નીમ્ફોઇડીસ : વનસ્પતિઓના દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા જેન્શિયાનેસી કુળની નાનકડી પ્રજાતિ. તે તરતી કે ભૂપ્રસારી (creeping), જલજ શાકીય 20 જેટલી જાતિઓ ધરાવે છે. તેનું વિશ્વના ઉષ્ણ, ઉપોષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં વિસ્તરણ થયેલું છે. આ પ્રજાતિને લીમ્નેથીમમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં તેની 5 જાતિઓ નોંધાઈ છે. તે પૈકી ગુજરાતમાં ત્રણ જાતિઓ થાય છે. હચિન્સન આ પ્રજાતિને મેનીએન્થેસી કુળમાં મૂકે છે. ક્રોન્કવીસ્ટ, તખ્તજાન અને થોર્ન દ્વારા હચિન્સનનું આ મંતવ્ય સ્વીકારાયું છે.
નીમ્ફીઆ(કમળ)ને મળતું સ્વરૂપ હોવાથી તેનું નીમ્ફોઇડીસ તરીકે નામકરણ કરવામાં આવ્યું છે.
તેનાં પર્ણો એકાંતરિત, ગોળાકાર, ઊંડા હૃદયાકાર ખંડો ધરાવતા, પુષ્પો પર્ણદલની સહેજ નીચે સમૂહમાં, પીળાં કે સફેદ રંગનાં અને આકર્ષક હોય છે. પુષ્પો પર્ણદંડના અગ્રે ગોઠવાયેલાં હોય તેમ લાગે છે, પરંતુ ખરેખર તે તરતા પુષ્પ-વિન્યાસ અક્ષમાંથી વિકસે છે.
નીમ્ફોઇડીસ ક્રિસ્ટેટમ (કુમુદિની) કચ્છ-સૌરાષ્ટ્ર સિવાય ગુજરાતભરમાંથી પ્રાપ્ત થાય છે. પર્ણો ગોળાકાર, પુષ્પો સફેદ રંગનાં અને 6થી 10 બીજ ધરાવે છે. નીમ્ફોઇડીસ ઇન્ડિકમનાં પર્ણો કદમાં પ્રથમ જાતિ કરતાં નાનાં, દલચક્ર રોમમય, બીજની સંખ્યા 10 કરતાં વધારે હોય છે. નીમ્ફોઇડીસ પારવીફોલિયમ સૂરતની આજુબાજુ ચીખલી, વલસાડ, ડુમ્મસનાં મીઠા પાણીનાં તળાવોમાં જોવા મળે છે. પર્ણો ભોંયપત્રી તેમજ પ્રકાંડ ઉપર ગોઠવાયેલાં, દલખંડોની સંખ્યા 4 હોય છે. નીમ્ફોઇડીસ સમુદ્રની સપાટીથી 540થી 810 મી.ની ઊંચાઈએથી પ્રાપ્ત થાય છે.
નીમ્ફોઇડીસનો ઉપયોગ ઘાસચારા તરીકે થાય છે. તેનાથી ગાય-ભેંસના દૂધમાં વધારો થાય છે. તાજાં પર્ણોનો રસ ગરમ કરી માથા ઉપર લગાડવામાં આવે છે. મૂળવૃન્ત, મૂળ તથા પર્ણદંડ શાકભાજી તરીકે ગ્રામીણ પ્રજા ખાય છે. ચિરેતા(Swertia chirayita)ની અવેજીમાં તાવ અને કમળામાં ઉપયોગ થાય છે. પર્ણો અને પર્ણદંડોનો ક્વાથ ચામડી પર થતા પરોપજીવીઓના ચેપને ધોવામાં વપરાય છે. પર્ણદંડ સૂકવી ભૂકો બનાવી, તેલમાં ગરમ કરી, ગૂમડા પર, ચર્મરોગ ઉપર, જંતુના કરડવા ઉપર તેનો લેપ કરવામાં આવે છે, બીજ કૃમિનાશક છે. વનસ્પતિનાં મૂળ કડવાં હોવાથી વિષમજ્વર ઉપર ઉપયોગી છે. તે જ્વરહારક છે.
જૈમિન વિ. જોશી