નીમ્ફીએસી

January, 1998

નીમ્ફીએસી : વનસ્પતિના દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા રાનેલ્સ ગોત્રનું એક કુળ. નીમ્ફીઆ પ્રજાતિ ઉપરથી આ કુળનું નામકરણ કરવામાં આવ્યું છે. ‘નીમ્ફસ’ લૅટિન ભાષાનો શબ્દ છે. યુરોપમાં પ્રવર્તતી માન્યતા પ્રમાણે, પર્વત, કંદરા, પાણીનાં તળાવો, વન-વગડામાં વિહરતી સુંદર કન્યાને નીમ્ફ્સ કહેવામાં આવે છે. આવી સુંદરી જેવાં મનોહર પુષ્પ ધરાવતી વનસ્પતિ – નીમ્ફીઆ કમળના કુળનું નામ કાર્લ લિનિયસે નીમ્ફીએસી આપ્યું છે.

આ કુળમાં પદ્મ-કમળ, કમળ, ઢાલ-કમળ અને પોયણાંનો સમાવેશ થાય છે. આ કુળ 8 પ્રજાતિઓ અને 90 જાતિઓ ધરાવે છે, જોકે રૅન્ડલે 100 જાતિઓની નોંધ કરી છે. અગત્યની પ્રજાતિઓમાં નીમ્ફીઆ અને નુફર ઉત્તર-ગોળાર્ધમાં, બાર્કલેયા ઇન્ડો-મલેશિયામાં, યુરાલે પૂર્વ-એશિયામાં, વિક્ટોરિયા પૂર્વ વિષુવવૃત્તીય પ્રદેશ તથા દક્ષિણ અમેરિકાના ઍમેઝોન નદીના પ્રદેશોમાં, નીલંબો પૂર્વ-ઉત્તર અમેરિકા, વિષુવવૃત્તીય એશિયા અને ઑસ્ટ્રેલિયામાં નૈસર્ગિક રીતે પ્રાપ્ય છે. ભારતમાં આ કુળની 4 પ્રજાતિઓ અને 7 જાતિઓ મીઠા પાણીનાં તળાવો, ખાડા-ખાબોચિયાં તથા ઉદ્યાનનાં જલચરગૃહ(aquarium)માં થાય છે. તે પૈકી નીમ્ફીઆની 4 જાતિઓ અને નીલંબોની 2 જાતિઓ થાય છે. દક્ષિણ અમેરિકાના મૂળવતની વિક્ટોરિયા-રીજિયાનું પર્ણ ગોળાકાર, મોટી થાળી જેવું 1.8થી 2.4 મી. ઘેરાવાવાળું અને તેની ઉપર ત્રણ-ચાર બાળકો બેસી શકે તેટલું મજબૂત હોય છે. આ આશ્ચર્યકારક વનસ્પતિનું નામ મહારાણી વિક્ટોરિયા ઉપરથી પાડવામાં આવ્યું હતું. હાવડા-શિવપુર-કૉલકાતાનાં નૅશનલ બૉટાનિકલ ગાર્ડન્સમાં રૉયલ-વૉટર લિલીને ઉછેરવામાં આવે છે અને તે પ્રવાસીઓને આકર્ષે છે.

ગુજરાતમાં બે પ્રજાતિઓ નીમ્ફીઆ અને નીલંબો મુખ્ય છે. નીલંબો ન્યૂસીફેરા – મોટું કમળ ડુમ્મસ, ચીખલી, સાવલી, ઓલપાડ વગેરેનાં તળાવોમાં થાય છે. નીમ્ફીઆની 2 જાતિઓ – નીમ્ફીઆ પ્યુબેસન્સ (નીલ પોયણાં) અને નીમ્ફીઆ સ્ટીલેટા (ગુલાબી કે શ્વેત પોયણાં) થાય છે.

આ કુળની વનસ્પતિઓ જલજ એકવર્ષાયુ (યુરાલે) કે બહુવર્ષાયુ; શાકીય પ્રકાંડ સ્તંભીય (cauline); દા.ત., કૅબોમ્બા અથવા સામાન્યત: ગાંઠામૂળી ટટ્ટાર (વિક્ટોરિયા) અથવા ભૂપ્રસારી (creeping); દા. ત., નીમ્ફીઆ; પર્ણો એકાંતરિક, સાદાં કેશિકીય છેદન અને નિમગ્ન (કૅબોમ્બા), મોટે ભાગે તરતા કે નિર્ગત (emergent); પર્ણદંડ છત્રાકાર (peltate), કૅબોમ્બામાં અદંડી (sessile), લીસા (વિક્ટોરિયા અને યુરાલે); ઘણી વખત ક્ષીરરસની હાજરી. પુષ્પો એકાકી, પુષ્પવૃંત લાંબું, જેથી પુષ્પ પાણીની સપાટીની બહાર આવે. પુષ્પો નિયમિત દ્વિલિંગી, રંગીન, સુંદર અને સુવાસિત; પરિદલપુંજ ત્રિઅવયવી (trimerous), દ્વિચક્રીય (કૅબોમ્બા) અથવા કુંતલાકારે ગોઠવાયેલાં; વજ્રપત્રો 3 (કૅબોમ્બા) અથવા 4 કે 5 (નીમ્ફીઆ) અથવા અસંખ્ય (નીલંબો), મુક્ત, સામાન્યત: લીલાં, પરંતુ ઘણી વાર દલપત્રો જેટલાં મોટાં, નુફરમાં દલપત્રો કરતાં મોટાં અને પીળાં; મુક્તદલપત્રી (polypetalous) દલપુંજ, દલપત્રો 3(કૅબોમ્બા)થી અસંખ્ય અને સુંદર (નુફરમાં નાનાં અને શલ્કી), સફેદ,ગુલાબી કે જાંબલી, કુંતલાકારે ગોઠવાયેલાં; નીમ્ફીઆમાં અંદરનાં દલપત્રો દલાભ (petaloid) વંધ્ય પુંકેસરો છે. કૅબોમ્બામાં 3 કે 6 પુંકેસરો અને ચક્રીય જ્યારે નીમ્ફીઆ અને નીલંબોમાં અસંખ્ય પુંકેસરો અને અચક્રીય, અંતર્મુખી (introse) તંતુ ચપટા વંધ્ય પ્રવર્ધ સ્વરૂપે પરાગાશયોની પણ ઉપર વિકસેલાં હોય છે. પરાગાશય દ્વિખંડી. તેનું નામ સ્ફોટન આયામ; ચપટા પુષ્પાસનના ખાડામાં મુક્ત સ્ત્રીકેસરો આવેલાં હોય છે. બીજાશય ઊર્ધ્વસ્થ, એકકોટરીય અને એક અંડક ધરાવે છે; પરંતુ નીમ્ફીઆમાં બહુકોટરીય-અસંખ્ય અંડકોવાળું અને બહિ:સ્થ જરાયુવિન્યાસ ધરાવતું બીજાશય હોય છે. વિક્ટોરિયા અને યુરાલેમાં બીજાશય અધ:સ્થ; ફળ એકસ્ફોટી (follicle); દા. ત., કૅબોમ્બા; અથવા અસ્ફોટી કાષ્ઠફલિકાઓ ધરાવતું સમૂહફળ (નીલંબો) અથવા અનિષ્ઠલ (berry); બીજમાં ભ્રૂણ સીધો, ભ્રૂણપોષ કાંજીયુક્ત, નીલંબોમાં ભ્રૂણપોષનો અભાવ.

આકૃતિ : (અ) છોડ, (આ) પુષ્પ, (ઇ) પુષ્પનો ઊભો છેદ, (ઈ) પરિદલપત્ર, (ઉ), (ઊ) દલાભ પુંકેસર, (ઋ) પુંકેસર, (એ) બીજાશયનો આડો છેદ, (ઐ) ફળ, (ઓ) બીજનો ઊભો છેદ.

આ વનસ્પતિઓને બાગ-બગીચાનાં જલચરગૃહમાં ઉછેરવામાં આવે છે. વિક્ટોરિયા રીજિયા પર્ણના કદને લીધે જગમશહૂર છે. નીમ્ફીઆના ભૂમિગત મૂળવૃન્તમાં વિપુલ પ્રમાણમાં સ્ટાર્ચ હોય છે. તેમાં થોડુંક પ્રોટીન, રેસાઓ અને નીમ્ફીઈન (C14H23O2N) નામનું આલ્કેલૉઇડ, ગ્લુકોસાઇડ, ટૅનિન વગેરે હોય છે. નીમ્ફીઇન ઝેરી હોય છે. તેનું વધુ સંકેન્દ્રણ મનુષ્યમાં લકવો ઉત્પન્ન કરે છે. મૂળવૃન્ત ખોરાક તરીકે, ટૅનિનની પ્રાપ્તિ માટે તથા તેનો કાઢો અજીર્ણ, હરસ, અતિસાર, મરડા ઉપર અકસીર ગણાય છે. નીમ્ફીઆ નૌચેલી ગુજરાતમાં નીલોફર તરીકે જાણીતું છે. તેનાં મૂળવૃન્ત, ફળ અને બીજનો ખોરાક તરીકે આદિવાસીઓ ઉપયોગ કરે છે. બીજ શક્તિવર્ધક છે. મૂળવૃન્ત વમનકારી અને મૂત્રસ્રાવક છે, મૂત્રાશયના રોગો ઉપર અકસીર ગણાય છે.

જૈમિન વિ. જોષી