ગાદી, હોઠનો અંદરનો ભાગ, જીભ, તાળવું, આંખની ફાડની અંદરની નેત્રકલા (conjuctiva) તરીકે ઓળખાતી દીવાલ વગેરે – માં ભૂરો રંગ જોવા મળે છે. લોહીમાં હીમોગ્લોબિનનું પ્રમાણ વધુ હોય એવા બહુરક્તકોષિતા (polycythaemia) નામના રોગમાં પૂરતો ઑક્સિજન હોવા છતાં ઘણા પ્રમાણમાં રિડ્યૂસ્ડ હીમોગ્લોબિન રહી જાય છે. આ બધા જ વિકારોમાં મધ્યસ્થ પ્રકારની નીલિમા થાય છે. શરીરના કોઈ ભાગ કે અંગમાં લોહીનું પરિભ્રમણ ઘટે તો ત્યાં ધીમે વહેતા લોહીમાંથી વધુ પ્રમાણમાં ઑક્સિજન પેશીમાં પ્રવેશે છે અને તેથી ત્યાં સ્થાનિક સ્વરૂપે રિડ્યૂસ્ડ હીમોગ્લોબિનનું પ્રમાણ વધે છે. તેને પરિઘીય નીલિમા કહે છે. ક્યારેક નાકની ટોચ, કાનની બૂટ, આંગળીની ટોચ, ગાલ કે નખની ગાદી ભૂરી પડેલી જોવા મળે છે; પરંતુ હોઠની અંદરનો ભાગ, જીભ, તાળવું વગેરે મોંના પોલાણની અંદરની દીવાલ ભૂરી થયેલી હોતી નથી. મધ્યસ્થ અને પરિઘીય નીલિમાનાં કેટલાંક કારણો, પ્રવિધિઓ (mechanisms), દર્શનસ્થાન અને અન્ય ચિહનોને સારણીમાં સમાવેલાં છે.
સારણી : મધ્યસ્થ અને પરિઘીય નીલિમાનાં કારણો અને અન્ય વિગતો
વિગત | મધ્યસ્થ નીલિમા | પરિઘીય નીલિમા | |||
1. | કારણો | અ. | હૃદયના રોગો. હૃદયની જન્મજાત કુરચનાઓ; દા. ત., ફૅલોનું વિકાર- ચતુષ્ક (Fallot’s tetrology), આઇઝન્મેન્ગરનું વિકારસંકુલ, હૃદયની રુધિરભારિતાવાળી નિષ્ફળતા (congestive cardiac failure). | અ. | બહાર અતિશય ઠંડી હોવાથી નસો સંકોચાઈ જવી. |
આ. | લોહી જાડું થવાથી ધીમે ધીમે વહેવું. | ||||
ઇ. | લોહીનું દબાણ ઘટવું; દા.ત., આઘાત (shock). | ||||
આ. | ફેફસાંના રોગો : લાંબા ગાળાનો અવરોધજનક ફેફસી રોગ (chronic obstructive pul-monary disease), ફેફસામાં તંતુતા (fibrosis) કે ફેફસું દબાઈ જવું (collapse), ફેફસાંના કોઈ પણ રોગથી વ્યાપકપણે નાશ થવો. | ઉ. | રેયનૉડની ઘટના; દા.ત., ત્વચાનું તંતુકાઠિન્ય (scleroderma). | ||
ઇ. | ઊંચાઈ પર પાતળી હવામાં ઑક્સિજન ઓછો હોવો. | ||||
2. | પ્રવિધિ (mechanism) | લોહીમાં ઑક્સિજન ઓછો હોવો. | લોહીનું પરિભ્રમણ ઘટવું. | ||
3. | દર્શનસ્થાન. | ચામડી, અંદરની દીવાલ અથવા શ્લેષ્મકલા (mucous membrane) જીભ, હોઠ, ગાલ વગેરે. | ફક્ત ચામડી. | ||
4. | વિસ્તારનું તાપમાન. | ગરમ | ઠંડું | ||
5. | આંગળીઓનાં ટેરવાં ફૂલેલાં હોય કે લોહીમાં રક્તકોષોની સંખ્યા વધી હોય. | હા | ના | ||
6. | ભાગને ગરમ કરવાથી શું થાય ? | નીલિમા રહે | નીલિમા ઘટે | ||
7. | 100 % ઑક્સિજન આપવાથી શું થાય ? | નીલિમા ઘટે | નીલિમા રહે |
હૃદયની અંદર ક્યારેક જન્મજાત કુરચના રૂપે મહાધમની (aorta) અને ફેફસી-ધમની (pulmonary artery) વચ્ચેની ગર્ભ સમયની જોડાણધમની (ductus arteriosus) ખુલ્લી રહી જાય અને તેમાં લોહી વહેવાની દિશા અવળી થાય ત્યારે પગમાં ભૂરા નખ જોવા મળે છે, પણ હાથમાં કે હોઠ-જીભ પર નીલિમા જોવા મળતી નથી. જો મહાધમની અને ફેફસી-ધમની એકબીજીના સ્થાને જોડાણ ધરાવતી હોય તો તેને મહાવાહિનીઓનું પારસ્થાનીકરણ (transposition of great vessels) કહે છે. તેમાં ફક્ત હાથમાં નીલિમા હોય છે અને પગમાં હોતી નથી. મહાધમનીમાં જોડાણધમની જોડાય તે પહેલાં ધમની સાંકડી થયેલી હોય, એટલે કે ધમની સંકીર્ણન (coarctation) હોય, તો ફક્ત ડાબા હાથ અને બંને પગમાં નીલિમા જોવા મળે છે. આમ જુદા જુદા અંગમાં નીલિમા હોય ત્યારે તેને નીલિમાનો સ્થાનભેદ (differential cyanosis) કહે છે.
હૃદયનું જમણું ક્ષેપક તેનું કાર્ય કરવામાં પૂરેપૂરું સફળ ન થાય ત્યારે તેને જમણા ક્ષેપકીય નિષ્ફળતા કે અપર્યાપ્તતા (right ventricular failure) અથવા હૃદયની રુધિરભારિતાવાળી નિષ્ફળતા (congestive cardiac failure, CCF) કહે છે. તેમાં નીલિમા થાય છે; પરંતુ ડાબા ક્ષેપકની નિષ્ફળતા કે અપર્યાપ્તતા(left ventricular failure)માં જો સાથે ન્યુમોનિયા જેવો કોઈ ફેફસાનો રોગ ન હોય તો નીલિમા જોવા ન મળે. આંગળીઓની નસો જ્યારે ઠંડી કે લાગણીઓના ઉછાળાને કારણે સંકોચાય અને તેથી તેની ટોચ ઠંડી, ફિક્કી અને ભૂરી (નીલિમા) થાય ત્યારે તેને રેયનૉડની ક્રિયાઘટના (Raynaud’s phenomenon) કહે છે. તે જો કોઈ અન્ય રોગ કે વિકારને લીધે ન હોય તો તેને રેયનૉડનો રોગ કહે છે. અન્ય રોગોમાં જોવા મળતા આ ચિહનને રેયનૉડની ક્રિયાઘટના કહે છે. રેયનૉડની ઘટનાનાં વિવિધ કારણો છે : ગંઠાઈ જતી (occlusive) ધમનીના રોગો, સંધાનપેશી(connective tissue)ના રોગો, નસોને થયેલી ઈજા, ચેતાતંત્રના કેટલાક વિકારો તેમજ અર્ગોટેમાઇન, મેથિસર્જિક, પોલિવિનાયલ ક્લૉરાઇડ, બીટા-રોધકો તથા સિસ્પ્લેટિન, બ્લિયોમાયસિન કે વિનબ્લાસ્ટિન જેવી દવાઓ અને રસાયણો રેયનૉડની ઘટનાનું કારણ બને છે.
લોહીમાં હીમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તો તેને પાંડુતા (anaemia) કહે છે. તેમાં અપૂરતા હીમોગ્લોબિનને કારણે ખૂબ ઓછા ઑક્સિજન સાથે પણ રિડ્યૂસ્ડ–હીમોગ્લોબિનનું પ્રમાણ 5 ગ્રા/લિ. થતું નથી. તેથી ક્યારેય નીલિમા જોવા ન મળે. તેવી રીતે કાર્બન મૉનૉક્સાઇડના વાયુને શ્વાસમાં લઈ લેવામાં આવે ત્યારે હીમોગ્લોબિન સાથે જોડાઈ જાય છે અને કાર્બૉક્સિહીમોગ્લોબિન બનાવે છે. તે ઘેરા લાલ રંગનું દ્રવ્ય છે. કાર્બન મૉનૉક્સાઇડની હીમોગ્લોબિન માટેની સંયોજનશીલતા (affinity) વધુ હોવાથી તે સહેલાઈથી છૂટો પડીને રિડ્યૂસ્ડ–હીમોગ્લોબિન બનવા દેતો નથી. આમ તીવ્ર પાંડુતા અને કાર્બન મૉનૉક્સાઇડની ઝેરી અસરમાં ઑક્સિહીમોગ્લોબિન ઘટવા છતાં નીલિમા જોવા મળતી નથી.
મેથ્હીમોગ્લોબિન : વિવિધ રસાયણોની હાજરીમાં હીમોગ્લોબિનમાંનું ફેરસ પ્રકારનું લોહ (Fe++) ઑક્સિડાઇઝ્ થઈને ફેરિક (Fe+++) પ્રકારનું થાય ત્યારે લોહીની ઑક્સિજન વહન કરવાની ક્ષમતા ઘટે છે અને છીંકણી કે ભૂરા રંગના મેથ્હીમોગ્લોબિનને કારણે ભૂરો રંગ (નીલિમા) જોવા મળે છે. મેથ્હીમોગ્લોબિનનાં મુખ્ય 3 કારણો છે : જન્મજાત મેથ્હીમોગ્લોબિન રિડક્ટેઝ નામના ઉત્સેચક(enzyme)ની ખોટ, ખોટા પ્રકારના ગ્લોબિનના અણુની બનાવટને કારણે બનતું M-હીમોગ્લોબિન અને કેટલીક દવાઓ અને રસાયણોના હીમોગ્લોબિન સાથેના સંયોજનને કારણે બનતું મેથ્હીમોગ્લોબિન. નાઇટ્રાઇટ્સ, નાઇટ્રેટ્સ, એનૅલિન રંગો, ફિનેસેટિન, એસિટાનિલિડ મિનાડિઑન (વિટામિન ડી-3), એસિટાએમિનોફેન, ડેપ્સોન, ફિનાઝોપાયરિડીન (પારિડિયમ), સલ્ફા જૂથની દવાઓ, એમાયલ નાઇટ્રેટ, નાઇટ્રોપ્રુસાઇડ, બેન્ઝોકેઇન, પ્રોકેઇન વગેરે દવાઓ અને રસાયણો મેટહીમોગ્લોબિન બનાવે છે. મેટહીમોગ્લોબિનને કારણે ઉદભવતો ભૂરો રંગ રિડ્યૂસ્ડ-હીમોગ્લોબિનના વધેલા પ્રમાણને કારણે હોતો નથી માટે તેવા ભૂરા રંગવાળા ચિહનને નીલિમાને બદલે છદ્મનીલિમા (pseudocyanosis) પણ કહે છે.
નીલિમાની સારવાર જે તે કારણરૂપ રોગ કે વિકારની સારવાર રૂપે થાય છે. રિડ્યૂસ્ડ–હીમોગ્લોબિનનું પ્રમાણ ઘટાડવા નાક વાટે ઑક્સિજન આપવો કે જે તે ભાગનું રુધિરાભિસરણ વધારવું પણ ઉપયોગી રહે છે.
શિલીન નં. શુક્લ
ઊર્વી ભા. પરીખ