કથિત મૂલ્ય (quotation) : કોઈ ચોક્કસ વસ્તુ યા વસ્તુઓને અમુક મુકરર ભાવે અને અમુક મુકરર શરતોએ વેચવા માટેની લિખિત પ્રસ્તુતિ. તેમાં સામાન્ય રીતે વસ્તુનું વર્ણન, ભાવતાલ, કિંમત, ઑર્ડર સ્વીકારવાની મુદત, વેપારી વટાવ, ડિલિવરીની મુદત, નાણાંની ચુકવણીની શરતો, રોકડ વટાવ ઇત્યાદિ વિગતો સમાવવામાં આવે છે.

વસ્તુના સ્વરૂપ, દેખાવ, આકાર કે તેની ગુણવત્તા વિશે કોઈ પણ દ્વિધા કે શંકા ન રહે તે માટે વસ્તુનું સ્પષ્ટ, અસંદિગ્ધ વર્ણન (જરૂરી આકૃતિ યા છબી દ્વારા પણ) ચોકસાઈપૂર્વક કરવામાં આવે છે; જેથી સંભાવ્ય અસંતોષ યા ફરિયાદની શક્યતા ટાળી શકાય.

વસ્તુના ભાવતાલની સ્પષ્ટતા અચૂક કરવામાં આવે છે. દર્શાવેલા ભાવ ઓછામાં ઓછા કેટલા જથ્થાના ઑર્ડર માટેના છે તેની તથા ઑર્ડરનો જથ્થો સૂચિત લઘુતમ જથ્થા કરતાં વધારે હશે તો કેટલા જથ્થા માટે કેટલો વેપારી વટાવ કાપી આપવામાં આવશે તે પણ સ્પષ્ટ કરવામાં આવે છે.

કથિત મૂલ્યની મુદતની એટલે કે તેમાં દર્શાવેલા ભાવતાલ તથા અન્ય શરતો કેટલી મુદત સુધી બંધનકર્તા રહેશે તે સ્પષ્ટ કરવામાં આવે છે; ખરીદનાર વેપારી એ મુદત પૂરી થતાં સુધીમાં ઑર્ડર આપે એ અપેક્ષા હોય છે.

ખરીદનારને વસ્તુ કેટલી મુદતમાં પહોંચતી કરવામાં આવશે તે સ્પષ્ટ કરવામાં આવે છે. વસ્તુ હાજર સ્ટૉકમાં હોય તો ઑર્ડર મળતાંની સાથે જ તેને આપવાની વ્યવસ્થા થઈ શકે; પરંતુ જો વસ્તુ પ્રાપ્ત કરવાની યા તૈયાર કરવાની હોય તો ઑર્ડર મળ્યા પછી ડિલિવરી આપવામાં સમય જોઈએ.

વેચાણોત્તર નિ:શુલ્ક સેવાના સ્વરૂપ તથા તેની મુદત અંગેની સ્પષ્ટતા કરવામાં આવે છે. લાંબી મુદત સુધી ઉપયોગમાં આવી શકે એવી ચીજવસ્તુઓના વેચાણની શરતોના એક આવશ્યક અંગ રૂપે અમુક મુકરર મુદત સુધી વસ્તુની ચકાસણી અને મરામતની નિ:શુલ્ક વ્યવસ્થા ઊભી કરી આપવી એ આધુનિક વેપારી વ્યવસ્થાનું સામાન્ય, સ્વીકાર્ય લક્ષણ છે. નાણાંની ચુકવણી સંબંધી શરતોનો સમાવેશ હોય જ છે. વસ્તુની કિંમતના અમુક મુકરર હિસ્સાનાં નાણાં ઑર્ડરની સાથે જ મોકલવાનાં હોય તો તે, અગર તો વસ્તુની કિંમતનાં પૂરેપૂરાં નાણાં ઑર્ડરની સાથે જ મોકલવાનાં (C.W.O.; Cash With Order) હોય તો તે અગર તો વસ્તુની કિંમતનાં પૂરેપૂરાં નાણાં ડિલિવરી સમયે (C.O.D.; Cash On Delivery) ચૂકવવાનાં હોય તો તે અગર તો વસ્તુની ડિલિવરી આપ્યા પછી મોડામાં મોડા અમુક મુકરર દિવસો સુધીમાં નાણાં ચૂકવી આપવાનાં હોય તો તે અને નાણાંની ચુકવણીની શરતો અનુસાર ચુકવણી કરવામાં કસૂર થાય તો વ્યાજની ગણતરી કરવામાં આવશે કે કેમ અને જો વ્યાજની ગણતરી કરવાની થશે તો તે ક્યારથી અને કેટલા ટકાના દરે કરવામાં આવશે તેની સ્પષ્ટતા કરવામાં આવે છે. જો વસ્તુની કિંમતની ચુકવણી હપતેથી કરવાની સગવડ આપવામાં આવનાર હોય તો હપતાની મુદત તથા તેની સંખ્યા અને પ્રથમ હપતાની તથા ત્યારપછીના બાકીના હપતાની રકમ કેટલી રહેશે તે દર્શાવવામાં આવે છે.

નાણાંની સમયસર ચુકવણી કરવામાં આવે તો રોકડ વટાવ કાપી આપવામાં આવશે કે કેમ અને જો તે કાપી આપવાનો હશે તો તે કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કાપી આપવામાં આવશે તે દર્શાવવામાં આવે છે.

આ ઉપરાંત વસ્તુના સ્વરૂપની વિશિષ્ટતાઓના સંદર્ભમાં અન્ય કોઈ વિશિષ્ટ શરતો જરૂરી જણાય ત્યાં તેવી શરતોને પણ કથિત મૂલ્યમાં સમાવવામાં આવે છે. (ઉદાહરણ રૂપે પૅકેજિંગ કે બારદાનનું વજન કેવી રીતે ગણવાનું છે અગર વહન દરમિયાન વસ્તુના વજન કે કદમાં પડનારી શક્ય ઘટનું સમાયોજન કેવી રીતે કરવાનું રહેશે વગેરે.)

કાનૂની ર્દષ્ટિએ કથિત મૂલ્ય એ વસ્તુનું વેચાણ કરવાની કબૂલાત નથી, પરંતુ તેમાં દર્શાવેલી વસ્તુ તેમાં દર્શાવેલી શરતોએ વેચવા માટેની દરખાસ્ત સમાન છે. કથિત મૂલ્યની મુદતમાં ઑર્ડર આપવામાં આવે તો કથિત મૂલ્યમાંનું લખાણ ખરીદનાર અને વેચનાર વચ્ચેની વેપારી લેવડદેવડના કરારના પાયાની ગરજ સારે છે.

જ્યારે કોઈ ઉત્પાદક કે વેપારી તેણે આપેલા કથિત મૂલ્યમાં અમુક મુકરર મુદત સુધીમાં અમુક મુકરર વસ્તુ અમુક મુકરર કિંમતે વેચવાનું પાકું વચન આપે ત્યારે તેને ‘ફર્મ ઑર્ડર’ કહે છે. ‘ફર્મ ઑર્ડર’નો વિધિસર રીતે સ્વીકાર કરવામાં ન આવે ત્યાં સુધી તે કાયદેસર બંધનકર્તા બનતો નથી અને જો તેનો સ્વીકાર કરવામાં આવે તો તે વેપારી લેવડદેવડના કરારના પાયારૂપ બની રહે છે.

ધીરુભાઈ વેલવન