કથીરી : લાલ અગર પીળા રંગની, પાનમાંથી રસ ચૂસતી અષ્ટપાદી જીવાત. સમુદાય સંધિપાદ (arthropoda), ઉપસમુદાય ચેલીસિરેટા (chelicerata), વર્ગ અષ્ટપાદ (arachnida) શ્રેણી-એકેરિના, ઉપશ્રેણી પ્રોસ્ટિગ્માટા. પાન કથીરી અગર લાલ-કરોળિયા કથીરી – Tetranychus telarina / Red spider mite. સૂક્ષ્મ – 0.4 mm લાલ અગર પીળા રંગની, પાનમાં છિદ્ર ભોંકી રસ ચૂસતી અષ્ટપાદી જીવાત છે. તે કીટક નથી પરંતુ તેની સાથે ઘણી બાબતોમાં સામ્ય ધરાવે છે. તે કરોળિયાની જાત પણ નથી છતાં માદા રેશમી જાળ કાંતે છે. મુખાંગો જડબાંને બદલે પ્રકરજો (chelicerae) અને શૂકિકા (stylet) જેવાં અંગો ધરાવે છે.
ખાદ્ય વનસ્પતિ, બટાટા, લીંબુ, કપાસ, જુવાર, રીંગણ, ટમેટા, દીવેલા, ભીંડા, કઠોળ, વેલાવાળા શાકભાજી, કસુંબી હજારીગોટા, ગુલદાઉદી વગેરેનાં પાનમાંથી આ જીવાત રસ ચૂસે છે. સંઘરેલાં અનાજમાં તે દુર્ગંધ પેદા કરે છે અને સંગૃહીત બીજમાં અંકુરણ થવા દેતું નથી. રેડ સ્પાઇડર કથીરી પાંદડાંમાંથી રસ ચૂસીને ત્યાં ડાઘા પાડીને વૃક્ષ કે છોડને નુકસાન પહોંચાડે છે. કથીરીના ઉપદ્રવને લીધે આંબાના મોરની કુરચના (malformation)/બાચકા થાય છે અને તેથી કેરી બેસતી નથી. કથીરીને કારણે પાકમાં ફૂગ, જીવાણુ કે વિષાણુઓનો ફેલાવો થાય છે. તુવેરના પાકમાં ફૂલ આ રોગથી વંધ્ય બની જાય છે.
કથીરીની વિવિધ જાતિઓ (species) અને પ્રજાતિઓ (genera) વિવિધ પાકોને નુકસાનકારક છે. દા. ત., બટેટા અને મરચીના પાકો પર હેમિટાર્સોનીમસ લાટસ (Hemitarsonemus latus) પ્રકારની કથીરી ખૂબ હાનિકર્તા છે. એકેરિયા મેન્જીફેરી (Aceria mangiferae) આંબાના મોરમાં બાચકા (બાવા) પેદા કરે છે. તેના નિયંત્રણ માટે ફોરેટ, ડાયઝિનોન એફિડૅન અને ક્લૉરડેન અસરકારક છે. શેરડીના પાક ઉપરની કથીરી ઑલિગોનિકસ ઇન્ડિકસ (oligonychus indicus) જાતની છે, જે વધુ માત્રામાં હોય તો પાકને ખૂબ નુકસાન કરે છે.
નિયંત્રણ : ખેતીના વિવિધ પાકો ઉપરની આ ઉપદ્રવકારક જીવાતોના નિયંત્રણ માટે ગંધક, પૅરેથિયોન, મેલેથિયોન (0.02-0.05 %) પ્રવાહી રૂપે અથવા 0.05 % ડાયકોફોલ, 0.025 % મિથાઇલ-ઓ-ડીમેટોન અથવા 0.03 % ડાયમિથોએટનો ઉપયોગ કરાય છે.
જીવનચક્ર : આ અષ્ટપાદી જીવાતની માદા પાનની નીચેની સપાટી પર 40-84 જેટલાં ઈંડાં મૂકે છે. ઈંડાંમાંથી બહાર આવતાં બચ્ચાં/ડિંભ ત્રણ જોડ માંસલ પણ ધરાવે છે. 2-3 વખત નિર્મોચન કરી 4 જોડ સાંધાવાળા પગવાળી પુખ્ત કથીરી પેદા થાય છે, જે 7થી 14 દિવસમાં (ઋતુમાન મુજબ) જીવનચક્ર પૂરું કરે છે. ઋતુમાન મુજબ વિવિધ પાકોમાંથી રસ ચૂસી જીવન ટકાવે છે.
પરબતભાઈ ખી. બોરડ
પી. એ. ભાલાણી