નીરમ (Ballast)

January, 1998

નીરમ (Ballast) : માલવાહક નૌકામાં વ્યાપારી માલ ઉપલબ્ધ ન હોય ત્યારે, સમુદ્રમાં પ્રવાસ કરતી વખતે વહાણને સ્થિર રાખવા માટે ભરવામાં આવતો માલ.

સમુદ્રમાં સફર કરતી નૌકા પર સમુદ્રનાં મોજાંનું તથા પવનનું જોર લાગે છે. આની અસરથી ગતિમાન નૌકા હાલક-ડોલક થાય છે. જ્યારે નૌકા ખાલી હોય કે એમાં ઘણું ઓછું વજન ભર્યું હોય ત્યારે નૌકાનો ડ્રાફ્ટ ઓછો હોય છે અને જેની ઉપર પવનનું તથા મોજાંનું જોર વિશેષ લાગી શકે એવો, પાણીની સપાટી ઉપરનો નૌકાનો ભાગ (free board) વધારે હોય છે. આવી સ્થિતિમાં, જોરથી ફૂંકાતા પવન તથા મોજાંના દબાણથી નૌકા હાલક-ડોલક થઈને, ઊંધી વળી જાય એવી શક્યતા થાય. સામાન્ય સંજોગોમાં, સમુદ્રમાં સફર કરતી નૌકાના તથા નૌકામાં ભરેલા માલના વજનથી, આવી શક્યતાનું નિવારણ થાય છે. આથી, નૌકામાં વ્યાપારી માલસામાન ભરેલો ન હોય ત્યારે નીરમ ભરવાનું આવશ્યક બને છે.

નૌકા ખાલી હોય કે તેમાં ઘણું ઓછું વજન ભરેલું હોય ત્યારે એક અન્ય મુશ્કેલી પણ સર્જાય છે. યંત્રથી ચાલતી નૌકા, પાણીમાં ફરતા નૌકાના પંખા(propeller)ની ગતિના ધક્કાથી ચાલે છે. યંત્રની શક્તિ, પંખા દ્વારા નૌકાની ગતિ માટે મહત્તમ પ્રમાણમાં વપરાય, એ માટે પંખો સંપૂર્ણપણે પાણીની અંદર ડૂબેલો રહીને ફરે એ જરૂરી છે. સામાન્યત: નૌકાની ડિઝાઇન એવી હોય છે કે નૌકા પ્રમાણસર માલ-સામાનથી ભરેલી હોય ત્યારે, પંખો સમુદ્રના પાણીમાં સંપૂર્ણ રીતે ડૂબેલો રહે. પરંતુ જ્યારે નૌકામાં માલ ભરેલો ન હોય ત્યારે, નૌકાનો ડ્રાફ્ટ ઓછો હોવાથી પંખાનો ઘણોખરો ભાગ, પાણીની સપાટીની બહાર આવી જાય છે. આને લીધે નૌકાને પૂરતા પ્રમાણમાં ગતિ મળે નહિ. આથી નૌકામાં વ્યાપારી માલ-સામાન પૂરતા પ્રમાણમાં ભરેલો ન હોય ત્યારે પંખો પાણીમાં બરાબર ડૂબેલો રહે એ માટે નૌકામાં યોગ્ય પ્રમાણમાં બીજું વધારાનું વજન ભરવું પડે.

ઉપરની બંને મુશ્કેલીઓના નિવારણાર્થે, સમુદ્રમાં પ્રવાસ કરતી નૌકામાં વ્યાપારી માલ-સામાન ભરેલો ન હોય ત્યારે, કામચલાઉ વજન કે નીરમ ભરવું પડે છે. માલસામાનની હેરફેર માટે ઘણી વખત ખાલી નૌકાને, એક બંદરથી બીજા બંદરે, માલસામાન ભરવા જવાનું થાય ત્યારે આવી પરિસ્થિતિ બને છે. નીરમ તરીકે વપરાતો પદાર્થ એવો હોય કે જે તદ્દન નજીકમાં ઉપલબ્ધ હોય; જરૂરિયાત મુજબ આસાનીથી નૌકામાં ભરી શકાય અને જરૂર પૂરી થયે નૌકામાંથી એને સહેલાઈથી ખાલી કરી શકાય. ભૂતકાળમાં અને અત્યારે પણ લાકડાની નાની નૌકાઓમાં, મુખ્યત્વે સમુદ્રકાંઠા પર વિપુલ માત્રામાં મળતી રેતીનો નીરમ તરીકે ઉપયોગ થાય છે. ક્યારેક પથ્થરોનો કે ક્રૉંક્રીટના બ્લૉકોનો પણ ઉપયોગ કરાય છે. આધુનિક વિશાળકાય નૌકાઓમાં નીરમ તરીકે સમુદ્રના પાણીનો ઉપયોગ કરાય છે. નૌકાની ચોક્કસ ટાંકીઓમાં પાણી ભરવામાં આવે છે અને જરૂર પત્યે આ પાણી પંપ દ્વારા નૌકામાંથી ખાલી કરવામાં આવે છે.

ભ. પ. કૂકડિયા