નીલા અંબર કાલે બાદલ

January, 1998

નીલા અંબર કાલે બાદલ (1967) : ભારતના ડોગરી વાર્તાકાર નરેન્દ્ર ખજૂરિયા(1933–1970)નો ટૂંકી વાર્તાનો સંગ્રહ. એમાં તેમની કેટલીક શ્રેષ્ઠ વાર્તાઓ સ્થાન પામી છે. રાષ્ટ્રપ્રેમ તથા પોતાના વતન તેમજ સ્વજન માટે બલિદાન જેવા વિષયોને લગતી ‘નાટક દા હીરો’, ‘મા તૂ લોરી ગા’ જેવી વાર્તાઓમાં લાગણીશીલતાનો અતિરેક જોવા મળે છે. ‘નીલા અંબર કાલે બાદલ’ જેવી શીર્ષકદા કૃતિ તથા ‘અપના, અપના ધરમ’ જેવી વાર્તાઓમાં લેખક ખાસ્સી સામાજિક સભાનતા, મનોવૈજ્ઞાનિક રસપ્રદતા તથા વાર્તાકથનની પ્રૌઢ હથોટીની પ્રતીતિ કરાવે છે. ‘કસ્તુ દા કાલે તિત્તર’, ‘ઇનામી કહાની’, ‘પથ્થર પતઝડ દા’, ‘કવિતા દા એંટ’ અને ‘ઇક સમહલ’ સંગ્રહની શ્રેષ્ઠ વાર્તાઓ છે. 1960ના દશકામાં ટૂંકી વાર્તાઓ લખતા અન્ય લેખકોમાં તેમને અનન્ય સ્થાન અપાવનારી તમામ લાક્ષણિકતાઓ આ વાર્તાઓમાં જોવા મળે છે. ‘ઇનામી કહાની’નાં કસ્તુ તથા પ્રેમુ તેમજ ‘ઇક સમહલ’નાં નાની જેવાં પાત્રો યાદગાર નીવડ્યાં છે; કારણ કે તેમનામાં જીવનનો ધબકાર, કોમળતા તથા કારુણ્યભાવ જોવા મળે છે.

પાત્રોની લાગણીઓને વાચા આપવા તેમણે ડોગરી ગદ્યનો જે સામર્થ્યથી તથા અસરકારકતાથી ઉપયોગ કર્યો છે તે તેમની વાર્તાશૈલીનું જમા-પાસું લેખાયું છે. તેમના વ્યંગ તથા કટાક્ષ, તેમની મર્માળી શૈલી તથા વાર્તાના પ્રસંગોનો પ્રતીકાત્મક ઉપયોગ જેવી કથનરીતિની લાક્ષણિકતાઓ તેમને સમકાલીન ડોગરી વાર્તાકારોમાં મોખરાનું સ્થાન અપાવે છે. નરેન્દ્ર ખજૂરિયાનો આ વાર્તાસંગ્રહ ડોગરી ટૂંકી વાર્તાના સાહિત્યમાં ગણનાપાત્ર પ્રદાન લેખાય છે.

આ સંગ્રહને સાહિત્ય અકાદમીનો 1970ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો.

મહેશ ચોકસી